Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ખૂટે છે એ જાણવું જેટલું જરૂરી છે એટલું જરૂરી છે શું ખૂટે છે એ જાણવું

ખૂટે છે એ જાણવું જેટલું જરૂરી છે એટલું જરૂરી છે શું ખૂટે છે એ જાણવું

06 December, 2021 05:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નૌશિલ મહેતાને કારણે હું આપણા પ્રતિષ્ઠિત સર્જક મધુ રાયને મળ્યો. મધુભાઈનું નામ મેં બહુ સાંભળ્યું હતું, તેમને મળવું એ જીવનનો એક લહાવો ગણાય.

આ ફોટો મારી પાસે નહોતો, આ ‘મિડ-ડે’ પાસે હતો. ક્લાઉડ બર્સ્ટ પછીના ૨૪ કલાકે પણ રેલવે-ટ્રૅક પર આટલું પાણી હતું અને ટ્રેનમાં બેસવામાં પણ સૌના જીવ અધ્ધર થઈ ગયા હતા.

આ ફોટો મારી પાસે નહોતો, આ ‘મિડ-ડે’ પાસે હતો. ક્લાઉડ બર્સ્ટ પછીના ૨૪ કલાકે પણ રેલવે-ટ્રૅક પર આટલું પાણી હતું અને ટ્રેનમાં બેસવામાં પણ સૌના જીવ અધ્ધર થઈ ગયા હતા.


નૌશિલ મહેતાને કારણે હું આપણા પ્રતિષ્ઠિત સર્જક મધુ રાયને મળ્યો. મધુભાઈનું નામ મેં બહુ સાંભળ્યું હતું, તેમને મળવું એ જીવનનો એક લહાવો ગણાય. એ મધુભાઈ આપણા માટે લખે એનાથી મોટી વાત બીજી કઈ હોય સાહેબ. નૌશિલભાઈએ મધુભાઈને વાત કરી અને મધુભાઈ ‘અ ફિશ કોલ્ડ વાંડા’ પરથી નાટક લખવા માટે તૈયાર થયા એટલે મેં તેમને પેન-મની પેટે ૨૫,૦૦૦ રૂપિયાનો ચેક આપી દીધો અને આમ અમારું કામ શરૂ થયું. એ પછી શું થયું એની વાત કરતાં પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કરવાની. નૌશિલ મહેતાના પેઇન્ટર મિત્રોની જે વાત કરતા હતા એમાં મારાથી નામ લખાયું છે તૈયબજી બાદશાહ, પણ એ નામ છે તૈયબ મહેતા. મારી આ સરતચૂક બદલ માફી. હવે ફરી આવી જઈએ આપણે નાટકની વાત પર.
મધુ રાય કામે લાગ્યા, નૌશિલભાઈ તેમની સાથે સંપર્કમાં રહે. થોડા દિવસો આમ જ પસાર થયા, પણ નૌશિલભાઈ અને મધુભાઈ સાથે મળીને આઇડિયા ક્રૅક કરી નહોતા શકતા. નૌશિલભાઈના મનમાં બીજું કંઈક ચાલતું હતું અને મધુભાઈ બીજી કોઈ રીતે આઇડિયા ડેવલપ કરતા હતા. જે આઇડિયા મધુભાઈ લાવતા એ નૌશિલભાઈને ગમતા નહીં અને નૌશિલભાઈ જે દિશામાં વિચારતા એ મધુભાઈને જામતું નહીં. સમય પસાર થતો ગયો અને વન બૅડ ડે, મધુભાઈએ કહ્યું કે મારે તમને નાસીપાસ નથી કરવા એટલે હું તમને અત્યારે જ કહી દઉં કે મારાથી આ નાટક નહીં લખાય. તેમણે મને પણ કહ્યું કે ‘ગોરડિયા, મને આપેલા ઍડ્વાન્સના ૨૫,૦૦૦ રૂપિયા હું તમને પાછા આપી દઉં.’ પણ મેં કહ્યું કે એ બને જ નહીં. મધુ રાયનો જો હું લેણદાર હોઉં તો એનાથી મોટી વાત મારા માટે બીજી કોઈ હોય જ નહીં. આપણે ભવિષ્યમાં કામ કરીશું, તમે ફરી ક્યારેક મારા માટે નાટક લખજો, પણ હું એ પૈસા પાછા લેવાનો નથી.
- અને આમ અમારા એ પ્રોજેક્ટમાંથી મધુ રાય સ્વૈચ્છિક રીતે બહાર થયા અને નાટક લખવાની જવાબદારી નૌશિલભાઈએ પોતાના શિરે લઈ લીધી. નૌશિલ મહેતા રાઇટર તો સારા જ એટલે મને એમ કોઈ ચિંતા નહોતી.

નૌશિલભાઈ રાઇટિંગના કામે લાગ્યા અને સાથોસાથ અમે બન્ને કાસ્ટિંગ પર પણ લાગી ગયા. ‘અ ફિશ કોલ્ડ વાંડા’માં જે ઍક્ટ્રેસ છે તેનું કામ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને અમારા નાટકમાં પણ એવું જ હતું. ઍક્ટ્રેસ-ઓરિયેન્ટેડ એ સબ્જેક્ટમાં છોકરીનું મેઇન કૅરૅક્ટર શોધવામાં અમે ખૂબ ધમપછાડા કર્યા, પણ અમને કશું જામતું નહોતું. અમને ગમે એ અવેલેબલ ન હોય અને અવેલેબલ હોય એની સાથે કશું ગોઠવાય નહીં. ફાઇનલી અમે એ લીડ કૅરૅક્ટરમાં સેજલ શાહને કાસ્ટ કરી, પણ નાટકમાં એ સિવાયનાં કૅરૅક્ટર પણ ઘણાં અને બધાં મહત્ત્વનાં. અમે કાસ્ટ કર્યા આજના સમાંતર રંગભૂમિના દિગ્દર્શક ‘માસ્તર ફૂલમણિ’, ‘મરીઝ’, ‘હું ચંદ્રકાન્ત બક્ષી’, ‘મોહનનો મસાલો’ જેવાં અનેક ઑફબીટ નાટકોના સર્જક એવા મનોજ શાહને. મનોજ શાહ અને નૌશિલ મહેતા બન્ને જૂના મિત્રો, બન્ને સમકાલીન પણ ખરા. મનોજભાઈ મારા ફ્રેન્ડ, પણ હું કહું તો તેઓ નાટક કરવા રાજી થાય નહીં અને હું તેમનાથી ઘણો જુનિયર એટલે નૌશિલભાઈએ વાત કરી અને મનોજભાઈ તરત તૈયાર થઈ ગયા.



નાટકમાં કુલ ચાર હીરો હતા. મનોજભાઈ પછી એક રોલમાં અમે અમિત મિસ્ત્રીને નક્કી કર્યો. અમિતને તમે ઓળખો છો, ઘણી ફિલ્મો પણ તેણે કરી છે. થોડા સમય પહેલાં કોવિડના જ આ પિરિયડમાં તેનું ઘણી નાની ઉંમરે હાર્ટ-અટૅકમાં મૃત્યુ થયું. અમિત અને મારી બહુ જૂની ઓળખાણ. નાટકમાં હા પાડવા માટે તેની પાસે એક નહીં, અનેક કારણો હતાં. એક તો રોલ સરસ હતો, બીજું હું નાટક પ્રોડ્યુસ કરતો હતો અને ત્રીજું કારણ, નૌશિલ મહેતા. અમિત નૌશિલભાઈને પોતાના ગુરુ માનતો.


મનોજ શાહ અને અમિત મિસ્ત્રી પછી અમે ફાઇનલ કર્યો દિલીપ રાવલને. દિલીપે મારાં ઘણાં નાટકોનાં ગીતો લખ્યાં છે, મારાં ઘણાં પ્લેમાં કામ પણ કર્યું છે. તેણે ફિલ્મ જોઈ અને ફિલ્મ જોયા પછી તેની પાસે ના પાડવાનું કોઈ કારણ નહોતું. વાત આવી ચોથા હીરોની, જેના માટે અમે જિમિત ત્રિવેદીને ફાઇનલ કર્યો. જિમિત સાથે અગાઉ અમે ત્રણ-ચાર નાટકો કરી લીધાં હતાં. જિમિતને રોલ કહ્યો એટલે તે પણ રેડી. ઑલમોસ્ટ કાસ્ટ રેડી થઈ ગઈ એટલે ‘ચોકટ રાણી ચાર ગુલામ’નાં રિહર્સલ્સ શરૂ થયાં અને વાત આવી સેટ-ડિઝાઇનની. નૌશિલભાઈને સુભાષ આશર જોઈતો હતો અને મારા નાટકના સેટ છેલ-પરેશ જ તૈયાર કરતા, પણ નૌશિલભાઈનો આગ્રહ સુભાષ માટે હતો. સુભાષ સાથે મારી પણ બહુ સારી મિત્રતા, તે મારી સાથે અમેરિકાની ટૂર પર પણ આવ્યો હતો એટલે મારો બીજો કોઈ વિરોધ નહોતો. સુભાષ આશર સેટ-ડિઝાઇનર તરીકે ફાઇનલ થયો. અમારી ઇચ્છા નાટકમાં એક ગીત રાખવાની હતી. સચિન સંઘવી સાથે વાત કરીને મ્યુઝિક ડિરેક્ટર અમે સચિનને ફાઇનલ કર્યો. સચિનને તમે ઓળખો જ છો. અત્યારે એ સચિન-જિગર પૅરમાં કામ કરીને બૉલીવુડ ગજવે છે. 

રિહર્સલ્સ ચાલે. બેસ્ટ ટેક્નિકલ ટીમ, બેસ્ટ ઍક્ટર અને લખલૂટ ખર્ચો અને એમ છતાં કોણ જાણે કેમ નાટક જામી નહોતું રહ્યું. આ નાટક માટે ગુજરાત ટૂર ફાઇનલ થઈ હતી. નાટક મુંબઈમાં ઓપન કરીએ એ પહેલાં અમદાવાદમાં ૧૦ શો ફાઇનલ થયા એટલે અમે નક્કી કર્યું કે મુંબઈને બદલે આપણે નાટક અમદાવાદથી ઓપન કરીએ. જો મારી ભૂલ ન થતી હોય તો ૨૭ જુલાઈની રાતે અમારી અમદાવાદની ટ્રેન હતી. સવારે અમે અમદાવાદ પહોંચીએ અને એ જ રાતથી એટલે કે ૨૮ જુલાઈથી અમારે શો શરૂ કરવાના હતા. 


‘ચોકટ રાણી ચાર ગુલામ’નાં ગ્રૅન્ડ રિહર્સલ્સમાં જ મને અણસાર આવી ગયો હતો કે નાટકમાં મજા આવતી નથી, પણ શું કામ મજા નથી આવતી, નાટકમાં શું ખૂટે છે એ સમજાતું નહોતું. કશુંક ખૂટે છે એ નક્કી, પણ આ કશુંક શું છે એની ખબર જ ન પડે. 

ગ્રૅન્ડ રિહર્સલ્સ પૂરાં કર્યાં અને આવી ૨૦૦પની ૨૭ જુલાઈ, અમારો ટૂરનો પહેલો દિવસ. એ દિવસે અમે મુંબઈ છોડવાના હતા. તમને અત્યારે કદાચ નવાઈ લાગતી હશે કે હું શું કામ ફરી વાર આ ડેટની વાત કરું છું. તો સ્પષ્ટતા સાથે તમને યાદ કરાવી દઉં કે જે દિવસે અમે નીકળવાના હતા એના એક્ઝૅક્ટ ૨૪ કલાક પહેલાં એટલે કે ૨૦૦પની ૨૬ જુલાઈએ મુંબઈ શહેર પર ક્લાઉડ બર્સ્ટ થયું હતું અને ૩૦ ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. ખૂબ નુકસાની થઈ હતી. અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને તારાજી પણ ભોગવવી પડી હતી. એ દિવસે મંગળવાર હતો અને બીજા દિવસે અમદાવાદ જવાનું હોવાથી અમે રિહર્સલ્સ રાખ્યાં નહોતાં. વરસાદની તારાજી જોતાં અમને થોડી વાર માટે તો એવું થઈ ગયું હતું કે અમે નહીં પહોંચી શકીએ, પણ સાહેબ, કહ્યું છેને, શો મસ્ટ ગો ઑન.

૨૭મીની સવારે અમે નક્કી કર્યું કે આપણે શો માટે જઈશું અને અમે રાતે સ્ટેશન જવા માટે નીકળ્યા. રસ્તામાં ઠેર-ઠેર વૃક્ષો પડ્યાં હતાં, ગાડીઓ જેમતેમ ફંગોળાયેલી પડી હતી એટલે ટ્રાફિક જૅમ હતો. એને લીધે નક્કી એવું કર્યું કે અંધેરીથી અમારે લોકલ ટ્રેન પકડીને બોરીવલી અને ત્યાંથી અમદાવાદ માટે ટ્રેન પકડવાની. પણ ટ્રેન પકડવામાં જ પરસેવો પડી ગયો. ઠેર-ઠેર ઝાડ પડ્યાં હતાં તો અનેક જગ્યાએ ગાડી અને બાઇક તણાઈને ટ્રૅક પર આવી ગઈ હતી. બધું ખેદાનમેદાન હતું. ડગલે ને પગલે મનમાં એક જ વિચાર આવે કે જવાનું માંડી વાળીએ, પણ જેવું મન ડગમગ થાય કે તરત કાનમાં ત્રીજી બેલ સંભળાય અને યાદ આવે ઃ ‘શો મસ્ટ ગો ઑન’ અને રિયલી શો મસ્ટ ગો ઑન, પણ આજે સ્થળસંકોચને કારણે આપણે વાતોનો આ દોર એક વીક અટકાવવો પડશે. મળીએ નેક્સ્ટ વીક, સોમવારે, આ જ સ્થળે.

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2021 05:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK