ભગવાન પર કોઈનો પગ ન પડે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જોકે આજના ફ્લૅટવાળા દિવસોમાં આવું થવું બહુ અઘરું અને લગભગ અશક્ય છે

પ્રતીકાત્મક તસવીર
મંદિર વિશે આપણે એકધારી વાતો કરીએ છીએ ત્યારે ઘણા લોકો પોતાના ઘરમંદિર માટેના સવાલો પણ પુછાવે છે. એના વ્યક્તિગત જવાબ તો શક્ય નથી; પણ હા, એ તમામ સવાલોના આધારે ઊભા થયેલા પ્રશ્નો પર અહીં સામૂહિક વાત કરી શકીએ છીએ.
સૌનો એક સવાલ બહુ સામાન્ય છે કે ઘરમાં મંદિર બનાવતા હોઈએ ત્યારે શું ધ્યાન રાખવું? તો પહેલાં જ એક નાનકડી સ્પષ્ટતા કરવાની કે ઘરમંદિર અને ઘરના મંદિર વચ્ચે મોટો ફરક છે. જો વાત ઘરમંદિરની હોય તો આખી ચર્ચા બદલાઈ જાય. ઘરમંદિરમાં માત્ર શિખર ન હોય, પણ એની બાકીની તમામ વ્યવસ્થાઓ મંદિર સમાન જ હોવી જોઈએ. એમાં પ્રાણપ્રતિષ્ઠા પણ થાય અને એ પછી એ તમામ વાતોનું ધ્યાન પણ રાખવામાં આવે જે એક મંદિરમાં રાખવામાં આવતું હોય. જોકે આગળ કહ્યું એમ એ મંદિર શિખરબંધ ન હોય. ઘરમંદિરમાં ભગવાનનું મુખ પૂર્વ કે ઉત્તરાભિમુખ હોવું જોઈએ, કારણ કે ભગવાન એ મંદિરના સર્વોપરી છે. જોકે વાત જો ઘરના મંદિરની હોય તો ચર્ચા બદલાઈ જાય. ઘરમંદિરમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન ઉપર કોઈ ચાલે નહીં કે પછી એમના પર કોઈનો પગ કે પડછાયો પડે નહીં, પણ ઘરના મંદિરમાં એટલે કે આપણે ઘરે રાખીએ એ સામાન્ય મંદિરમાં એ બધી વાતોનું પાલન કરવું અઘરું થઈ જાય. થવું જોઈએ; પણ એ વાતને તમે જડની જેમ વર્તી ન શકો, કારણ કે આજના સમયમાં દસ કે પંદર કે પચ્ચીસ માળનું બિલ્ડિંગ હોય એટલે સ્વાભાવિક છે કે તમારી ઉપરના માળે કોઈ રહેતું જ હોય અને તેની અવરજવર પણ થતી જ રહેવાની હોય. એમ છતાં કહીશ કે હા, પ્રયાસ એ થવા જ જોઈએ કે ઘરનું મંદિર એવી જગ્યાએ રહે તો વધારે સારું કે એના પર કોઈની અવરજવર ન થાય કે પછી કોઈના પગ ન પડે.
આ અશક્ય છે એવું પણ નથી; પણ હા, એના માટે તમારે ઉપરના ફ્લોરવાળાના ઘરની ગોઠવણ કેવા પ્રકારની છે એ જોવી રહી. જો ઉપરવાળાએ જ્યાં બેડ રાખ્યો હોય ત્યાં જ દિશા મુજબ મંદિર મૂકવું હિતાવહ હોય તો તમારા મંદિર પર કોઈના પગ પડવાની શક્યતા ઓછી થઈ જાય છે. એમ છતાં એનું માથું તો તમારા મંદિર પર આવે જ આવે. જોકે કહ્યું એમ પગ ન આવતો હોય તો એટલું આશ્વાસન લઈ શકાય.
કોઈના મંદિર પર કોઈનો પગ ન આવે એ માટે હમણાંથી આ બિલ્ડિંગવાળાઓએ પણ પૂજારૂમ બનાવવાનું શરૂ કર્યું છે. એ હોય છે નાનો ,પણ એ પૂજારૂમ પર બીજો પૂજારૂમ જ આવતો હોય એટલે ઍટ લીસ્ટ એ વાતની માનસિક નિરાંત રહે કે કોઈના પગ આપણા મંદિર પર પડતા નથી. કહેવાનું તાત્પર્ય એ કે ફ્લૅટ ખરીદતી વખતે માત્ર આપણી જ સુવિધા નહીં પણ સાથોસાથ પૂજારૂમ હોય અને એ યોગ્ય જગ્યાએ, યોગ્ય દિશામાં હોય એ પ્રકારનો ફ્લૅટ મળે તો વધારે સારું છે.
ધારો કે પૂજારૂમ જેવું કશું હોય નહીં અને ઘરમાં જ મંદિરની વ્યવસ્થા કરવાની હોય તો શક્ય હોય ત્યાં સુધી ગોખલા જેવું બનાવીને કે પછી દીવાલ પર મંદિર રાખવું વધારે હિતાવહ છે. ઘરના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા નથી હોતી એટલે આ પ્રકારના મંદિરની વ્યવસ્થા ઊભી કરી શકાય છે.
અહીં એક વાત સમજવાની જરૂર છે કે મંદિરની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થતી હોય છે, જ્યારે ઘરનું મંદિર દર્શનાર્થે અને વ્યક્તિગત પૂજા માટે હોય છે. ઘરના મંદિરમાં આપણે હંમેશાં પૂર્વાભિમુખ બેસવું જોઈએ, જેથી ઈશ્વરનું મુખ પશ્ચિમમાં રહે. તમે જુઓ, હવન કે પછી પૂજા હોય એવા સમયે મહારાજ તમને પૂર્વાભિમુખ કે પછી ઉત્તરાભિમુખ બેસાડે છે. આવી અવસ્થામાં અનુક્રમે કાં તો ભગવાનનું મુખ પશ્ચિમ તરફ અને કાં તો દક્ષિણ તરફ રહે છે જે ખરા અર્થમાં સાચી દિશા છે. ઘરના મંદિર કે પછી કરવામાં આવતા હોમ-હવનમાં એ રીતે જ બેસવું જોઈએ, કારણ કે ઘરના મંદિરનો આ નિયમ શાસ્ત્રોએ વર્ણવ્યો છે અને આ નિયમો બનાવતાં પહેલાં શાસ્ત્રોમાં આવું શું કામ છે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
ઘરમાં પ્રાધાન્ય તમારું છે. ભગવાનને તમે લાવ્યા છો, તમે તેમની પૂજા-અર્ચના કરવાના છો એટલે ભગવાન અગાઉ કહ્યું એમ પશ્ચિમ કે પછી દક્ષિણ દિશાને જોતા હોય એ રીતે તેમની સ્થાપના કરવાની હોય. જોકે આ જ વાત મંદિરમાં બદલાઈ જાય છે. તમે મંદિરમાં જાઓ છો. એ મંદિરે જ્યાં ભગવાન સર્વેસર્વા છે. એટલે જ્યારે પણ ઘરે ભગવાનની પૂજા કરો ત્યારે તમારું મુખ પૂર્વ કે ઉત્તર તરફ રાખીને જ બેસવું. જો દિશા વિશે જ્ઞાન ન હોય તો એ માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી.
મોબાઇલમાં હવે તો કમ્પાસની ઍપ્લિકેશન આવે છે. એનો ઉપયોગ કરશો તો તરત જ દિશાની ખબર પડી જશે. કમ્પાસની ખાસિયત એ છે એને તમે કોઈ પણ રીતે ગોઠવો એ તમને ઉત્તર દિશા જ દેખાડે. લેખ પૂરો કરતાં-કરતાં હમણાં વાંચેલું એક વાક્ય શૅર કરું છું...
જેમ કમ્પાસ કાયમ ઉત્તર દિશા દેખાડે એવી રીતે સદ્ગુરુ હંમેશાં ઉત્તમ દિશા દેખાડે.