Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કહો જોઈએ : સ્ટ્રેસે તમને જકડી લીધા છે કે પછી તમે જ સ્ટ્રેસને પકડીને બેઠા છો?

કહો જોઈએ : સ્ટ્રેસે તમને જકડી લીધા છે કે પછી તમે જ સ્ટ્રેસને પકડીને બેઠા છો?

16 September, 2021 09:23 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

કોઈક વિચાર, સંજોગો કે ઇમોશનને તમે નૉર્મલી હૅન્ડલ ન કરી શકો અને એ તમારા કન્ટ્રોલમાંથી નીકળી જાય અને તમને કન્ટ્રોલ કરવા માંડે ત્યારે તમે એને સ્ટ્રેસ તરીકે લેખી શકો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દુનિયાની લગભગ બધી હેલ્થ સંસ્થાઓ અને મેડિકલ યુનિવર્સિટીઓનાં સંશોધનો કહે છે કે લોકોના જીવનમાં સ્ટ્રેસ લેવલ વધી રહ્યું છે અને ૯૫ ટકા રોગોનું મૂળ આ સ્ટ્રેસમાં છે. કોવિડે નવા જ પ્રકારના સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટીની ભેટ આપી છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને આપેલો એક રિપોર્ટ કહે છે કે આવનારા સમયમાં કોવિડની આફ્ટર ઇફેક્ટના ભાગરૂપે આર્થિક, માનસિક, શારીરિક કારણોસર સિવિયર ઍન્ગ્ઝાયટીના કેસ વધશે. મહામારી પછીના પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસની ઇફેક્ટ દેખાવી શરૂ થઈ ગઈ છે. કોઈક વિચાર, સંજોગો કે ઇમોશનને તમે નૉર્મલી હૅન્ડલ ન કરી શકો અને એ તમારા કન્ટ્રોલમાંથી નીકળી જાય અને તમને કન્ટ્રોલ કરવા માંડે ત્યારે તમે એને સ્ટ્રેસ તરીકે લેખી શકો.
મારે પૂછવું છે કે આ સ્ટ્રેસ આવે છે ક્યાંથી? કોણ આવીને આપી જાય છે આ સ્ટ્રેસનો ભાર? કેવી રીતે બહારના સંજોગો સામે મનને સતત કેળવતા રહેવું, જેથી ગમે એવા સંજોગોમાં સ્ટ્રેસને ટેકલ કરવાની એની ક્ષમતા અકબંધ રહે? આજે જેટલા હાઈ બ્લડપ્રેશર, હાર્ટ, ડાયાબિટીઝ અને ઈવન કૅન્સરના કેસ વધેલા જોવા મળે છે એમાં પણ સ્ટ્રેસનો બહુ જ મોટો રોલ છે. એવું પહેલાં શું કામ નહોતું? પહેલાં સ્ટ્રેસ નહોતું? હતું, છતાં આપણા બાપદાદાઓના જમાનામાં આ બધા રોગો ક્યાં હતા? એ વખતના સ્ટ્રેસમાં અને આ વખતના સ્ટ્રેસમાં કોઈ ફરક આવ્યો છે એમ? જી નહીં સાહેબ, જરાય નહીં. ઇન ફૅક્ટ, એ જમાનામાં આજ કરતાં વધુ અગવડતાઓ હતી, વધુ હાર્ડવર્ક કરવું પડતું હતું. આજની જેમ ગરમી લાગે એટલે એસી કરો અને ઠંડી લાગે એટલે એક સ્વિચ ચાલુ કરીને હીટર શરૂ કરી દો જેવું સરળ કંઈ જ નહોતું અને છતાં એ સમયે લોકો પોતાના પર આવતા સ્ટ્રેસને હૅન્ડલ કરી શકતા હતા, કારણ કે જરૂરિયાતો સીમિત હતી અને બધું જ પામી લેવાની હૈયાવરાળ નહોતી. કુદરતના શાસન પર શ્રદ્ધા સાથે જીવન જિવાતું હતું. કુદરત સાથેનું અનોખું જોડાણ હતું અને નેચર-ક્લૉક સાથે બૉડી-ક્લૉકનો તાલમેલ હતો. જ્યારે તમે કુદરતના અવલંબન સાથે જીવન જીવો છો ત્યારે તમને સાચવી લેવાની જવાબદારી કુદરત સુપેરે નિભાવે છે. જરૂરિયાતો માટે દોડવું એમાં કંઈ જ ખોટું નથી, પરંતુ એ દોટ ક્યાં અટકવી જોઈએ એની સભાનતા જો આવી જાય તો જીવન જીતી ગયા તમે. મારા પ્રિય હાસ્યલેખક, કલાકાર શાહબુદ્દીનભાઈ કહેતા કે માણસને ક્યાં અટકવું એ આવડી જાય તો બધી સમસ્યાનો અંત આવી જાય. બસ, આપણને અટકતા નથી આવડતું એટલે સ્ટ્રેસને જલસા પડી ગયા છે. ક્યાંક બધું જ બટોરવાની લાયમાં જેટલું પાસે છે એને માણવાનું તો સાવ ચૂકી જ જવાય છે. વિપરીત સંજોગો સ્ટ્રેસ આપે છે એવું કહેનારાઓને પૂછવું છે કે વાંક સંજોગોનો છે કે આપણો? સંજોગો તો બદલાતા રહેવાના. ક્યારેક અનુકૂળ, ક્યારેક પ્રતિકૂળ. એ દરેક વચ્ચે આપણે જીવતા કેમ શીખવું, એનાથી પ્રભાવિત થયા વિના જીવવાની કળા કેવી રીતે જીવનમાં ઉતારવી એ આપણે ને માત્ર આપણે જ નક્કી કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. જે સમયે આપણે આપણા હાથમાં આ કમાન લઈ લઈશું એ સમયે ચોક્કસપણે આપણે સૌકોઈ સ્ટ્રેસ-ફ્રી થઈ જશું. વિચારજો.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2021 09:23 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK