Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી, જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી

જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી, જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી

18 August, 2022 04:30 PM IST | Mumbai
JD Majethia

આપણી ચર્ચા ચાલી રહી છે જમનાબાઈ નરસી સ્કૂલ દ્વારા ઊજવાતા ફેસ્ટિવલની. આ સિરીઝ ચાલુ કરી ત્યારે જ સમાચાર આવ્યા કે સુરેન ઠાકર ‘મેહુલ’ આપણી વચ્ચે રહ્યા નથી. બહુ ઓછા લોકોને ખબર છે કે મેહુલભાઈએ મને જાણતાં-અજાણતાં એક બહુ મહત્ત્વની કહેવાય એવી હેલ્પ કરી હતી

વી વિલ મિસ યુ મેહુલભાઈ. જેડી કૉલિંગ

વી વિલ મિસ યુ મેહુલભાઈ.


આપણે વાત કરીએ છીએ જમનાબાઈ નરસી સ્કૂલમાં થયેલા ફેસ્ટિવલની, ગુજરાતી માટેના ફેસ્ટિવલની, જેમાં હું અતિથિવિશેષ તરીકે ગયો અને મેં ખૂબ મજા કરી. મેં તમને ગયા ગુરુવારે કહ્યું હતું એમ, હું બહુ ખુશ થાઉં તો મારી આંખમાં આંસુ આવી જાય. તમે માનશો નહીં, જમનાબાઈ નરસી સ્કૂલનો એ કાર્યક્રમ જોતાં-જોતાં અનેક વખત મારી આંખમાં આંસુ આવ્યાં, એટલું જ નહીં, આજે, અત્યારે, આ જ ફેસ્ટિવલનો ત્રીજો એપિસોડ લખું છું ત્યારે પણ મારી આંખ ભીની થઈ છે. અફકોર્સ, ખુશીને કારણે. આપણે ત્યાં ગુજરાતી માટે કોઈ આટલું કામ કરતું હોય અને એ પણ કોઈને કહ્યા વિના, દેખાવો કર્યા વિના અને માત્ર પોતાની ફરજના ભાગરૂપે એનાથી વધારે ખુશીની વાત બીજી કઈ હોય. હું માનું છું કે જમનાબાઈ નરસી સ્કૂલનો આ કાર્યક્રમ જોઈને હું કે તમે જ નહીં, આપણી માતૃભાષા પણ એટલી જ ખુશ થતી હશે. માતૃભાષા માટે મેં એક બહુ સરસ વાત સાંભળી હતી.

તમને સપનાં જે ભાષામાં આવે એ તમારી માતૃભાષા. હું દાવા સાથે કહું છું કે દરેક ગુજરાતીને સપનાં તો ગુજરાતીમાં જ આવતાં હશે. પછી એ હું હોઉં, તમે હો, ગૌતમ અદાણી હોય, મુકેશભાઈ અંબાણી હોય કે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોય. હું તો આ સપનાવાળી વાતથી પણ સહેજ આગળ વધીને કહીશ કે તમે મોટા થઈ જાઓ પછી પણ તમારી અંદરથી જે નીકળે નહીં એ તમારી માતૃભાષા. તમને પીડા થાય કે પછી ખુશીના કોઈ સમાચાર મળે અને તમારો પહેલો ઉદ્ગાર જે ભાષામાં નીકળે એ તમારી માતૃભાષા.



ઍનીવેઝ, આપણે વાત કરવાની છે જમનાબાઈ નરસી સ્કૂલના ફેસ્ટિવલની. ૨૦૦૬થી આ ફેસ્ટિવલ દર વર્ષે થાય છે. દર વખતે એની એક થીમ હોય અને એ થીમ આધારિત એમાં અલગ-અલગ કાર્યક્રમ હોય; જેમાં નૃત્ય, ગીત-સંગીત, સ્કિટ અને એવું બધું હોય. આ બધું રજૂ બાળકોએ જ કરવાનું હોય. શિક્ષકોએ તેમને તૈયારી કરાવવાની. આ વર્ષે આ ફેસ્ટિવલની થીમ હતી ‘હાલોથી હેલો.’ મને તો આ થીમ સાંભળીને જ મજા પડી ગઈ હતી અને પ્રોગ્રામ જોઈને તો હું બહુ ખુશ થયો હતો. ખુશી પણ થઈ અને મનમાં સહેજ અફસોસ પણ થયો. કઈ વાતનો અફસોસ થયો એ વાત મેં ગયા ગુરુવારે તમને કરી હતી. છતાં સહેજ રીકૉલ કરાવી દઉં.


વર્ષો પહેલાં મારી બન્ને દીકરીઓ કેસર-મિસરીને જમનાબાઈ નરસીમાં ઍડ્મિશન મળી ગયું હતું. એ સમયે વાત એવી હતી કે અમે નવું ઘર શોધતાં હતાં અને મનમાં હતું કે જુહુ સાઇડ પર શિફ્ટ થવું, પણ પછી બન્યું એવું કે અમે જુહુ શિફ્ટ થયાં નહીં એટલે કેસર-મિસરીને બહુ ટ્રાવેલ ન કરવું પડે એવા હેતુથી અમે મલાડમાં જ તેમનું ઍડ્મિશન લઈ લીધું. આ બહુ રૂટીન વાત છે, પણ એક સ્કૂલ તમારાં બાળકોના ઘડતરમાં કેવો મહત્ત્વનો ફાળો આપતી હોય છે એ વાત મને અસરકારક રીતે જમનાબાઈ નરસી સ્કૂલના આ ફેસ્ટિવલને જોઈને સમજાઈ અને મને પહેલી વાર અફસોસ થયો કે કાશ, મેં આ સ્કૂલમાં કેસર-મિસરીને ભણવા મૂકી હોત. હું એમ કહેવા નથી માગતો કે એ બન્ને જ્યાં ભણી છે ત્યાંનું ભણતર ખરાબ હતું. ના, વાત ગણતરની છે. એ લોકો જ્યાં ભણ્યાં ત્યાં ભણતર સારું જ છે, પણ આ વાત મેં મિસ કરી અને એનાથી વધારે મેં એ મિસ કર્યું જ્યારે હું નરસી મોનજી કૉલેજમાં ગયો હતો. નરસી મોનજીમાં મારા ઘણા બધા મિત્રો બન્યા. એ મિત્રોને જોઈને, મળીને, તેમની સાથે રહીને સતત એવું લાગતું કે આપણને આવી સ્કૂલ મળી ગઈ હોત તો કેવી મજા પડી હોત. સ્વાભાવિક છે એ કે કોઈને પણ આ વિચાર આવે અને થાય કે આપણા જીવનમાં જો આવી સ્કૂલનું કૉન્ટ્રિબ્યુશન થયું હતું તો કેવી મજા પડી હોત. 

સ્કૂલની વાત નીકળી છે એટલે એ કહેવું ઘટે કે મારે તો સ્કૂલ અને સ્કૂલના શિક્ષકો પર એક આખો આર્ટિકલ કરવો જોઈએ, પણ આજકાલ એ બધી વાતોને યાદ કરવાનો અને એને વાગોળવાનો સમય બહુ ઓછો મળે છે, તો એ પણ એટલું જ સાચું કે મારી કૉલમની જગ્યાની પણ એક મર્યાદા છે, પણ હા, અત્યારે એક વાત કહી દઉં. ટીચર્સ ડે આવશે ત્યારે આ વિષય પર એક ખાસ આર્ટિકલ લખીશ. તમે હમણાં-હમણાં જોયું હશે કે હું મારી આ કૉલમ ઉપરાંત પણ ‘મિડ-ડે’માં લખતો રહું છું. વચ્ચે ડૉટર્સ ડે પર લખ્યું તો એ પછી ‘રાડો’ ફિલ્મ જોયા પછી એના પર પણ લખ્યું હતું. જો તમે એ વાંચ્યું ન હોય તો ક્યાંકથી મેળવીને વાંચજો અને હવે માત્ર ગુરુવાર જ નહીં, નિયમિત રીતે ‘મિડ-ડે’ લેતા રહેજો, જેથી આપણે મળતા રહીએ અને મને પણ વચ્ચે-વચ્ચે લખતા રહેવાનું જોમ ચડતું રહે. લખવાનું મન મને કેવી રીતે થયું એની વાત તમને કરું. 


મને સતત એવું થતું કે મારે મારી રીતે ગુજરાતી ભાષા માટે, મારી માતૃભાષા માટે કંઈક કરવું જોઈએ, પણ હું શું કરું એ મને સૂઝતું નહોતું. હું કરવા પણ એવું માગતો હતો જેમાં હું એકલા હાથે મારી ઍક્ટિવિટી કરું અને મારા સમયે એ કરું. પાંચેક વર્ષ પહેલાંની આ વાત છે. એક વખત અચાનક ‘મિડ-ડે’માંથી મને ફોન આવ્યો કે આપણે તમારી કૉલમ કરીએ. પહેલાં તો મેં ના પાડી દીધી કે આટલાં બધાં કામ વચ્ચે આ કામ આપણું નહીં અને પછી મને અચાનક કક્કો અને બારક્ષરી અને એ બધું યાદ આવ્યું અને મને ખરેખર ફરીથી ક,ખ,ગ અને ક,કા,કિ,કી લખવાનું મન થયું અને એમ આ સફર શરૂ થઈ. નાનપણમાં શીખેલા એ કક્કો-બારક્ષરીએ જ વાચા આપી અને એ વાચા થકી જ તો મારી આજની આ દુનિયા ઊભી થઈ છે.

મેં મારું પ્રાઇમરી એજ્યુકેશન બાલભારતી સ્કૂલમાં લીધું. મારી બાલભારતી સ્કૂલમાં ઘણા શિક્ષકો એવા હતા જેમણે મારા ભણતર, ઘડતર અને ગણતરમાં બહુ મોટો ફાળો આપ્યો છે. મારે એ બધાને પણ થૅન્ક યુ કહેવું છે અને જો મારું ચાલે તો મારે એ બધાને એક વાર પર્સનલી મળવું પણ છે. તેમને ખબર નથી કે તેમણે મારા જીવનમાં કેવો મોટો ફાળો આપ્યો છે.

ત્રણ વીક પહેલાં, ત્રીજી ઑગસ્ટે સુરેન ઠાકર ‘મેહુલ’ ગુજરી ગયા. મેહુલભાઈ આમ તો ડાયરેક્ટ મને ભણાવતા નહોતા, પણ નરસી મોનજીમાં તેઓ ગુજરાતી ભાષા શીખવતા. જમનાબાઈ નરસી સ્કૂલના ફેસ્ટિવલનો પહેલો આર્ટિકલ લખવાનું શરૂ કર્યું ત્યારે જ મને આ સમાચાર મળ્યા. ગુજરાતી ભાષા પર આર્ટિકલ અને ગુજરાતી ભાષાના જ પ્રતિષ્ઠિત એવા મેહુલભાઈની વિદાય. ગુજરાતી ભાષાને સક્ષમ બનાવવાની વાત વખતે જ ખબર પડી કે તેઓ હવે આપણી વચ્ચે રહ્યા નથી. મેહુલભાઈની એક વાત કહું તમને, જેની બહુ ઓછા લોકોને ખબર છે.
મેહુલભાઈ મારા ભાઈને ઓળખતા. હું નરસી મોનજીમાં ઍડ્મિશન માટે ગયો, પણ મારું ઍડ્મિશન થતું નહોતું. મેહુલભાઈએ મને ભાઈદાસની બહાર જોયો. ઑલમોસ્ટ રડમશ. તેમણે મને પાસે બોલાવ્યો અને પૂછ્યું કે શું થયું એટલે મેં તેમને વાત કરી. તેમણે મારી આખી કથની સાંભળી અને પછી મને મદદ કરી અને એ રીતે હું લાઇનમાં આગળ વધ્યો અને નરસી મોનજીમાં પણ. જો મેહુલભાઈ એ દિવસે ન મળ્યા હોત તો કદાચ હું બીજી કોઈક દિશામાં હોત. પણ ભલું થજો મેહુલભાઈનું કે તેઓ મને મળ્યા, મારા ભાઈ સાથેની ઓળખાણને કારણે તેમણે મને બોલાવ્યો અને પછી રસ્તો પણ કાઢી આપ્યો. મેહલુભાઈ, વી વિલ મિસ યુ. અમે તમને ક્યારેય નહીં ભૂલીએ, ક્યારેય નહીં.
આજની વાત અહીં જ પૂરી કરતાં પહેલાં મેહુલભાઈની એક ગઝલને માણીએ... 
‘કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી, 
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.
જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી...’

 મને ખરેખર ફરીથી ક,ખ,ગ અને ક,કા,કિ,કી લખવાનું મન થયું અને એમ આ સફર શરૂ થઈ. નાનપણમાં શીખેલા એ કક્કો-બારાક્ષરીએ જ વાચા આપી અને એ વાચા થકી જ તો મારી આજની આ દુનિયા ઊભી થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2022 04:30 PM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK