Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > Independence Day 2023: આઝાદીનું ૧૦૦મું વર્ષ અને વિશ્વની તિરંગાને સલામી

Independence Day 2023: આઝાદીનું ૧૦૦મું વર્ષ અને વિશ્વની તિરંગાને સલામી

11 August, 2023 05:57 PM IST | Mumbai
JD Majethia

Independence Day 2023: એ દિવસે એક જ સમયે એકસાથે દુનિયાભરના તમામ ભારતીયો આપણી નૅશનલ એન્થમનું ગાન શરૂ કરે અને એ ગાન દુનિયાભરમાં ગુંજે તો કેવો રોમાંચક દેશપ્રેમનો માહોલ ઊભો થાય

આઝાદીનું ૧૦૦મું વર્ષ અને વિશ્વની તિરંગાને સલામી

જેડી કૉલિંગ

આઝાદીનું ૧૦૦મું વર્ષ અને વિશ્વની તિરંગાને સલામી


Independence Day 2023: આઝાદીના એ ૧૦૦મા વર્ષની ઉજવણી વખતે દુનિયાના ૧૦૦ પ્રેસિડન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયા આવ્યા હોય અને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી તિરંગો લહેરાવે ત્યારે એ સૌ આપણા તિરંગાને સલામી આપે. આવનારા એ તમામ પ્રેસિડન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર્સમાં બ્રિટનના એ સમયના ધુરંધરો પણ હોય.

આપણે વાત કરીએ છીએ પચીસ વર્ષ પછીની આઝાદીની શતાબ્દીની એટલે કે ૨૦૪૭ની ૧પમી ઑગસ્ટ અને ગુરુવારની. ખબર નહીં કેમ, પણ મને એ દિવસ માટે મનમાં બહુ બધો ઉત્સાહ છે. ઉત્સાહ છે એટલે જ મને એ દિવસ જોવાની રીતસર તાલાવેલી જાગી છે. મારું તમને સૌને પણ એ જ કહેવું છે કે જો તમે પણ મારી જેમ એ દિવસ જોવા માગતા હો તો તમારી કાળજી રાખજો અને એને માટે જે કરવું પડે એ કરજો. ખંતથી કરજો અને દિલ લગાવીને કરજો. હું તો જિમથી માંડીને ડાયટમાં રાખવા જેવું ધ્યાન રાખું છું, તમે પણ એ બધા પર ધ્યાન રાખજો.



આપણે બધા સાથે મળીને ૨૦૪૭ની આઝાદીની ૧૦૦મી જયંતી જોઈશું અને સાથે આ દેશના સ્વાતંત્ર પર્વને ઊજવીશું. ઍટ લીસ્ટ, આપણે આપણી રીતે મહેનત કરીએ. આગળ ઉપરવાળાની ઇચ્છા.


હું માનું છું કે આઝાદીના ૧૦૦મા વર્ષની ઉજવણી સમયે ખાસ ફિલ્મો બનાવવામાં આવશે. હા, ખાસ ફિલ્મો. કહો કે સ્પેશ્યલ ફિલ્મ્સ. મારા-તમારા, આપણા સૌના એન્ટરટેઇનમેન્ટ માટે અને એ પણ ફીચર ફિલ્મ્સ. જરા વિચાર કરો કે એ સમયે માહોલ કેવો હશે. હું માનું છું કે ૯૯મું વર્ષ શરૂ થશે ત્યાં જ આપણે ત્યાં સેલિબ્રેશનનો માહોલ ઊભો થઈ ગયો હશે અને એ જ કારણે ૧૦૦મા વર્ષે આઝાદી પર એક મોટી ફિલ્મ પણ બનશે અને નહીં બને તો આ વિચારને અપનાવવાની જરૂર છે.

એક એવી મોટી ફિલ્મ બનાવવી જોઈએ જે ફક્ત ૨૦૪૭ની ૧પમી ઑગસ્ટના દિવસે જ રિલીઝ થાય. આખા દેશનો ઇતિહાસ એમાં જોવા મળે અને આઝાદીના સંગ્રામમાં દેશની આઝાદી માટે જે સ્વતંત્રસેનાનીએ મહેનત કરી, પોતાના જીવનો ભોગ આપ્યો એ નાનાથી મોટા દરેક સેનાનીઓના રોલમાં દેશભરની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સ ભાગ લે. 


હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના પણ મોટા સ્ટાર્સ હોય તો સાથોસાથ એ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર પણ હોય અને બંગાળી સ્ટાર્સ પણ હોય. ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ હોય અને મહારાષ્ટ્ર-પંજાબની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ હોય. એ દરેક મોટા સ્ટાર્સ હોય જેમના નામે આજે બૉક્સ-ઑફિસ છલકાઈ જાય છે. ભલે એ નાનો રોલ કરે, પણ તેમની હાજરી હોય જ હોય. 
તમે વિચાર કરો કે ૨૯૪૭ના વર્ષની એ એવી ફિલ્મ બને જેમાં તમારા ૧૦૦ જેટલા ઍક્ટર્સ હોય. આપણે હાઇપોથેટિકલ રીતે જ વિચારીએ અને ધારી લઈએ કે આજના આ બધા સ્ટાર્સ ત્યારે હશે તો વિચારો કે એ ફિલ્મમાં રજનીકાંત પણ હોય અને અમિતાભ બચ્ચન પણ હોય. શાહરુખ ખાન પણ હોય અને રણવીર સિંહ-રણબીર કપૂર પણ હોય. આ સિવાયના પણ એ તમામ સુપરસ્ટાર હોય જેના નામના અલગ-અલગ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની બૉક્સ-ઑફિસ પર લિટરલી સિક્કા પડે છે.

કહ્યું એમ, નાનાથી લઈને મોટા રોલમાં, જેની પાસે જેવો સમય હોય એ રીતે પણ એ ફિલ્મમાં હોવું કમ્પલ્સરી હોય. એ ફિલ્મ એવો જ કોઈ મોટો દિગ્દર્શક ડિરેક્ટ કરે એ પણ એટલું જ સાચું. આઝાદીના ઇતિહાસની એ ફિલ્મ ત્રણથી સાડાત્રણ કલાકની હોય અને એમાં એ સમયના બેસ્ટ મ્યુઝિક-ડિરેક્ટરનું મ્યુઝિક હોય. કલ્પના કરો એ ફિલ્મ કેવી બને. મારી તો બહુ ઇચ્છા છે કે પછી કહો કે ઇચ્છાઓ છે કે આપણા અમિતાભ બચ્ચન ત્યારે પણ આપણી સાથે હોય અને તેઓ પણ એ ફિલ્મમાં એક મોટું કૅરૅક્ટર કરે. 

આ જે ફિલ્મ હોય એ ફિલ્મને આપણા પ્રાઇમ મિનિસ્ટર એવી રીતે આવકારે જે દેશનો કોઈ પણ નાગરિક એ ફિલ્મ ફ્રીમાં જોઈ શકે. ગુરુવારથી તમે એ ફિલ્મ લગાડો અને આખું વીક એટલે કે ૭ દિવસ સુધી દેશભરમાં બધાને ફિલ્મ ફ્રીમાં થિયેટરમાં જોવા મળે એવી જાહેરાત સરકાર દ્વારા થાય. હું તો કહીશ કે એ ફિલ્મ દેશની અગત્યની કહેવાય એવી પાંચ-પંદર ભાષામાં બને અને એ એક વીક દરમ્યાન દેશનાં દરેકેદરેક થિયેટરમાં એ એક જ ફિલ્મ ચાલતી હોય, બીજી કોઈ નહીં. એક જ ફિલ્મ અને એ પણ સાવ ફ્રી. જાઓ, જઈને જુઓ અને દેશના ઇતિહાસનો અનુભવ કરતાં એ પણ જુઓ કે કેવી-કેવી રીતે આપણા લોકોએ આ આઝાદી માટે ભોગ આપ્યો હતો અને પોતાના જીવના ભોગે પણ તમને આજનો આ દિવસ આપ્યો.

Independence Dayના એ દિવસનો માહોલ જ એવો હોય કે કોઈ પણ વ્યક્તિ ધાર્મિક રીતે એકબીજાથી સહેજ પણ જુદી ન હોય અને એ સાચા અર્થમાં હોવું જોઈએે. બધા ધર્મના દરેક પંથના લોકો એકસાથે આવી અને એકસરખા ઉત્સાહ, પ્રેમથી આઝાદીની આ ૧૦૦મી જયંતી ઊજવતા હોય, જે હમણાં આપણે અમૃત ઉત્સવમાં જોયું. એ જ રીતે સૌકોઈ એ દિવસને વધાવી લે અને વધાવી લીધા પછી સૌકોઈ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લે.

એ દિવસે આખા દેશમાં એક સમય એવો હોય જ્યારે કાશ્મીરથી કન્યાકુમારી સુધી એકસાથે સૌ ભેગા મળીને આપણું નૅશનલ એન્થમ ગાતા હોય. એક જ સમયે અને એકસાથે. હવે તમારે વિચાર કરવાનો છે કે અત્યારે આપણો દેશ ૧૩૦ કરોડ કરતાં વધારે લોકોનો છે તો એ સમયે કેટલા લોકો આ દેશમાં હશે. ધારો કે એવું નક્કી થાય કે સવારે ૧૦ વાગીને ૧ મિનિટે કે પછી આપણને જે સમયે ૧૦૦ વર્ષ પહેલાં આઝાદી મળી હતી એ સમયે બધા એકસાથે જ્યાં હોય ત્યાં ઊભા રહીને નૅશનલ એન્થમ ગાય. જો આવું બને તો આખા દેશમાં કેટલા મોટા અવાજે નૅશનલ એન્થમ ગુંજી ઊઠે અને ગુંજતો એ અવાજ છેક ક્યાં સુધી પહોંચે. જરા કલ્પના કરો કે આસમાનમાં ગુંજતો-ગુંજતો નૅશનલ એન્થમ ‘જન ગણ મન...’નો અવાજ તમારા સુધી પહોંચે ત્યારે કેવો નાદ સર્જાય અને એની તીવ્રતા તમારા શરીરમાં, તમારા મનમાં કેવાં વાઇબ્રેશન ઊભાં કરે.

આપણી એ નૅશનલ એન્થમ સાંભળવા અને મેં કહી એ ફિલ્મ જોવાની મારી બહુ ઇચ્છા છે અને એ જ કારણે મને થાય છે કે હું ૨૦૪૭ની ૧પમી ઑગસ્ટ સુધી અડીખમ રહું. અડીખમ પણ રહું અને એ સમયે થનારી એ તમામ ઍક્ટિવિટીમાં પણ ભાગ લઉં, ભાગ લઈને એ મોમેન્ટ જોઉં જે મોમેન્ટ ખરા અર્થમાં આઝાદીનો એ આખો માહોલ ક્રીએટ કરવાની છે, જેને આપણે જોઈ નથી શક્યા. સાઉન્ડ કે પછી વિઝ્‍યુઅલની કલ્પના માત્ર જો આપણાં રૂંવાડાં ઊભાં કરી દે તો વિચાર કરો કે એ સમયે આપણી મનોદશા કેવી હશે, હાલત કેવી હશે, જ્યારે આંખ સામે એ બધું ચાલતું-ભાગતું હશે.

આ તો બધી થઈ મારા મનની વાત, પણ મેં તમને ગયા વીકમાં કહ્યું એમ, તમે પણ આ બધા વિશે વિચારજો અને કલ્પનાના ઘોડા દોડાવજો. મારા મનમાં તો આ બધી કલ્પનાઓથી પણ આગળની કલ્પનાઓ આવવા માંડી છે અને એ પણ પૂરઝડપે આવે છે. મને થાય છે કે આઝાદીના એ ૧૦૦મા વર્ષની ઉજવણી સમયે દુનિયાના ૧૦૦ પ્રેસિડન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયા આવ્યા હોય અને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી તિરંગો લહેરાવે ત્યારે એ સૌ આપણા તિરંગાને સલામી આપે. આવનારા એ તમામ પ્રેસિડન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર્સમાં બ્રિટનના એ સમયના ધુરંધરો પણ હોય. મને તો હતું કે એમાં જો ક્વીન એલિઝાબેથ ઉપસ્થિત રહ્યાં હોત તો બહુ મજા પડી હોત, પણ ઈશ્વરે તેમને બોલાવી લીધાં એટલે એ સમયે તેમના પદ પર જે ફૅમિલી-મેમ્બર હોય તે આવે અને તિરંગાને સલામી આપે.

૨૦૪૭ની ૧પમી ઑગસ્ટની કલ્પના કરવાનું તમને કહ્યું હતું તો ઘણાએ એ કામ કર્યું છે અને મને મેઇલ પણ કરી છે અને ઘણા મને મેસેજ કરે છે, પણ હું કહીશ કે હજી વધારે કલ્પના કરો અને એ વાતને આંખ સામે રાખીને કરો કે ભારત હવે વિકાસની રેસમાં બહુ ફાસ્ટ ભાગે છે. પચીસ વર્ષ પછી તો આપણે ક્યાંય આગળ હોઈશું એટલે તમારી કલ્પનાઓને આજની વાસ્તવિકતા સાથે જોડવાને બદલે એના ઘોડાને છૂટા મૂકી દો અને લાગી જાઓ કામ પર.

વંદેમાતરમ, ભારત માતા કી જય અને જેમણે આઝાદી અપાવવામાં પોતાનો ભોગ આપ્યો એ દરેક વ્યક્તિને, એ દરેક શહીદને તથા તેમના પરિવારજનોને જયહિન્દ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

11 August, 2023 05:57 PM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK