° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


બોલે કંગના, ડોલે સેના

13 September, 2020 06:58 PM IST | Mumbai | Rashmin Shah

બોલે કંગના, ડોલે સેના

કંગના રનોટ

કંગના રનોટ

ઉદ્ધવ ઠાકરેએ જીવનમાં ક્યારેય કોઈ ઍક્ટ્રેસનાં સપનાં નહીં જોયાં હોય, પણ છેલ્લા થોડા સમયથી તેને રોજ રાતે સપનામાં કંગના રનોટ આવતી હશે એ નક્કી છે. શિવસેના અને આખેઆખી મહારાષ્ટ્ર ગવર્નમેન્ટને પરસેવો છોડાવી દેવાનું કામ કરનારી ૩૧ વર્ષની કંગના રનોટનો જન્મ જ કદાચ આ પ્રકારે ભલભલાને રેલો ઉતારવા માટે થયો હોય એવું લાગે છે. કંગનાની ખાસિયત રહી છે કે તેને જ્યારે પણ અને જેકોઈએ દબડાવવાની કોશિશ કરી છે ત્યારે તે વધારે જોરથી માથું ઊંચકે છે. અલત્ત, આ પ્રોસેસમાં તે અટવાઈ છે અને ફસડાઈ પણ છે, પરંતુ કંગનાએ ક્યારેય એવી વાતોને મન પર ચડવા નથી દીધી. કંગનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને હંમેશાં એવું લાગ્યું છે કે ચૂપ કરવાના હજાર રસ્તા છે, પણ જો તમે એક વાર બોલતા થઈ જાઓ તો તમને કોઈ નડતું નથી અને નડવાનું વિચારતું પણ નથી. મારી સાથે શરૂઆતમાં એવું થતું અને એટલે કદાચ મારામાં આ વિદ્રોહી સ્વભાવ કાયમી બની ગયો હશે.’

કંગના રનોટના આ સ્વભાવ અને પોતાના આ સ્વભાવને લીધે કેવી રીતે કંગના ભૂતકાળમાં હેરાન થઈ છે એની વાત કરતાં પહેલાં કંગનાની મુંબઈ પહેલાંની જર્ની વિશે વાત જાણવા જેવી છે. સૌકોઈને ખબર છે કે અમરદીપ રનોટની દીકરી કંગનાનો જન્મ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ભાંબલા નામના ગામમાં થયો છે. અમરદીપ રનોટ રાજપૂત જમીનદાર, કંગના પહેલાં તેને ત્યાં એક દીકરી રંગોલીનો જન્મ થયો હતો. કંગનાના જન્મ પહેલાં અમરદીપ અને કંગનાની મમ્મી આશા રનોટને દીકરાની જ અપેક્ષા હતી અને એટલે જ અમરદીપ આશાને આરામ પણ ભાગ્યે જ કરવા દેતા. કહેતા કે દીકરો આળસુ આવશે એટલે વગર કારણનો આરામ કરવો નહીં. કંગનાનો જન્મ થતાં માબાપ બન્નેને નિરાશા મળી અને એટલે જ તેમણે ત્રીજા બાળકનું પ્લાનિંગ કર્યું અને ત્રીજું સંતાન એટલે અક્ષત, કંગનાનો નાનો ભાઈ. રંગોલી અને કંગનાનાં નાની ઉંમરે જ લગ્ન કરાવી દેવાનું તેનાં માબાપે વિચાર્યું હતું, પણ કંગના એને માટે તૈયાર નહોતી. કંગનાના પપ્પા ઇચ્છતા હતા કે જો તે ભણવામાં ધ્યાન આપે અને ડૉક્ટર બને તો લગ્ન પાછળ ઠેલે, પણ જો એવું કરવું ન હોય તો તેઓ કંગનાને ૧૮ વર્ષની ઉંમરે જ પરણાવી દેવા માગતા હતા. કંગનાને બન્નેમાંથી એક પણ વાત મંજૂર નહોતી એટલે તેણે ઘર છોડી દીધું અને દિલ્હી આવી ગઈ. કંગનાએ દિલ્હીમાં મૉડલિંગ કર્યું અને નાટક પણ કર્યાં. કંગનાને એ સમયે તેની બહેન રંગોલી હેલ્પ કરતી અને એટલે જ આજે બધાં કામમાં રંગોલી તેની સાથે રહે છે. કંગનાને જો કોઈ રોકી કે અટકાવી શકે તો એ માત્ર ને માત્ર રંગોલી છે. આખું બૉલીવુડ જાણે છે કે રંગોલી સિવાય આ કામ બીજું કોઈ કરી શકતું નથી અને મજાની વાત એ છે કે રંગોલી પણ ભાગ્યે જ કંગનાને રોકે છે. જેને લીધે એવું બન્યું છે કે સમયાંતરે કંગના વિવાદમાં અટવાતી રહી.

વિવાદ નંબર એક

આદિત્ય પંચોલીએ ડ્રગ્સના નશામાં ભરપૂર ગેરલાભ લીધો હોવાનો આક્ષેપ

કરીઅરની શરૂઆતમાં કંગનાને આદિત્ય પંચોલી સાથે અફેર હોવાની વાતો બહુ ચગી હતી, પણ કંગનાએ એક સમયે એ વાતનું ખંડન કરીને આદિત્ય પંચોલી પર એવા આક્ષેપ કર્યા હતા કે આદિત્યએ ડ્રગ્સના નશામાં મારો ભરપૂર ગેરલાભ લીધો છે. કંગનાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આદિત્ય મને ડ્રગ્સનાં ઇન્જેક્શન આપતો અને એ ડ્રગ્સની અસર વચ્ચે તેની સાથે ઇન્ટિમેટ રિલેશન બાંધવામાં આવતા હતા. આ વિવાદ પછી બૉલીવુડમાં સન્નાટો મચી ગયો હતો. કંગનાએ હમણાં ફરી એક વાર આ જ વિવાદને જગાડતાં કહ્યું કે બૉલીવુડના મોટા ભાગના સ્ટાર્સ ડ્રગ્સ લે છે અને ડ્રગ્સની આડશમાં બૉલીવુડમાં આવતી ફ્રેશરનો ગેરલાભ લે છે. કંગનાના કહેવા મુજબ આદિત્ય પંચોલીએ તેને લગભગ નજરકેદ રાખી હતી અને એવા તેણે આઠેક મહિના સહન કર્યા. કંગનાને કામ ન મળે એ માટે પણ તે સતત પ્રયાસ કરતો અને એ પછી પણ એક દિવસ કંગનાને મહેશ ભટ્ટની ‘ગૅન્ગસ્ટર’માં બ્રેક મળી ગયો અને કંગના એ પછી હિંમત કરીને આદિત્ય પંચોલીના ફ્લૅટમાંથી નીકળી ગઈ. કંગનાએ આ તમામ વાતો ત્રણેક વર્ષ પછી મીડિયા સામે રિવિલ કરી ત્યારે જબરદસ્ત વિવાદ થયો હતો. કંગનાએ એ સમયે પણ નામ સાથે કહ્યું હતું કે આદિત્ય પંચોલીની ડ્રગ્સ-ટેસ્ટ કરવી જોઈએ અને બૉલીવુડમાં ફ્રેશર છોકરીઓને પૂછવું પણ જોઈએ. મોટા ભાગની છોકરીઓને આદિત્યએ પોતાનો શિકાર બનાવી છે.

એ વિવાદ પછી આદિત્ય પંચોલી થોડા સમય માટે બૅકફૂટ થયો અને એ પછી તેણે ક્યારેય કંગનાની કોઈ બાબતમાં જવાબ આપવાની કે કમેન્ટ કરવાની કોઈ ગુસ્તાખી કરી નહીં.

વિવાદ નંબર બે

કંગના બ્લૅક મૅજિક કરતી હોવાનો આક્ષેપ અધ્યયન સુમને કરેલો

અધ્યયન સુમન એટલે શેખર સુમનના દીકરાની ગર્લફ્રેન્ડ બન્યા પછી કંગનાએ અધ્યયન પર પણ આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે અધ્યયને ડ્રગ્સના નશામાં મારા પર રેપ કર્યો હતો. કંગનાના એ આક્ષેપ લગભગ ચારેક મહિના ચાલ્યા હતા અને એ પછી અધ્યયન જવાબ આપવા માટે સામે આવ્યો હતો. અધ્યયન ડ્રગ્સ લે છે અને તે પોતાના ફ્રેન્ડ-ર્સકલમાં ડ્રગ્સની અરેન્જમેન્ટ પણ કરી આપે છે એવો આક્ષેપ પણ કંગનાઓ જે-તે સમયે કર્યો હતો. કંગનાએ કહ્યું હતું કે અધ્યયન મારી સાથે મૅરેજ કરવા માગતો હતો, પણ ડ્રગ્સને કારણે તે રાજી નહોતી. સામા પક્ષે અધ્યયને આક્ષેપ કરતાં કહ્યું હતું કે કંગના સતત બ્લૅક મૅજિક કરે છે અને બ્લૅક મૅજિક થકી તે કોઈ પણ વ્યક્તિને પોતાના કબજામાં રાખે છે. અધ્યયનના કહેવા મુજબ, કંગના તેને માટે જે જમવાનું બનાવતી એમાં તેનું પોતાનું બ્લડ પણ મિક્સ કરતી હતી. બ્લૅક મૅજિકની આ વાતથી બૉલીવુડમાં સોપો પડી ગયો હતો. અધ્યયને જે-તે સમયે બ્લૅક મૅજિકના પુરાવા પણ મીડિયા સમક્ષ મૂક્યા હતા અને એવું પણ કહ્યું હતું કે કંગનાએ તેના વતનમાં એટલે કે હિમાચલ પ્રદેશમાં આ કામ કરવા માટે પગારદાર માણસ રાખ્યા છે, જે સતત કંગના માટે બ્લૅક મૅજિકનું કામ કરે છે. કંગનાએ આ બાબતમાં કોઈ ખુલાસો કરવાનું પસંદ નહોતું કર્યું અને તે એ વખતે ચૂપ રહી હતી.

અધ્યયનના આ આક્ષેપ પછી થોડો સમય સન્નાટો પ્રસરી ગયો હતો અને બૉલીવુડના મોટા ભાગના લોકો કંગના સાથે રિલેશનશિપ રાખતાં ડરતા હતા. કંગનાએ આ વાતને પણ મીડિયામાં ઉછાળી હતી, પણ કોઈ એને રિસ્પૉન્સ નહોતો મળ્યો અને એ પછી આ વિવાદ શાંત પડી ગયો હતો.

વિવાદ નંબર ત્રણ

હંસલ મહેતા પાસેથી ડિરેક્શન છીનવીને ‘સિમરન’ ફિલ્મ જાતે ડિરેક્ટ કરવા માંડી હતી કંગના

ઇન્ડસ્ટ્રીમાં કોઈને કામ નથી આવડતું, હા, આવો આક્ષેપ છે કંગના રનોટનો અને એ આક્ષેપ પછી કંગનાએ રાઇટરથી માંડીને ડિરેક્ટરનાં કામમાં ચંચુપાત શરૂ કરી દીધો છે. આજે ભાગ્યે જ કોઈ એવો એસ્ટૅબ્લિશ રાઇટર કે ડિરેક્ટર છે જે કંગના સાથે કામ કરવા રાજી હોય. કંગનાએ ‘ક્વીન’ ફિલ્મમાં પોતાના ડાયલૉગ્સ જાતે લખ્યા અને એને માટેની ફીની ડિમાન્ડ પણ કરી તો ‘સિમરન’ નામની સુપર ફ્લૉપ ફિલ્મમાં તે હંસલ મહેતા પાસેથી ડિરેક્શન છીનવીને ફિલ્મ જાતે ડિરેક્ટ કરવા માંડી હતી. ‘સિમરન’ સાથે ગુજરાતી થિયેટર અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો પણ જોડાયેલા હતા. અમેરિકામાં કંગનાએ આખા યુનિટને તોબા પોકારાવી દીધી હતી. તે અને તેની બહેન રંગોલી બન્ને ડિરેક્શનથી માંડીને અન્ય ટેક્નિકલ બાબતોમાં એટલો ચંચુપાત કરતી હતી કે પ્રોડક્શન-ટીમે માનતા રાખી હતી કે ફિલ્મ પૂરી થઈ જાય અને હેમખેમ બધા ઇન્ડિયા પહોંચી જાય એટલે બધા ચાલીને સિદ્ધિવિનાયક દર્શન માટે જશે. અમેરિકામાં આખા યુનિટ પર ક્રીએટિવિટીના નામે ત્રાટકેલી કંગનાએ આ વિવાદ પર જવાબ આપતાં કહ્યું હતું કે કોઈને મહેનત કરવી નથી એવા સમયે ફ્લૉપ મારા નામે બોલે એ મને પસંદ નથી એટલે હવેથી મારું કામ હું જાતે જોવાની છું અને મારો આ જ નિર્ણય રહેશે. કંગનાના આ જવાબને બચાવ ગણવો કે પછી શિંગડાં ભરાવવાની વૃત્તિ માનવી એ કોઈ નક્કી નહોતું કરી શક્યું.

‘સિમરન’ પછી કંગના સાથે એ જ પ્રોડક્શન-હાઉસમાંથી કેટલાક લોકો છૂટા થઈ ગયા અને નક્કી કર્યું હતું કે કંગના સાથે ફરી ક્યારેય કામ કરવું નહીં.

વિવાદ નંબર ચાર

અજય દેવગણ તેના એકપક્ષીય પ્રેમમાં છે એવી હવા ફેલાવેલી કંગનાએ

અજય દેવગન. કંગનાએ ફિલ્મ ‘વન્સ અપૉન ઇન મુંબઈ’ના શૂટિંગ વખતે એવો ઇન્ટરવ્યુ આપ્યો હતો કે અજય દેવગન તેના એકપક્ષી પ્રેમમાં છે. આ ઇન્ટરવ્યુ પછી અજય કોઈ કાળે આ ફિલ્મ પૂરી કરવા રાજી નહોતો. તેની શરત હતી કે કંગનાને હટાવવામાં આવે પણ એકતા કપૂરને કારણે મામલો માંડ થાળે પડ્યો અને અજયે ફિલ્મ કન્ટિન્યુ કરી. જોકે એ પહેલાં અજયે ડિરેક્ટર મિલન લુથરિયા અને રાઇટર રજત અરોરા સાથે બેસીને કંગનાના રોલ પર મોટી કાતર ફેરવાવી દીધી હતી. ફિલ્મની રિલીઝ વખતે પણ અજય દેવગનના આ કહેવાતા એકપક્ષી પ્રેમની વાતોને કંગનાએ હવા આપવાની કોશિશ કરી હતી, પણ સામે મોટો સ્ટાર હોવાથી એ વાતને વધારે પડતી હવા મીડિયામાં મળી નહીં અને કંગનાનો એ વિવાદ વધારે આગળ વધી શક્યો નહીં. કંગનાએ કરેલા આ આક્ષેપ અને આ આક્ષેપને કારણે થયેલા વિવાદને લીધે અજય દેવગને ક્યારેય કંગના સાથે ફરી કામ કર્યું નહીં. જૂજ લોકોને ખબર છે કે કંગના ઑલરેડી ‘બાદશાહો’ નામની ફિલ્મમાં અજય દેવગન સાથે ફાઇનલ હતી અને પૂરું પેમેન્ટ પણ તેને આપી દેવામાં આવ્યું હતું, પણ છેલ્લી ઘડીએ અજયે તેને એ ફિલ્મમાંથી ડ્રૉપ કરાવી, જેના બદલામાં અજયે પ્રોડ્યુસરને ૮ મહિના અગાઉની ડેટ્સ પણ કરી આપી હતી.

અજય દેવગન અને કંગનાને અન્ય એક ફિલ્મમાં પણ ટી-સિરીઝે સાઇન કર્યાં હતાં, અને એ ફિલ્મ ક્યારેય બની નહીં, તો વાસુ ભગનાનીએ બન્નેને સાઇન કર્યાં હતાં એ ફિલ્મ પણ ક્યારેય ફ્લોર પર ગઈ નહીં.

વિવાદ નંબર પાંચ

હૃતિક તેના પ્રેમમાં હતો અને અનઑફિશ્યલી સાથે રાખવા માગતો હોવાનો આક્ષેપ કરેલો કંગનાએ

એવું નથી કે કંગનાએ માત્ર અજય દેવગનના નામે જ વિવાદ જન્માવ્યો હોય. હૃતિક રોશન પણ એ જ કૅટેગરીનું એક નામ છે અને હૃતિકના કેસમાં તો વિવાદે બહુ મોટું સ્વરૂપ પણ લીધું હતું. બન્ને વચ્ચે થયેલા આક્ષેપોના મારા વચ્ચે કંગનાએ એવો દાવો કર્યો હતો કે હૃતિક તેના પ્રેમમાં હતો અને તે તેને કાયમ માટે અનઑફિશ્યલ રીતે સાથે રાખવા માગતો હતો, જે તેને મંજૂર નહોતું. હૃતિક રોશન પર કંગનાએ રીતસરના આક્ષેપોનું બૉમ્બાર્ડિંગ ચલાવ્યું હતું, જેમાં કંગનાએ રાકેશ રોશનને પણ સમાવી લીધા હતા. હૃતિક રોશન અને સુઝૅનના ડિવૉર્સમાં પણ કંગનાનો બહુ મોટો હાથ રહ્યો હતો એવું પણ સતત કહેવાતું રહ્યું હતું. કંગનાએ જ સુઝૅનને હૃતિક વિરુદ્ધ ભડકાવ્યો હતો અને એની અસર એ થઈ કે સુઝૅન અને હૃતિક બન્ને છૂટાં પડ્યાં. જોકે સમયાંતરે બન્નેએ પોતપોતાની મૅચ્યોરિટી દેખાડી અને એક ચોક્કસ અંતર સાથે બન્નેએ ફરી મળવાનું શરૂ કર્યું. જોકે કંગનાએ એને પણ વિવાદનું રૂપ આપ્યું હતું અને એવો આક્ષેપ કર્યો હતો કે સુઝૅન ફરી પાછી મૂર્ખ બની રહી છે.

અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદમાં પણ કંગનાએ આ જ કેસ અને હૃતિક રોશનને ફરીથી ઇન્વૉલ્વ કરવાની કોશિશ કરતાં એક ન્યુઝ-ચૅનલના ઇન્ટરવ્યુમાં હૃતિકનું નામ લીધા વિના કહ્યું હતું કે ડ્રગ્સના ઓવરડોઝ વચ્ચે એક સુપરસ્ટારને થોડો સમય હૉસ્પિટલમાં ઍડ્મિટ થવું પડ્યું. બધાને વાતની ખબર પડે એમ હતી એટલે એવું જાહેર કરવામાં આવ્યું કે એ સુપરસ્ટારને બ્રેઇન-ટ્યુમર છે, પણ હકીકત એ હતી કે ડ્રગ્સનો ઓવરડોઝ છે.

સુશાંતસિંહ રાજપૂત, ડ્રગ્સ, નેપોટિઝમ, રિયા ચક્રવર્તી અને એવાબધા મુદ્દાઓ સતત સળગતા હોવાથી કંગનાના આ આક્ષેપ પર કોઈનું ધ્યાન ગયું નહીં, પણ કંગનાએ ટ્રાય કરી હતી કે તે ફરી એક વખત હૃતિક રોશનને નવા વિવાદમાં લઈ આવે.

13 September, 2020 06:58 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK