Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બચપન કા પ્યાર

બચપન કા પ્યાર

21 January, 2022 02:15 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

કલ્પનામાં જ કોઈકને ચાહવા લાગે છે અને સમજે છે કે આ જ ખરો પ્રેમ છે. આ કંઈ આજની વાત નથી, પેઢીઓથી થતું આવ્યું છે.

Mumbai

Mumbai


૮-૧૦ વર્ષે  બાળકોને ઑપોઝિટ જેન્ડર માટેનું આકર્ષણ ઊભું થવા લાગે છે. કાલ્પનિક રીતે બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ, પ્રેમ, લગ્ન જેવાં સપનાંઓમાં રાચવાનું શરૂ કરી દે છે. કલ્પનામાં જ કોઈકને ચાહવા લાગે છે અને સમજે છે કે આ જ ખરો પ્રેમ છે. આ કંઈ આજની વાત નથી, પેઢીઓથી થતું આવ્યું છે. જોકે આ વાતને પેરન્ટ્સે પણ સામાન્ય જ ગણવી કે આ બાબતે કોઈ પગલાં લેવાં એ સમજવાની કોશિશ કરીએ

૯ વર્ષની મીશાએ તેની એક ડાયરીમાં હાર્ટ બનાવ્યું અને એની અંદર રેડ કલરથી મિકી લખ્યું. બાજુમાં મોટા અક્ષરોમાં લવ લખ્યું અને એ ડાયરી સંતાડીને મૂકી દીધી. મમ્મી તેને સુવડાવવા આવી ત્યારે તેણે પૂછ્યું, શું કરતી હતી? તેણે કહ્યું હું મારી ડાયરી લખતી હતી પણ તને નહીં બતાવું. એ સીક્રેટ છે. મમ્મીએ હસતાં-હસતાં કહ્યું, વાહ! હવે તું એટલી મોટી થઈ ગઈ કે સીક્રેટ્સ રાખવા લાગી છે? તેણે કહ્યું, યસ, હું મોટી થઈ ગઈ. એ સૂઈ ગઈ પછી મમ્મીએ ડાયરીમાં જોયું. હવે તેને સમજ નથી પડતી કે આ બાબતે એ મીશાને કઈ રીતે હૅન્ડલ કરે. 


 ૧૨ વર્ષના આયુષને તેના બિલ્ડિંગમાં નવી આવેલી ૧૬ વર્ષની કિયારા ખૂબ ગમે છે. તેણે તેના મિત્રોને કહ્યું છે કે હું મોટો થઈને તેની સાથે જ લગ્ન કરીશ. તેના મિત્રો પણ કિયારાના નામે તેને ચીડવે છે જેમાં તેને ખૂબ મજા પડે છે. પોતે મૅથ્સમાં નબળો છે એટલે તેણે એવું પણ વિચારી લીધું છે કે મોટા થઈને કિયારા લગ્ન પછી તેનાં બાળકોને મૅથ્સ કરાવશે અને તે ક્રિકેટ રમાડતાં શીખવશે. બીજી બાજુ કિયારાને તો કશી ખબર જ નથી. જે ચાલે છે એ બધું આયુષના મગજમાં જ છે. 

 સોસાયટીના જન્માષ્ટમી ફંક્શનમાં રાધા-કૃષ્ણ બનેલાં ૮ વર્ષની દિયા અને ૧૦ વર્ષનો નીલ પહેલેથી સાથે રમતાં અને સારા ફ્રેન્ડ્સ હતાં પણ જન્માષ્ટમીમાં રાધા-કૃષ્ણના કૉસ્ચ્યુમ જે દિવસથી પહેર્યા હતા એ દિવસથી દિયાના મનમાં હતું કે નીલ જ તેનો કૃષ્ણ છે. તે તેનું ધ્યાન પોતાના તરફ આકર્ષવાના પ્રયત્નો કર્યા કરતી. નીલ જો કોઈ બીજા સાથે રમે તો ગુસ્સે થઈ જતી. કહેતી કે તું મારો કૃષ્ણ છે, તારે મારી સાથે જ રમવાનું. 
૮-૧૦ વર્ષ એ ઉંમર છે જ્યારે બાળકને તેની ઑપોઝિટ જેન્ડર સામે આકર્ષણ જન્મવાની શરૂઆત થાય છે. ત્યાં સુધી બધાં સાથે રમતાં-ભણતાં હોય છે અને એવો કોઈ ભાવ મનમાં હોતો નથી. પણ આ ઉંમરના પગરવ મંડાય કે એની શરૂઆત થઈ જાય છે. ઘણા લોકો એવું માને છે કે આ ઉંમરમાં આ બધી ખરાબ વસ્તુઓ છે, એ ન હોવી જોઈએ. આજકાલના છોકરાઓ આ ટીવી કે ફિલ્મો કે ઇન્ટરનેટની અસરને લીધે આવા બનતા જાય છે. પરંતુ એવું નથી. આપણા દાદા-પરદાદાઓના સમયથી જ આ સત્ય છે કે ૮-૧૦ વર્ષની ઉંમરથી જ બાળકમાં એક પ્રકારનું આકર્ષણ જન્મે છે. આ બાબતે બાળક કેટલું સજાગ છે અને આ આકર્ષણને એ કઈ રીતે લે છે એ દરેક પેઢી પ્રમાણે અને દરેક બાળકની પરિસ્થિતિ મુજબ જુદું-જુદું હોઈ શકે છે. એટલે સૌથી પહેલાં તો આ વાતનો સ્વીકાર હોવો જરૂરી છે કે આ પરિસ્થિતિ જન્મે છે. ઘણા પેરન્ટ્સ એવા પણ છે જે એટલા જાગૃત જ નથી કે તેમને આ બાબતે ખબર હોય. પાછલી ઘણી પેઢીઓનાં માતા-પિતા એવાં હતાં પણ આજની તારીખે જ્યાં એક જ બાળક હોય, તેની દરેક વસ્તુ પર માતા-પિતા ઘણું-ઘણું ધ્યાન આપતાં હોય ત્યારે બાળકના આ પ્રકારના બિહેવિયરની માતા-પિતાને ખબર હોય છે. પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે ખબર પડ્યા પછી શું? 

ભોળપણ સમજાવી શકાય 
આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલાં બાળકોમાં કાં તો એવાં બાળકો હોય છે જે ખૂબ ભોળાં છે અને ઘરમાં બધાને કહી દે છે. બાકી એક પ્રકારનાં બાળકો એવાં છે જે છુપાવતાં હોય છે, કારણ કે તેમનામાં એ સેન્સ હોય છે કે માતા-પિતાને કહી દેવાથી કોઈ પ્રૉબ્લેમ આવશે. એ વિશે વાત કરતાં ચાઇલ્ડ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘આ પરિસ્થિતિમાં બાળક એક્સપ્રેસ કર્યા વગર રહેતું નથી. એ તમારી સાથે શૅર નથી કરતું એનો અર્થ એ છે કે એ એના નજીકનાં બાળકો સાથે કરે છે પણ કરશે તો ખરાં જ. જો એ પણ નહીં કરી શકે તો એ ડાયરીમાં લખશે. આદર્શ પરિસ્થિતિ એ છે કે એ તમને કહે. જો તમે એની સાથે સ્ટ્રૉન્ગ બૉન્ડ બનાવ્યો હશે તો એ ચોક્કસ ભોળપણમાં કે વિશ્વાસ મૂકીને પણ તમને કહેશે. ત્યારે તમારે તેને ઉંમરનો કન્સેપ્ટ સમજાવવાનો. દરેક કામ માટે એની એક નિશ્ચિત ઉંમર હોય છે. પ્રેમ અને લગ્ન માટે પણ એમ જ સમજવું. એને જે પાત્ર ગમે છે એ અત્યારે તારો મિત્ર હોઈ શકે. બેસ્ટ ફ્રેન્ડ પણ હોઈ શકે. એનાથી વધુ કંઈ નહીં એ વાત તમે એને જેટલા પ્રેમથી, શાંતિથી અને સ્પષ્ટતા સાથે સમજાવશો એનો ફાયદો થશે. આ બાબતે કડકાઈ કે ગુસ્સો નહીં જ ચાલે. બીજું એ કે આ જે વાતચીત છે એનાથી તમે દૂર ન ભાગો. જો એ તમને કહે છે મતલબ તમને પોતીકા સમજે છે અને તમારી વાતને પણ તે સારી રીતે જ સમજશે.’
કેવા બાળકોને આવું થાય? 

આમ તો એ ઉંમર જ છે જેમાં આ પ્રકારની ફીલિંગ્સ જન્મે છે એટલે એમાં કંઈ અજુગતું નથી. અમુક બાળકોના જીવનમાં એ સરળતાથી આવે અને એટલી જ સરળતાથી તે આ વસ્તુને લે છે. અમુક બાળકો માટે આ આકર્ષણનું મહત્ત્વ ઘણું વધી જાય છે. આ કયાં બાળકો છે એ વિશે વાત કરતાં ‘બાળઉછેરની બારાખડી’, ‘આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?’, ‘તમે અને તમારું નીરોગી બાળક’ના લેખક ડૉ. રઈશ મનીઆર કહે છે, ‘જે બાળકો થોડા સ્ટ્રેસમાં જીવે છે એ કોઈને કોઈ છટકબારી શોધતાં હોય છે. જે બાળકોની રિયલ દુનિયા થોડી ડિસ્ટર્બ્ડ હોય છે એ લોકો પોતાની એક કાલ્પનિક દુનિયા બનાવતાં હોય છે અને એ રીતે પોતાના જીવનમાં સુખ શોધતાં હોય છે. ભણવાનું સ્ટ્રેસ, માતા-પિતાના ઝઘડાઓ, વધુપડતું એકાકીપણું જેવાં કોઈ પણ કારણો હોઈ શકે છે. જો તમારું બાળક તેની એ કાલ્પનિક પ્રેમની દુનિયામાં વધુપડતું જીવતું થઈ જાય તો તેના ભણતર પર જ નહીં, તેની પર્સનાલિટી પર પણ અસર થઈ શકે છે. એટલે જરૂરી છે કે તેને કાલ્પનિક પ્રેમની દુનિયામાંથી રિયલ પ્રેમની દુનિયામાં પાછું લાવવું.’

 જો તમે બાળક સાથે બૉન્ડ બનાવ્યો હશે તો તે તમને જરૂર આ વાત કરશે. એવા સમયે તેને ઉંમરનો કન્સેપ્ટ સમજાવવો કે દરેક કામ માટે એની એક નિશ્ચિત ઉંમર હોય છે.
ડૉ. શ્યામ મિથિયા, સાઇકિયાટ્રિસ્ટ

પેરન્ટ્સ તરીકે શું કરવું જોઈએ? 

આટલા નાના બાળકને એ કેમ સમજાવવું કે પ્રેમની આ ઉંમર નથી, પ્રેમમાં પડવા માટે હજી ઘણી વાર છે. વ્યક્તિની એને ઓળખ નથી, એ જે સમજે છે એને પ્રેમ ન કહેવાય. આ પ્રશ્નનો ખૂબ જ પ્રૅક્ટિકલ જવાબ આપતાં ડૉ. રઈશ મનીઆર કહે છે, ‘જો તમારા બાળકને આ પ્રકારના કાલ્પનિક પ્રેમથી ખાસ અસર ન થઈ હોય અને એ ડાયરીના એક પાના પૂરતું કે બે-ચાર મિત્રો વચ્ચે વાતો પૂરતું જ સીમિત હોય તો માતા-પિતા તરીકે તમારે એમાં પડવા જેવું નથી. પરંતુ એ છે કે તમે તેના પર પૂરતું ધ્યાન આપો. વાત કોઈ પણ રીતે વણસે નહીં એટલી કાળજી ઘણી છે. બીજું એ કે એક વખત તપાસો કે તેના જીવનમાં જો સ્ટ્રેસ હોય કે તેની આસપાસની દુનિયામાંથી તેને ખુશી કે પ્રેમ ઓછા પડતા હોય તો પેલી કાલ્પનિક દુનિયા ખોટી કે ખરાબ છે એવું ન કહેતાં તમે તેની રિયલ દુનિયા એટલી સરસ બનાવો કે તે પોતાની કાલ્પનિક દુનિયા છોડીને અહીં આવી જાય. બાકી દરેક વ્યક્તિ નાનપણમાં આવા ભોળા, નાજુક સંબંધોની કલ્પના કરે જ છે. એ જ રીતે મોટા થાય છે અને સંબંધો વિશે શીખે છે.’

Whatsapp-channel Whatsapp-channel

21 January, 2022 02:15 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK