Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જમતી વખતે પલાંઠી સારી કે ટેબલ-ખુરશી?

જમતી વખતે પલાંઠી સારી કે ટેબલ-ખુરશી?

24 September, 2021 05:22 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

તમારાં ભૂલકાંના નાનકડા હાથમાં ચમચી-કાંટો પકડાવવાને બદલે તેમને નીચે પલાંઠી વાળી ‌તેમના હાથેથી ખાવા દો

જમતી વખતે પલાંઠી સારી કે ટેબલ-ખુરશી?

જમતી વખતે પલાંઠી સારી કે ટેબલ-ખુરશી?


આજકાલ બાળકોને ટેબલ પર બેસીને ટેબલ મૅનર્સ અને સૉફેસ્ટિકેશન સાથે ખવડાવતાં શીખવવા પર ભાર મૂકવામાં આવે છે, પરંતુ આપણા વડવાઓએ પ્રસ્થાપિત કરેલી જમીન પર પલાંઠીવાળીને જમવાની પદ્ધતિ સાયન્સની દૃષ્ટિએ બેસ્ટ છે. તમારાં ભૂલકાંના નાનકડા હાથમાં ચમચી-કાંટો પકડાવવાને બદલે તેમને નીચે પલાંઠી વાળી ‌તેમના હાથેથી ખાવા દો

તાજેતરમાં મધ્ય પ્રદેશ સરકારે એમની સરકારી સ્કૂલોમાં અપાતા મિડ-ડે મીલ પ્રોગ્રામમાં બાળકોને ટેબલ પર બેસાડીને જમાડવાનું નક્કી કર્યું છે. ત્યાંની ૨૦ સરકારી શાળાઓમાં ડાઇનિંગ ટેબલ બનાવી દેવામાં આવ્યાં છે જેથી વિદ્યાર્થીઓએ નીચે બેસીને જમવું ન પડે. આ ન્યુઝને કારણે સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોએ સવાલ ખડો કર્યો છે કે મિડ-ડે મીલમાં પોષણયુક્ત ખોરાક આપવા વિશે વધુ વિચારવું જોઈએ કે પરંપરાગત રીતોને છોડીને પાશ્ચાત્ય ધારાધોરણને અનુસરવાં જોઈએ? 
ટેબલ પર બેસીને ખાવું એ શહેરોમાં એટલું નૉર્મલ છે કે નીચે પલાંઠી વાળીને બેસવાનું ચલણ જ સાવ પૂરું થઈ ગયું છે. નીચે બેસવાની સાથે આજે કોઈ પણ બાળક હાથેથી ખાય તો તેને ઘરમાં ચમચીથી જ ખાવું એવી ફરજ પાડવામાં આવે છે. પણ શું ખરેખર પરંપરાગત ચાલી આવતી આ વર્ષો જૂની આદતને છોડવા જેવી છે કે પછી ઊલટું આપણી નવી પેઢીને પલાંઠીવાળીને ખાતાં શીખવવા જેવું છે? 
જમીન પર બેસીને ખાવું 
જમીન પર બેસીને ખાવાથી શું ફાયદો છે એ બાબતે વાત કરતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘જમીન પર બેસીને પલાંઠી વાળવાથી મૂલાધાર ચક્ર ઍક્ટિવેટ થાય છે. જ્યારે વ્યક્તિ ઊભા-ઊભા ખાય અથવા ખુરશી પર બેસે ત્યારે તેના પેટ પર એક અલગ વજન હોય છે. એટલે જ તમે નોટિસ કરજો કે ઊભા-ઊભા કે ચાલતા-ફરતા જેટલું ખવાય એના કરતાં બેસીને વ્યવસ્થિત જમી શકાય છે. પેટ પર આ સ્થિતિમાં ભાર આવતો નથી. આ સિવાય તમારી થાળી જમીન પર હોય છે એટલે બટકું લેવા વાંકા વળવું પડે છે. પછી વ્યક્તિ સીધી થાય છે ખાવા માટે. સીધા થઈને ખવાઈ જાય એટલે ફરી વાંકા વળવું પડે છે. આ જે પ્રક્રિયા છે એને લીધે ક્યારેય રિફ્લક્સ થતું નથી. આમ જમીન પર બેસીને ખાવાથી પાચન ખૂબ સારું થાય છે. ખોરાક વ્યવસ્થિત અંદર જાય છે અને પચે છે.’ 
પલાંઠી વાળીને નીચે બેસવું 
એક વસ્તુ સમજવા જેવી એ છે કે દરેક વ્યક્તિ નીચે બેસીને જમી શકતી નથી. જે નાનપણથી નીચે બેસીને જમ્યા છે એ જ નીચે વાંકા વળી, પલાંઠી વાળીને બેસી શકે છે. બાકીના લોકોના પગ એટલા વળતા જ નથી. એનું કારણ સમજાવતાં ફિઝિયોશ્યૉર, 
જુહુનાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘નાનપણથી જે આ રીતે બેસતા આવ્યા છે તેમના પગના સ્નાયુઓ ખૂબ મજબૂત હોય છે અને એમ બેસવામાં તેમને ૬૦-૭૦ વર્ષે પણ વાંધો આવતો નથી. આવા લોકોને ઘૂંટણની તકલીફો પણ પછી થતી હોય છે. આવા લોકોની ફ્લેક્સિબિલિટી ઘણી વધારે હોય છે. ઘણા લોકોને પલાંઠી વાળવાની આદત હોય છે અને ખુરશી પર લટકતા પગ ગમતા નથી. તેઓ ખુરશી પર પલાંઠી વાળીને જમતા હોય છે. પરંતુ ખુરશી પર પલાંઠી વાળવી એના કરતાં નીચે બેસીને પલાંઠી વાળી સુખાસનમાં જમવું ખૂબ જુદું છે.’
નવો ખોરાક હાથ વડે જ 
નાના બાળકને તેની ઉંમરની સાથે જ્યારે સ્તનપાન છોડાવીને બહારનું ખાવાનું શરૂ કરવામાં આવે ત્યારે ખોરાક સાથે તેનો પરિચય કરાવવો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. નવું-નવું જેટલું તમે તેને નાની ઉંમરમાં ખવડાવશો એટલી તેની સ્વાદેન્દ્રિય સ્ટ્રૉન્ગ બનશે અને તેને પોષણ પણ પૂરતું મળશે. દરેક પ્રકારનાં ધાન્ય, શાકભાજી અને ફળો તેને ખવડાવવાં જોઈએ. અને આ અખતરાઓને કઈ રીતે સાકાર કરી શકાય એ બાબતે વાત કરતાં ક્રિટીકૅર હૉસ્પિટલ, અંધેરીનાં પીડિયાટ્રિશ્યન ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘કોઈ પણ નવું ધાન્ય કે શાક કે ફળ શરૂઆતમાં તેને ખવડાવશો તો જરૂરી નથી કે બાળક એને અપનાવી જ લે. પરંતુ આપણે ઇચ્છીએ કે તે એને સારી રીતે અપનાવે, તેને એ ભાવે, એ ખોરાક પ્રત્યેનો તેનો ટેસ્ટ ડેવલપ 
થાય એની સૌથી પહેલી શરત એ છે કે એ તેના હાથમાં આપો. જેમ કે તમે જો તેને ભાત પહેલી વાર ખવડાવવાના હો તો ભાતનો એક વાટકો ભરીને તેની પાસે મૂકો. તે પહેલાં એને જોશે, પછી એને અડશે, પછી એની સાથે થોડું રમશે અને પછી એની થોડી પરખ થયા પછી તે એને મોઢામાં મૂકશે. આમ જો તમે ઇચ્છતા હો કે બાળક નવા ખોરાકને અપનાવે તો તેને તેના હાથેથી એ ખાવા દો. એ ખૂબ જ જરૂરી છે. તે જાતે ખાશે તો તેને ગજબ સંતોષ થશે અને એ નવી વસ્તુનો સ્વીકાર સરળ બનશે.’ 
કઈ રીતે કરશો શરૂઆત? 
જો તમે તમારા બાળકને જમીન પર આસન પાથરીને બેસીને જમવાની આદત પાડશો તો જીવનભર એ આદતને ફૉલો કરવી એના માટે સરળ રહેશે. નાનપણમાં આદત ત્યારે પડે જ્યારે બાળક જુએ કે મારાં માતા-પિતા પણ આમ જ જમે છે તો હું પણ આમ જ જમું. જો તમારી નીચે બેસવાની આદત ન હોય તો ધીમે-ધીમે એ આદત પડી શકે છે. શરૂઆત એક ટંકથી કરો. નીચે જમવા બેસો પરંતુ એક ટંક પૂરતું. આમ ધીમે-ધીમે આદત ડેવલપ થશે અને પછી નીચે બેસીને જમવાની મજા પડશે.  



આંગળીઓની પકડ 


મુંબઈના વિશ્વ ખ્યાતિ પામેલા સર્જ્યન ડૉ. બી.એમ. પુરંદરેને એક વાર કોઈએ પૂછ્યું કે તમારી સર્જરીની સ્કિલ પાછળનું રહસ્ય શું છે? તેમણે ત્યારે જવાબ આપતાં કહ્યું હતું કે હું મારા હાથેથી જમું છું એ જ મારી આંગળીઓની પકડનું રહસ્ય છે. આ વાત જણાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘બાળકોના આઇ-હૅન્ડ કો-ઑર્ડિનેશન, હાથની અને ખાસ તો આંગળીઓની પકડ કોઈ પણ પ્રકારના કામ માટે અત્યંત મહત્ત્વની છે, જે હાથેથી ખોરાક ખાવાથી આવે છે. સાઉથ ઇન્ડિયામાં આજે પણ મોટા ભાગની જગ્યાઓએ લોકો હાથેથી જ જમતા જોવા મળે છે. જો તમારે બાળકને હાથની પકડમાં મજબૂત કરવું હોય તો ફક્ત આ એક આદત ઘણી કામ લાગે છે.’

 જો તમે ઇચ્છતા હો કે બાળક નવા ખોરાકને અપનાવે તો તેને તેના હાથેથી એ ખાવા દો. તે જાતે ખાશે તો નવી વસ્તુનો સ્વીકાર સરળ બનશે.
ડૉ. ઝીનલ ઉનડકટ, પીડિયાટ્રિશ્યન


પોતાના હાથ વડે ખાવાથી ઇન્દ્રિયો સતેજ

ચમચી, છરી કે કાંટાથી નહીં, ખોરાક હાથેથી ખાવો જોઈએ. એનું કારણ સમજાવતાં આયુર્વેદ નિષ્ણાત વૈદ્યરાજ ડૉ. સંજય છાજેડ કહે છે, ‘અન્નને આરોગવા માટે આપણે ઇન્દ્રિયોને કામે લગાડીએ છીએ. પહેલાં આપણે ખોરાકને જોઈએ છીએ, એ પછી સૂંઘીએ અને પછી જ્યારે હાથમાં લઈએ ત્યારે સ્પર્શેન્દ્રિય ઍક્ટિવેટ થાય છે જે રસને જન્માવે છે. આથી જ હાથેથી ખાઈને જે સંતોષ થાય છે એ ચમચીથી ખાઈને નથી થતો. જ્યારે ખોરાકમાં સ્પર્શ ભળે છે ત્યારે ભૂખ ખૂલે છે. કોઈ પણ અનુભવમાં જેટલી વધુ ઇન્દ્રિયોને આપણે કામે લગાડીએ એટલો એ અનુભવ આપણા માટે શ્રેષ્ઠ બને છે. એટલે જ હાથેથી ખાવું બેસ્ટ છે.’

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2021 05:22 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK