° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

હાલના સમયમાં શું તમે કોઈ અજ્ઞાત ભયથી પીડાઈ રહ્યા છો?

11 December, 2020 05:58 PM IST | Mumbai | Bhakti D Desai

હાલના સમયમાં શું તમે કોઈ અજ્ઞાત ભયથી પીડાઈ રહ્યા છો?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

શું ક્યારેય તમારી સાથે એવું થયું છે કે અચાનક નવરાશના સમયમાં કોઈ ઉદ્વેગ અનુભવાયો હોય? વિચારવા જઈએ તો એનું કોઈ ખાસ કારણ ન હોય અને શરીરમાં કોઈ એવી બીમારી પણ ન હોય જેને કારણે આવું થવા લાગે. આ કોઈક એવો ગભરાટ હોય છે‍ જેનું કારણ આપણે નથી જાણતા અને તેથી જ આને ફિયર ઑફ અનનોન એટલે કે અજ્ઞાતનો ભય કહેવાય છે. હાલમાં જે માહોલ છે એમાં દર ત્રીજી વ્યક્તિ આ પ્રકારનો ડરનો ક્યારેક ને ક્યારેક તો ભોગ બની જ હશે. જે ચીજ સામે છે, જે પરિસ્થિતિ સામે છે એમાં કોઈ ચોક્કસ ચીજનો ફોબિયા હોય તો એને દૂર કરવા માટે અનેક રીતો છે; પણ જ્યારે અજ્ઞાતનો ભય હોય, જેનો ભય છે એ શું છે એ પણ ખબર ન હોય ત્યારે એનો સામનો અને સારવાર કરવાનું કઠિન થઈ જાય છે.

‍પહેલાં તો સમજવાની જરૂર છે કે આ અજ્ઞાત ભય કંઈ આજકાલનો નથી. માનવજાત જન્મી ત્યારથી આ ભય પણ સાથે જ જન્મ્યો છે. રક્ષણાત્મક સાવધતા ક્યારેક સંતુલન ગુમાવીને અતાર્કિક ડરમાં તબદિલ થઈ જતી હોય છે અને એનું પ્રમાણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેકગણું વધી રહ્યું છે. 

ગભરાટ તથા ઉદ્વેગને લઈને છેલ્લા એક દાયકામાં જે મેટા-ઍનૅલિસિસ કરવામાં છે એમાં રિસર્ચર સામે આવેલા તારણ મુજબ લોકોની સામાન્ય અનિશ્ચિતતાઓ સહન કરવાની શક્તિ પણ ખૂબ ઘટી ગઈ છે. જીવનની હર બીજી પળે કંઈક નવું, જેની કલ્પના ન કરી હોય એવું, અનપેક્ષિત થતું જ રહેતું હોય છે. પણ હવે એ અનિશ્ચિતતાઓને માણવાને બદલે એનો ભય પ્રસરવા લાગ્યો છે. જેવા સંજોગો હશે એમ જીવીશું એવી ઝિંદાદિલીને બદલે પ્રતિકૂળ સંજોગોની કલ્પના જ વ્યક્તિને હતોત્સાહી અને ડરામણી લાગવા લાગી છે. 

અમુક લોકો તો આવા ગભરાટ સાથે જ સતત જીવતા હોય છે અને આ ડરના ઇલાજ માટે ચિકિત્સક પાસે જતાં પણ ખચકાટ અનુભવે છે, કેમ કે અગેઇન એમાં પણ ડર હોય છે કે મગજની દવાઓની આડઅસર થશે કે કાયમી આદત લાગી જશે તો શું? આજકાલ આ પ્રકારના ડર માટે બાક ફ્લાવર થેરપીનો બહોળા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. વિશ્વવિખ્યાત ડૉ. એડવર્ડ બાક દ્વારા શોધાયેલી બાક ફ્લાવર રેમેડી પુષ્પો પર આધારિત સારવાર છે, જેની કોઈ આડઅસર તો નથી પણ વ્યક્તિ આ ઔષધીની આદિ પણ નથી બનતી. 

