Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અબ ડાયમન્ડ હૈ સબ કે લિએ : લૅબ ગ્રોન ડાયમન્ડ્સ છે અફૉર્ડેબલ લક્ઝરી

અબ ડાયમન્ડ હૈ સબ કે લિએ : લૅબ ગ્રોન ડાયમન્ડ્સ છે અફૉર્ડેબલ લક્ઝરી

20 November, 2022 10:12 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

રિયલ હીરાની ટક્કરમાં ઊભા રહી શકતા લૅબમાં બનાવાયેલા ડાયમન્ડ્સ તેમની સાચા હીરા કરતાં સસ્તી કિંમતને લીધે મિડલ ક્લાસની પસંદગી બનતા જાય છે. ઘણા કહે છે કે જેને પરવડશે તે તો રિયલ ડાયમન્ડ જ લેશે, પણ...

પ્રતીકાત્મક તસવીર

સ્પેશ્યલ સ્ટોરી

પ્રતીકાત્મક તસવીર


વિશ્વભરમાં લૅબ ગ્રોન ડાયમન્ડની ડિમાન્ડ આશ્ચર્યજનક રીતે વધી રહી છે અને ભારત એમાં આવનારા એકાદ દાયકામાં વિશ્વગુરુ બનીને ઊભરે એવા ભણકારા સંભળાઈ રહ્યા છે. આ હીરાની ખાસિયત એ છે કે  સાચા હીરામાંથી જ એનું સર્જન થાય છે એટલે રંગ, રૂપ અને ગુણની બાબતમાં એ જરાય ઊતરતા નથી એટલે ભલભલા અનુભવીઓ પણ એને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. બીજું, નેચર ફ્રેન્ડ્લી છે અને અતિશય બજેટ ફ્રેન્ડ્લી હોવાથી મિડલ ક્લાસ પરિવારો અને  આજની પ્રકૃતિપ્રેમી પેઢીમાં તે માનીતો બનશે  એવો ઇન્ડસ્ટ્રીના ખેરખાંઓને ગળા સુધી ભરોસો છે

રિયલ હીરાની ટક્કરમાં ઊભા રહી શકતા લૅબમાં બનાવાયેલા ડાયમન્ડ્સ તેમની સાચા હીરા કરતાં સસ્તી કિંમતને લીધે મિડલ ક્લાસની પસંદગી બનતા જાય છે. ઘણા કહે છે કે જેને પરવડશે તે તો રિયલ ડાયમન્ડ જ લેશે, પણ સુરતની ફર્મ ભંડેરી લૅબ ગ્રોન ડાયમન્ડના માલિક ઘનશ્યામ ભંડેરી ની વાત માનીએ તો મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસના લોકોનું બહુ મોટું માર્કેટ છે. આ લૅબ ગ્રોન ડાયમન્ડ જે સાચા હીરા જેવા જ છે અથવા તો એનાથી વધુ બહેતર છે. આવતા થોડા સમયમાં લૅબ ગ્રોન હીરાની માર્કેટ પાંચ ગણી વધીને ૮,૧૬,૮૭૦ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે ત્યારે આ ડાયમન્ડનાં ખરાં પારખાંની વાત કરે છે ‘મિડ-ડે’નાં રુચિતા શાહ.



ઉત્ક્રાન્તિનો અભ્યાસ કરનારા સંશોધકો માને છે કે માનવ-પ્રજાતિના ઉદ્ભવને લગભગ બે લાખ વર્ષ થયાં. એની સામે અત્યારે આપણી પાસે રહેલો સૌથી પ્રાચીન હીરો લગભગ સાડાત્રણ અબજ વર્ષ જૂનો હોવાનું મનાય છે. અબજો વર્ષ સુધી પૃથ્વીના પેટાળમાં રહેલા કાર્બનના અણુઓ નૅચરલી થતી કેમિકલ પ્રોસેસમાં એકદમ દાગરહિત ક્રિસ્ટલ ક્લિયર હીરામાં કન્વર્ટ થતા હોય છે. અબજો કાર્બનના અણુઓથી બનેલા હીરાને તમે ફૉરેવર કહી શકો છો, કારણ કે જેટલો સમય કદાચ પૃથ્વીને થયો એટલા સમયથી આ ડાયમન્ડ પૃથ્વીના પેટાળમાં સચવાયેલા છે. અલબત્ત, ક્યાંક ને ક્યાંક રિયલ ડાયમન્ડને મેળવવા માટે થતું પર્યાવરણનું હનન અને માનવાધિકારોનું હનન ચર્ચાનો વિષય રહ્યા છે. જોકે કુદરત દ્વારા અબજો વર્ષોની પ્રોસેસ દ્વારા જે હીરો બનતો હતો એવી જ પ્રોસેસ મશીન થકી થાય અને એ જ ગુણવત્તાયુક્ત હીરો અમુક દિવસો કે અઠવાડિયામાં બની જાય એ અત્યારની વાસ્તવિકતા છે. જી હા, લૅબ ગ્રોન ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી અત્યારે ‘દિન દુગના, રાત ચૌગુની’ ગતિથી વિકસી રહી છે. પ્રકૃતિ બનાવે એના કરતાં પણ ટૉપ ક્વૉલિટીના હીરા હવે મશીનમાં બનવા માંડ્યા છે. આમ તો લૅબ ગ્રોન ડાયમન્ડ કોઈ નવી વાત નથી. જોકે આજે ઑફિશ્યલી વિશ્વભરમાં લૅબ ગ્રોન ડાયમન્ડની ડિમાન્ડ ઊછળી છે અને આપણે માટે ગુડ ન્યુઝ એ છે કે ભારત આવનારાં વર્ષોમાં લૅબ ગ્રોન ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીમાં વિશ્વગુરુ બની શકે એમ છે. આંકડાઓ તરફ નજર કરો તો આ વાત વધુ વાસ્તવિક લાગશે. ૭૫૦૦ મેમ્બર્સ ધરાવતી અને ૧૯૬૬થી ભારતના ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે કામ કરી રહેલી સંસ્થા ‘જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (JJEPC)નો ડેટા કહે છે કે લૅબ ગ્રોન ડાયમન્ડના એક્સપોર્ટમાં ગયા વર્ષની તુલનાએ આ વર્ષે લગભગ ૨૧૧ ટકાનો વધારો હતો. હવે પ્રશ્ન છે કે લૅબ ગ્રોન ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી આવનારા સમયમાં સફળતાનાં કેવાં શિખરો સર કરી શકે?, આ ડાયમન્ડ ખરેખર છે શું?, રિયલ ડાયમન્ડને ટક્કર આપી શકવાની એની ક્ષમતા શું કામ તાજ્જુબ પમાડનારી છે? અને એના વધતા પ્રભાવની સાચા હીરાની ઇન્ડસ્ટ્રી પર શું અસર થશે? વગેરેના જવાબ મેળવીએ આજે.


છે શું લૅબ ગ્રોન ડાયમન્ડ?


નામ પરથી તમને એટલો અંદાજ તો આવી જ ગયો હશે કે જે લૅબોરેટરી એટલે કે પ્રયોગશાળામાં બનતા હોય એવા હીરા. વિશ્વમાં થોમસ એડિસનની કંપની જનરલ ઇલેક્ટ્રૉનિક્સ દ્વારા છેક ૧૯૫૪માં પહેલો લૅબ ઓરિજિનેટેડ ડાયમન્ડ બનાવવામાં આવ્યો હતો. રશિયા અને ચીનમાં પણ વર્ષોથી લૅબ ગ્રોન ડાયમન્ડ મોટા પ્રમાણમાં બને છે. છેલ્લાં ૧૦ વર્ષથી આ ઇન્ડસ્ટ્રીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહેલા પાર્શ્વ દર્શન જ્વેલના ચિરાગ કોઠારી કહે છે, ‘જમીનમાં ગરમી અને સિસ્મિક પ્રેશરના આધારે કાર્બનના પરમાણુઓમાં થતા પ્રો‌સેસિંગથી કાળાંતરે હીરામાં કન્વર્ટ થાય. આ જ કામ મશીન દ્વારા કરવામાં આવે છે. એક જાતના ગૅસ ચેમ્બરમાં વિશિષ્ટ ટેમ્પરેચર અને દબાણ ક્રીએટ કરવામાં આવે અને હીરામાંથી હીરો બને. યસ, સીડ તરીકે ડાયમન્ડ જ હોય અને એ જ ડાયમન્ડમાંથી કાર્બનના અન્ય અણુઓ હીરામાં કન્વર્ટ થતા જાય. સામાન્ય રીતે એક અઠવાડિયાથી એક મહિના સુધીના સમયમાં આ હીરા બનતા હોય છે. જેમ ટેસ્ટ ટ્યુબ બેબી ટેક્નૉલૉજીથી જે નૅચરલી કન્સિવ ન કરી શકે તેમને મદદ થાય છે, પણ એનાથી બાળકની ઑથેન્ટિસિટી પર પ્રશ્ન નથી આવતોને? એની જેમ મશીનમાં સાચા હીરાના સીડમાંથી જ અન્ય હીરા બનાવવામાં આવે છે. જે ટેક્નૉલૉજીનો ઉપયોગ થાય છે એ છે કેમિકલ વેપર ડિપોઝિશન (CVD) અને બીજી પદ્ધતિ છે હાઈ પ્રેશર, હાઈ ટેમ્પરેચર (HPHT). આપણે ત્યાં મોટે ભાગે CVD ડાયમન્ડ બને છે. સાચા હીરા કરતાં પણ વધુ રૂપવાન અને ગુણવાન આ મશીનમાં બનેલા હીરા હોય છે. ૧૦ વર્ષથી લૅબ ગ્રોનનું કામ કરું છું એ પછી કહીશ કે ગમે એટલા અનુભવી હો તોય તમે જુઓ તો ઓળખી ન શકો કે આ સાચો હીરો છે કે લૅબ ગ્રોન, કારણ કે એની કેમિકલ અને ફિઝિકલ પ્રૉપર્ટી બન્નેની સેમ છે. મૉલેક્યુલ અને ઍટમ લેવલમાં માઇક્રો લેવલનો ફરક છે એને શરૂઆતનાં વર્ષોમાં તો GIA કે IGI જેવી વિશ્વની ટૉપ કક્ષાની સર્ટિફિકેશન લૅબોરેટરી પકડી નહોતી શકતી.’

ભારતમાં શરૂઆત

ભારતમાં પહેલવહેલું લૅબ ગ્રોન ડાયમન્ડનું મશીન બનાવનારા અને છેલ્લાં ૧૧ વર્ષથી લૅબ ગ્રોન ડાયમન્ડ અને એનાં મશીન બનાવતા બકુલ ચતુરભાઈ લિમ્બાસિયા કહે છે, ‘૨૦૦૦ની સાલ સુધી અમે ડાયમન્ડના કટિંગ, પૉલિશિંગના કામમાં મદદરૂપ થાય એવાં ટૂલ્સ બનાવતા હતા. ગોવિંદ એન્જિનિયરિંગના નામ હેઠળ ચાલતી મારી ફર્મમાં એ વખતે રશિયાથી આવેલા એક માલમાં હીરાના પાઉડરમાં કણી જેવું કંઈક દેખાયું. એના પર શોધખોળ કરી તો લાગ્યું કે આ કણી મોટી હોય તો ડાયમન્ડ થઈ જાય. વર્ષો સુધી દુનિયાના દેશોમાં લૅબ ગ્રોન ડાયમન્ડને લઈને ચુપ્પી સાધવામાં આવી હતી. અમને ક્લુ મળી એટલે એમાં જ ટ્રાયલ ઍન્ડ એરર અને આર ઍન્ડ ડી કરતાં-કરતાં મશીન બનાવવાનું કામ શરૂ થયું. ઘણા અખતરા અને પૈસાનું પાણી કર્યા પછી ૨૦૦૪માં પહેલો લૅબોરેટરી હીરો બનાવ્યો. આ હીરો અમુક માર્કેટના મિત્રોને દેખાડ્યો તો કોઈ માનવા તૈયાર નહીં. આ ન વેચાય. જોકે ત્યારે પણ અમને ખબર હતી કે આ ભવિષ્યમાં ખૂબ ઊંચકાશે, પછી તો ઘણું કામ કર્યું. દરેક લક્ઝરી પ્રોડક્ટના સબસ્ટિટ્યુટ ચાલ્યા છે એવું ઇતિહાસ બોલે છે એટલે આ પણ ચાલશે જ એવી ખાતરી હતી મને.’

ભથવારી ટેક્નૉલૉજી નામની કંપની અંતર્ગત મશીનનું મૅન્યુફૅક્ચરિંગ કરતા સાતમું ધોરણ ભણેલા બકુલભાઈ પોતાની એન્જિનિયરિંગની કોઠાસૂઝને આધારે અત્યાર સુધી આવાં અઢળક મશીન્સ બનાવી ચૂક્યા છે અને હવે તો તેઓ મશીન રેન્ટ પર આપે છે. ઇન ફૅક્ટ, તેમની પાસે મશીનની ડિલિવરી માટેનો બે વર્ષનો વેઇટિંગ પિરિયડ ચાલે છે.

જબરી ડિમાન્ડ

એ વાત તમને ખબર હશે કે દર ૧૦માંથી ૯ હીરા કટિંગ અને પૉલિશિંગ માટે ભારત આવે છે અને એ બધું કામ મોટે ભાગે સુરતમાં થાય છે. હીરા ઇન્ડસ્ટ્રીનું મુખ્ય હબ બનેલા સુરતમાં લૅબ ગ્રોન ડાયમન્ડ બનાવતા યુનિટની સંખ્યા વીસ-પચીસ યુનિટથી વધીને હજારની પાર નીકળી ગઈ છે. ઈવન, ટ્રેડિશનલ હીરાનું કટિંગ, પૉલિશિંગનું કામ કરતા કારીગરોના ઘણા યુનિટ હવે લૅબ ગ્રોન ડાયમન્ડનું કામ કરતા થયા છે. 

  પાંચ વર્ષ પહેલાં રિયલ ડાયમન્ડમાંથી લૅબ ગ્રોન ડાયમન્ડમાં શિફ્ટ થયેલા અને પ્રોડક્શનનું સુરતમાં મોટા પાયે કામ કરતા ગ્રીન લૅબ ડાયમન્ડના મુકેશ પટેલ કહે છે, ‘હીરામાં ક્વૉલિટીની વાત કરીએ તો ‘ટાઇપ ટૂ એ’ શ્રેષ્ઠ ક્વૉલિટી મનાય છે. માઇનમાંથી નીકળતા ડાયમન્ડની આ ખાસિયત ૧૦૦ ટકા કાર્બનમાંથી બનતા આ લૅબ ગ્રોન હીરામાં વધુ બહેતર રીતે કૅપ્ચર થાય છે. અત્યાર સુધી રિયલ ડાયમન્ડમાં આપણે રૉ મટીરિયલ માટે બહારના દેશો પર જ નિર્ભર હતા, કારણ કે આપણી પાસે માઇન નથી. એમાં પણ હ્યુમન રાઇટ્સ અને પર્યાવરણનો મુદ્દો તો અકબંધ જ હતો. જોકે હવે એ બધી દિશામાં જે રીતે અવેરનેસ આવી છે એ જોતાં એજ્યુકેટેડ લોકો આ બદલાવને વધુ પ્રીફર કરશે. અત્યારે અમેરિકામાં સૌથી વધુ એની ડિમાન્ડ છે. આ ડાયમન્ડની બીજી એક ખૂબી કહું કે જેમ જુદી-જુદી માઇન્સમાંથી નીકળતા હીરા જુદા હોય છે એમ જુદા-જુદા મશીનમાં બનતા હીરાઓમાં પણ ફરક હોય છે. રફ હીરા જ મશીનમાં પણ બનતા હોય છે, જેનું પૉલિશિંગ અને કટિંગ રિયલ હીરાની જેમ જ કારીગરો પાસે કરાવવાનું હોય છે. મશીન મેડ હીરામાં ટેક્નૉલૉજી સાથે ટેક્નૉલૉજીને હૅન્ડલ કરતા વ્યક્તિની આવડત અને કુનેહ બહુ મહત્ત્વનાં છે. એ રીતે મશીનમાં બન્યાં હોવાં છતાં એના રૂપ-રંગ અને ગુણવત્તામાં વૈવિધ્ય જળવાયેલું રહેશે.’

કુદરતનું ભલું કરો

લૅબ ગ્રોન ડાયમન્ડ ઇકો ફ્રેન્ડ્લી છે અને એ બહુ જ મોટું ફૅક્ટર છે જે નવી જનરેશનને એના વાજબી ભાવ કરતાં પણ વધુ મહત્ત્વનું આકર્ષક પાસું લાગે છે. લૅબ ગ્રોનની તુલનાએ ખાણમાંથી હીરો કાઢવા માટે બે ગણી વીજળી, સાત ગણું પાણી વપરાય છે અને તે ૪૪૦૦ ગણો ગ્રીન હાઉસ ગૅસ એટલે કે કાર્બન ફુટ પ્રિન્ટ છોડે છે. માત્ર આટલી જ વાત નથી. આફ્રિકન દેશોમાં ખાણના મજૂરોનું ભરપૂર શોષણ થતું હોવાના, હીરાના બદલે ડ્રગ્સ, વેપન્સ અને નશીલા પદાર્થોની તસ્કરી થતી હોવાના ઘણા અહેવાલ અવારનવાર તમે વાંચ્યા હશે. ‘બ્લડ ડાયમન્ડ’ નામની ફિલ્મ પણ એના પર આવી ગઈ છે જેમાં માઇન વર્કર્સની અવદશાનું વર્ણન છે. લોકોના લોહીમાંથી અને અનેકના જીવનની બરબાદીમાંથી આવતો સાચો હીરો કઈ રીતે ‘પ્રેમનું પ્રતીક’ હોઈ શકે એવી દલીલ કરીને અત્યારે ટૉપ સ્કેલમાં મૅક્સિમમ સોલર એનર્જીના ઉપયોગ સાથે લૅબ ગ્રોન ડાયમન્ડનું પ્રોડક્શન કરતી સુરતની ફર્મ ભંડેરી લૅબ ગ્રોન ડાયમન્ડના માલિક ઘનશ્યામ ભંડેરી કહે છે, ‘ટેક્નૉલૉજીથી કોઈકનું ભલું થતું હોય તો કરવું જોઈએ. હીરાનું અત્યાર સુધી જે રીતે માર્કેટિંગ થયું છે એમાં સત્ય ઓછું અને ભ્રમણા વધારે છે. ૯ વર્ષ પહેલાં જ્યારે અમને આ ટેક્નૉલૉજીની ખબર પડી ત્યારે એટલી ખાતરી હતી કે આમાં મિડલ ક્લાસ અને યુવા વર્ગનું બહુ મોટું માર્કેટ છે. અત્યાર સુધી જોશો તો ડાયમન્ડના ઘણા ઑપ્શન આવ્યા, પરંતુ એ ૧૦૦ ટકા હીરા નહોતા. આજે જે લૅબ ગ્રોન ડાયમન્ડ મળે છે એ સાચા હીરા જેવા જ છે અથવા તો એનાથી વધુ બહેતર છે. સાચા હીરા અને લૅબ ગ્રોન હીરાના કેમિકલ કમ્પોઝિશનમાં, દેખાવમાં, ચમકમાં કોઈ ફરક નથી. બલકે કન્ટ્રોલ્ડ એન્વાયર્નમેન્ટવાળી ટેક્નૉલૉજીમાં બન્યો હોવાથી લૅબ ગ્રોન હીરો વધુ સાફ અને ચમકીલો છે. તેની હાર્ડનેસમાં ફરક નથી.સાચા હીરાની ઇન્ડસ્ટ્રીમાં જ્યાં આપણે ૫૦ વર્ષે પહોંચ્યા છીએ એ જ વિકાસ લૅબ ગ્રોનમાં આવનારાં પાંચ વર્ષમાં તમને જોવા મળશે. ભારતની ખાસિયત એ છે કે અહીં તો બધું જ સેટઅપ તૈયાર છે. આજે ચીન કે અમેરિકા કોશિશ કરે તો પણ આપણા જેવા ‌િસ્ક‌લ્ડ વર્કર્સ અને ભેજાબાજ ટેક્નિ‌શ્યનો આટલા ઝડપથી અને આ માત્રામાં ઊભા નથી જ કરી શકવાના. જે રફ હીરા બહારથી અત્યાર સુધી આવતા હતા અને પાછા વેચાવા માટે બહાર જતા રહેતા હતા એ હવે અહીં જ મૅન્યુફૅક્ચર્ડ થઈ, અહીં તૈયાર થઈને જાય છે. આમાં દેશનો અને દેશની ઇકૉનૉમીનો પણ બહુ મોટો ફાયદો છે.’

ઘણી બધી રીતે લૅબ ગ્રોન ડાયમન્ડ પ્રકૃતિને પણ ફાયદો કરનારા છે, એનો દાખલો આપતાં ઘનશ્યામભાઈ કહે છે, ‘અત્યારે અમારી ફૅક્ટરીમાં ૮૦ ટકા સોલર પાવર વપરાય છે. આવતા એક-દોઢ વર્ષમાં ૧૦૦ ટકા અમે વિન્ડ અને સોલર એનર્જી વાપરતા થઈ જઈશું. એ સિવાય લૅબ ગ્રોનના મશીનમાં રીઍક્ટર વપરાય છે, જેમાં પાણી થકી હાઇડ્રોજન ગૅસનો ઉપયોગ હી‍‍રા બનાવવામાં થાય છે, પણ એમાંથી બાય પ્રોડક્ટ  બનતો ઑક્સિજન વાતાવરણમાં ભળે છે. આ મશીનો પ્રદૂષણ નહીં, પણ ઑક્સિજન ફેલાવે છે. એક રીઍક્ટરમાંથી લગભગ ૨૦ ઝાડ દ્વારા ઉત્સર્જિત થતો ઑક્સિજન વાતાવરણમાં ફેલાય છે. ૬૦૦ રીઍક્ટર મશીન થકી લગભગ એક લાખ લોકોની જરૂરિયાતનો ઑક્સિજન વાતાવરણમાં ભળે છે. પૃથ્વીના પેટાળને ખોદી-ખોદીને આપણે નૅચરલ સિસ્ટમને ડૅમેજ કરી રહ્યા છીએ. ખાણના મજૂરોનું શોષણ કરી રહ્યા છીએ અને ભરપૂર માત્રામાં વેસ્ટ પ્રોડક્ટ પણ ખાણકામ દરમ્યાન ધરતી પર ઠાલવી રહ્યા છીએ અને એ બધું કર્યા પછી સાચા હીરાની ઊંચી પ્રાઇસ પણ ચૂકવી રહ્યા છીએ. આ બધી બાબતોની લૅબ ગ્રોનમાંથી બાદબાકી થઈ જાય છે. આવનારો સમય લૅબ ગ્રોનનો છે અને એનું પોતાનું અલાયદું માર્કેટ બનશે, જેમાં ભારત દુનિયાને ગાઇડ કરશે એની મને તો ખાતરી છે.’

 આજની પેઢી પ્રકૃતિને લઈને વધુ અલર્ટ છે અને મિનિમલિસ્ટ માનસિકતા પણ આજના મિલેનિયલ વધુ પ્રીફર કરે છે. આ બદલાતા ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને લૅબ ગ્રોન ડાયમન્ડની જ્વેલરી બ્રૅન્ડ લૉન્ચ કરનારી મુંબઈની દિશા શાહ કહે છે, ‘અમારો ફૅમિલી બિઝનેસ રિયલ ડાયમન્ડનો છે દાયકાઓથી, પરંતુ મને જ્યારે લૅબ ગ્રોનની ખબર પડી ત્યારે આપણા દેશમાં એની પૉપ્યુલરિટી નહોતી, પણ એ બહુ જલદી પૉપ્યુલર થશે એવી ખાતરી હતી જે આજે દેખાઈ રહ્યું છે. ૨૦૧૮માં અમે બ્રૅન્ડ લૉન્ચ કરી એના પહેલા આઠ મહિના સુધી એનું રિસર્ચ કર્યું છે. અત્યારે અમેરિકામાં એની ડિમાન્ડ કલ્પના બહાર છે અને જે ત્યાં હોય એ ધીમે-ધીમે અહીં આવતું જ હોય છે. હવે લોકો સસ્ટેઇનિબિલિટીને પહેલી પ્રાયોરિટી આપે છે. એમાં લૅબ ગ્રોનમાં પ્રાઇસ ડિફરન્સને કારણે જે બહુ જ મોટો ફાયદો લોકોને થશે અને તેમને કદાચ થોડો મોટો સ્ટોન ખરીદવો હશે તો પણ લાંબું વિચારવું નહીં પડે. હવે અફૉર્ડેબલ લક્ઝરીનું માર્કેટ શરૂ થયું છે. એક નવી જ માર્કેટ સ્પેસ ક્રીએટ થઈ રહી છે લૅબ ગ્રોન ડાયમન્ડની.’

વિશ્વમાં નંબર-વન

અત્યારે લૅબ ગ્રોન ડાયમન્ડમાં ચીન સૌથી વધુ આગળ છે. દુનિયાભરમાં વેચાતા ૫૬ ટકા લૅબ ગ્રોન ડાયમન્ડ ચીનમાં બને છે. એ પછી લૅબ ઓરિજિનેટેડ ડાયમન્ડની ટોટલ ડિમાન્ડમાંથી ભારતમાં ૧૫ ટકા, અમેરિકામાં ૧૩ ટકા અને સિંગાપોરમાં ૧૦ ટકા પ્રોડક્શન થાય છે. હવે બીજી એક મહત્ત્વની બાબત જાણીએ કે વિશ્વની રેપ્યુટેડ સંસ્થા જેમોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અમેરિકાએ કરેલા એક સર્વેનું પ્રેડિક્શન કહે છે કે બહુ નજીકના સમયમાં આ ‌લૅબ ઓરિજિનેટેડ ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી ૧૦૦ અબજ ડૉલર (આઠ લાખ સોળ હજાર આઠસો સત્તર કરોડ રૂપિયા)ની થઈ જશે, જે અત્યારે ૨૦ અબજ ડૉલર (એક લાખ ત્રેસઠ હજાર ત્રણસો એકોત્તેર કરોડ રૂપિયા)ની છે. અત્યારે સરેરાશ દર વર્ષે આ ઇન્ડસ્ટ્રીનો ૧૫થી ૨૦ ટકા ગ્રોથ થઈ રહ્યો છે. આવનારાં પાંચ વર્ષમાં ભારતની લૅબ ગ્રોન ડાયમન્ડની ઇન્ડસ્ટ્રી લગભગ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાને આંબે એવો નિષ્ણાતોનો મત છે.

યુનિયન મિનિસ્ટ્રી ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી અંતર્ગત સક્રિય ઇન્ડિયન ડાયમન્ડ ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડન્ટ દિનેશ નાવડિયા અહીં કહે છે, ‘૧૯૯૯થી હીરાબજારમાં છું અને હવે હું પણ લૅબ ગ્રોન ડાયમન્ડ બનાવું છું. હીરાબજારમાં અત્યારે જે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે એનું વર્ણન ન કરી શકાય. ખાસ કરીને લૅબ ગ્રોનનો બિઝનેસ અત્યારે પણ જે રીતે ફૂલીફાલી રહ્યો છે એની કલ્પના કરવી મુશ્કેલ છે. જોકે આવનારો સમય આના કરતાં દેશને અનેકગણો આગળ લઈ જશે એની અમને ખાતરી છે. સરકારનો જે સપોર્ટ અત્યારે મળી રહ્યો છે એ પણ આ વિકાસમાં મદદરૂપ થશે. ટેક્નિકલ ઍડ્વાન્સમેન્ટ લાવવા આઇઆઇટીના સ્ટુડન્ટ્સને સરકારે પ્રોજેક્ટ આપ્યો છે, જેથી મશીનો પણ ૧૦૦ ટકા અહીં જ ઉપલબ્ધ રૉ મટીરિયલમાંથી બને. એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ થઈ રહ્યું છે. બે વર્ષમાં ૨૧૧ ટકાનો ગ્રોથ નાનો આંકડો નથી.’

આ જ વાતમાં સૂર પુરાવતાં ‘જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ના ગુજરાતના રીજનલ ચૅરમૅન વિજય માંગુકિયા કહે છે, ‘લૅબ ગ્રોનના કન્ઝ્‍યુમરની દૃષ્ટિએ અને ઓવરઑલ ઇન્ડસ્ટ્રીની દૃષ્ટિએ ઘણાં હકારાત્મક પાસાંઓ છે. ઇકો ફ્રેન્ડ્લી, બજેટ ફ્રેન્ડ્લી અને અવેબિલિટી એમ ત્રણેય રીતે કન્ઝ્‍યુમરને વિન-વિન

સિચુએશન આપે છે. આપણે ત્યાં અત્યારે બ્રાઇડલ કલેક્શનમાં લૅબ ગ્રોન ડાયમન્ડનો ઉપયોગ થયો છે.

એક્સપોર્ટમાં વધારો આપણે ત્યાં આવનારા સમયની લોકલ ડિમાન્ડની શાખ પૂરે છે. અત્યારે ૬૦ ટકા એક્સપોર્ટ અમ‌ેરિકામાં થાય છે આપણે ત્યાંથી. રત્નકલાકારો માટે ઘણી એમ્પ્લૉયમેન્ટની તકો આપણે ત્યાં ઊભી થવાની છે આવનારા દિવસોમાં.

સરકાર પણ ઇન્ડસ્ટ્રીને અપલિફ્ટ

કરવામાં પૂરતો સહકાર આપી રહી છે, જેમ કે લૅબ ગ્રોન ડાયમન્ડના મૅન્યુફૅક્ચરિંગ યુનિટ પાસેથી ઇલેક્ટ્રિસિટી બિલ પર સરકારે ટૅક્સની છૂટ આપી.

આજે લૅબ ગ્રોનનો આખો બિઝનેસ જ પાવર પર નિર્ભર છે ત્યારે આ છૂટથી વેપારીઓને આ ફાયદો ઉપયોગી થઈ પડશે.’

સાચા હીરાનું શું?

સાચા હીરાની વૈશ્વિક સ્તરે જાણીતી અગ્રણી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર ચૅરમૅન ગોવિંદભાઈ ધોળકિયા લગભગ છ દાયકાથી હીરાબજારમાં આવતાં રહેલાં અઢળક પરિવર્તનોના સાક્ષી રહ્યા છે. અત્યારે પણ આવી રહેલા બદલાવથી તેઓ ખુશ છે, પરંતુ સાથે તેઓ એ પણ સ્પષ્ટતાપૂર્વક કહે છે કે ‘૧૯૬૪ની બીજી એપ્રિલે સુરતમાં હીરાના કારીગર તરીકે છ વર્ષ કામ કર્યું છે ત્યારથી બદલાવ જોતો આવ્યો છું. પ્રકૃતિ હર ક્ષણે બદલાઈ રહી છે. દુનિયામાં કંઈ જ શાશ્વત નથી, એ પછી પણ અમુક વાસ્તવિકતાને આપણે નથી બદલી શકવાના, જેમ કે પૃથ્વીના પેટાળમાં રહેલા હીરાની ઉંમર. તમે વિચાર કરો કે અત્યારે આ ક્ષણે દુનિયામાં હીરાની જેટલી પણ ખાણો છે એની મિનિમમ ઉંમર સાડાછથી સાડાનવ કરોડ વર્ષ તો છે જ. સમયનો આટલો મોટો પ્રવાહ પસાર કરીને જે હીરા આપણા સુધી આવ્યા હોય એનું કોઈ મૂલ્ય હોઈ શકે? માન્યું કે લૅબ ગ્રોન ડાયમન્ડ રિયલ દેખાય છે, પરંતુ એ રિયલ નથી જ. તેમણે પૃથ્વીના પેટાળમાં કરોડો વર્ષોનાં વહાણાં નથી જોયાં. ભલે નવી ઇન્ડસ્ટ્રી તરીકે સીવીડી ડાયમન્ડની શાખા શરૂ થશે અને એ વિકસશે પણ ખરી, પરંતુ એનાથી રિયલ ડાયમન્ડની ડિમાન્ડ, એની ખરીદી કરનારા લોકોનાં એની પાછળ રહેલાં ઇમોશન ક્યારેય નથી બદલાવાનાં. અત્યારે ધારો કે ડાયમન્ડ ઇન્ડસ્ડસ્ટ્રી ૮૦ બિલ્યનનું માર્કેટ છે તો એમાં બીજા ૮૦ બિલ્યન ઉમેરાશે, પણ ઓછા નહીં થાય. જેમની ખરીદશક્તિ હશે એ તો રિયલ જ ખરીદશે, જેમને રિયલ નહીં પરવડે એ આવા પર્યાય તરફ વળશે. કોઈ વ્યક્તિ ખરીદશક્તિ ધરાવતો હોય તે પોતાની દીકરીનાં લગ્નમાં તેને દાગીના આપવા માગે તો ખોટા હીરાના આપશે? નહીં આપી શકે. અહીં પોતાની દીકરીને શ્રેષ્ઠતમ આપવાનો ભાવ હશે અને પોતાની પાસે સગવડ હશે તો એ‌ રિયલથી ઓછું કંઈ નહીં આપે. અહીં લાગણી અને હૃદયની વાત છે.’

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2022 10:12 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK