ડિજિટલ ઇન્ડિયા કૅમ્પેન અંતર્ગત ટ્રાફિક રૂલ્સ તોડનાર માટે ફાઇન ભરવા ઈ-ચલાન ઍપ ઑનલાઇન થઈ ગઈ છે.
બિન્દાસ બોલ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ડિજિટલ ઇન્ડિયા કૅમ્પેન અંતર્ગત ટ્રાફિક રૂલ્સ તોડનાર માટે ફાઇન ભરવા ઈ-ચલાન ઍપ ઑનલાઇન થઈ ગઈ છે. આ ઍપ આવ્યા બાદ ટ્રાફિક-પોલીસ તેમ જ નાગરિકો માટે ફાઇન ભરવું ખૂબ ઈઝી થઈ ગયું છે. હાઈ સ્પીડ, રેડ સિગ્નલ જમ્પ કરવું, નો-હેલ્મેટ, નો-સીટબેલ્ટ, ડ્રાઇવિંગ કરતી વખતે ફોન પર વાત કરવી જેવા ૧૦૦થી વધુ નિયમોની યાદી બની છે. જોકે આ નિયમની પૂરી જાણકારી સામાન્ય નાગરિકોને હજી સુધી નથી અને એનો ફાયદો ઉપાડીને ટ્રાફિક-પોલીસ સામાન્ય જનતાને રોકીને જે આપણને ખબર જ ન હોય એવા નિયમ બતાવીને ફાઇન ભરવાનું કહે છે તેમ જ ફાઇન ભરવા માટે આનાકાની કે પછી તેમની સાથે આપણે વાત કરીએ કે દલીલ કરીએ તો એના પર પણ તેઓ ઍક્શન લેશે એવી ધમકી આપે છે. સમસ્યા એ છે કે મોટા ભાગના લોકો ગાડી ચલાવતાં તો શીખી જાય છે, પણ નિયમોની પૂરી માહિતી નથી જાણી લેતા.
ઈ-ચલાનને કારણે આપણને ઘણી વખત ખબર જ નથી હોતી કે આપણી ગાડીનો ક્યારે ફોટો પાડી લે અને તરત આપણને મેસેજ આવી જાય છે, પરંતુ મુંબઈમાં એવા ઘણા રસ્તા છે જ્યાં વન-વે છે, પણ એમાંથી કેટલાય વન-વે પર તો એવું બોર્ડ ક્યાંય લગાડેલું દેખાતું જ નથી. નો-પાર્કિંગનાં પ્રૉપર બોર્ડ પણ લગાડેલાં હોતાં નથી અને જો એવા રસ્તા પર ગાડી પાર્કિંગ કરી દીધી હોય તો વગરભૂલે ફાઇન ભરવો પડે. જો ગાડીનાં પેપર સાથે રાખવાનું ભૂલી ગયા હોઈએ તો હજારથી પાંચ હજાર સુધીનો ફાઇન ભરવો પડી શકે, પણ એ માટે ડિજિટલ લૉકર ઍપમાં જો તમે તમારા ડૉક્યુમેન્ટ્સ રાખ્યા હોય અને તમે એ બતાવો તો તમારે ફાઇન ન ભરવો પડે, પરંતુ આ નિયમની બધાને જાણ હોતી નથી અને તેમને વગર કામનું ફાઇન ભરવો પડે છે. તમારા નામનું આ ચલાન કાપ્યા પછી પંદર દિવસની અંદર નજીકના પોલીસ-સ્ટેશનમાં અથવા આરટીઓની ઑફિસમાં જઈને ડૉક્યુમેન્ટ્સ દેખાડી દેવામાં આવે તો તમારે હજારો રૂપિયાનો ફાઇન ન ભરતાં ફક્ત ૧૦૦ રૂપિયા જ ફાઇન ભરવો પડે.
ADVERTISEMENT
ઈ-ચલાન આવી ગયા પછી પણ ૧૦૦ રૂપિયા આપીને પતાવટ કરી લેવાનો ભ્રષ્ટાચાર ઓછો નથી થયો. હજી પણ લોકો ૧૦૦ રૂપિયાની નોટ દઈને આગળ નીકળી જાય છે. નાગરિક તરીકેની આપણી ફરજો બજાવી નિયમોનું પાલન કરવું જોઈએ તેમ જ સરકારે પણ લાંચ લેતા આવા ભ્રષ્ટ કર્મચારીઓ પ્રત્યેક કડી કાર્યવાહી કરવી જોઈએ અને તો જ ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર થઈ શકશે. શબ્દાંકન- ભાવિની લોડાયા