બાક ફ્લાવર રેમેડીનું મહત્ત્વ

ભારત કરતાં પાશ્ચાત્ય દેશોમાં વધુ પ્રચલિત એવી બાક ફ્લાવર રેમેડી લાગણીઓ પર કામ કરે છે. વરલીમાં રહેતા બાક ફ્લાવર રેમેડીનાં નિષ્ણાત ડૉ. નિઓમી શાહ કહે છે, ‘આપણા વડીલો રસોઈ કરતી વખતે ઉત્તમ વિચાર અને શાંત મન રાખવાનું કહેતા, કારણ કે આપણે જે ખાઈએ છીએ એની સીધી અસર મગજ પર પડે છે. તેથી જ કહેવત છે ‘અન્ન તેવો ઓડકાર’. બાક ફ્લાવર રેમેડી આ માનસિક સ્તર પર કામ કરનાર ઉત્તમ પ્રાકૃતિક ઔષધિઓ છે અને તેથી વિચારોના અને વ્યક્તિના  સકારાત્મક પરિવર્તનમાં આ રેમેડીની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. કોઈ પણ રીતના મનમાં છુપાયેલા ગભરાટની સારવાર આ થેરપીમાં સરળતાથી શક્ય છે, કારણ કે આ એક પદ્ધતિ એવી છે જે લાગણીઓ અને ભાવનાઓ પર કામ કરે છે. જેમ એનું નામ છે એમ આ ફ્લાવર રેમેડીઝ ફૂલોમાંથી બને છે અને આ ફૂલો લંડનમાં ઊગે છે.’

ફિયર ઑફ અનનોનના પ્રકાર

હાલની પૅન્ડેમિક સ્થિતિમાં વધતેઓછે અંશે અજ્ઞાતનો ભય બધાને ક્યારેક અનુભવાયો જ હશે. આ સ્થિતિ વિશે ડૉ. નિઓમી કહે છે, ‘કોવિડની શરૂઆતમાં અને લૉકડાઉનના સમયમાં આનું પ્રમાણ ખૂબ વધ્યું છે. જેમને કોવિડનો ડર છે તેમને ફિયર ઑફ અનનોન છે એવું ન કહેવાય. તેઓ જાણે છે કે તેમને આ બીમારીના ભોગ બનવાથી ડર લાગે છે, પણ એને લઈને અનેક એવી પરસ્થિતિ સર્જાઈ છે જેમાં ફિયર ઑફ અનનોન લોકોમાં વધ્યો છે. જેમ કે મને કોવિડ થયો તો મારા પરિવારનું શું? આગળ શું થશે? નોકરી જતી રહેશે તો શું? બાળકો સ્કૂલે જવાથી વંચિત છે તો તેમનું ભણવાનું શું થશે? તેમની પરીક્ષા કેવી રીતે થશે? દસમી અને બારમી પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ઍડ્મિશનને લઈને ચિંતા આમ બધે એક અસુરક્ષિતતા અને અનિશ્ચિતતા છે અને સૌના મનમાં જુદા-જુદા પ્રશ્નો છે કે ક્યારે જીવન સામાન્ય થશે? ક્યાં સુધી આવું ચાલશે? ક્યારે આનો અંત આવશે? આવાં અગમ્ય કારણોનો તનાવ, ઉદ્વેગ, ચિંતા, ડિપ્રેશન આ બધા ફિયર ઑફ અનનોનના જ વિવિધ પ્રકાર છે.’

 લક્ષણો શું હોય?

આ એક એવી માનસિક પરિસ્થિતિ છે જેમાં મનમાં ગભરાટની ભાવના ઉદ્ભવે છે અને એને કારણે સ્વાસ્થ્ય પર એની અસર પણ જણાય છે. એનાં લક્ષણો વિશે ડૉ. નિઓમી કહે છે, ‘એકાએક મૂડ બદલાવવો, કોઈ સાથે વાતચીત ન કરવી, એવું લાગે જાણે ભાવનાઓ દુભાઈ રહી છે, ઘણી વાર એવા વિચારો આવે કે આગળ શું થશે? પોતાના આપ્તજનોની અકારણ ચિંતા થવા લાગે, સ્વભાવ ગુસ્સાવાળો અથવા ચીડચીડિયો થઈ જવો, ક્યારેક રડવું આવવું, બધું વ્યવસ્થિત હોય અને છતાંય મન દુ:ખી રહેવું, અચાનક મનમાં એક ખાલીપો અનુભવવો આ બધા વર્તનના મૂળમાં મનમાં કોઈ ને કોઈ ડર હોય છે અને કોઈ એક નિશ્ચિત કારણ નથી સમજાતું. વાસ્તવમાં આ બધા વિચારો જ છે જેના પાયામાં માત્ર કલ્પના જ હોય છે.’

નકારાત્મકતા દૂર કરવાની થેરપી

ડૉ. નિઓમી આ બધા પર બાક ફ્લાવર રેમેડીનું મહત્ત્વ સમજાવતાં કહે છે, ‘મનુષ્યનું મન જ તેના વર્તન માટે જવાબદાર હોય છે. વ્યક્તિની નકારાત્મકતાને દૂર કરવા બાક ફ્લાવર રેમેડીમાં વિવિધ ઔષધિઓ છે. જે પણ વ્યક્તિ આ થેરપી માટે આવે છે તેનું વ્યક્તિત્વ, સ્વભાવ, માનસિક સ્થિતિ, તેની સામાજિક પરિસ્થિતિ, તેનો જીવનકાળ, એમાં બનેલી ઘટનાઓ અને સમસ્યા આ બધાં પાસાંઓને ધ્યાનમાં રાખી વિવિધ રેમેડીઝનું મિશ્રણ તેમને આપવામાં આવે છે અને તેથી જ સેલ્ફ-થેરપી આમાં વ્યક્તિએ પોતે ન કરવી જોઈએ. અલબત્ત, આ દવાઓની કોઈ આડઅસર નથી, પણ જો એની ઉત્તમ અસર જોઈએ તો થેરપિસ્ટ સાથે કાઉન્સેલિંગનું સેશન લઈ પછી જ રેમેડી લેવી જોઈએ. આને ક્યારે બંધ કરવી અને કેટલા સમય સુધી સારવાર ચાલુ રાખવી એની સલાહ પણ નિષ્ણાત આપે છે.  અહીં આપણે જોઈએ કે ફિયર ઑફ અનનોન માટે કઈ રેમેડી કેવી રીતે કામ કરે છે અને આનાથી રેમેડીની શક્તિનો પણ અંદાજ આવશે. અહીં નમ્ર વિનંતી છે કે સર્ટિફાઇડ થેરપિસ્ટની સહાયતાથી પોતાનો ઇલાજ કરાવવો અને પોતાની મેળે રેમેડી બનાવીને વાપરવી નહીં.’ 

ઍન્ટિ-ડિપ્રેસન્ટ રેમેડી

મસ્ટર્ડ

જીવનમાં કોઈ પણ કારણ વગર જીવવાનો ઉત્સાહ નીકળી જાય, કંટાળો આવે, દુ:ખ જ દુ:ખ લાગે અને નિરાશાનો જ અનુભવ થાય ત્યારે આ રેમેડી જીવનમાં ખુશી, ઉત્સાહ અને આનંદ પાછો

મેળવી આપે છે. આ એક

ઍન્ટિ-ડિપ્રેસન્ટ છે.

વાઇટ રોઝ

આ રેમેડી પણ ઍન્ટિ-ડિપ્રેસન્ટ છે. હાલમાં ડિપ્રેશન એકદમ સામાન્ય સમસ્યા છે અને જયારે જીવનમાં કોઈ તાજગી કે નવીનતા ન અનુભવાતી હોય ત્યારે આ રેમેડી ખૂબ જ સકારાત્મક રીતે કામ કરે છે.

ચેરી પ્લમ

આત્મહત્યાની માનસિકતા માટે આ રેમેડી ઉત્તમ છે. જ્યારે બધું છોડી દેવા જેવી ભયંકર માનસિક પરિસ્થિતિ સર્જાય અને મન પર નિયંત્રણ ન રહે અને આત્મહત્યાના વિચારો આવે, ગુસ્સો આવે અને કોઈ વાર આ બધું કારણ વગર થતું હોય છે. ચેરી પ્લમ આવી સમસ્યામાં એક કારગર રેમેડી છે.

મનુષ્યનું મન જ તેના વર્તન માટે જવાબદાર હોય છે. વ્યક્તિની નકારાત્મકતાને દૂર કરવા બાક ફ્લાવર રેમેડીમાં વિવિધ ઔષધિઓ છે. જે પણ વ્યક્તિ આ થેરપી માટે આવે છે તેનું વ્યક્તિત્વ, સ્વભાવ, માનસિક સ્થિતિ, તેની સામાજિક પરિસ્થિતિ, તેનો જીવનકાળ, એમાં બનેલી ઘટનાઓ અને સમસ્યા આ બધાં પાસાંઓને ધ્યાનમાં રાખી વિવિધ રેમેડીઝનું મિશ્રણ તેમને આપવામાં આવે છે અને તેથી જ સેલ્ફ-થેરપી આમાં વ્યક્તિએ પોતે ન કરવી જોઈએ.

- ડૉ. નિઓમી શાહ,

બાક ફ્લાવર રેમેડી નિષ્ણાત

જાણો રેમેડીઝના ગુણો

મિમ્યુલસ

જો મને કોવિડ થાય તો? કોવિડ થવા પહેલાંથી જ આવો ડર હોય છે તો આ રેમેડી પરિસ્થિતિ સામે લડવાની હિમ્મત આપે છે. જ્યારે પણ કોઈ કારણ વગરનો ડર

સતાવે છે ત્યારે મિમ્યુલસ શક્તિ આપે છે.

રોકરોઝ

ઘણી વાર કોઈ કારણ વગર ફક્ત ગભરાટને કારણે શરીરમાં પૅનિક અટૅક આવે છે. ઉદાહરણ: આજકાલ તો આવો ડર બધે જ છે. ઘરમાં અને ઘરની બહાર પગ મૂકે તો પણ લોકોને કોવિડની બીક હોય છે. વાતાવરણ બદલાતાં શરદી-ઉધરસ થાય તોયે વ્યક્તિ ‘મને કોવિડ જ હશે’ એવું મનમાં નક્કી કરી લે છે અને અત્યંત ગભરાટમાં સરી પડે છે. રોકરોઝ આ ડરમાંથી બહાર લાવે છે અને મનને શાંતિ આપે છે.

એસ્પેન

ઘણી વાર બેઠા હોય અને અચાનક વ્યક્તિને ચિંતા અને બેચેની થવા લાગે. આનું કારણ ખબર ન પડે, પણ ક્યાંય ચેન પણ ન પડે. આવામાં એસ્પેનથી મનને આંતરિક શાંતિ અને સુરક્ષિતતા મળે છે.

રેડ ચેસ્ટનટ

આ રેમેડી ફિયર ઓવર લવ્ડ વન્સ પર અકસીર છે. જેમ કે કોઈને પોતાના સ્વજનની ખૂબ ચિંતા થઈને ગભરાટ થતો હોય, બીજાની ચિંતાના વિષયમાં રેડ ચેસ્ટનટ કારગર રેમેડી છે, કારણ કે આ મનને સકારાત્મક શાંતિ આપે છે.

રેસ્ક્યુ

કોઈને પણ પૅનિક અટૅક આવે અને જો ખબર ન હોય કે આમાં શું કરવું તો તાત્કાલિક રાહત માટે રેસ્ક્યુ રેમેડી ઉત્તમ સાબિત થાય છે. ભયંકર તનાવના સમયે આનો ઉપયોગ થઈ શકે છે, પણ આ તાત્પૂરતી રાહતની રેમેડી છે. આનો લાંબા સમય માટે ઉપયોગ નથી કરાતો.

એલ્મ

નોકરી છૂટે, વ્યક્તિ પરિવારને જ્યારે અમુક રીતે સહકાર ન આપી શકે અને આગળ શું થશે એની બીક લાગે અને સતત પોતાનામાં અપર્યાપ્ત હોવાની ભાવના ઉદ્ભવે છે ત્યારે એલ્મ પોતાનામાં એક આત્મવિશ્વાસ અપાવે છે. અસફળતાના વિચારોમાંથી મુક્ત કરી શકે છે.

11 December, 2020 05:58 PM IST | Mumbai | Bhakti D Desai

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK