° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


કિશોર અને કૉન્ગ્રેસ : હમારી અધૂરી કહાની

01 May, 2022 04:20 PM IST | Mumbai
Raj Goswami

પ્રશાંત કિશોર માટે દેશી ભાષામાં તકવાદી શબ્દ પણ વપરાય છે. એક કહેવત છે કે સમયથી પહેલાં અને હેસિયતથી વધુ કશું ન મળે. એવું કહેવાય છે કે કૉન્ગ્રેસ સાથે પ્રશાંત કિશોરના છેડા ન બંધાયા એનું કારણ દહેજમાં બહુબધું માગી લેવાની વૃત્તિ હતી.

કિશોર અને કૉન્ગ્રેસ : હમારી અધૂરી કહાની

કિશોર અને કૉન્ગ્રેસ : હમારી અધૂરી કહાની

પ્રશાંત કિશોર માટે દેશી ભાષામાં તકવાદી શબ્દ પણ વપરાય છે. એક કહેવત છે કે સમયથી પહેલાં અને હેસિયતથી વધુ કશું ન મળે. એવું કહેવાય છે કે કૉન્ગ્રેસ સાથે પ્રશાંત કિશોરના છેડા ન બંધાયા એનું કારણ દહેજમાં બહુબધું માગી લેવાની વૃત્તિ હતી. એક તો તેમણે પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરવાની યોજના આપી હતી અને એમાં તેમણે સંપૂર્ણપણે છૂટો દોર માગ્યો હતો. છૂટો દોરનો અર્થ અબાધિત સત્તા થાય. જાણકાર લોકો કહે છે કે તેઓ ગાંધી પરિવાર પછીના નેતાનું સ્થાન માગતા હતા

૨૭ માર્ચે મુંબઈમાં યોજાયેલા લોકમત પત્રકારત્વ પુરસ્કાર સમારોહમાં કેન્દ્રીય પરિવહનપ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘લોકશાહી બે પૈડાં પર ચાલે છે : સત્તા પક્ષ અને વિરોધ પક્ષ. લોકશાહી માટે એક મજબૂત વિરોધ પક્ષ અનિવાર્ય છે એટલે મારી હાર્દિક ઇચ્છા છે કે કૉન્ગ્રેસ પાર્ટી મજબૂત થવી જોઈએ. બીજું, કૉન્ગ્રેસ નબળી પડવાથી પ્રાદેશિક પાર્ટીઓ એની જગ્યા લઈ રહી છે જે લોકશાહી માટે સારું નથી. હું પૂરા દિલથી ઇચ્છું છું કે કૉન્ગ્રેસ મજબૂત રહેવી જોઈએ. જે લોકો કૉન્ગ્રેસની વિચારધારાને અનુસરે છે તેમણે પાર્ટીમાં જ રહેવું જોઈએ અને તેમની માન્યતાઓને વળગી રહેવું જોઈએ. તેમણે પરાજયથી નિરાશ થયા વિના કામ કરતા રહેવું જોઈએ. આજે પરાજય છે તો ક્યારેક વિજય પણ હશે.’
‘કૉન્ગ્રેસમુક્ત ભારત’ના બીજેપીના નારાથી વિપરીત ‘કૉન્ગ્રેસને મજબૂત કરો’ની ગડકરીની આ અપીલ કૉન્ગ્રેસીઓને સાંભળવામાં મીઠી લાગે એવી છે. પરાજયથી વિજયનો રસ્તો એટલો આસાન નથી એ છેલ્લી પાંચ વિધાનસભાની ચૂંટણીઓમાં દીવાની જેમ સ્પષ્ટ થઈ ગયું છે. વિશેષ તો ઉત્તર પ્રદેશમાં કથિત શાસનવિરોધી લહેરમાં પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કૉન્ગ્રેસે ઉચિત મુદ્દાઓ ઉપાડીને બૂમાબૂમ તો સારી કરી હતી, પરંતુ વિરોધ પક્ષમાં બેસવા માટે સમ ખાવા પૂરતી એક બેઠક પણ ન મળી એનાથી મોટી દુર્દશા બીજી શી હોય. 
સંસદ કે વિધાનસભાઓનો પ્રશ્ન છે ત્યાં સુધી કૉન્ગ્રેસ પક્ષ અત્યારે એકદમ તળિયે છે. આ અચાનક નથી થયું. અશોક યુનિવર્સિટીના ડેટા અનુસાર ૧૯૮૫માં રાજીવ ગાંધીને (નરેન્દ્ર મોદી કરતાં પણ વધુ) ૪૦૦ બેઠકોની બહુમતી મળી હતી. એ પછી કૉન્ગ્રેસનું ધીમું પણ સતત ધોવાણ થતું રહ્યું છે. ૧૯૬૨થી ૧૯૮૪ સુધી કૉન્ગ્રેસ ૫૦ ટકાથી વધુ બેઠકો જીતતી આવી હતી. માત્ર કટોકટી પછી ૧૯૭૭માં ૩૧ ટકા બેઠકો મળી હતી અને ઇન્દિરા ગાંધીની સરકાર ગબડી હતી. ૧૯૮૪માં એના ૪૯૧ ઉમેદવારોમાંથી ૪૦૪ ઉમેદવાર લોકસભામાં ગયા હતા. એ પછી ૫૦ ટકાની સીમાની પાર એ જઈ શકી નથી. 
૧૯૮૯માં તે ૩૯ ટકા, ૧૯૯૧માં ૪૧ ટકા અને ૧૯૯૬થી ૨૦૦૪ સુધી તે ૨૯ ટકા સુધી અટકી રહી હતી. ૨૦૦૪માં કૉન્ગ્રેસે ગઠબંધનથી સરકાર બનાવી ત્યારે લોકસભામાં એની ૩૫ ટકા બેઠકો હતી. ૨૦૦૯માં એમાં વધારો થઈને ૪૭ ટકા બેઠકો થઈ હતી. ૨૦૧૪માં મોદીના નેતૃત્વમાં બીજેપી સત્તામાં આવી ત્યારે કૉન્ગ્રેસ ૯ ટકા પર હતી. એના ૪૬૪ ઉમેદવારોમાંથી ૪૨૦ હારી ગયા હતા. ૨૦૧૯માં ૪૨૧ ઉમેદવારોમાંથી ૮૮ ટકા ઘરે બેસી ગયા. 
કૉન્ગ્રેસનો દેખાવ નિરાશાજનક છે એ સાચું, પણ જુદી રીતે વિચારો તો સાવ તળિયે આવી જવું અથવા ગુજરાતીમાં કહે છે એમ ‘સાવ ગળે આવી જવું’ વાસ્તવમાં ઉમ્મીદનું કિરણ પૂરું પાડે છે. તળિયે આવી ગયા હો એનાથી વધારે ખરાબ શું થવાનું હોય? તળિયામાં કાણું તો હોય નહીં. એટલે તમે પડી-પડીને કેટલા પડો? હકીકતમાં તમે તળિયે આવીને ઉપર ઊઠવા જેટલો પણ પ્રયાસ કરો એ લાભદાયક જ હોય. કૉન્ગ્રેસની હાલત અત્યારે એવી છે. એની આનાથી ખરાબ પરિસ્થિતિ આવવાની નથી એટલે એ જે પણ પ્રયાસ કરશે એ એને કંઈક અંશે ઉપર જ લઈ જશે. 
તો ક્યા મૈં યે રિશ્તા પક્કા સમજું?
એ સંદર્ભમાં ભારતીય રાજનીતિમાં વ્યાવસાયિક વ્યૂહરચનાકાર તરીકે ઊભરેલા પ્રશાંત કિશોર અને કૉન્ગ્રેસ તાજેતરમાં ગળે મળ્યાં અને થોડા જ દિવસોમાં વિખૂટાં પડી ગયાં એ બતાવે છે કે કૉન્ગ્રેસ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તળિયેથી ઊભા થવા માટે ગંભીર પ્રયાસ કરી રહી છે. પ્રશાંત કિશોર છેલ્લા એક વર્ષથી કૉન્ગ્રેસને લલચાવી રહ્યા હતા. એના માટે તેમણે થોડી કડવી વાતો પણ કરી હતી. ગયા ઑક્ટોબરમાં કિશોરે રાહુલ ગાંધીના સંદર્ભમાં કહ્યું હતું : ‘નેતા એ ભ્રમમાં ન રહે કે લોકો મોદીથી નારાજ છે અને તેઓ મોદીને હરાવી દેશે. શક્ય છે કે તેઓ મોદીને હરાવી દે, પણ બીજેપી ક્યાંય જવાની નથી. એ આવનારા અમુક દાયકાઓ સુધી રાજનીતિમાં એનું સ્થાન બનાવી રાખવાની છે. રાહુલ ગાંધીની મુસીબત એ છે કે તેમને એવું લાગે છે કે સમયની જ વાર છે, લોકો મોદીને સત્તામાંથી બહાર ફેંકી દેશે. એવું કશું થવાનું નથી. જ્યાં સુધી તમે મોદીની તાકાત અને તેઓ કેમ લોકપ્રિય છે એ ન સમજો ત્યાં સુધી તમે તેમણે હરાવી ન શકો.’ વાત કડવી પણ સાચી હતી. 
પાંચ વિધાનસભાની ચૂંટણી પહેલાં બન્ને વચ્ચે ઘણા બુચ્ચા થયા હતા, પરંતુ કંઈક અંશે રાહુલ ગાંધીએ ‘ચૂંટણીઓ પછી જોઈશું’ એમ કહીને વાતને ટાળી દીધી હતી. કૉન્ગ્રેસને ત્યારે એવી આશા હતી કે કોવિડની મહામારીમાં ગેરવહીવટ, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓને લઈને લોકોમાં ‘સરકારવિરોધી’ માહોલ છે એટલે કૉન્ગ્રેસનો દેખાવ બહેતર રહેવાની સંભાવના છે અને જો એવું થાય તો પછી પ્રશાંત કિશોરની સલાહની કોઈ જરૂર નહીં રહે. થયું ઊંધું. કૉન્ગ્રેસનો હતો એના કરતાં દેખાવ બગડ્યો અને આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણી માટે એની ક્ષમતા અંગે ગંભીર સવાલો ઊભા થયા. એમ કહો કે પક્ષ માટે અસ્તિત્વનો સવાલ થયો. 
એવી પરિસ્થિતિમાં પ્રશાંત કિશોરે ફરીથી લંગર નાખ્યું. ગયા માર્ચ મહિનામાં તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ જે રીતે વ્યવહાર કરે છે, જે રીતે લોકો સામે જાય છે અને જે રીતે સંગઠન ચલાવે છે એમાં પાયાના ફેરફારોની જરૂર છે. એણે બેઠા થવા માટે ઘણું બદલવાની જરૂર છે. કૅન્સરનો ઉપાય થોડા ઍન્ટિ-બૉડીથી થાય? કૉન્ગ્રેસે જો સજીવન થવું હોય તો એણે સાતથી દસ વર્ષનો લાંબો વિચાર કરવો જોઈએ.’
એ સંદર્ભમાં પ્રશાંત કિશોર અને કૉન્ગ્રેસ વચ્ચે ફરીથી વાટાઘાટો શરૂ થઈ અને એપ્રિલના મધ્યમાં કિશોર ચાર વખત સોનિયા ગાંધીને મળ્યાં. ૧૬ એપ્રિલે પ્રશાંત કિશોર સોનિયા ગાંધીને ચાર કલાક સુધી મળ્યા હતા. એમાં તેમણે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પક્ષને પાછો લડાયક બનાવવા માટે તેમની ફૉર્મ્યુલા પેશ કરી હતી. એ ફૉર્મ્યુલા શું હતી એની અમુક વિગતો પણ મીડિયામાં ફરતી થઈ હતી, પરંતુ કૉન્ગ્રેસની ટોચની નેતાગીરી સાથે ચર્ચાઓના લાંબા દૌર અને અધધધ કહી શકાય એવા ૬૦૦ સ્લાઇડના પ્રેઝન્ટેશન પછી પ્રશાંત કિશોરની કૉન્ગ્રેસમાં એન્ટ્રી ગુરુવારે અટકી ગઈ. 
કૉન્ગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને જાહેરાત કરી કે ‘શ્રી પ્રશાંત કિશોરના પ્રેઝન્ટેશન અને તેમની સાથેની ચર્ચાઓ બાદ કૉન્ગ્રેસ અધ્યક્ષાએ એમ્પાવર્ડ ઍક્શન ગ્રુપ ૨૦૨૪ની રચના કરી છે અને એ ગ્રુપના હિસ્સા તરીકે નિશ્ચિત જવાબદારી સાથે પક્ષમાં જોડાવા માટે તેમને આમંત્રણ આપ્યું હતું. તેમણે એનો અસ્વીકાર કર્યો છે. અમે તેમના પ્રયાસો અને સૂચનોની સરાહના કરીએ છીએ.’
પ્રશાંત કિશોરે પણ ટ્વિટરનો સહારો લઈને કૉન્ગ્રેસની ઑફરને ‘ઉદાર’ ગણાવી અને શા માટે તેમણે પક્ષમાં જોડાવાનો ઇનકાર કર્યો છે એનો તર્ક પણ આપ્યો, ‘ઈએજી (એમ્પાવર્ડ ઍક્શન ગ્રુપ)ના હિસ્સા તરીકે કૉન્ગ્રેસમાં જોડાવાની અને ચૂંટણીઓની જવાબદારી લેવાની કૉન્ગ્રેસની ઉદાર ઑફરનો મેં અસ્વીકાર કર્યો છે. મારા નમ્ર મતે ઊંડી સંગઠનાત્મક સમસ્યાઓને સુધારાઓ મારફત ઠીક કરવા માટે પક્ષને મારા કરતાં નેતૃત્વની અને સામૂહિક ઇચ્છાશક્તિની જરૂર છે.’
જાણીતા અંગ્રેજી પત્રકાર અને રાજકીય બાબતોના જાણકાર વિનોદ શર્માએ બીબીસીને કહ્યું હતું કે ‘બેઠકોના હિસાબે કૉન્ગ્રેસ ભલે તળિયે હોય, પરંતુ આજે પણ એ ૧૨ કરોડ વોટની પાર્ટી છે. પ્રશાંત કિશોરને આ વાતની ખબર છે અને તેઓ માને છે કે કૉન્ગ્રેસ ફરીથી બેઠી થઈ શકે એમ છે. કૉન્ગ્રેસનો કાર્યકર અત્યારે નિરાશ છે. પાર્ટી જો એક-બે ચૂંટણી જીતી બતાવે તો એનામાં ફરીથી ઉત્સાહ ભરાઈ જાય. પ્રશાંત કિશોર એ શક્ય કરી બતાવે એમ છે.’
સમયથી પહેલાં અને હેસિયતથી વધુ?
પ્રશાંત કિશોર માટે દેશી ભાષામાં તકવાદી શબ્દ પણ વપરાય છે. એક કહેવત છે કે સમયથી પહેલાં અને હેસિયતથી વધુ કશું ન મળે. એવું કહેવાય છે કે કૉન્ગ્રેસ સાથે પ્રશાંત કિશોરના છેડા ન બંધાયા એનું કારણ દહેજમાં બહુબધું માગી લેવાની વૃત્તિ હતી. એક તો તેમણે પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરવાની યોજના આપી હતી અને એમાં તેમણે સંપૂર્ણપણે છૂટો દોર માગ્યો હતો. છૂટો દોરનો અર્થ અબાધિત સત્તા થાય. જાણકાર લોકો કહે છે કે તેઓ ગાંધી પરિવાર પછીના નેતાનું સ્થાન માગતા હતા. કૉન્ગ્રેસ ભલે કમજોર હોય, પરંતુ અખિલ ભારતીય સંગઠન ધરાવતા દેશના સૌથી જૂના પક્ષમાં એક વ્યક્તિ બહારથી અચાનક આવે અને ટોચની ખુરશીમાં બેસી જાય તો લાખો કાર્યકરો તેને સહન કરે કે ન કરે એ સવાલ તો ઊભો થાય. 
એને બદલે કૉન્ગ્રેસે તેમને એમ્પાવર્ડ ઍક્શન ગ્રુપમાં ભાગ લઈને ૨૦૨૪ની ચૂંટણી જીતવાની જવાબદારી લેવાનું કહ્યું હતું. પ્રશાંત કિશોર ઇચ્છતા હતા કે તે ખાલી સૂચનો કરે અને એનો અમલ કરવાનું કામ ગાંધી પરિવાર કરે. તેમનું એક સૂચન એવું હતું કે કૉન્ગ્રેસની કમાન બિનગાંધી પરિવારની વ્યક્તિને સોંપવામાં આવે અને સોનિયા ગાંધી કૉન્ગ્રેસ અને અન્ય પક્ષો સાથેના ગઠબંધનનાં ચૅરમૅન બને. તેમની ફૉર્મ્યુલા પ્રમાણે ૧૭ રાજ્યોમાં ૩૫૮ બેઠકો પર કૉન્ગ્રેસે એકલા હાથે, પાંચ રાજ્યોમાં ૧૬૮ બેઠકો પર પ્રાદેશિક પક્ષો સાથે મળીને અને ઉત્તર-પૂર્વમાં ૧૭ બેઠકો પર નાના પક્ષો સાથે મળીને ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 
પક્ષમાં નેતૃત્વથી લઈને સંગઠનાત્મક ધરખમ ફેરફારોને લઈને કૉન્ગ્રેસમાં એકમતી નહોતી. પ્રશાંત કિશોર રાતોરાત બધું બદલી નાખવા માગતા હતા અને કૉન્ગ્રેસની ઇચ્છા હતી કે તમે કોઈ એક કામ (૨૦૨૪ની ચૂંટણીની વ્યૂહરચના) હાથ પર લો. કૉન્ગ્રેસના કેટલાય નેતા ખાનગીમાં ગુસપુસ કરતા હતા કે સોનિયા ગાંધી માર્કેટિંગ કરવા માટે એક સલાહકારને રાખવા માગતાં હોય તો ભલે રાખે, આખી દુકાન ચલાવવા આપી દો અને દુકાન જ બંધ થઈ જાય એવું ન થાય. 
જોકે કૉન્ગ્રેસે દરવાજા સાવ બંધ નથી કર્યા. પક્ષને ખબર છે કે નરેન્દ્ર મોદી, મમતા બૅનરજી, અરવિંદ કેજરીવાલ, નીતીશકુમાર, વાય. એસ. જગનમોહન રેડ્ડી, એમ. કે. સ્ટાલિન જેવા નેતાઓ અને તેમના પક્ષને સેવા આપી આવેલા પ્રશાંત કિશોરને કૉન્ગ્રેસની પણ એટલી જ જરૂર છે. કદાચ એટલે જ કૉન્ગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ ભવિષ્યમાં પ્રશાંત કિશોરની સલાહ લેવામાં આવશે એવા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ પાર્ટીનાં બારી-બારણાં ખુલ્લાં રહે છે. અમે સૌની સલાહ સાંભળીએ છીએ. અમે એક જીવંત સંગઠન છીએ.’ 
ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે પણ એવો જ સૂર વ્યક્ત કર્યો છે, ‘પ્રશાંત કિશોરના પ્રેઝન્ટેશનમાં ઘણો સારો ડેટા હતો. અમે અમુક સૂચનો પર અમલ કરવા ઇચ્છીએ છીએ.’ 
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય નિરીક્ષક રશીદ કિડવાઈ પ્રશાંત કિશોર અને કૉન્ગ્રેસનું મિલન ન થયું એને ‘ઐતિહાસિક બ્લન્ડર’ ગણાવે છે. તેઓ કહે છે, ‘કૉન્ગ્રેસે હાથમાં આવેલી તક ગુમાવી દીધી. મોટી સમસ્યા એ છે કે નેતૃત્વના મુદ્દે અને ૨૦૨૪ની ચૂંટણીઓની તૈયારીઓ માટે પાર્ટી પાસે વૈકલ્પિક પ્લાન નથી. ૨૦૨૪ પહેલાં ૧૨ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે અને એમાં તેમની સત્તાવાળાં રાજસ્થાન અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. રાજસ્થાનમાં ચાલતી ખટપટ અને ગુજરાત જેવાં રાજ્યોમાં આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ અને કર્ણાટક, તેલંગણ, હિમાચલ વગેરેમાં અનિશ્ચિતતા ગાંધી પરિવારના નેતૃત્વ હેઠળની કૉન્ગ્રેસ પાર્ટીને વધુ ચપેટમાં લેશે.’

01 May, 2022 04:20 PM IST | Mumbai | Raj Goswami

અન્ય લેખો

ઉદ્ધવ v/s એકનાથ : સેના માટે લડાઈ!

ભાવુક થઈને રાજીનામું આપવાનો ઉદ્ધવનો ઊભરો શાંત થઈ ગયો છે અને સરકાર બચાવવા તેમ જ શિંદે કૅમ્પમાંથી અમુક વિધાયકોને પાછા લાવવા (અમુકને ગેરલાયક ઠેરવવા) માટે લાંબી લડાઈ લડવાનું નક્કી કર્યું છે

26 June, 2022 01:35 IST | Mumbai | Raj Goswami

અગ્નિપથ : અશ્રુ સ્વેદ રક્ત સે લથપથ

એ વખતે તેમની પાછળ ‘ગંગા જમુના સરસ્વતી’, ‘તૂફાન’, ‘જાદુગર’ અને ‘મૈં આઝાદ હૂં’ જેવી નિષ્ફળ ફિલ્મોની ‘લાશ’ પડેલી હતી.

25 June, 2022 01:38 IST | Mumbai | Raj Goswami

ટીવી ચૅનલોનો અગ્નિપથ : હવે મોંઘવારી અને બેરોજગારીની ચર્ચા કરશે?

નવાઝુદ્દીન સિદ્દીકીની ‘સૅક્રેડ ગેમ્સ’માં એક સંવાદ હતો : દુનિયા કી બાઝાર મેં ધરમ હી સબસે બડા ધંદા હૈ. આ લાઇન ટીવી ચૅનલો માટે એકદમ ફિટ બેસતી હતી.

19 June, 2022 02:13 IST | Mumbai | Raj Goswami

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK