બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં વર્ષોથી દિવાળીના દિવસે થતી ઉજવણી ઘણી ખાસ હોય છે. દિવાળી નિમિત્તે બજાર બંધ હોય પણ સાંજે એક કલાક બધા લોકો શુકનના સોદા કરતા હોય છે. આ સોદાને વર્ષની શરૂઆતનો પહેલો અને શુભ સોદો માનવામાં આવે છે
ગયા વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ દરમ્યાન BSEમાં જામેલો માહોલ.
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં વર્ષોથી દિવાળીના દિવસે થતી ઉજવણી ઘણી ખાસ હોય છે. દિવાળી નિમિત્તે બજાર બંધ હોય પણ સાંજે એક કલાક બધા લોકો શુકનના સોદા કરતા હોય છે. આ સોદાને વર્ષની શરૂઆતનો પહેલો અને શુભ સોદો માનવામાં આવે છે. એ દિવસે BSEનાં બારણાં સામાન્ય લોકો માટે પણ ખૂલે છે અને એની અંદરની દુનિયાનો નઝારો જોવા ઉત્સુક વ્યક્તિઓ દિવાળીના દિવસે ત્યાં જવાનું અચૂક પસંદ કરે છે. આજે BSE સાથે સંકળાયેલા જૂના લોકો પાસેથી જાણીએ કે તેમના માટે આ દિવસનું મહત્ત્વ શું છે
દિવાળી એટલે પરંપરાગત રીતે ઊજવાતો તહેવાર પણ આ પરંપરાઓ દરેકની પોતપોતાની પણ હોઈ જ શકે છે. જેમ કે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જ વર્ષોથી દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ કરે છે. દર દિવાળીના દિવસે આમ તો બજાર બંધ હોય પણ સાંજે ૧ કલાક માટે બજાર ખૂલે અને શુકનના સોદા થાય. આમ તો દરેક સોદો કરનાર અને કરાવનાર બન્ને માટે મહત્ત્વનો હોય છે પરંતુ દિવાળીના દિવસે થતા શુકનના સોદાને દરેક વ્યક્તિ અતિ શુભ માને છે. આ સોદાથી વાર્ષિક લે-વેચની શરૂઆત થાય છે અને એટલે જ એને ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે. મુંબઈની દિવાળીની જે ખાસિયત છે એમાં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું દિવાળી સેલિબ્રેશન પણ ખાસ ગણાય છે. જેમ લોકો નરીમાન પૉઇન્ટ પાસે ફાયર ક્રૅકર્સ જોવા જતા હોય છે એમ દિવાળીના દિવસે ઘણા લોકો ખાસ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની દિવાળી જોવા જતા હોય છે કારણ કે અંદર સુધી જવાની પરવાનગી એ જ દિવસે મળતી હોય છે. શૅર માર્કેટ સાથે સંકળાયેલા લોકો માટે આ દિવસે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ જવું એ મોટો લહાવો ગણાય. આમ તો પરંપરાગત રીતે વર્ષોથી અહીં દિવાળી ઊજવાતી આવી છે જેની ઉજવણી આજે નહીં, વર્ષોથી જ લોકોના આકર્ષણનું કેન્દ્ર રહી છે. એવું શું હોય છે આ ઉજવણીમાં એ આજે જાણીએ.
ADVERTISEMENT
એ દિવસો
કમ્પ્યુટરની પૂજા કરતાં દીના મહેતા.
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનાં પહેલાં મહિલા પ્રેસિડન્ટ અને અસિત સી. મેહતા ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરમિડિયેટ્સ લિમિટેડનાં મૅનેજિંગ ડિરેક્ટર તથા ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર દીનાબહેન મહેતા છેલ્લાં ૪૦ વર્ષથી BSE સાથે સંકળાયેલાં છે. તેમણે કામ શરૂ કર્યું ત્યારે BSEમાં રિંગ હતી જે રિંગમાં સોદા થતા. એ રિંગમાં અમુક જ લોકોને પરવાનગી મળતી, જેમાં પ્રવેશનારાં દીનાબહેન પ્રથમ મહિલા હતાં. તેઓ BSEની એ સમયની દિવાળી યાદ કરતાં કહે છે, એ સમયે દિવાળીનો ઉત્સાહ જ કંઈક જુદો હતો. સામાન્ય દિવસોમાં હું સલવાર-કમીઝ પહેરતી પણ દિવાળીના દિવસે લગ્નમાં જતાં હોય એવી એકદમ ભારે સાડી પહેરતી. એ દિવસે બધાને મળવાનો ઉમંગ જ એટલો હતો કે શું કહું. એ સમયે ૧૦૦ ટકા લોકોની હાજરી રહેતી. બધા જ એમના પરિવાર સાથે આવતા અને રિંગમાં જ બધા એકબીજાને મળતા. ભેટસોગાદો, ખાવા-પીવાનું, આ બધા કરતાં એકબીજાને મળવાનો ઉત્સાહ ઘણો વધારે હતો. હમણાં હું હૃષીકેશ ગઈ હતી. ત્યાં મને એક બહેન મળ્યાં, જે વર્ષો પહેલાં મને દિવાળીના દિવસે રિંગમાં મળેલાં. વિચારો, કેટલાં વર્ષો પછી પણ એ મુલાકાત અમને યાદ હતી. બાકી ગ્લૅમરની વાત કરું તો BSEની દિવાળી હંમેશાં ઝાકઝમાળવાળી જ હોય. મોટા-મોટા ફિલ્મસ્ટાર્સથી લઈને નામી ક્રિકેટર્સ પણ દિવાળીના દિવસે BSE આવવામાં પોતાની શાન સમજતા હોય છે.’
માહોલ મહત્ત્વનો
લોકોને લાગે કે ઠીક છે, તહેવાર ઊજવી લીધો સાથે; પણ આવી આ એક દિવસની ઉજવણીની અસર વિશે વાત કરતાં દીનાબહેન કહે છે, ‘એ સમય અલગ હતો, માહોલ અલગ હતો એ વાત સાચી પણ આ એક દિવસની ઉજવણી અમને બધાને એક સૂત્રમાં બાંધતી. આજે એવું રહ્યું નથી. ધીમે-ધીમે લોકોને એકબીજા પર વિશ્વાસ ઓછો થતો જાય છે. પહેલાં એક પરિવારની જેમ બધા સાથે રહેતા. એકબીજાને મદદ કરતા. કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ ફસાઈ જાય, ખોટો સોદો થઈ જાય કે કોઈ ભૂલ થઈ જાય તો બીજી વ્યક્તિ તેને એમાંથી ઉગારી લેવામાં મદદરૂપ થતી. તેને માર્ગ બતાવતી. આજની તારીખે કોઈનાથી ભૂલ થાય તો લોકો તેમને પોતાની બીજી ૧૦ ભૂલો બતાવીને કહે છે કે મારી સાથે આવું થયું ત્યારે જો કોણ આવ્યું હતું મારી મદદે? કોઈ નહીં. પોતાની ભૂલો ખુદ જ ભોગવવી પડે. પ્રૅક્ટિકલી જોવા જઈએ તો ઠીક વાત છે, પણ એ સમયે અમે આવી રીતે કામ નહોતા કરતા એટલે કામ કરવાની વધુ મજા આવતી. કહેવાય એવું કે ફક્ત દિવાળીનો એક જ દિવસ તો ઊજવતા સાથે પણ એ ઉજવણી BSEની એકતા અને એકબીજાને મદદરૂપ થવાની ભાવનાના પ્રતીક સમી હતી, જે અત્યારે થોડી ઘટી રહી છે.’
યાદો મજાની
જે. જી. એ. શાહ શૅરબ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર સિદ્ધાર્થ શાહ ફૅમિલી સાથે.
જે. જી. એ. શાહ શૅરબ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અને છેલ્લાં ૩૫ વર્ષથી બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ સાથે જોડાયેલા ૬૦ વર્ષના સિદ્ધાર્થ શાહ પોતે તેમના ઘરમાં ત્રીજી પેઢી છે જે આ કામ સંભાળી રહી છે. જ્યારે તેમણે કામ શરૂ કર્યું એ સમયે તેમના દાદા પણ BSEમાં કાર્યરત હતા અને અત્યારે ૯૦ વર્ષના તેમના પિતા હજી પણ કાર્યરત છે. પોતે બાળક તરીકે દર દિવાળીએ પરિવાર સાથે BSE જતા એ દિવસો યાદ કરતાં સિદ્ધાર્થભાઈ કહે છે, ‘અમે નાના હતા ત્યારે ચોપડા પૂજન થતું. મને યાદ છે કે દરેક વ્યક્તિ સારાંમાં સારાં કપડાં પહેરીને એ દિવસે ત્યાં હાજર રહેતી. જેટલી ઑફિસ હોય એની અડધોઅડધ ઑફિસ ચોપડાથી ભરેલી રહેતી. બેસવાની જગ્યા પણ ન મળતી તો લોકો ઊભા રહેતા, પણ એ દિવસની ખુશી જ કંઈક અનેરી હતી. એ સમયે જે ડાયરીમાં સોદા લખતા એના સિવાય લાલ અને બ્લુ રંગની નાની ડાયરીઓ રહેતી, જેને અમે બ્લૉક કહેતા. બ્રોકર જે સોદો કરતો એની પાસે લાલ બ્લૉક રહેતો અને સોદામાં સમ્મિલિત બીજા ૭ લોકોને બ્લુ બ્લૉક મળતો. આ દિવસની પૂજા જેની પાસે લાલ બ્લૉક છે એ વ્યક્તિ માટે જ નહીં, જેમની પાસે બ્લુ બ્લૉક છે એ વ્યક્તિઓ માટે પણ ખૂબ જ મહત્ત્વની રહેતી અને તેઓ પણ આખા પરિવાર સાથે પૂજામાં આવતા.’
બદલાવ
હવે નવા યુગમાં બધું ધીમે-ધીમે ઓછું થતું જાય છે એમ વાત કરતાં સિદ્ધાર્થભાઈ કહે છે, ‘હવે ચોપડા વપરાતા નથી પરંતુ પૂજા માટેની લાલ ચોપડી તો જોઈએ જ. એટલે ટોકનની એક પૂજાની બુક બનાવેલી હોય, જેની દર વર્ષે પ્રતીકાત્મક રીતે પૂજા થાય. પહેલાં ૧૧ ચોપડાની પૂજા થતી, એ ઘટીને સાત થયા અને હવે પાંચ રાખીએ છીએ. પહેલાં માર્કેટ પાંચ દિવસ બંધ રહેતું, હવે ઇન્ટરનૅશનલ કામ શરૂ થયા પછી બેસતા વર્ષે પણ માર્કેટ ચાલુ રહે છે એટલે પહેલાં જે દિવાળીના દિવસે બધા જ પરિવાર સાથે ત્યાં હાજર રહેતા જ એમાં હવે ઘણા લોકો ધનતેરસના દિવસે પૂજા કરી લઈને દિવાળીના દિવસે ઑફિસ બંધ રાખે છે કે એક દિવસ તો રજા મળે. જોકે મારા પપ્પાને એ ન ગમે. તેમના અને અમારા બધા માટે દિવાળીની પૂજા અત્યંત મહત્ત્વની ગણાય એટલે અમે દિવાળીના જ કરીએ છીએ.’
બધા આવી શકે છે આ દિવસે
બી. એમ. ગાંધી સિક્યૉરિટી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ૫૭ વર્ષના પરેશ ગાંધી પણ નાનપણથી તેમના પિતા સાથે દિવાળીની પૂજા માટે BSE જતા. આ દિવસની ખાસિયત વિશે વાત કરતાં પરેશભાઈ કહે છે, ‘સામાન્ય રીતે BSEને અંદરથી જોવાની લોકોને ઘણી ઇચ્છા હોય. એ ઇચ્છા આ દિવસે પૂરી થઈ શકે. બહારની દરેક વ્યક્તિ એ પૂજામાં આવકાર્ય હોય છે. ખાસ કરીને અમને લોકોને એ વાતની મજા હોય છે કે અમે પરિવારને લઈને એ દિવસે અમારા કામના સ્થળે આવી શકીએ છીએ. તેમને બધું બતાવીએ છીએ. એક સમય હતો જ્યારે અમે બધા રિંગમાં જઈને સોદા કરતા. હવે બધું ઑનલાઇન થઈ ગયું છે પણ હજી એ રિંગમાં જવાની અલગ મજા છે. દિવાળીના દિવસે અમે એ રિંગમાં એકસાથે ભેગા થઈએ અને પરિવાર સાથે એકબીજાને મળીએ છીએ. એ દિવસે ખરેખર BSE એક પરિવાર જેવી ભાવના સ્થાપિત થાય છે. દિવાળીની ઉજવણી એક રીતે અમને બધાને જોડે છે.’
કમ્પ્યુટરની આરતી
આમ તો દિવાળીનો દિવસ દરેક ધંધાદારી વ્યક્તિ માટે મહત્ત્વનો હોય છે, કારણ કે એ દિવસે પરંપરાગત રીતે ચોપડાપૂજન થતું હોય છે. હવે કોઈ ધંધામાં ચોપડાઓ રહ્યા નથી. એનું સ્થાન કમ્પ્યુટરે લઈ લીધું છે. છતાં આ પૂજાને કમ્પ્યુટર પૂજા કહેવાતી નથી. હજી પણ એનું નામ તો ચોપડાપૂજન જ છે. આજે પણ શુકનના લાલ ચોપડા પર એ પૂજન થાય છે. વિગતો ચોપડામાં લખાય કે કમ્પ્યુટરમાં, બન્નેનું મહત્ત્વ તો સરખું જ છે. લગભગ ૨૦૦૦ની સાલથી આખું BSE કમ્પ્યુટરાઇઝ્ડ થઈ ગયું એટલે હવે ચોપડાપૂજન દરેક વ્યક્તિ પોતાની અંગત ફર્મમાં કરતા થઈ ગયા છે એમ જણાવતાં પરેશભાઈ કહે છે, ‘જેમ ચોપડામાં વિગતો લખતા એટલે એની પૂજા કરતા અને હવે બધું કમ્પ્યુટરમાં લખાય છે એટલે એની પૂજા કરીએ છીએ. BSEમાં લગભગ બધાં જ કમ્પ્યુટરનાં મૉનિટર પર તમને ચાંદલો જોવા મળશે એટલું જ નહીં, બધા પોતાના કમ્પ્યુટરની આરતી પણ ઉતારે છે. એ નઝારો જોવા જેવો હોય છે. દિવાળીના દિવસે પહેલાં લક્ષ્મીપૂજા થઈ જાય અને બરાબર નક્કી થયેલા સમયે બેલ વાગે અને એ સમયે બધા શુકનના સોદા કરે છે. વર્ષની આ શુભ શરૂઆત માનવામાં આવે છે. આ વર્ષે એનું મુહૂર્ત સાંજે ૬થી ૭ વાગ્યા સુધીનું નક્કી થયું છે જે જોવા માટે પણ ઘણી નવી પેઢી દિવાળીના દિવસે BSE આવે છે. મહત્ત્વનું એ છે કે BSE સાથે જોડાયેલી દરેક વ્યક્તિના મનમાં એ દૃઢ છે કે આ પરંપરાઓની વિધિ ભલે બદલાય, પણ એ જળવાઈ રહેવી જરૂરી છે.’