Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્વને ઓગાળી શકે એ સ્વયંસેવક

સ્વને ઓગાળી શકે એ સ્વયંસેવક

05 December, 2022 02:16 PM IST | Mumbai
Bhavini Lodaya

ઇન્ટરનૅશનલ વૉલન્ટિયર ડે  : સ્વેચ્છાએ એવી કોઈ સામાજિક પ્રવૃત્તિ કરવી જેમાં તમે કંઈ મેળવવાની ભાવનાથી નહીં પણ આપવાની ભાવનાથી જોડાઓ છો ત્યારે એ નાનકડું કામ પણ સાધના બની જાય છે.

જનક નિસર ઇન્ટરનૅશનલ વૉલન્ટિયર ડે

જનક નિસર


સ્વેચ્છાએ એવી કોઈ સામાજિક પ્રવૃત્તિ કરવી જેમાં તમે કંઈ મેળવવાની ભાવનાથી નહીં પણ આપવાની ભાવનાથી જોડાઓ છો ત્યારે એ નાનકડું કામ પણ સાધના બની જાય છે. કહેવાય છે કે સામાજિક કામો માટે જ્યારે વ્યક્તિ સમય અને શ્રમ આપે છે ત્યારે એની સુવાસ વ્યક્તિને સાચા સુખનો અનુભવ આપે છે. મળીએ કેટલાક વૉલન્ટિયર્સને અને જાણીએ તેમની અનુભૂતિ શું કહે છે

મૂળે ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ કરતા અને છેલ્લા ચાર વર્ષથી સ્વયંસેવક તરીકે કામ કરતા ડોમ્બિવલીના દેવેશ શાહ તેમની વૉલન્ટિયર તરીકેની કામગીરીની શરૂઆત કેવી રીતે થઈ એ વિશે કહે છે કે ‘લગભગ પાંચ વર્ષ પહેલાં ફ્રેન્ડ સર્કલ સાથે ફરતાં-ફરતાં ફુટપાથ પર સૂતેલો માણસ સખત ઠંડીથી ધ્રૂજતો હતો ત્યારે તેને જોઈને આ વિચાર આવ્યો કે આના માટે કાંઈક કરવું જોઈએ એટલે એટલે મેં મારા મિત્રવર્તુળમાં વાત કરી અને અમે બધાએ નક્કી કર્યું કે થોડા શોખ ઓછા કરીને બ્લેન્કેટની વ્યવસ્થા કરીએ. અમે જ્યારે બ્લેન્કેટ લઈને ફુટપાથના લોકોને આપ્યા ત્યારે એ લોકોની ખુશી જોઈને અમારી પણ ખુશી બમણી થઈ ગઈ. બસ, ત્યારે જ એક વિચાર આવ્યો કે સામાજિક કાર્ય કરતી કોઈ પણ સંસ્થામાં જોડાઈ જાઉં. મારો મિત્ર રાજ અને તેનાં મમ્મી અને પપ્પાએ મળીને બનાવેલી SVG (Social Venture Group) સંસ્થામાં હું જોડાઈ ગયો. આ સંસ્થા  અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, ગૌશાળા, બ્લડ-કૅમ્પ જેવાં અનેક સ્થળોએ મહિનામાં એક વાર યથાશક્તિ સેવા આપતી હતી. તેમની સાથે અમે નાના બાળકના આશ્રમમાં જઈને જમવાનું આપીએ. ગૌશાળામાં પણ ગાયને ઘાસચારો આપવા જઈએ છીએ. આ સિવાય વક્રતુંડ ઢોલતાશા પથક ગ્રુપમાં પણ હું જોડાયેલો છું. આ ગ્રુપમાં પહેલાં એ લોકો આપણને ઢોલતાશા વગાડવાની ટ્રેઇનિંગ આપે અને પછી તહેવારોમાં ઢોલતાશા વગાડવાના જે કંઈ પૈસા જમા થાય એ બધા પૈસા  ગરીબ છોકરા-છોકરીઓના ભણતર માટે ફી ભરવી, નોટબુકો આપવી વગેરેમાં વાપરવામાં આવે છે.’




દેવેશ શાહ

જીવનમાં પરિવર્તન


આમ કોઈ જ વળતરની અપેક્ષા વિના શરૂ થયેલી સ્વયંસેવકની કામગીરીથી જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે એમ જણાવતાં દેવેશભાઈ કહે છે, ‘પહેલાં અમે બર્થ-ડે સેલિબ્રેશન કરતા તો મોઢા પર કેક લગાડતા હતા, પણ જ્યારે આશ્રમમાં જઈને જોયું કે ત્યાંનાં બાળકો રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે કોઈનો બર્થ-ડે આવે અને અમને એક ટુકડો કેકનો ખાવા મળશે. ત્યારે અન્નનો એક દાણો પણ બગડે નહીં એની સભાનતા આવવા લાગી. કામકાજ સાથે સામાજિક સેવાનું કાર્ય અઘરું લાગનારને એટલું કહીશ કે જેમ હોટેલમાં જવાનો સમય કાઢો છો, ફરવાનો સમય કાઢો છો એ જ પ્રમાણે નાનામાં નાનું સેવાકીય કાર્ય કરવા માટે થોડોક સમય કાઢો. એનાથી તમે માત્ર બીજાને મદદરૂપ નથી થતા, પરંતુ તમારો વ્યક્તિગત વિકાસ પણ થાય છે. લોકો સાથે ઘરોબો કેળવાય છે, જે તમને તમારા કામકાજ અને વ્યવસાયમાં મદદરૂપ થાય છે; માનસિક શાંતિ મળે છે. કાર્ય કરવાની ક્ષમતાઓમાં બમણો વધારો થાય છે. દિવસ વેસ્ટ નહીં, પણ બેસ્ટ બનાવો. લોકોની સેવા કરી આખા અઠવાડિયામાં કામ કરવાની એનર્જી ભેગી કરી લો.’

સેવાકીય પ્રવૃત્તિની તક 

ગૌશાળામાં જેવો પગ મૂકીએ કે તરત જ અંદરની બધી નેગેટિવિટી નીકળી જાય. મન એકદમ ફ્રેશ અને ટેન્શન-ફ્રી થઈ જાય એવું માનવું છે ટ્રાન્સપોર્ટ અને હોમમેડ ચૉકલેટનો વ્યવસાય ધરાવનાર બોરીવલીના જનક નવીન નિસરનું. ગૌશાળાનું કામ કઈ રીતે શરૂ થયું એ વિશે જનકભાઈ કહે છે, ‘પપ્પાના ફ્રેન્ડ સાથે ઉમરગામ ગૌશાળામાં દર રવિવારે જતો અને ગાયોને ઘાસ ખવડાવતો અને  ત્યાંની બધી ઍક્ટિવિટીને નિહાળતો. મને એમાં મજા આવતી. શરીરમાં એક્દમ એનર્જી આવી જાય. ગૌશાળાથી શરૂ થયેલી સેવાકીય પ્રવૃત્તિથી મળેલી પ્રેરણાથી બીજી સંસ્થાઓ સાથે પણ જોડાતો ગયો, જેમાં મલાડની એક સંસ્થા છે જે દિવાળીમાં અનાજનું વિતરણ, શિયાળામાં ધાબળા, સ્કૂલ ચાલુ થાય ત્યારે વિદ્યાર્થીઓને ફ્રીમાં નોટબુક-વિતરણ જેવાં કાર્યો માટે જાઉં. અમુક કુટુંબ એવાં છે જેમનાં બાળકો હવે પગભર થઈ ગયાં છે તો સામેથી કહે કે હવે તમે અમારી જગ્યાએ બીજાને આપો. આ સિવાય કચ્છમાં થતા ૧૫ દિવસના મેડિકલ કૅમ્પમાં પણ જાઉં છું. ત્યાં કચ્છના લોકોને રજિસ્ટ્રેશન માટે, ડૉક્ટરને મળવાનું, જરૂરી એવી તમામ ટેસ્ટ કરાવવા તેમ જ ઑપરેશનથી લઈને પેશન્ટ ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી તેમની સાથે રહેવાનું હોય. ક્યાંય પણ કોઈકને મદદ કરવાની પ્રવૃત્તિની તક મળે તો પહોંચી જાઉં છું. આવું થઈ શકે છે, કેમ કે મારા ભાઈ પણ મારી સાથે ધંધામાં જોડાયેલા છે એટલે મૅનેજ થઈ જાય છે અને સેવા માટે કોઈ દિવસ ફિક્સ નથી રાખ્યો, કેમ કે ક્યારે પણ કોઈનો ફોન આવે કે મને તમારી મદદની જરૂર છે તો હું તરત મદદે પહોંચી  જાઉં. એક-બે સંસ્થાઓ ખાસ કરીને કોઈના ઘરે મૃત્યુ થયું હોય તો કૉલ કરે. એ વ્યક્તિના ક્રિયાકર્મ માટે, ડેથ સર્ટિફિકેટ કાઢી આપવા અને અમુક લોકોને ઠાઠડી બાંધતાં નથી આવડતી અને માણસો પણ નથી હોતા. આવા કોઈ પણ પ્રકારનાં કાર્યો માટે સ્વયંસેવક તરીકે પહોંચી જાઉં છું. એ કામ કરીને રાતે સંતોષની ઊંઘ આવે.’

સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી એ પહેલાં મારા જીવનમાં કોઈ સ્થિરતા નહોતી એમ જણવાતાં જનકભાઈ કહે છે, ‘હાલતાં-ચાલતાં કોઈની સાથે ઝઘડો થઈ જતો, બિન્દાસ જીવન જીવતો. પણ સેવામાં જોડાયા બાદ શાંત સ્વભાવ થઈ ગયો, લોકોમાં ઝઘડો થયો હોય તો સમાધાન કરવાનો પ્રયત્ન કરું છું. સગાંસંબંધી, મિત્રવર્તુળ તેમ જ વ્યવસાયિક ક્ષેત્રે દરેક સાથેના સંબંધો દૃઢ બન્યા છે.  સંપૂર્ણ સમાજ સાથે સ્વનો પણ વિકાસ થાય છે. દયા, કરુણા અને કૃતજ્ઞતાના ભાવ ઉત્પન્ન થાય.’

સેવાકીય પ્રેરણા

મલ્ટિ-ઇન્ટરનૅશનલ કંપનીમાં કામ કરનાર મુલુંડના ઉદય ચંદ્રકાંત ઠક્કર કહે છે, ‘મારા એક મિત્રએ મને રવિવારે જલારામ મંદિરમાં આવવાનું કહ્યું અને તેમની સેવાકીય પ્રવૃત્તિથી  પ્રેરાઈને હું પણ મોટે ભાગે દર રવિવારે ૧૦થી ૧ દર રવિવારે વૉલન્ટિયરી સેવા આપવા જાઉં છું જેમાં અનાજ વિતરણ કરવું, અનાજ વિતરણની યાદી તૈયાર કરવી, છ મહિનામાં એક વાર ડાયાલિસિસના પેશન્ટને મદદ આપવામાં આવે છે તો તેમના ડૉક્યુમેન્ટ્સ ચેક કરવા અને તેમનો ચેક બનાવવો, રસીદો તપાસવી અને એની એન્ટ્રીઓ કરવી, જરૂરતમંદ સ્કૂલનાં બાળકોની ફી ભરવામાં આવે છે. એ માટે બાળકોનાં રિઝલ્ટ, આધાર કાર્ડ, બાકી બધી ડીટેલ્સ તપાસવી અને એની એન્ટ્રી કરવી, જલારામ જયંતી અને રામનવમીના દિવસે થતા પ્રોગ્રામોમાં છાશ વિતરણ કરવું અથવા ક્યારેક ગિફ્ટ આપવામાં આવે છે તો એ ગિફ્ટનું વિતરણ કરવાનું કામ પણ હું કરું છું. બાલ રાજેશ્વર મંદિરમાં થતા હવનમાં સમગ્રીઓ પૂરી પાડવા જેવી મદદ કરું છું. છેલ્લાં પાંચ વર્ષથી હું આ સેવા આપવા જાઉં છું.’

શ્રમદાન એ શ્રેષ્ઠ દાન

પહેલાં મને એમ લાગતું કે હું જ ઘણો દુખી છું, પણ જ્યારથી વૉલન્ટિયર તરીકે સેવા આપવા આવ્યા લાગ્યો ત્યારથી એમ થાય કે મારું દુઃખ તો કંઈ જ નથી એમ જણાવતાં ઉદય ઠક્કર કહે છે, ‘દુનિયામાં ઘણા એવા લોકો છે. તેમને જીવન જીવવા માટે કેટલી તકલીફો ભોગવવી પડે છે. આવા લોકો માટે સેવા આપીને મનને શાંતિ મળે છે. પાર્ટીઓ કરવા કરતાં મારા કીમતી સમયનો સદુપયોગ થાય. જરૂરી નથી કે તમે દર વખતે પૈસા આપીને જ સેવા કરી શકો, પણ તમે શારીરિક શ્રમ કરી પોતે ત્યાં હાજર રહી તમારો કીમતી સમય આપી જે સેવા કરો એ શ્રમદાન બહુ મોટી વસ્તુ છે. પૈસા તમે આજે આપ્યા કોઈ કામ માટે તો કાલ સવારે તમે એટલા પૈસા બીજા કમાવી શકશો, પણ તમે જે તમારો કીમતી સમય આપ્યો એ તમે પાછો નહીં મેળવી શકો એટલે તમે તમારા જીવનનો કીમતી સમય, કીમતી શ્રમ આપ્યો છે સેવા માટે. શ્રમદાન શ્રેષ્ઠ દાન છે. મારાં પત્ની પણ ઘણી વાર સાથે સેવા આપવા આવે છે. આ સેવા આપવાથી નેગેટિવિટીથી દૂર રહેવાય છે અને આપણા જીવનમાં પૉઝિટિવિટી આવે છે.’

પૈસા તમે આજે આપ્યા તો કાલ સવારે તમે એટલા પૈસા બીજા કમાવી શકશો, પણ તમે જે તમારો કીમતી સમય આપ્યો એ તમે પાછો નહીં મેળવી શકો એટલે તમે તમારા જીવનનો કીમતી સમય, કીમતી શ્રમ આપ્યો છે સેવા માટે. શ્રમદાન શ્રેષ્ઠ દાન છે. : ઉદય ઠક્કર

Whatsapp-channel Whatsapp-channel

05 December, 2022 02:16 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK