° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


લેડીઝ, હાઇપરટેન્શનને તમારા પર હાવી ન થવા દો

17 May, 2022 11:28 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

જીવનની દરેક પરિસ્થિતિને સમજણપૂર્વક હૅન્ડલ કરતી આજની વર્કિંગ વિમેને આ બાબતે જાગૃત થવાની કેમ જરૂર છે એનાં કારણો જાણીએ

લેડીઝ, હાઇપરટેન્શનને તમારા પર હાવી ન થવા દો વર્લ્ડ હાઇપરટેન્શન ડે

લેડીઝ, હાઇપરટેન્શનને તમારા પર હાવી ન થવા દો

દર ૧૦માંથી ૪ મિડલ-એજ સ્ત્રીઓને હાઈ બીપીનું જોખમ છે. એમાં  ઓબેસિટી અને વારસાગત કારણો ઉપરાંત ઓરલ કૉન્ટ્રાસેપ્શન જેવાં કેટલાંક ફીમેલ સ્પેસિફિક કારણો પણ સંકળાયેલાં છે. જીવનની દરેક પરિસ્થિતિને સમજણપૂર્વક હૅન્ડલ કરતી આજની વર્કિંગ વિમેને આ બાબતે જાગૃત થવાની કેમ જરૂર છે એનાં કારણો જાણીએ

તાજેતરના ધ નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે મુજબ ભારતમાં ૨૧ ટકા સ્ત્રીઓને હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ-પ્રેશરની તકલીફ છે, જેમાંથી ફક્ત ૬ ટકા સ્ત્રીઓ જ હાઇપરટેન્શનની દવા લે છે, બાકીની સ્ત્રીઓ દવા લેતી જ નથી. આમ વધેલી ૧૫ ટકા સ્ત્રીઓમાંથી ૯ ટકા સ્ત્રીઓ એવી છે જેને ડૉક્ટરે નિદાન આપ્યું છે કે એમનું પ્રેશર વધુ છે છતાં એ દવાઓ લેતી નથી. આ દર્શાવે છે કે સ્ત્રીઓ પોતાની હેલ્થ માટે આજે પણ કેટલી બેદરકાર છે. દર ૧૦માંથી ૪ મહિલાઓને હાઇપરટેન્શન થવાની શક્યતા વધુ રહે છે. ૧૫ વર્ષથી વધુ એવા ૧૭ લાખ જેટલા લોકોનો સર્વે કર્યા બાદ આ જાણકારી પ્રાપ્ત થઈ હતી. જોકે મુંબઈ સંબંધિત આંકડાઓ જોઈએ તો ૨૦૦૪માં એટલે કે લગભગ ૧૮-૨૦ વર્ષ પહેલાં પુખ્ત વયની ૪૫ ટકા સ્ત્રીઓને હાઇપરટેન્શન હતું તો આજે તો આ આંકડો કેટલો મોટો હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. આજે વર્લ્ડ હાઇપરટેન્શન ડે નિમિત્તે ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ પાસેથી જાણીએ કે સ્ત્રીઓને હાઇપરટેન્શન જેવી બીમારી કઈ રીતે અસર કરી રહી છે.
કારણો 
સ્ત્રીઓમાં હાઇપરટેન્શનના કેસ વધવા પાછળનાં સામાન્ય કારણો જેમ કે અનહેલ્ધી ખોરાક, એક્સરસાઇઝનો અભાવ, જિનેટિક પરિમાણો કે વારસાગત આવતો રોગ એ તો એમને પણ એટલાં જ લાગુ પડે છે જેટલાં પુરુષોને લાગુ પડે છે. બાકીનાં મુખ્ય કારણોમાં ઓબેસિટી, બેઠાડુ જીવન અને શારીરિક ઍક્ટિવિટીનો અભાવ આવે છે. આપણે ત્યાં સહુલિયતો વધવાને કારણે આજની સ્ત્રીઓ પહેલાં કરતાં વધુ બેઠાડુ જીવન જીવતી થઈ ગઈ છે. આ સિવાય ઓબેસિટીનું પ્રમાણ પણ સ્ત્રીઓમાં પુરુષો કરતાં ઘણું વધુ જોવા મળે છે. 
યુવાન વયે કારણો 
સ્ત્રીઓને આમ પણ મેનોપૉઝ પછી એટલે કે ૫૦-૫૫ વર્ષની વયે આ બીમારી આવતી હોય છે. જોકે યુવાન વયે પણ આ બીમારી આવવાની શક્યતા આજકાલ વધતી જાય છે, જેની પાછળનાં કારણોમાં સ્ત્રીઓમાં વધતું જતું સ્ટ્રેસ છે. વર્કિંગ હોય કે નૉન-વર્કિંગ, સ્ત્રીઓની મલ્ટિ-ટાસ્કિંગ પ્રવૃત્તિઓ એમના જીવનમાં સ્ટ્રેસ લાવે છે. આ સિવાય વર્કિંગ સ્ત્રીઓમાં કામનું અતિ પ્રેશર, વર્ક-લાઇફ બૅલૅન્સ, મોડે સુધી કામ, અપૂરતી ઊંઘ જેવી સમસ્યાઓને કારણે પણ એમના જીવનમાં હાઇપરટેન્શન જલદી આવી જાય છે. 
ઓરલ કૉન્ટ્રાસેપ્શન 
આજકાલ સમજ વધવાને લીધે ઓરલ કૉન્ટ્રાસેપ્શન ટૅબ્લેટ્સનો પ્રયોગ વધ્યો છે, જે એક રીતે સ્ત્રીઓની શારીરિક અને માનસિક હેલ્થ માટે જરૂરી પણ છે. હા, માની શકાય કે પહેલાંના સમય કરતાં આ દવાઓ દિવસે-દિવસે સેફ થતી જાય છે પરંતુ હજી પણ આજની તારીખે મળતી ઓરલ કૉન્ટ્રાસેપ્શન સ્ત્રીઓ માટે ઓછી હાનિકારક છે પણ હાનિ તો કરે જ છે. ઓરલ કૉન્ટ્રાસેપ્શનનો લાંબા ગાળાનો પ્રયોગ સ્ત્રીઓમાં હાઇપરટેન્શન માટે જવાબદાર બને છે અને એને કારણે હાર્ટની તકલીફો ભવિષ્યમાં આવવાની પૂરી શક્યતા રહે છે. એટલે ઓરલ કૉન્ટ્રાસેપ્શન પિલ્સ ખાવા કરતાં બીજા સેફ ઑપ્શન અપનાવવા જોઈએ. 
પ્રેગ્નન્સી દરમિયાન 
સ્ત્રીઓમાં એક પ્રકારનું જેને પ્રેગ્નન્સી ઇન્ફ્યુઝડ હાઇપરટેન્શન કહે છે એના કેસ પહેલાં કરતાં હમણાં ઘણા વધ્યા છે. આ એ પ્રકારનું હાઇપરટેન્શન છે જે પ્રેગ્નન્સી દરમિયાન જ આવે છે અને ડિલિવરી પછી મોટા ભાગે જતું રહે છે. પરંતુ અમુક સ્ત્રીઓ એવી છે જેને ડિલિવરી પછી પણ એ જતું નથી, જેને કારણે ૩૦-૩૫ વર્ષની ઉંમરથી આ સ્ત્રીઓને હાઇપરટેન્શન સાથે જીવવું પડે છે. 
રોગની ગંભીરતા પણ વધુ મોટી ઉંમરે જો એક પુરુષને હાઇપરટેન્શન હોય તો એની સરખામણીમાં સ્ત્રીનું હાઇપરટેન્શન એના શરીરને વધુ નુકસાન પહોંચાડે છે. આ એક એવો રોગ છે જેને લીધે લોહીની નળીઓ પર અસર થાય છે અને એમાં બ્લૉકેજ બને છે. સ્ત્રીઓના અવયવો પુરુષો કરતાં નાના હોય છે એટલે એની નળીઓ પણ નાની હોય છે. નાની નળીઓમાં બ્લૉકેજ ખૂબ જલદીથી બની જાય છે. આમ હાઇપરટેન્શનને કારણે સ્ત્રીઓમાં હાર્ટ-અટૅક, સ્ટ્રોક કે કિડની ડૅમેજની શક્યતા પણ પુરુષો કરતાં ઘણી વધુ છે. 
પ્રતિબદ્ધ બનો 
હાઇપરટેન્શનથી બચવા માટે પહેલેથી વજન બાબતે સજાગ રહો. સ્ટ્રેસને મૅનેજ કરતાં શીખો. ખુદની હેલ્થને મહત્ત્વ આપો, જમવામાં મીઠાનું પ્રમાણ ઘટાડો, ઊંઘ પૂરતી લો. રેગ્યુલર ચેકઅપ કરાવતા રહો અને જો નિદાન આવે તો દવાઓ ચોક્કસ લો.

મૅનેજમેન્ટ પણ અઘરું 

પુરુષોને જ્યારે પંચાવન પછી હાઇપરટેન્શન આવે એની સરખામણીમાં સ્ત્રીઓમાં આવતો આ રોગ મૅનેજ કરવો મુશ્કેલ બનતો હોય છે, કારણ કે સ્ત્રીઓના શરીરમાં હાઇપરટેન્શન હોય ત્યારે કોઈ વાર એકદમ જ પ્રેશર શૂટ થઈ જતું હોય છે. આમ એક જ પ્રકારના રોગમાં ક્યારેક પુરુષોને એક જ ગોળીથી કામ ચાલી જાય, પરંતુ સ્ત્રીઓના રોગને કાબૂમાં રાખવા ૨-૩ ગોળીઓ આપવી પડે છે. આ સિવાય લાઇફસ્ટાઇલ ચેન્જ ખૂબ મહત્ત્વનો છે પરંતુ સ્ત્રીઓમાં ઓબેસિટીની સમસ્યા વધુ હોવાને લીધે એ ચેન્જ સરળતાથી શકય બનતો નથી. વળી જો મોટી ઉંમરે તમે ઇચ્છો કે વજન ઊતરી જાય તો એ સરળ પણ હોતું નથી.

17 May, 2022 11:28 AM IST | Mumbai | Jigisha Jain

અન્ય લેખો

એમબીએ કર્યા પછી આ ભાઈ છત્રીઓ કેમ વેચે છે?

કાળી કે રંગબેરંગી ટિપિકલ ફૂલોવાળી બોરિંગ છત્રીઓને જો કૂલ લુક આપવામાં આવે તો વરસાદની મજા પણ કંઈક અલગ અનુભવાય એવું માનતા ૩૦ વર્ષના પ્રતીક દોશીએ આજથી છ-સાત વર્ષ પહેલાં કલાત્મક ટચવાળી અમ્બ્રેલા બનાવવાનું શરૂ કરેલું

04 July, 2022 06:20 IST | Mumbai | Jigisha Jain

કિસી કો પતા નહીં ચલેગા...

એકબીજાથી જે નારાજગી કે ગુસ્સો હોય એ જતાવવા માટે દરેક યુગલ જાહેરમાં પોતાની કેવી-કેવી ટ્રિ​ક્સ કે કોડ લૅન્ગ્વેજનો ઉપયોગ કરે છે એ જાણવું રસપ્રદ છે

04 July, 2022 05:13 IST | Mumbai | Jigisha Jain

આ છે અમારો દાક્તરીનો પહેલો પાઠ

જિગીષા જૈને યંગ ડૉક્ટરો સાથે ગોષ્ઠિ કરી અને જાણ્યું કે તેમને ડૉક્ટરની જવાબદારીનું હૅપી રિયલાઇઝેશન ક્યારે અને કેવી રીતે થયું

01 July, 2022 09:34 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK