Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મેરી સાડી, અબ સે મૈં આયર્ન કરુંગી, ઔર કોઈ નહીં

મેરી સાડી, અબ સે મૈં આયર્ન કરુંગી, ઔર કોઈ નહીં

12 April, 2021 02:29 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

અમેરિકામાં બીજી ઍક્ટ્રેસનાં નાટક શરૂ થયાં એટલે જયાજીએ એક વખત આવીને બધાની વચ્ચે સ્પષ્ટતા સાથે કહી દીધું અને એ પછી તેમણે પોતાના કૉસ્ચ્યુમની આઠ સાડી દરેક શો પહેલાં ઇસ્ત્રી કરીને જાતે રેડી કરી. આ તેમના પ્રોફેશનલિઝમનું અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઉદાહરણ છે

બા અને મા: ગુજરાતી નાટક ‘બા રિટાયર થાય છે’ અને હિન્દી નાટક ‘મા રિટાયર હોતી હૈ’ના લોગોની હાર્મની અકબંધ રહે એવું ઝીણવટભર્યું કામ અમે ૯૦ના દસકામાં પણ કર્યું હતું.

બા અને મા: ગુજરાતી નાટક ‘બા રિટાયર થાય છે’ અને હિન્દી નાટક ‘મા રિટાયર હોતી હૈ’ના લોગોની હાર્મની અકબંધ રહે એવું ઝીણવટભર્યું કામ અમે ૯૦ના દસકામાં પણ કર્યું હતું.


‘ઑલ ધ બેસ્ટ...’

જયાજીને હૅન્ડલ કરવાં બહુ મુશ્કેલ એટલે રિહર્સલ્સ પર આવેલો અભિષેક બચ્ચન મને વિશ કરીને મરક-મરક સ્માઇલ કરતો નીકળી ગયો. પણ મેં તમને ગયા સોમવારે કહ્યું એમ, મને જયાજી સાથે કામ કરવામાં લગીરેય તકલીફ પડી નહોતી, ક્યારેય નહીં. હું તો કહીશ કે લોકોએ તેમની પાસેથી પ્રોફેશનલિઝમ અને પ્રોફેશનલ કમિટમેન્ટનાં લેસન લેવાં જોઈએ. એની વે, અત્યારે આપણે આપણી વાત આગળ વધારીએ. આપણી વાત ચાલી રહી છે ‘મા રિટાયર હોતી હૈ’ની. વિઝા મેળવવામાં વિલંબ થવાને કારણે જોગાનુજોગ નાટક જયાજીના જન્મદિવસે એટલે કે ૯ એપ્રિલે જ ઓપન થયું.



૧૯૯૯ અને ૯ એપ્રિલ.


વેસ્ટ પામ બીચ, ફ્લૉરિડા.

અમારા શોની શરૂઆત થઈ અને શરૂઆત થઈ મારી હેરાનગતિની. આ હેરાનગતિ ક્યાંય જયાજી તરફથી નહોતી, પણ બીજા લોકો તરફથી હતી. એની વાતો કરતાં પહેલાં મારે અત્યારે તમને જયાજીના પ્રોફેશનલિઝમનો વધુ એક કિસ્સો કહેવો છે. અગાઉ તમને કહ્યું હતું એમ, અમેરિકા અમે નાટકના શો કરવા જઈએ ત્યારે ૧૦થી વધારે લોકોને અમે સાથે લઈ જઈ શકીએ નહીં. ‘મા રિટાયર હોતી હૈ’માં ૮ કલાકાર હતા, એ ૮ કલાકાર, નવમો હું. હું નાટકમાં મ્યુઝિક ઑપરેટ કરતો હતો તો ૧૦મો લાઇટ ઑપરેટર. આમ અમારી ૧૦ની ટીમ પૂરી થતી હતી. ફૉરેન ટૂર પર જઈએ ત્યારે મહિલા કલાકારોએ કપડાં ઇસ્ત્રી કરવાનાં હોય તો મેલ ઍક્ટર્સે સેટ લગાડવાનું કામ કરવાનું. નાના-મોટા બધા ઍક્ટરોને આ વાત લાગુ પડે. આ બધી તૈયારીઓ થઈ જાય એટલે કલાકારોએ જાતે જ પોતાનો મેકઅપ કરી લેવાનો. આજે પણ આમ જ હોય છે અને બધા એ કરે જ છે. જેને નથી ફાવતું તેઓ પહેલેથી જ ફૉરેનની ટૂર પર આવવાની ના પાડી દે. નૅચરલી જયાજી અને રમેશજીને આ વાત લાગુ નહોતી પડતી, પણ ટીમના બીજા કલાકારોને તો આ નિયમ લાગુ પડતો જ હતો. અમેરિકા પહોંચતાની સાથે જ નાટકની


અમુક ફીમેલ ઍક્ટ્રેસે પોતાના અસલી રંગ દેખાડવાનું શરૂ કર્યું. દેકારો મચાવી દીધો કે અમારાથી કૉસ્ચ્યુમ

ઇસ્ત્રી નથી થતા તો કોઈ કહે, મેં તો મારી લાઇફમાં ક્યારેય ઇસ્ત્રી ઘરમાં પણ નથી કરી તો પાછી ત્રીજીની દલીલ એવી હતી કે મને તો ઇસ્ત્રી કરતાં જ નથી આવડતું.

જયાજી ખૂબ જ ઇમોશનલ અને એટલાં જ પ્રૅક્ટિકલ અને શાર્પ પણ. તેમણે આ બધું જોયું અને પછી તરત જ મને બોલાવીને કહ્યું,

‘સંજય, જાઓ... અભી કે અભી બહાર સે કિસી ઇસ્ત્રીવાલે કો લેકર આઓ...’

મેં જયાજીને કહ્યું, ‘બહેન, આ આપણું ઇન્ડિયા નથી કે દરેક ગલીના નાકે ઇસ્ત્રીવાળો ઊભો હોય. આ અમેરિકા છે અને અહીં આયર્ન કરનારાનો કોઈ કન્સેપ્ટ જ નથી. બધા પોતે ઘરે ઇસ્ત્રી કરી લે અને નહીં તો જ્યાં કપડાં ડ્રાયક્લીનમાં જાય ત્યાંથી આયર્ન થઈને જ આવે. બાકી, અહીં આપણને આવું કામ કરનારું કોઈ મળશે નહીં.’

જયાજી ત્યારે તો કંઈ બોલ્યાં નહીં, પણ શો પૂરો થયો એટલે તેમણે મને કહ્યું,

‘સંજય, મુઝે મેરે સારે

સાડી-બ્લાઉઝ દે દો... મેરી સાડી અબ સે મૈં આયર્ન કરુંગી, ઔર કોઈ નહીં કરેગા...’

અને સાહેબ, પછી તેમણે આ જ વાત છેલ્લે સુધી પાળી. દરેક શો પૂરો થયા પછી જયાજી નાટકમાં પહેરતાં એ ૮ સાડી હોટેલમાં સાથે લઈ જાય અને બીજા દિવસે ટિપટૉપ ઇસ્ત્રી કરેલી અને હૅન્ગરમાં લટકાવેલી એ આઠેઆઠ સાડી શો પર આવે. આ જયાજીનું પ્રોફેશનલિઝમ હતું. તમને કહ્યું એમ, માત્ર પ્રોફેશનલ હતાં એવું જ નહીં, ઇમોશનલ પણ એટલાં જ. અમારા નાટકમાં તેમના જે બે દીકરાઓનો રોલ કરતા એ ઍક્ટરને રિયલમાં પણ દીકરાઓની જેમ જ ટ્રીટ કરે અને જે પુત્રવધૂનો રોલ કરતી એ ઍક્ટ્રેસને પણ એટલી જ લાગણીથી ટ્રીટ કરે.

અમેરિકાની આ ટ્રિપમાં હું ઇન્ડિયાથી નીકળ્યો ત્યાં સુધી મને લોકોએ માનસિક રીતે તૈયાર કરી દીધો હતો કે જયાજી સાથે કામ કરવાનું અઘરું પડશે, પણ બન્યું ઊલટું. જયાજીએ તો મને જરા પણ હેરાન ન કર્યો, પણ અમેરિકામાં મને અમારી એક હિરોઇને બહુ ત્રાસ આપ્યો. હું એ છોકરીનું નામ લખીને તેને વધારે મહત્ત્વ નથી આપવા માગતો એટલે મિત્રો, હું તમારી પાસે તેનું નામ લેતો નથી.

ખાવાપીવાથી માંડીને દરેકેદરેક બાબતમાં તેણે નખરાં ચાલુ કર્યાં. તેને કોઈક ફિઝિકલ તકલીફ હતી એટલે અમે જ્યાં જઈએ ત્યાં તે ડૉક્ટર બોલાવવાનું કહે. નૅચરલી કોઈને હેલ્થ-ઇશ્યુ હોય તો ના તો ન જ પાડવાની હોય. અમે ડૉક્ટર બોલાવીએ. ડૉક્ટર આવે, ગોળીઓ આપે એટલો સમય ચાલે. જેવું શહેર બદલીએ કે તરત જ બહેનના મનમાં પાછો પ્રૉબ્લેમ જાગે. લાંબો સમય અને એકધારું આ ચાલ્યું. ધીમે-ધીમે અમને ત્રાસ છૂટવાનો શરૂ થયો, પણ થાય શું, ટૂર ચાલુ તો રાખવી જ પડે. અચાનક તેણે શરૂ કર્યું કે મારે ઘરે જવું છે. મેં તેને સમજાવી કે એવી રીતે ઘરે ન જઈ શકાય. અમેરિકામાં હું રાતોરાત તારું રિપ્લેસમેન્ટ ક્યાંથી લાવું? ટૂરને વીસેક દિવસ થયા હશે અને અમે શિકાગો પહોંચ્યાં. શિકાગોમાં પણ તેનો એ જ પ્રશ્ન ઊભો થયો અને જેટલી વાર આ પ્રૉબ્લેમ ઊભો થાય એટલી વાર ડૉક્ટર આવે અને જેટલી વાર ડૉક્ટર આવે એટલી વાર મારે ૫૦-૧૦૦ ડૉલરની ફી આપવી પડે. આ ૫૦-૫૦ ડૉલર હવે બોજારૂપ બનવા માંડ્યા હતા અને એને લીધે હિરોઇન પોતે પણ.

અમે સૅન ફ્રાન્સિસ્કો શો માટે ગયાં, ત્યાંના ઑર્ગેનાઇઝરનાં વાઇફ અમને મળવા આવ્યાં તો તેમની પાસે એ હિરોઇને જૂની ઓળખાણ કાઢીને કહ્યું કે મને ગાયનેક પ્રૉબ્લેમ છે, મારે ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા છે, તમે ડૉક્ટર સજેસ્ટ કરો. થયેલી આ વાત વિશે અમને તો કાંઈ ખબર નહીં, અમે તો અમારા શેડ્યુલ મુજબ ચાલીએ. સૅન ફ્રાન્સિસ્કોનો શો કરીને અમારે બીજા દિવસે જવાનું હતું લૉસ ઍન્જલસ. શુક્રવારે અમારો શો સૅન ફ્રાન્સિસ્કોમાં અને શનિવારની અમારી લૉસ ઍન્જલસની ફ્લાઇટ. રવિવારે અમારો શો ત્યાં હતો. અમે હોટેલ ચેકઆઉટની તૈયારીમાં હતાં ત્યાં પેલા ઑર્ગેનાઇઝર આવ્યા. આવીને કહે, પેલી છોકરીએ મારી વાઇફ સાથે ગઈ કાલે વાત કરી હતી. મેં તેને માટે ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ લીધી છે. હું તેને પિક કરવા આવ્યો છું. મિત્રો, મને અત્યારે પણ આ વાત કરતી વખતે તેના પર ભારોભાર ગુસ્સો આવે છે.

ઑર્ગેનાઇઝરે કહ્યું એટલે હું ફટાફટ તેની રૂમમાં ગયો. એ છોકરી કેટલી બેદરકાર કે બધું તેણે નક્કી કરી લીધું હતું તો પણ તે તો રૂમમાં આરામથી સૂતી હતી. મેં તેને જગાડી અને તેને લઈને હું નીચે આવ્યો. મારા પર બીજા

બધાની પણ જવાબદારી હતી એટલે મેં ઑર્ગેનાઇઝરને કહ્યું કે અમે બધાં ઍરપોર્ટ પહોંચીએ છીએ, તમે આને લઈને સીધા ઍરપોર્ટ આવજો. ઍરપોર્ટ પહોંચ્યા પછી મારી કેવી કજા થઈ એની વાતો કરીશું આપણે આવતા સોમવારે; ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો અને કોવિડને હરાવતા રહો.

જોકસમ્રાટ

તાજેતરનું સંશોધનઃ

જે હસબન્ડ-વાઇફ એકબીજાનું લોહી પીતાં હોય એ બેમાંથી એક જ વ્યક્તિ રસી મુકાવશે તો ચાલશે.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2021 02:29 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK