° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

ગુમ થયેલો છે

03 March, 2021 11:13 AM IST | Mumbai | Sejal Ponda

ગુમ થયેલો છે

ગુમ થયેલો છે

ગુમ થયેલો છે

ઘરમાં સાથે રહેતા, સાથે જીવતા સ્વજનોને જ્યારે માણસની હાજરીથી એવું લાગવા માંડે કે તે ગેરહાજર છે ત્યારે સમજી જવું કે એ માણસ ગુમ થયેલો છે. હૃદયથી હૃદયનું અંતર આમ તો શબ્દ અને સ્પર્શની હૂંફથી દૂર થઈ શકે છે, પણ માણસ જ્યારે હૃદયના ખૂણેથી ગેરહાજર થવા લાગે ત્યારે સમસ્યા સર્જાય છે

ગુમ થયેલો છે
સોમવારથી લઈ રવિવાર સુધી
પરિવાર માટે કમાતો માણસ
પોતાના પરિવારને સુખ આપવા માટે સતત સંઘર્ષ કરતો માણસ
કામના સ્થળે ચિંતા, અપમાન સાથે
જીવતો માણસ
નોકરીમાંથી બેદખલ થઈ જવાનો ફડકો લઈ ફરતો માણસ
આ માણસ બધે જ છે
છતાં ગુમ થયેલો છે
એના પોતાના સ્વજનની જિંદગીમાંથી
પરિવારને આપવાનો પ્રેમ, હૂંફ અને
વહાલનો સમય
આ માણસે નોકરીમાં હોમી દીધો છે
એનાં બાળકો માટે હવે એ ચોપડીમાં દેખાતા પપ્પા છે
પત્ની માટે ફોન પર થતો નિર્જીવ સંવાદ છે
સ્વજનની આંખમાં ન છલકાયેલાં આંસુ એનું છેલ્લું સરનામું છે
અસ્તિત્વ હોય છતાં માણસ ગુમ થઈ જાય એ કેવી વિટંબણા!
આમ જોવા જઈએ તો માણસનું ગુમ થવું ઘર-ઘરની કહાણી છે અને લૉકડાઉનમાં વર્ક ફ્રૉમ હોમ હોવા છતાં ઘરની કમાતી વ્યક્તિ ઘરના લોકો માટે સમય ફાળવી શકી નથી આ ફરિયાદ મોટા ભાગનાં ઘરમાં જોવા મળી છે. સતત લૅપટૉપમાં રચ્યાપચ્યા રહેવા માટે એ માણસે એક ખૂણો શોધી લીધો હતો. આ ખૂણો હવે તેની દુનિયા હતી.
પોતાની જાતને નોકરીમાં ટકાવી રાખવા માટે સતત સંઘર્ષ કરતો માણસ નોકરીએ જતો ત્યારે તેની પાસે સમય નહોતો અને ઘરથી કામ કરવા છતાં તેની પાસે સમય નથી, કારણ કે વર્ક ફ્રૉમ હોમમાં કામનો લોડ ઑફિસના કલાકો કરતાં પણ વધારે હતો એવી દરેક નોકરિયાતની ફરિયાદ હતી અને છે.
ઘરમાં રહીને પણ છેલ્લા કેટલાક સમયથી ઘરના લોકોના ચહેરા ધ્યાન દઈને નથી જોયા આ માણસે, કારણ કે તેનો સંઘર્ષ ટકી રહેવાનો છે. પરિવારની જરૂરિયાત માટે દોડવાનો છે. આ દોડ, આ સંઘર્ષે માણસને પોતાના પરિવારથી દૂર કરી નાખ્યો છે. આ માણસ ભૂલી ગયો છે કે ઘરની ચાર દીવાલ ઘર નથી પણ રસોડામાં વઘાર કરતી પત્ની, ઘરમાં દોડાદોડ કરતાં બાળકો, બી.પી.-ડાયાબિટીઝની ફરિયાદ કરતાં મા-બાપથી ઓળખાય છે ઘર.
ઘરમાં સાથે રહેતા સાથે જીવતા સ્વજનોને જ્યારે માણસની હાજરીથી એવું લાગવા લાગે કે તે ગેરહાજર છે ત્યારે સમજી જવું કે એ માણસ ગુમ થયેલો છે. સ્કૂલમાં ગેરહાજર રહેતાં બાળકો માટે લાલ રંગથી માર્ક કરવાનો રૂલ હતો. જેટલા લાલ માર્ક વધારે એટલા માર્ક્સ કપાવાની શક્યતા. અને આ બાબત એ સમયમાં શરમજનક ગણાતી. શિક્ષક ગેરહાજર રહેનાર બાળકને તાકીદ કરતા, ઠપકારતા, પાસે બેસાડીને કારણ જાણવાની કોશિશ કરતા. બાળકને કોઈ મુશ્કેલી હોય તો દૂર કરવાનો પ્રયત્ન પણ કરતા અને બાળક સ્કૂલમાં ફરી હાજરી પુરાવતું થઈ જતું. મોટા થયા પછી આ હાજરી હવે નોકરીમાં લાગે છે. નોકરીની હાજરી સાચવતો માણસ ધીરે-ધીરે ઘરમાંથી ગેરહાજર થતો જાય છે.
આ ગેરહાજરી સમય જતાં ફરિયાદમાં પરિણમે છે. તમારી પાસે સમય નથી એવું કહેતાં સ્વજન મનમાં ને મનમાં ઘણું મૂંઝાયા પછી ફરિયાદ કરતાં હોય છે. આ ફરિયાદને કકળાટ સમજતો માણસ થોડીક આર્ગ્યુમેન્ટ પછી ફરી ગુમ થઈ જાય છે પોતાની લૅપટૉપની દુનિયામાં; કારણ કે તેને કમાવાનું છે, ઘર ચલાવવાનું છે, બાળકોની ફી ભરવાની છે, ઘરના હપતા ભરવાના છે. પરિવારને સારી જિંદગી આપવાની છે. ઘરમાં ગેરહાજર રહીને તેણે નોકરીએ હાજર રહેવાનું છે. એટલે જ ઘરમાં લાગે છે તેનો ગેરહાજર માર્ક. મહિનાના છેલ્લા દિવસ સુધીમાં તો આ ગેરહાજર માર્ક ઘરના દરેક સભ્યના હૃદયમાં છપાઈ ગયો હોય છે.
તહેવારોમાં કે ક્યારેક રવિવારની રજામાં ઘરના લોકોની ફરિયાદ ઓછી કરવા આ માણસ હાજરીનો માર્ક લગાડવાનો પ્રયત્ન જરૂર કરે છે. એ પ્રયત્નમાં પણ પેલું નોકરીનું કામ હાજરી પુરાવે છે અને ફરી થઈ જાય છે પરિવારમાંથી તેની સો ટકા ગેરહાજરી.
પોતાના જ ઘરમાં ગેરહાજર થઈ જવું આ કોઈ નાનો મુદ્દો નથી. એ માણસની મજબૂરી સમજી શકાય એમ છે. છતાં ઘરમાં ગેરહાજરી ઘરના જ લોકો સાથે ચોક્કસ એક અંતર નિર્માણ કરી દે છે. હૃદયથી હૃદયનું અંતર આમ તો શબ્દ અને સ્પર્શની હૂંફથી દૂર થઈ શકે છે, પણ માણસ જ્યારે હૃદયના ખૂણેથી ગેરહાજર થવા લાગે ત્યારે સમસ્યા સર્જાય છે.
પરિવાર માટે કમાવાનું છે, દોડવાનું છે, સંઘર્ષ કરવાનો છે, ચિંતા કરવાની છે, નોકરીમાં અપમાન સહન કરવાનાં છે, કોઈની રમતનો ભોગ બનવાનું છે એ છતાં ટકી રહેવાનું છે. આ બધું જ કરવાનું છે. આના સિવાય છૂટકો નથી, નથી અને નથી જ. પણ આ બધું કરવા જતાં માણસ પોતાના જીવનનો અત્યંત મહત્ત્વનો હિસ્સો નજરઅંદાજ કરી નાખે છે, એ છે પરિવાર.
સમય તો કોઈ પાસે જ નથી, પણ પરિવાર સાથે જો થોડો પણ ક્વૉલિટી સમય પસાર ન થઈ શકતો હોય તો ધીરે-ધીરે માણસ પોતાનામાંથી જ ગેરહાજર થઈ શકે છે. પરિવારની સાથે રહેતા હો કે પરિવારથી દૂર; એક એવો નિયમ લઈ લેવો કે ગમે તે થાય દિવસમાં એક વાર તો એક વાર, પાંચ મિનિટ, દસ મિનિટ, અડધો કલાક કે પછી એક કલાક માત્ર ને માત્ર મારા પરિવાર માટે જ હશે; એમાં હું કોઈની હાજરી નહીં ચલાવી લઉં.
આવી દૃઢતા માણસને તેના પરિવાર સાથે જોડે છે. ચિંતામાંથી હળવો કરે છે. પરિવારને સમય આપવાથી માણસનો સમય બાતલ નથી જતો. 24 કલાકમાંથી માત્ર અડધો કે એક કલાક પરિવાર માટે ન હોઈ શકે? જે પરિવાર માટે માણસ આટલી દોડાદોડ કરે છે એ જ પરિવાર માટે તેણે દિવસનો અડધો કે એક કલાક બીજું બધું બાજુ પર મૂકીને આપવો જ જોઈએ. એવું કરવાથી પોતાના પરિવાર માટે સમય ન ફાળવી શકવાના ગિલ્ટમાંથી માણસ બહાર આવે છે. સ્વજનોના ચહેરા અને હૃદય પરનો સંતોષ જોઈ શકે છે.
આ માણસ બેદરકાર નથી, પણ મજબૂર છે જવાબદારીઓને લીધે. કોઈ પણ માણસે પોતાની જાતને એટલી મજબૂર ન બનાવવી કે જ્યાંથી તેને પ્રેમ મળે છે, હૂંફ મળે છે, જીવવાની તાકાત મળે છે, કોઈ તેને ચિક્કાર પ્રેમ કરે છે એવી બાંયધરી મળે છે ત્યાં જ તેણે ગેરહાજર રહેવું પડે.
24 કલાકમાંથી રોજ પોતાના પરિવારને આપેલો અડધો કે એક કલાક માણસના અસ્તિત્વને પુરવાર કરે છે. માણસે પોતાનું અસ્તિત્વ ન ભૂંસાય એ જોવું જ રહ્યું. તો રહેશોને હાજર?
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

03 March, 2021 11:13 AM IST | Mumbai | Sejal Ponda

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK