Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નિર્ગુણ નિરાકાર ઈશ્વરને ભજવો કે સગુણ સાકારને?

નિર્ગુણ નિરાકાર ઈશ્વરને ભજવો કે સગુણ સાકારને?

03 April, 2022 08:25 AM IST | Mumbai
Kana Bantwa

સ્થાવર જંગમ વિશ્વ વ્યાપી રહ્યો, તે કેશવ કંડિયે કેમ સમાયે? ભક્તિમાર્ગનો પ્રવાસી અંતે જ્ઞાની બની જાય છે અને જ્ઞાની ઈશ્વરને જાણી લે ત્યારે ભક્તિની સરવાણી ફૂટે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રામકૃષ્ણ પરમહંસની એક અદ્ભુત કથા છે. કાલીના અનન્ય ઉપાસક રામકૃષ્ણદેવને સમજાયું કે પૂજા-ઉપાસના દ્વૈત છે. પરબ્રહ્મ સાથે ઐક્ય સધાઈ જાય એવું અદ્વૈત સમજવું, અદ્વૈત બની જવું આવશ્યક છે. પોતે ઘણા પ્રયત્નો કરી જોયા, પણ કાલી માતા સાક્ષાત્ સન્મુખ ઊભાં રહી જતાં હોય તેને અદ્વૈત કઈ રીતે અનુભવાય? પણ ઠાકુર તો ગજબના ખોજી જીવ. તેમણે માર્ગદર્શન આપી શકે એવા મહાત્માની શોધખોળ કરવા માંડી. જે કોઈ સાધુ મળે તેને પૂછે કે અદ્વૈત કેમ સાધવું? રામકૃષ્ણની નામના ત્યારે એટલી બધી થઈ ગઈ હતી કે તેમને જીવંત ભગવાન માનવામાં આવતા એટલે મોટા ભાગે તો કોઈ સાધુની હિંમત ન થતી ઠાકુરને કોઈ રસ્તો બતાવવાની. અને પોતે જાણતા હોય તો રસ્તો બતાવેને. જોકે એક દિવસ તોતાપુરી મહારાજ નામના અલગારી સંત આવ્યા. ઠાકુરે પૂછ્યું કે અદ્વૈત સાધવા માટે મદદ કરશો? તોતાપુરીએ વળતો જવાબ આપ્યો કે કાલે સવારના પહોરમાં જ પ્રયત્ન કરીએ. તોતાપુરીએ ઠાકુરને અદ્વૈત અંગે સમજાવ્યું અને કહ્યું કે સવારે ધ્યાન ધરતી વખતે કાલીની મૂર્તિ દેખાય કે તરત જ તલવારથી એના બે ટુકડા કરી નાખજો. ઠાકુરે કહ્યું કે ધ્યાનમાં તલવાર કયાંથી લાવવી? જવાબ મળ્યો કે જ્યાંથી કાલીની મૂર્તિ લાવો છો ત્યાંથી તલવાર લાવજો. અર્થાત્ મનમાંથી જ મૂર્તિ આવે છે તો તલવાર પણ મનમાંથી જ આવશે. ઠાકુરે પ્રયત્નો કરી જોયા પણ કાલીની મૂર્તિ દેખાતાં જ તલવાર ચલાવવાનું ભુલાઈ જાય અને બસ માની આરાધના શરૂ થઈ જાય. અંતે તોતાપુરીએ ચીમકી જ આપી કે બસ, કાલે છેલ્લો દિવસ, કાલે હું જતો રહીશ. ઠાકુરે પોતાની સમસ્યા વર્ણવી કે કાલીને જોતાં જ ભાન રહેતું નથી કે શું કરવું? તોતાપુરીએ કાચનો એક ટુકડો ઉઠાવીને કહ્યું કે જેવી કાલીની મૂર્તિ દેખાશે એટલે તમે ભાવાવેશમાં આવી જશો ત્યારે હું કાચથી તમારા કપાળમાં કાપો મારીશ એનાથી તમને જાગૃતિ આવશે કે તમારે તલવારથી કાલીની મૂર્તિને કાપી નાખવાની છે. બીજા દિવસે ઠાકુરે આંખ બંધ કરી. કાલીની મૂર્તિ દેખાતાં ભાવાવેશમાં આવી ગયા. તોતાપુરીએ કપાળ પર કાચના ટુકડાથી લાંબો ચીરો કરી દીધો. ઠાકુરે તત્ક્ષણ ધ્યાનમાં જ તલવાર ઉઠાવી અને કાલીની મૂર્તિના બે ટુકડા કરી નાખ્યા. અદ્વૈત સધાઈ ગયું. કાલી અને રામકૃષ્ણમાં, પરબ્રહ્મ અને રામકૃષ્ણમાં કોઈ ભેદ ન રહ્યો.

પૂજા કોની કરવી?
સગુણની પૂજા કરવી કે નિર્ગુણની?  સાકારની આરાધના કરવી કે નિરાકારની? નિર્ગુણ નિરાકાર ઈશ્વરને ભજવો, સમજવો મુશ્કેલ છે; સગુણ સાકારને ભજવો સહેલો છે. કયો રસ્તો પકડવો? કયો માર્ગ ઉચિત? ઈશ્વરને જાણવા માગતા તમામ મુમુક્ષુઓને આ પ્રશ્ન સ્વાભાવિકપણે થાય. અર્જુને પણ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણને પૂછ્યું હતું કે ‘સાંખ્ય અર્થાત્ જ્ઞાનમાર્ગ અને યોગ અર્થાત્ કર્મમાર્ગ એ બેમાંથી કયો માર્ગ અપનાવવો જોઈએ? મારા માટે શ્રેયકર હોય એ તમે કહો.’ કૃષ્ણએ બંને માર્ગોને યોગ્ય ઠરાવ્યા, પણ પ્રશંસા કરી કર્મમાર્ગની. સામાન્ય માણસ માટે કર્મનો, ભક્તિનો માર્ગ વધુ યોગ્ય છે. સાંખ્યનો માર્ગ, જ્ઞાનનો માર્ગ સામાન્ય માણસને પરવડે એવો નથી. કર્મ-સંન્યાસ જ્ઞાનીઓનું કામ છે, પૃથક જનનું નહીં. અદનો આદમી કર્મમાંથી સન્યાસ લઈ લે તો તમામ વ્યવસ્થા ભાંગી પડે અને જ્ઞાનનો માર્ગ જો માત્ર દેખાડા પૂરતો અપનાવવામાં આવે તો એ ફળીભૂત થતો નથી, ઊલટો નુકસાન કરે છે. કૃષ્ણએ ગીતાના ત્રીજા અધ્યાયમાં સ્પષ્ટપણે કહ્યું છે કે કર્મેન્દ્રિયોને સંયમમાં રાખીને જો એ જ ભોગોનું મનમાં સ્મરણ થતું રહે તો એવું કરનાર જ્ઞાની નહીં પણ મૂઢ છે, મિથ્યાચારી છે, ઢોંગી છે. એટલે જે મનને સંયમમાં રાખીને કર્મેન્દ્રિયો દ્વારા તમામ કર્મ કરતો રહે છે તે ચડિયાતો છે. આ જ ભક્તિનો, કર્મયોગનો પાયો છે.



બન્ને માર્ગની પોતાની મજા
વાસ્તવમાં જ્ઞાનના માર્ગની અને કર્મ-ભક્તિના માર્ગની મજા એ છે કે અંતે બન્ને એકબીજાનું રૂપ લઈ લે છે. જ્ઞાનના માર્ગે ઈશ્વરની નજીક પહોંચીને, તેના અદ્ભુત સ્વરૂપને જાણીને જ્ઞાની ભક્ત બની જાય છે અને ભક્ત જ્યારે ભક્તિ દ્વારા ઈશ્વરને પામે છે ત્યારે તે જ્ઞાની બની જાય છે. ચૈતન્ય મહાપ્રભુ પ્રકાંડ પંડિત હતા. તેઓ જ્યાં વસતા તે નવદ્વીપનગર બંગાળનું કાશી ગણાતું. તત્ત્વચર્ચામાં ચૈતન્યનો જોટો ન જડે. અનેક વિદ્વાનોને તેમણે હરાવ્યા હતા. જ્ઞાનથી ઈશ્વરના સ્વરૂપને જાણી ગયેલા ચૈતન્ય એટલા અભિભૂત થઈ ગયા કે અચાનક એક દિવસ તમામ જ્ઞાનને મૂકીને હરે કૃષ્ણ, હરે કૃષ્ણ ગાતાં-ગાતાં ભક્તિમાં લીન થઈ ગયા. નરસિંહ મહેતા કૃષ્ણની ભક્તિમાં પાગલ, પણ અંતે તેમની કવિતામાંથી જ્ઞાન વહેવા માંડ્યું. દ્વૈતનો બંદો નરસૈંયો અદ્વૈતનાં ગીતો ગાવા માંડ્યો. 


કેમ પૂજા કરું કૃષ્ણ કરુણાનિધાન, 
અકળ આનંદ તો કહ્યો ન જાયે, 
સ્થાવર જંગમ વિશ્વ વ્યાપી રહ્યો, 
તે કેશવ કંડિયે કેમ સમાયે? 
બાર મેઘ કરી સ્નાન શ્રીપતિ કર્યા, 
શંખની ધારે તો કેમ રીઝે? 
ઉનપચાસ વાયુ તું ને વ્યંજન કરે, 
ચમર ઢાળું તો કેમ ગમીજે? 
તારે નિત નવનવા નૈવેદ કમળા કરે, 
સૂક્ષ્મ નૈવેદની કેમ તુલ્ય આવે?
જિંદગી આખી જેણે અદ્વૈતને ભજ્યો, ભક્તિમાં તરબોળ રહ્યો તે નરસૈંયાએ આ ગાયું છે. તેને ઈશ્વરનું સર્વવ્યાપી અવ્યક્ત, નિરાકાર, નિર્ગુણ, અપ્રમેય સ્વરૂપ દેખાઈ ગયું પછી કહે છે કે જે સ્થાવર જંગમમાં સર્વ જગ્યાએ વ્યાપ્યા છે તે કેશવને કરંડિયામાં કેમ સમાવવો? બારે મેઘે જે સ્નાન કરતો હોય તેને જળધારીથી નવડાવવો કેટલો યોગ્ય? અને એ જ જ્ઞાનની ખુમારીમાં નરસૈંયો અદ્ભુત જ્ઞાનીની જેમ કહે છે... 
‘ચિત ચૈતન્ય-વિલાસ તદ્રૂપ છે, 
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.’ 
‘કોટિ બ્રહ્માંડ એક રોમ જેનું, મર્મ સમજ્યા વિના ભ્રમ ભાંગે નહીં, સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું.’ 
‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે. દેહમાં દેવ તું, તત્ત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.’ 
આ ભક્તની વાણી નથી, જ્ઞાનીની વાણી છે. ભક્ત નરસૈંયો આટલો જ્ઞાની કેમ બની ગયો?

ઈશ્વરનો અંશ 
ભક્તિમાર્ગનો પ્રવાસી અંતે જ્ઞાની બની જાય છે અને જ્ઞાની ઈશ્વરને જાણી લે ત્યારે ભક્તિની સરવાણી ફૂટે. ઈશ્વરની પાસે પહોંચીને બન્ને માર્ગ એક થઈ જાય. ત્યારે નથી જ્ઞાની રહેતો કે નથી ભક્ત રહેતો. ત્યારે તે ઈશ્વરનો એક અંશ બની જાય છે, ઈશ્વરસમ બની જાય છે. સગુણ સાકાર ઈશ્વરને ભજવામાં આવે કે નિર્ગુણ નિરાકાર પરમાત્માને, ભજનાર ધીમે-ધીમે તેના જેવો બનતો જાય છે. તેનામાંનું પરમતત્ત્વ ઊઘડતું જાય છે, ખીલતું જાય છે. પરબ્રહ્મને પૂજો કે અવતારોની ઉપાસના કરો કે પછી ઈશ્વરના ગમે તે સ્વરૂપને અપનાવો, અંતે તો હેમનું હેમ હોય. નિર્ગુણ નિરાકારમાં સગુણ સાકારનું આરોપણ કરવું એ સીડી બનાવવા જેવું છે, રસ્તો બનાવવા જેવું છે. નિર્ગુણને ભજવા જાઓ તો સગુણ થઈ જાય. એક શબ્દ પણ ઉચ્ચારો તો તેનામાં ગુણનું આરોપણ કર્યું કહેવાય. 


રામ નિરંજન ન્યારા રે, અંજન સકલ પસારા રે, અંજન ઉત્પતિ ઓમકારા, અંજન માંડ્યા સબ વિસ્તાર... 
કબીરે ગાયું છે. ભજો એટલે તરત જ સગુણ સાકાર થઈ જાય. સાકારરૂપે ભક્તિ કરવી એ માર્ગ છે તેના સુધી પહોંચવાનો. એ સીડી છે. પહોંચી ગયા પછી કઈ સીડીથી ચડ્યા એનું મહત્ત્વ નથી હોતું, ઉપર પહોંચ્યાનું જ મહત્ત્વ હોય છે. અને એ પણ સમજી લેવું જરૂરી છે કે કોઈ એક જ માર્ગે પહોંચવું લગભગ અસંભવ છે. જ્ઞાની જ્યાં સુધી આર્દ્ર બનતો નથી, ભક્ત બનતો નથી ત્યાં સુધી શુષ્ક ધરતી જેવો રહે છે, એમાં કોઈ અંકુર ફૂટતા નથી અને ઈશ્વરને જાણી લીધા પછી ભક્તને જ્ઞાન થવું સહજ છે, સ્વાભાવિક છે.

ઈશ્વરની પાસે પહોંચીને બન્ને માર્ગ એક થઈ જાય. ત્યારે નથી જ્ઞાની રહેતો કે નથી ભક્ત રહેતો. ત્યારે તે ઈશ્વરનો એક અંશ બની જાય છે, ઈશ્વરસમ બની જાય છે. સગુણ સાકાર ઈશ્વરને ભજવામાં આવે કે નિર્ગુણ નિરાકાર પરમાત્માને,ભજનાર તેના જેવો બનતો જાય છે. 

સામાન્ય માણસ માટે કર્મનો, ભક્તિનો માર્ગ વધુ યોગ્ય છે. સાંખ્યનો માર્ગ, જ્ઞાનનો માર્ગ સામાન્ય માણસને પરવડે એવો નથી. કર્મ સંન્યાસ જ્ઞાનીઓનું કામ છે, પૃથકજનનું નહીં. અદનો આદમી કર્મમાંથી સન્યાસ લઇ લે તો તમામ વ્યવસ્થા ભાંગી પડે. અને જ્ઞાનનો માર્ગ જો માત્ર દેખાડા પૂરતો અપનાવવામાં આવે તો તે ફળીભૂત થતો નથી.

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2022 08:25 AM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK