મુંબઈ આવેલા જયંતભાઈએ કઈ રીતે ભારતીય ફોટોગ્રાફી ઇક્વિપમેન્ટ મૅન્યુફૅક્ચરિંગની કાયાપલટ કરી નાખી એ રસપ્રદ જર્ની વિશે જાણીએ
તસવીરઃ સૈયદ સમીર આબેદી
વડાલામાં રહેતા ૯૫ વર્ષના જયંત સોનીને આપણે મુંબઈ મૅરથૉનના ઓલ્ડેસ્ટ રનર તરીકે મળી ચૂક્યા છીએ, પણ તેમના વ્યક્તિત્વનાં બીજાં પાસાંઓ પણ એટલાં જ ઇન્ટરેસ્ટિંગ છે. જ્યારે ૧૯૬૦ના દાયકામાં ફોટોગ્રાફી એક મોંઘી કળા હતી અને ફ્લૅશ બીમ જેવાં સાધનો માત્ર ફૉરેનમાં બનતાં હતાં ત્યારે જયંતભાઈએ પહેલવહેલી વાર ભારતમાં ફ્લૅશ બીમ બનાવવાની ટેક્નૉલૉજી તૈયારી કરેલી. કચ્છના માંડવીથી ફોટોગ્રાફર બનવા માટે મુંબઈ આવેલા જયંતભાઈએ કઈ રીતે ભારતીય ફોટોગ્રાફી ઇક્વિપમેન્ટ મૅન્યુફૅક્ચરિંગની કાયાપલટ કરી નાખી એ રસપ્રદ જર્ની વિશે જાણીએ
જે ઉંમરે હાથલાકડીની મદદ વગર એક ડગલું પણ માંડવું અશક્ય હોય છે, પોતાની નાનામાં નાની જરૂરિયાતને પૂરી કરવા માટે અન્ય ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે, શરીર અને મગજ સાથ આપતાં નથી હોતાં એ ઉંમરે ૯૫ વર્ષના જયંત સોની જબરદસ્ત સ્ફૂર્તિ સાથે સિનિયર સિટિઝનની દોડમાં ભાગ લે છે. ફિટનેસ તો એટલી અવ્વલ કે નિયમિત યોગાભ્યાસ અને સ્વિમિંગ તો તેમનાં પૅશન છે. રોજિંદા જીવનમાં પ્રૅક્ટિસ તરીકે પણ રોજનું ત્રણ-ચાર કિલોમીટર ચાલી લેતા જયંતભાઈની ફિટનેસ જ માત્ર એક સિદ્ધિ નથી, ફોટોગ્રાફર બનવા માટે મુંબઈ આવેલા મૂળ માંડવીના આ દાદાજીએ ફોટોગ્રાફી ક્ષેત્રમાં પણ અનોખું યોગદાન આપ્યું છે. ૧૯૫૦ના દાયકામાં જ્યારે ભારતમાં ફોટો પાડવા માટેના મોટા ભાગના કૅમેરા વિદેશોમાંથી જ બનીને આવતા હતા ત્યારે તેમણે પહેલી વાર ફ્લૅશ બીમ બનાવવાની શરૂઆત કરી હતી એટલું જ નહીં, તેમની કંપનીએ વિશ્વભરમાં ફ્લૅશ બીમ એક્સપોર્ટ કરનારી સૌથી મોટી મૅન્યુફૅક્ચર કંપની તરીકે ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીમાં શાખ જમાવી હતી. હવે ડિજિટલ ફોટોગ્રાફીનું વિશ્વ વિકસ્યું હોવાથી એ મૅન્યુફૅક્ચરિંગ બંધ છે.
ADVERTISEMENT
ફોટોગ્રાફી ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતના તત્કાલીન ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ જયંત સોનીનું સન્માન કર્યું હતું.
માંડવીમાં જન્મ
કચ્છના માંડવીમાં જન્મેલા અને હાલ પોતાની ચાર પેઢીની સાથે મજાની લાઇફ માણી રહેલા ૯૫ વર્ષના જયંતભાઈ પોતાના નાનપણની વાત કરતાં કહે છે, ‘મેં મારું પ્રાથમિક અને સેકન્ડરી શિક્ષણ માંડવીની જી. ટી. સ્કૂલમાંથી કર્યું. ત્યાર બાદ મેં રાજકોટમાં SSCની એક્ઝામ આપી હતી. ભણવાની સાથે હું દરેક ઍક્ટિવિટીમાં સક્રિય રહેતો હતો. રમતગમત હોય કે ઘરનું કોઈ કામ, દરેક વસ્તુ મને શીખવી ગમે. મારાં બા અને બાપુજી પાસેથી મને આ વારસો મળ્યો હતો. મને યાદ છે હું કૂવામાં કૂદીને તરવાનું શીખ્યો હતો. આજની પેઢીને નવાઈ લાગશે, પણ એ સમયે ઘણાં બાળકો આવી જ રીતે સ્વિમિંગ કરતાં શીખતાં હતાં. આજે પણ હું રોજ સ્વિમિંગ કરું જ છું જે મને ફિટ રાખવામાં મદદ કરે છે.’
ફોટોગ્રાફર બનવાનું સપનું
માંડવીમાં હતા ત્યારે જ ફોટોગ્રાફર બનવાનું સપનું જોયેલું એમ જણાવતાં જયંતભાઈ કહે છે, ‘ફોટોગ્રાફ એવી વસ્તુ છે જેમાં માણસ જેવો હોય તેવો તે દેખાય છે. મારો જ્યારે એક જણે ફોટો લીધો અને પછી તેને મારા હાથમાં લાવીને મૂકી દીધો ત્યારે મને નવાઈ લાગી. મેં નક્કી કર્યું કે હું પણ આવો ફોટોગ્રાફર બનીશ. જોકે એ વખતે ફોટોગ્રાફી આજના જેવી સહેલી નહોતી. કોઈકના કૅમેરામાં મેં માંડવીમાં જ થોડા ફોટો પાડેલા. સ્થાનિક પત્રકાર લાલપુરીએ એમાંથી ફોટો પસંદ કરીને અમુક ફોટો એક વીકલી મૅગેઝિનમાં છાપ્યા અને મને પ્રોત્સાહન મળ્યું. ત્યારથી ફોટોગ્રાફી કરવાનું મન પાક્કું થઈ ગયું. આજથી લગભગ ૮૦ વર્ષ પહેલાંની વાત છે જ્યારે ફોટો પડાવવો એક લક્ઝરી વસ્તુ ગણાતી અને એના કરતાં પણ વધારે ફોટો પાડતાં શીખવાનું વધુ મુશ્કેલ હતું. હું ૧૫-૧૬ વર્ષનો હોઈશ. મેં ફોટોગ્રાફી સંબધિત બુક્સ ભેગી કરીને વાંચવાનું ચાલુ કર્યું, મારા શિક્ષકો પાસેથી માહિતી જાણી, એમ કરી-કરીને હું ફોટોગ્રાફી કરતાં શીખ્યો પણ એમાં પ્રોફેશનલ ટ્રેઇનિંગ હોવી પણ જરૂરી છે એમ મને કોઈએ કહ્યું અને મારે ઍડ્વાન્સ શીખવું હતું એટલે હું મુંબઈ આવ્યો.’
ગિરગામમાં ગોડબોલે ફોટોગ્રાફી ક્લાસિસમાં જયંતભાઈ જોડાયા. ગોડબોલેમાં ડૉ. કરંદીકર નામના શિક્ષક હતા જેમણે ફોટોગ્રાફીમાં ડૉક્ટરેટ કરેલું. જયંતભાઈ કહે છે, ‘ફોટોગ્રાફીના આ ક્લાસમાં ત્રણ સ્ટુડન્ટ જેમાં હું એકમાત્ર ગુજરાતી હતો. એ સમયે પ્રોફેશનલ ફીલ્ડમાં પણ હું એકમાત્ર ગુજરાતી હતો.’
એ ક્લાસમાં એક વર્ષ ભણ્યા અને સર્ટિફિકેટ મેળવીને ફોર્ટ પાસે એક સ્ટુડિયો શરૂ કર્યો. આ સ્ટુડિયો મુંબઈનો સૌપ્રથમ ઍર-કન્ડિશન્ડ સ્ટુડિયો હતો. એમાં મોટા ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ ફોટો પડાવવા આવતા. એ જમાનામાં કૅમેરા પણ બહુ મોંઘા આવતા. ઇન્ડિયામાં ભાગ્યે જ કોઈની પાસે હોય એવા ઇમ્પોર્ટેડ કૅમેરા હું વાપરતો અને એને કારણે મારી પાસે ફોટો પડાવવા મોટા-મોટા લોકો આવતા એમ જણાવતાં જયંતભાઈ કહે છે, ‘અત્યારે આપણે જેને વિડિયો કહીએ છીએ એને એ વખતે ફિલ્મ કહેવાતી. સિનેમૅટોગ્રાફી માટેનાં અલગ ઇક્વિપમેન્ટ્સ જોઈએ. એની ટેક્નિક પણ મારી પાસે હતી. એને કારણે ક્યાંય પણ રૉયલ પરિવારનો કાર્યક્રમ હોય તો મને ફોટોગ્રાફી અને સિનેમૅટોગ્રાફી માટે બોલાવાતો. ભાવનગરના રાજા હોય, કચ્છના મહારાજાના પ્રસંગો હોય કે ઉદયપુરના રૉયલ પરિવારોના કાર્યક્રમો હોય; હું જતો. એ વખતે મોશન પિક્ચર માટેનો બોલેક્સ નામનો સ્વિસ કૅમેરા આવતો હતો એ ઇન્ડિયામાં બહુ જૂજ લોકોમાંથી એક મારી પાસે રહેતો. મન્સૂર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોરના પ્રસંગોમાં પણ હું જ ફોટો પાડવા જતો.’
મન્સૂર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોરના એક પ્રસંગમાં સ્વિસ કૅમેરા બોલેક્સ સાથે જયંત સોની.
ફ્લૅશ લાઇટનો આવિષ્કાર
૧૯૬૦ના જ દાયકાની વાત કરીએ તો ફોટોગ્રાફી માટે ફ્લૅશ લાઇટ વાપરવી એ બહુ મોટી અને મોંઘી બાબત હતી. જયંતભાઈ કહે છે, ‘હું ફોટોગ્રાફી કરતો હતો ત્યારે દરેક ફ્લૅશ વાપરતી વખતે કૅમેરાની ઉપર લાગેલો બલ્બ ઊડી જતો. એને કારણે ફ્લૅશ લાઇટ વાપરવામાં બહુ ખર્ચો થતો. મારી પાસે જર્મનીનો ફ્લૅશ બીમવાળો કૅમેરા હતો જે ખૂબ જ સારો હતો. એમાં ફ્લૅશ બીમ હોવાને કારણે ખર્ચો ઓછો આવતો. જોકે એક વાર એ કૅમેરા બગડી ગયો અને હું એને રિપેર કરાવવા જર્મનીની કંપનીના ભારતના સેન્ટર પર ગયો. તેમણે કહ્યું કે એનું આખું મેઇન એન્જિન જ બદલવું પડશે. એ તો નવો કૅમેરા ખરીદવા બરાબર હતું. મને થયું ફ્લૅશ ગન રિપેર ન થાય એવું કેમ બને? એક દિવસ આખી ફ્લૅશ ગન ખોલી નાખી. ટેક્નિશ્યન ફ્રેન્ડ્સને કન્સલ્ટ કરતાં તેમણે સલાહ આપી કે અમુક કૉમ્પોનન્ટ બનાવી શકાય અને બાકીના ઇમ્પોર્ટ કરવા પડે.’
બસ, પછી તો જયંતભાઈની જિજ્ઞાસા કામે લાગી ગઈ. એ પીસમાંના ફ્લૅશ બીમની ટેક્નિક કેવી બની છે એના પર રિસર્ચ કર્યું અને જાતે જ કૅમેરા માટે ઇલેક્ટ્રૉનિક ફ્લૅશ બીમ બનાવી જે ભારતીય ફોટોગ્રાફી ક્ષેત્ર માટે ગેમ ચેન્જર બની ગઈ.
ભારતમાં પહેલી વાર ફ્લૅશ બીમ
ફ્લૅશ બીમની ટેક્નૉલૉજી ડેવલપ થતાં જયંતભાઈનું ફોકસ ફોટોગ્રાફીમાંથી ખસીને એ માટે જરૂરી ઇક્વિપમેન્ટ્સ બનાવવા તરફ વળ્યું અને એમાંથી એક નવો જ વ્યવસાય શરૂ થયો જે ફોટોક્વિપ ઇન્ડિયાના નામે ભારતભરમાં છવાયો. કોડૅકથી લઈને એ વખતની સૌથી મોટી ઇન્ટરનૅશનલ કંપની આગ્ફાએ એજન્સી લીધી. જયંતભાઈ કહે છે, ‘મારી ફ્લૅશ ગનની ખાસિયત હતી કે એ હાઈલી ટેક્નિકલ હોવા છતાં અફૉર્ડેબલ પણ હતી. એક સમયે અમે દુનિયાનું સૌથી મોટું મૅન્યુફૅક્ચરિંગ યુનિટ હતા. રોજની ૧૦૦૦થી વધુ ફ્લૅશગનનું પ્રોડક્શન અમારે ત્યાં થતું અને વિશ્વભરમાં એક્સપોર્ટ થતી.’
બદલાતા વિશ્વ સાથે તાલ
ફોટોગ્રાફીની દુનિયા ધીમે-ધીમે બદલાઈ રહી હતી અને એની સાથે કદમથી કદમ મિલાવવાનું કામ જયંતભાઈ કરતા. દર બે વર્ષે ફોટો ઇક્વિપમેન્ટનો વૈશ્વિક ફેર યોજાતો જેમાં દુનિયાની ૧૪૦૦થી વધુ કંપનીઓ ભાગ લેતી. જયંતભાઈ કહે છે, ‘૧૯૭૦ની સાલથી હું આ વીકલી ફેરમાં ભાગ લેતો થઈ ગયેલો. ૨૦૧૬ સુધી આ સિલસિલો ચાલુ રાખ્યો. બસ, એ પછી મેં એ કામમાંથી નિવૃત્તિ લઈ લીધી.’
ફિટનેસનો રાઝ શું?
મૅરથૉનમાં ભાગ લેવાનું તો ૮૫ વર્ષની ઉંમરે શરૂ કર્યું પણ સ્વિમિંગ તો તેઓ બાળક હતા ત્યારથી લઈને આજની તારીખ સુધી કરે છે. આ બાબતે જયંતભાઈ કહે છે, ‘મારા બિલ્ડિંગમાં જ સ્વિમિંગ-પૂલ છે એટલે મારે માટુંગા જિમખાના સુધી લાંબા થવું પડતું નથી. હું નિયમિત ૪૦ મિનિટ સ્વિમિંગ કરું છું. જોકે હમણાં બિલ્ડિંગનાં સ્વિમિંગ-પૂલમાં કામ ચાલુ છે એટલે થોડા દિવસથી હું જઈ શકતો નથી, પણ જેવો સ્વિમિંગ-પૂલ શરૂ થશે એટલે સૌથી પહેલો હું એમાં સ્વિમિંગ કરવા ઊતરીશ. ઘણા લોકોને નવાઈ લાગે છે મને સ્વિમિંગ આ ઉંમરે કેવી રીતે કરવાનું ફાવે છે, પણ સાચું કહું તો સ્વિમિંગ કરવામાં કોઈ મોટી વાત નથી. દરેક વસ્તુ તમારા મન ઉપર છે. જો તમે અંદરથી મજબૂત હશો અને રેગ્યુલરલી એક્સરસાઇઝ કરશો તથા પોતાને ઍક્ટિવ રાખશો તો કોઈ પણ ઉંમરે તમે કંઈ પણ કરી શકો છો. સ્વિમિંગ સિવાય હું યોગ પણ કરું છે જેને લીધે મને નખમાં પણ રોગ નથી. યોગથી બેસ્ટ કોઈ કસરત નથી. આ યોગનો જ સૌથી મોટો ફાળો છે મને આ ઉંમરે આટલો એનર્જેટિક અને તંદુરસ્ત રાખવામાં. આ ઉપરાંત મને સ્ટૅમ્પ્સ, સિક્કા અને પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ કરવાનો પણ શોખ છે જે મને દિવસ દરમિયાન બિઝી રાખે છે. બાકી કોઈ કહે કે તમે આમ નહીં કરી શકો કે હવે તમારાથી આવું નહીં થાય તો પણ હું ગભરાતો નથી અને જે કરવું છે એ કરીને જ રહું છું. મારો આત્મવિશ્વાસ જ મારું સૌથી મોટામાં મોટું જમા પાસું છે. છેલ્લાં દસ વર્ષથી મૅરથૉન દોડું છું અને સાચું કહું તો આ દોડ મારા માટે વાર્ષિક પરીક્ષા જેવી છે જેનાથી મને ખબર પડે છે કે મારો સ્ટૅમિના કેટલો મજબૂત છે.’
ફિટનેસ મંત્ર
જયંતભાઈનો ફિટનેસ મંત્ર કહો કે પછી પાછલી ઉંમરમાં જીવન જીવવાની ચાવી કહો, તેઓ અલગ-અલગ ઍક્ટિવિટી સાથે જોડાયેલા રહીને પોતાને તન-મનથી ફિટ ઍન્ડ ફાઇન રાખે છે. કેટલાંય વર્ષોથી ચા, કૉફી, ઠંડાં પીણાં બધું બંધ છે. ખોરાક પણ તદ્દન સાદો. નો જન્ક ફૂડ. સૌથી મુખ્ય વસ્તુ છે આનંદિત રહેવાનું. કોઈ ખોટું ટેન્શન કે મગજમારીમાં પડવાનું નહીં. એ વાત તેમણે ગાંઠે બાંધી લીધેલી છે. આ દરેક વસ્તુ તેમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.તેઓ રોજ ત્રણેક કિલોમીટર ચાલે છે. આજે ચાલવામાં તકલીફ નથી પડતી પણ ઉંમરના હિસાબે દાદરા ચડઊતર કરવામાં મુશ્કેલીઓ આવે છે, બાકી કોઈ હેરાનગતિ નથી.

