Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બિખરોગે નહીં તો કૈસે નિખરોગે?

બિખરોગે નહીં તો કૈસે નિખરોગે?

10 December, 2022 02:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરિવર્તન સંસારનો નિયમ છે. તમે જો બદલાવને સ્વીકારી બિયૉન્ડ બાઉન્ડરી નીકળી ગયા અને એક પછી એક મર્યાદાને ઓળંગતા ગયા તો જીવન તમને પ્રત્યેક ક્ષણ નવો રોમાંચ આપશે.

બિખરોગે નહીં તો કૈસે નિખરોગે? સેટરડે સરપ્રાઈઝ

બિખરોગે નહીં તો કૈસે નિખરોગે?


પરિવર્તન સંસારનો નિયમ છે. તમે જો બદલાવને સ્વીકારી બિયૉન્ડ બાઉન્ડરી નીકળી ગયા અને એક પછી એક મર્યાદાને ઓળંગતા ગયા તો જીવન તમને પ્રત્યેક ક્ષણ નવો રોમાંચ આપશે. આ જ વાતની ઝલક તમને મારા પુસ્તક ‘સ્ટોરી આઇ મસ્ટ ટેલ’માં સતત મળશે અને એટલે જ કહું છું કે યંગ જનરેશન એની સાથે સરસ રીતે કનેક્ટ થઈ શકી છે

બાવન વર્ષ. 
અફકોર્સ, બહુ મોટો સમયગાળો છે આ. સિનેમા સાથે જોડાયેલા રહેવાનો અને એન્ટરટેઇનમેન્ટનાં જુદાં-જુદાં માધ્યમોમાં કામ કરતા રહી પાર વિનાની ચડતી-પડતીના સમયને જોઈ ચૂક્યો છું. જીવનનો સંઘર્ષ રોમાંચ આપનારો થઈ જાય, જ્યારે તમે દરેક સંજોગોમાં ટકી રહેવાનું નક્કી કરો. નિરાશ થયો, થાક્યો, કંટાળ્યો, પણ ફરી પાછો બેઠો થયો. હતાશાની ક્ષણો આવી છે, એ ક્ષણો વચ્ચે પણ ફરી-ફરી કંઈક નવું કરવાના અને ફરીથી બેઠા થવાના પ્રયાસ પણ થતા રહ્યા. આજે હું જેકંઈ છું એ પ્રયાસોનું જ પરિણામ છે. આ જ વાત મારે યુવા પેઢીને કહેવી હતી અને એટલે જ મારી બાયોગ્રાફી ‘સ્ટોરી આઇ મસ્ટ ટેલ’ લખતી વખતે હું અત્યંત પ્રામાણિક રહી શક્યો છું. હવે તો એની ‘કહી અનકહી’ હિન્દી આવૃત્તિ પણ પ્રકાશિત થઈ ચૂકી છે. એક ઍક્ટરના જીવનની પ્રામાણિકતા તમને એમાં રિફ્લેક્ટ થતી દેખાશે અને ઘણી રીતે દિશા ચીંધવાનું પણ કામ કરશે. આવનારા સમયમાં ગુજરાતી સહિત બીજી ભાષાઓમાં આ પુસ્તક અવેલેબલ થશે. ગુજરાતીની વાત કરું તો ગુજરાતી ટ્રાન્સક્રિયેશન જે કરશે એ ‘મિડ-ડે’ સાથે જોડાયેલી જ વ્યક્તિ છે, પણ એ વાત અત્યારે મહત્ત્વની નથી. મહત્ત્વનું છે આ પુસ્તકથી ક્યાંક ને ક્યાંક માણસને તેની અંદર રહેલી ક્ષમતાઓની વાસ્તવિક તાકાતનો અનુભવ કરે એ. દુનિયાની દૃષ્ટિએ જીવનમાં કોઈ આદર્શ ન હોય તો પણ એ જીવન ખાસ છે એ આ પુસ્તક કહે છે.
તમને શું લાગે છે, હિન્દી સિનેમા અને પછી યુરોપિયન સિનેમાની મારી દુનિયા શરૂ થઈ ત્યારે શું ઓછા પડકાર આવ્યા હશે? દરેક નવી વાત, નવા બદલાવ અસુરક્ષિતતાનો ભાવ લઈને તમારી સામે પ્રસ્તુત થતી હોય છે. તમને તમારી મર્યાદાઓથી અવગત કરાવતી હોય છે, પણ એ સમયે જો મર્યાદાની એ બાઉન્ડરીમાંથી તમે બહાર નીકળીને જાત પર ભરોસો રાખી હિંમતપૂર્વક મહેનત કરવાની તૈયારી સાથે આગળ વધ્યા તો કોઈ બાબત તમારા માટે અશક્ય રહેતી નથી. જુદાં-જુદાં માધ્યમોમાં અઢળક કામ કર્યા પછી સિનેમામાં ટેક્નિકલી ઘણા બદલાવ આવતા જોયા છે. 
લોકોનો અભિગમ બદલાયો, ઑડિયન્સની પસંદગીમાં ફેરફાર થયા; ઇક્વિપમેન્ટ્સથી લઈ થિયેટર, ફિલ્મ, ડીવીડી, ટેલિવિઝન, ઓટીટી જેવાં માધ્યમોમાં પણ સતત બદલાવ થયા. સ્પેશ્યલ ઇફેક્ટ્સની ભરમાર અને સાથે બિઝનેસમાં લાગતો પૈસો મોટો જ થતો ગયો છે, પરંતુ એક બાબત કૉમન રહી જે છે ઑડિયન્સનો સારા કન્ટેન્ટ માટેનો ક્રેઝ. તમે આજે પણ ગમેતએટલી સ્પેશ્યલ ઇફેક્ટ્સ વાપરો, પણ જો ઑડિયન્સના હૃદયને સ્પર્શી ન શક્યા તો કરોડો ખર્ચ્યા પછી પણ ફિલ્મ ફ્લૉપ જાય છે. આજે પણ સરપ્રાઇઝિંગ ફૅક્ટર સાથેના કન્ટેન્ટથી ઑડિયન્સ રીઝે છે. આજે પણ ફિલ્મની કથામાં સારા પ્લૉટની દર્શકોને અપેક્ષા હોય છે. બદલાવ અને સ્ટૅટિસ્ટિક્સનો આ ગજબ અને સુંદર સંગમ છે. 
ભાષા કે સ્થાનની મર્યાદા રહી નથી. તમે કોઈ પણ ભાષામાં કામ કરો, તમે વાસ્ટ ઑડિયન્સ સાથે કનેક્ટ થઈ જ શકતા હો છો. તેલગુ ઍક્ટરને ઇટલીમાં બેઠેલી વ્યક્તિ પણ કનેક્ટ કરી શકે એટલી બ્રૉડનેસ પ્લૅટફૉર્મ્સ અને ટેક્નૉલૉજિકલ ઍડ્વાન્સમેન્ટને કારણે આવી છે. એક સમયે અનેક ભાષામાં તમારી ફિલ્મ બ્રૉડકાસ્ટ થાય અને વિશ્વના ખૂણેખૂણામાં બેઠેલી વ્યક્તિ એને માણી શકે એ કેટલો ફૅસિનેટિંગ ચેન્જ છે. મનોરંજનનું આ વિસ્તરેલું કૅન્વસ કલાકાર તરીકે તમને જબરો બૂસ્ટ આપે છે. ભાષાની મર્યાદા ગાયબ થઈ ગઈ છે એ બહુ મોટો ચેન્જ મને લાગે છે. 
એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કૉર્પોરેટ કલ્ચર ઍડ થયું એ પણ મારી દૃષ્ટિએ આવેલો એક પૉઝિટિવ બદલાવ છે, જે હૉલીવુડમાં હું અનુભવી ચૂકયો છું. કૉર્પોરેટ કલ્ચર આવવાથી આખી પ્રક્રિયામાં સિસ્ટમ ઉમેરાતી હોય છે. તમે વધુ પ્રોફેશનલ અને ડિસિપ્લિન્ડ બનો એ ઓવરઑલ સારી આદત છે. એવું નથી કે કૉર્પોરેટની સિસ્ટમ ઉમેરાતાં લોકોની ક્રીએટિવિટી મરી જાય એ ખોટી ધારણા છે. બિઝનેસ-સેન્સ સાથે જ્યારે ક્રીએટિવિટીનો ઉમેરો થાય ત્યારે એમાં ફેરનેસ વધુ હોય છે. એક જમાનો હતો જ્યારે ફિલ્મ બનાવવા માટે પ્રોડ્યુસર પોતાનાં ઘર ગીરવી મૂકતા. એ સમયે ફિલ્મ બનાવવાનું અને ફિલ્મોમાં આવવાનું અઘરું હતું, પરંતુ આજે ઑબ્ઝર્વ કરીએ તો એમાં વધુ નવા પડકાર ઉમેરાયા છે. પહેલાં ઍક્ટિંગ ન આવડતી હોય તો પણ સ્ટાર બની જતા અને આજે, જો ઍક્ટિંગ ન આવડે તો સ્ટારડમ ભૂલી જવાનું. આજના છોકરાએ એન્ટરટેઇનમેન્ટના વિશ્વમાં ટકી રહેવું હોય તો તેણે સારા ઍક્ટર હોવાની સાથે સારા ડાન્સર, વૉઇસઓવર આર્ટિસ્ટ એમ દરેક બાબતે ઑલરાઉન્ડર બન્યા વિના છૂટકો નથી. ભલે અમુક લોકો કહે કે આજની પેઢીને બધું રેડીમેડ મળી ગયું છે, પણ મને એ સાચું નથી લાગતું. ઇન ફૅક્ટ, આજની પેઢીની સામે કૉમ્પિટિશન વધુ અને વૅલિડેશન માટેની જર્ની લાંબી થઈ છે. તેમણે પોતાની જાતને ડગલે ને પગલે પ્રૂવ કરતા જવાની છે. 
ઘણા મને પૂછે કે હૉલીવુડમાં આટલું બધું કામ અને નામ પછી પણ હૉલીવુડ અને હિન્દી ફિલ્મ વચ્ચે જુદું તારવતું શું દેખાય? 
સૌથી મહત્ત્વનું હૉલીવુડની ફિલ્મોમાં વપરાતી ટેક્નૉલૉજી. સ્ક્રીન પર જ્યારે ઍડ્વાન્સ ટેક્નૉલૉજી પછી કોઈ સીન જોઈએ ત્યારે આપણને અંદાજ પણ ન આવે કે આ એ જ સીન છે. બહુ જ અદ્ભુત રીતે તેઓ એકેક બાબતને રિયલિસ્ટિક ટચ આપી શકે, પરંતુ એમાં ઍક્શનનો અને ટેક્નૉલૉજીનો એટલો અતિરેક હોય છે કે ક્યારેક ઇમોશન્સ સાઇડ ટ્રૅક થઈ જાય છે. તમે જુઓ, બૉલીવુડમાં ગીતોને કારણે ફિલ્મોને હાઇટ મળે છે એ વાત હૉલીવુડમાં ગાયબ છે. હૉલીવુડ આપણી જેમ ગીતોને અપનાવે તો ઑડિયન્સનો બહુ સારો રિસ્પૉન્સ મળશે એવું મને લાગે છે. બીજી બાજુ આપણે તેમની પાસેથી ઇનોવેટિવ રીતે ફિલ્મમેકિંગને અમલમાં મૂકવાની જરૂર છે. એક વાત બરાબર સમજી લો કે કોવિડમાં લોકો બિંગ વૉચિંગ કરતાં શીખી ગયા છે.
હવે લોકો ફિલ્મો માટે થિયેટરોને આધીન રહ્યા નથી. ફિલ્મો અને થિયેટરોનું અસ્તિત્વ તમારે ટકાવવું હશે તો તમારે સારી અને થિયેટરમાં જોવાની મજા આવે એવી ફિલ્મો બનાવવા પર ભાર મૂકવો રહ્યો. આપણા પ્લસ પૉઇન્ટ સાથે જો ફિલ્મમેકિંગમાં ટેક્નૉલૉજિકલ ઍડ્વાન્સમેન્ટ ઉમેરાય તો હું ૧૦૦ ટકા કહું છું કે આપણી ઇન્ડસ્ટ્રી નેક્સ્ટ લેવલ પર પહોંચી શકે એમ છે. તમારી ફિલ્મ એક્સ્ટ્રા સ્પેશ્યલ હશે તો જ લોકો થિયેટર તરફ આકર્ષાશે એ હકીકત આપણે હવે સ્વીકારી લેવી જોઈએ. બાકી જીવનમાં ઉતાર-ચડાવ આવતા રહેવાના છે. હું એનું પોતે જ જીવતં ઉદાહરણ છું. સફળતા અને નિષ્ફળતા એક જ સિક્કાની બે બાજુ છે. સેટબૅક સામે હારીને બેસી રહેવાને બદલે એમાંથી શીખતા જાઓ અને આગળ વધો. જે પણ થાય છે એની પાછળ કોઈક કારણ છે એમ માનીને પણ તમે તમારા કર્તવ્યથી પાછા નહીં હટો અને બસ શીખતા રહો. આ જ રીતે હું જીવ્યો છું. દરેક બાઉન્ડરીને પાર કરીને આગળ નીકળવાનું છે. બસ, આ જ ધ્યેય હશે તો તમે ટકી જશો. દુનિયાની કોઈ તાકાત, કોઈ પરિબળ તમને હરાવી નહીં શકે. દુનિયા અને અહીં રહેતા લોકો ભલે ગમે એટલા બદલાય, તમે બધું જ ટેકલ કરી લેશો. બસ, તમને એ ખબર હોવી જોઈએ કે હારવું એ તમારો સ્વભાવ નથી અને લિમિટલેસ થઈને આગળ વધવા સિવાય કોઈ પર્યાય નથી. જીત તમારાં કદમ ચૂમશે એ હું તમને ખાતરીપૂર્વક કહી શકું એમ છું. 


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2022 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK