° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021


જ્યાં સુધી માતૃભાષાના આ મશાલચીઓ છે, ગુજરાતી ભાષાને ઊની આંચ પણ નહીં આવે

21 February, 2021 04:00 PM IST | Mumbai | Jigisha Jai

જ્યાં સુધી માતૃભાષાના આ મશાલચીઓ છે, ગુજરાતી ભાષાને ઊની આંચ પણ નહીં આવે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

આજે યુનેસ્કોએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઘોષિત કર્યો છે ત્યારે આજના દિવસે દેશના જ નહીં, દુનિયાના ખૂણે-ખૂણે ગુજરાતી ભાષાને ફક્ત બચાવવા માટે નહીં, પરંતુ જીવંત રાખવા માટે સઘન રીતે કાર્યરત ભાષાયુદ્ધ પર નીકળેલા ગુજરાતી ભાષાના સૈનિકોને આજે મળીએ. જો તમારા મનમાં સહેજેય ડર હોય કે ગુજરાતી ભાષા વહેલી-મોડી મૃત્યુ પામશે તો એ ડર સાવ ખોટો નથી. જોકે નિઃસ્વાર્થ ભાવે માતૃભાષા પ્રત્યેના અખૂટ પ્રેમને મનમાં લઈને, બલિદાન આપીને માતૃભાષાની સેવામાં લાગેલા લોકો પાસેથી આજના દિવસે પ્રેરણા લઈશું અને આપણું પણ યોગદાન નોંધાવીશું તો ભવિષ્ય ઉજ્જવળ છે એમાં બેમત નથી

ગુજરાતી ભાષાને ગમતીલી કરવાના આ બહેનના અવનવા નુસખાઓ માત્ર અમદાવાદ નહીં, દરિયાપાર સુધી ગાજ્યા છે

આપણે અંગ્રેજી ભાષાને જાકારો આપવાની વાત નથી કરવાની, પરંતુ ગુજરાતી ભાષાનું સ્થાન હૃદયમાં વિશેષ રીતે જાળવી રાખવાની વાત કરવાની છે એવું દૃઢપણે માનતા અમદાવાદનાં લેખિકા, કવયિત્રી અને પોએટ્રી (Poetree) નામની એક સમાજસેવી સંસ્થાના પ્રણેતા છે. ગુજરાતી ભાષાને આધુનિક, કલાત્મક અને નવીનીકરણ સાથે જન-જન સુધી પહોંચાડવા માટે કાર્યરત એવાં પાર્થિવી અધ્યારુ શાહ ગુજરાતી ભાષાને ઘરના દરેક ખૂણામાં જગ્યા આપવા ઇચ્છે છે. Poetree શ્રી હર્ષદકુમાર કેશવલાલ અધ્યારુ ચૅરિટેબલ ટ્રસ્ટ હેઠળ કાર્યરત છે. 

જેના માટે તેમણે ગુજરાતી શબ્દો જેવા કે મીઠાશ, વહાલ, કેમ છો, આવજો જેવા રોજિંદા શબ્દોનો કુશન કવર્સ, ટેબલ મૅટ્સ અને બેડશીટ્સ પર કલાત્મક રીતે સમાવેશ છે અને એનું વેચાણ પણ કરે છે. એ વિશે વાત કરતાં પાર્થિવી કહે છે, ‘આ શબ્દો ફક્ત શબ્દો નથી. જેવી રીતે ગુજરાતી ભાષા ફક્ત ભાષા નથી, એક અહેસાસ છે. જ્યારે શબ્દો તમારી આજુબાજુ તમારા ડ્રૉઇંગરૂમમાં કે બેડરૂમમાં આવે ત્યારે એ આખા વાતાવરણને એક જુદી હૂંફ આપે છે. એક આત્મીયતા વણાઈ જાય છે એની સાથે. વળી ઘરમાં રહેતા બાળકોને પણ આ ભાષાનું મહત્ત્વ જુદું લાગે છે. આવા વિચાર સાથે મેં આ પ્રોડક્ટ્સ બનાવી.’

આ સિવાય પણ ફેસબુક-પેજના માધ્યમથી પાર્થિવી એક ગુજરાતી ગેમ-શો ચલાવે છે જેનું નામ છે ‘ક કરોડપતિનો ક’. આ ગેમ-શોનું પ્રસારણ અમેરિકાના ભારત એફએમ પર પણ થાય છે. આ ગેમ-શોમાં ભારતના જ નહીં; અમેરિકા, દુબઈ, કૅનેડા જેવા દુનિયાભરનાં જુદાં-જુદાં શહેરોના લોકો ભાગ લે છે. આ ગેમ-શોમાં ગુજરાતી ભાષા તમને કેટલી આવડે છે એના દમ પર તમે જીતી શકો છો. આ રીતે લોકોને આ ભાષા શીખવાનું પ્રોત્સાહન પણ મળે છે અને રમતને કારણે મજા પણ આવે છે. આ ગેમ-શો માટે તેમણે ગુજરાતી કક્કાનું એક ગીત બનાવેલું છે જેનું નામ છે ‘કી ટુ કક્કો’ જે તેમણે જ લખ્યું છે.

ગુજરાતી ભાષા માટે કામ કરવાનું કઈ રીતે સૂઝ્‍યું એનો જવાબ આપતાં પાર્થિવી કહે છે, ‘વર્ષો પહેલાં મારો દીકરો સ્કૂલથી આવ્યો અને મેં તેને કહ્યું કે ‘દફ્તર ઠેકાણે મૂક’ તો તે મને જોતો ઊભો રહ્યો. ત્યારે મને સમજાયું કે તેને દફ્તર શબ્દની જ નથી ખબર. ત્યારે જ મેં વિચાર્યું કે નવી પેઢીને આપણા જૂના શબ્દો, આપણી ભાષા શીખવવી ખૂબ જરૂરી છે, પરંતુ એની ટેક્નિક જો જૂની રાખીશું તો નહીં ચાલે. કંઈક સર્જનાત્મક રીતે જો આપણે ભાષાને નવી પેઢી સુધી પહોંચતી કરીએ તો એ સરળ રીતે તેમના સુધી પહોંચશે અને તેઓ એને  અપનાવશે પણ. બસ આ જ વિચારે મેં ‘પોએટ્રી’ શરૂ કર્યું. ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં ભાષા મારી ગુજરાતી જડે’ એ સૂત્ર થકી વિશ્વસ્તરે ગુજરાતી ભાષાનો ઘરે-ઘરે સૂર્યોદય થાય એવી મારી મહેચ્છા છે.

વિદેશોમાં ગુજરાતી ભાષાને જીવંત રાખનારા મશાલચીઓનું યોગદાન પણ કંઈ કમ નથી

૨૬૦ સંસ્કૃતિઓ ધરાવતા કૅનેડામાં ગુજરાતીઓની માતૃભાષા અને સંસ્કૃતિને આગવી ઓળખ અપાવવા મથે છે આ મહિલા

૧૨મે પાનેથી ચાલુ

ગુજરાતી ભાષા જો નવી પેઢીના દિલમાં વસે એવું આપણે ઇચ્છતા હોઈએ તો એ તેના પર થોપવાની જરૂર નથી, પરંતુ તેના હૈયામાં એનું બીજ વાવવાની જરૂર છે જે કામ આપણે કરવાનું છે એવા વિચારથી વિદેશની ભૂમિ કૅનેડામાં છેલ્લાં ૩૦ વર્ષથી કાર્યરત ચેતના દેસાઈએ ત્યાં વસતા ગુજરાતીઓના મનમાં ગુજરાત અને ગુજરાતી બન્ને ધબકતાં રહે એ માટે અખૂટ પ્રયત્ન કર્યા છે. 

પુણેમાં રહેલાં ચેતના દેસાઈ લગ્ન કરીને કૅનેડા ગયાં એ સમયની વાત કરતાં તેઓ કહે છે, ‘એ સમયે ઇન્ટરનેટની ફેસિલિટી નહોતી. નવા દેશમાં તમે જે મેળવવા માગો છો એ મેળવવાની ખુશી સાથે કંઈક ગુમાવવાનો અહેસાસ સતત થતો જ હોય છે. કૅનેડામાં ૨૬૦ જુદી-જુદી સંસ્કૃતિના લોકો વસે છે તેમની વચ્ચે તમારી ઓળખ ધૂંધળી ન થાય એ ખૂબ જરૂરી બની જતું હોય છે. દરેક ભારતીય જ્યારે વિદેશ રહેવા જાય છે ત્યારે તેને આ તકલીફ થાય છે કે તેણે વિદેશની સંસ્કૃતિ, ભાષા અને રહેન-સહેન અપનાવવાં જ રહ્યાં, પરંતુ એની સાથે તેણે પોતાનું સત્ત્વ, પોતાનો પાયો જે તેની પોતાની સંસ્કૃતિ અને ભાષા છે એને અકબંધ રાખવાં જરૂરી બને છે. એ હલી ન જાય એ પણ ખૂબ જરૂરી છે.’

ચેતના દેસાઈએ કૅનેડામાં ગુજરાતી એજ્યુકેશન માટે ઘણું કામ કર્યું છે. કૅનેડિયન સરકાર સાથે મળીને હેરિટેજ પ્રોગ્રામમાં કાર્યરત એવાં ચેતના દેસાઈએ ગુજરાતી કમ્યુનિટીને કૅનેડાના લોકો અને ત્યાંની બીજી કમ્યુનિટીઝ ખૂબ સારી રીતે સ્વીકારે અને સમજે એ માટેના ઘણા પ્રયત્ન કર્યા છે. કૅનેડામાં ૧૪ વર્ષ ચેતના દેસાઈએ ગુજરાતી શીખવ્યું છે. ગુજરાતી ભાષા ત્યાં વસતા ગુજરાતીઓ શીખી શકે એ માટે ખુદ કૅનેડિયન સરકાર પણ ઘણું પ્રોત્સાહન આપે છે. કૅનેડિયન સરકાર પહેલા ધોરણથી ત્યાંનાં બાળકોને ગુજરાતી શીખવાની સહુલિયત આપે છે, એટલું જ નહીં, યુનિવર્સિટી લેવલ સુધી પહોંચવા માટે પણ જો તમે ગુજરાતી શીખ્યા હો તો તમને એનો ફાયદો થાય છે. સ્કૂલમાં ભણાવાતી ગુજરાતી ભાષામાં બાળકોને શું ભણાવવામાં આવશે એ કરિક્યુલમ ડેવલપમેન્ટ ટીમ નક્કી કરે છે જેનાં ચેતના દેસાઈ મેમ્બર રહી ચૂક્યાં છે. ગુજરાતી ઇન્ટરપ્રિટરનું લાઇસન્સ લઈને તેમણે ત્યાંના સરકારી ડૉક્યુમેન્ટ્સ ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ કર્યા છે. આ કામ છેલ્લાં ૨૭ વર્ષથી તેઓ કરે છે. આપણી કમ્યુનિટીને ત્યાંના સ્થાનિકો વધુ સારી રીતે સમજી શકે એ હેતુથી ત્યાંના લોકોને ગુજરાત અને ગુજરાતી વિશે માહિતી આપવા તેઓ ત્યાં અંગ્રેજીમાં આર્ટિકલ્સ પણ લખતાં હતાં.

હાલમાં તેઓ ‘શબ્દપ્રાર્થના’ નામે એક સંસ્થા ચલાવે છે જે કૅનેડામાં વસતા ૨૦ વર્ષથી લઈને ૭૦ વર્ષના ગુજરાતી વ્યક્તિઓ વચ્ચે એક સંવાદ સાધવાનું કામ કરે છે. એ વિશે વાત કરતાં ચેતના દેસાઈ કહે છે, ‘એ સંવાદ આપણી માતૃભાષામાં જ સાધવામાં આવે છે જેને લીધે લોકો પોતાના મનની વાત સામે લાવી શકે. વિદેશની ધરતી પર રહેનારા ગુજરાતીઓ પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ અને પોતાના લોકોથી નજીક રહી શકે અને પોતાનાં મૂળિયાં સાથે જોડાય, વિદેશની ધરતી પર પણ ટટ્ટાર ઊભા રહી શકે.’

ગ્રૅન્ડ-પેરન્ટ્સ અને પૌત્ર-પૌત્રીઓ વચ્ચે સંવાદનો સેતુ સાધવાની ભાવનામાંથી આ ભાઈએ સિડનીમાં શરૂ કર્યા ગુજરાતીના વર્ગો

બાળકોને જો ગુજરાતી નહીં આવડે તો એ તેનાં દાદા-દાદી કે નાના-નાનીનું સુખ પૂરી રીતે નહીં ભોગવી શકે એ હકીકતમાં માનતા હાલમાં બે વર્ષથી સિડની શિફ્ટ થયેલા મૌલિક દોશીએ ત્યાંનાં બાળકોને ગુજરાતી ભણાવવાનું કામ માથે લીધું છે. મૌલિકભાઈ ખુદ એક એન્જિનિયર છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર, સિડનીમાં જવાનું તેમણે શરૂ કર્યું ત્યારે ત્યાંના ગુજરાતીઓને મળ્યા બાદ તેમની સામે એક વાસ્તવિકતા આવી. ઑસ્ટ્રેલિયામાં રહેતાં બાળકો ફક્ત અંગ્રેજી માધ્યમમાં તો ભણે જ છે, પરંતુ તેમની આસપાસનું સંપૂર્ણ વાતાવરણ જ અંગ્રેજી છે. આ પરિસ્થિતિમાં નવી પેઢીનાં બાળકોને ગુજરાતી લગભગ આવડતું જ નથી.

એને કારણે ઊભી થયેલી તકલીફો બાબતે વાત કરતાં મૌલિકભાઈ કહે છે, ‘જ્યારે નવી પેઢીને ગુજરાતી નથી આવડતું ત્યારે તેમનું એક મોટું નુકસાન થાય છે અને એ છે તેમના ગ્રૅન્ડ પેરન્ટ્સ સાથે વાતચીત નથી કરી શકતા. મોટા ભાગના ગ્રૅન્ડ પેરન્ટ્સને અંગ્રેજી નથી આવડતું. મોટી ઉંમરમાં એક આખી નવી જ ભાષા તેમને માટે શીખવી અઘરી છે, પરંતુ બાળકો માટે ગુજરાતી શીખવું એટલું અઘરું નથી. જૂની અને નવી પેઢી વચ્ચેનો સેતુ બાંધવા માટે જરૂરી છે કે આપણે આપણાં બાળકોને ગુજરાતી શીખવીએ. એ સિવાય અમારા ગુરુ રાકેશભાઈ અને શ્રીમદ રાજચંદ્રનું જ્ઞાન પણ મુખ્યત્વે ગુજરાતી ભાષામાં છે. અમે નહોતા ઇચ્છતા કે આ જ્ઞાનથી અમારાં બાળકો વંચિત રહી જાય એટલે મેં એક નાનો પ્રયાસ શરૂ કર્યો. સિડનીનાં બાળકોને ગુજરાતી શીખવવાનું શરૂ કર્યું.’

છેલ્લા ૧ વર્ષથી શરૂ કરેલા આ પ્રોગ્રામમાં ૩૦ બાળકો જોડાયાં છે. આ પ્રોગ્રામને આગળ વધારવાની વાત કરતાં મૌલિક દોશી જણાવે છે, ‘અહીંની રાજ્ય સરકાર બીજી ભાષાઓના પ્રચાર-પ્રસાર માટે પ્રોત્સાહન આપવા ફન્ડ પણ આપતી હોય છે. અમે રાજ્ય સરકારને અપીલ કરી હતી કે ગુજરાતીને પણ આ રીતે મદદ કરવામાં આવે. અમને આવતા વર્ષથી ગ્રાન્ટ મળવાનું શરૂ થશે. અહીં સ્કૂલોમાં ઑપ્શનલ વિષય તરીકે ચાઇનીઝ, હિન્દી, ઉર્દૂ, ફ્રેન્ચ જેવી ભાષાઓ શીખવવામાં આવે છે. અમારો પ્રયત્ન એ રહેશે કે અહીં અમારા જેવું કામ કરતાં નાનાં-નાનાં સંગઠનોને એકઠાં કરી, એકત્રિત થઈ, સરકારને અપીલ કરી શકાય કે સ્કૂલોમાં ઑપ્શનલ વિષય તરીકે ગુજરાતીને પણ સ્થાન મળે. ભવિષ્યમાં માતૃભાષા માટે એ કામ અમે ચોક્કસ કરીશું.’

ગુજરાતી શાળાઓમાં નવો પ્રાણ પૂરવા માટે આમની જહેમતને શત શત વંદન પણ કમ છે

જો સમાજને બચાવવો હશે તો માતૃભાષાને બચાવવી જોઈશે અને જો માતૃભાષાને બચાવવી હશે તો માતૃભાષાની સ્કૂલોને બચાવવી પડશે એ વિચાર સાથે મુંબઈ ગુજરાતી સંગઠનની થઈ સ્થાપના અને શરૂ થઈ એક મોટી કામગીરી ગુજરાતી શાળાઓના પુનરુત્થાનની. આજના સમયમાં જ્યાં ગુજરાતી શાળાઓ એક પછી એક બંધ થતી ચાલી છે ત્યારે એને ફરીથી બેઠી જ નહીં, ઊભી કરીને દોડતી કરવાનું કામ આ સંગઠને હાથમાં લીધું છે. આ સંગઠન દ્વારા મહારાષ્ટ્રની મોટા ભાગની ટ્રસ્ટની મદદથી કે ખાનગી રીતે ચાલતી ૭૩ શાળાઓને એકત્ર કરવામાં આવી અને કઈ રીતે એ શાળાઓ પોતાને ટકાવી રાખી શકે, કઈ રીતે એના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે સારું કરી શકાય, કઈ રીતે આપણે વિદ્યાર્થીઓને સશક્ત કરીને સમાજ સામે ઉદાહરણ આપી શકાય એ બધી ઝીણામાં ઝીણી બાબતો પર કામ શરૂ થયું છે.

આ સંગઠનની સ્થાપના ૨૦૧૩માં થઈ. જોકે આ કામનો પાયો તો ઘણાં વર્ષો પહેલાં નખાયો હતો. એ વિશે વાત કરતાં મુંબઈ ગુજરાતી સંગઠનના પ્રણેતા ભાવેશ મહેતા કહે છે, ‘આજથી ૧૧ વર્ષ પહેલાં મારા બાળકની સ્કૂલમાં ટ્રસ્ટીઓએ અચાનક જાહેર કર્યું કે તેઓ ગુજરાતી માધ્યમ બંધ કરવા ઇચ્છે છે. ત્યારે મેં અને કેટલાક વાલીઓએ એનો વિરોધ કર્યો. ટ્રસ્ટી સાથેની મીટિંગમાં એવું નક્કી થયું કે જો તમે પ્રી-સ્કૂલના દરેક ક્લાસમાં ૧૦-૧૦ મળી કુલ ૩૦ વિદ્યાર્થી લાવી શકો તો અમે શાળા ચાલુ કરીશું. એ સમયે અમે ઘરે-ઘરે જઈને લોકોને જાગ્રત કર્યા અને ૩૦ને બદલે ૪૩ વિદ્યાર્થીઓ એકઠા કર્યા. છતાં ટ્રસ્ટીઓ ફરી ગયા. અમે તેમને કહ્યું કે તમને પૈસાની તકલીફ હોય તો એ પણ અમે ભેગા કરી આપીશું. ડોનેશન પણ આપીશું છતાં એ લોકો ન માન્યા અને એ સ્કૂલ બંધ થઈ ગઈ. એ દિવસે મારી અંદર કંઈક હલી ગયું હતું. લોકો પોતાના ઘરમાં એક વ્યક્તિને કૅન્સર થયું હોય તો તેને બચાવવા માટે જમીન-આસમાન એક કરી દે છે અને અહીં સમાજમાં એક સ્કૂલનું મરણ થઈ જાય અને લોકોના પેટનું પાણી પણ ન હલે એ તો ન ચાલેને.’

ગુજરાતી સ્કૂલોને સારી રીતે ચલાવવા માટે સૌથી પહેલાં જરૂરી છે આત્મમંથન, એમ જણાવતાં ભાવેશભાઈ કહે છે, ‘આપણે ફક્ત સમાજને કે અંગ્રેજી માધ્યમને કે સરકારને ગાળો આપીએ એટલે કામ પતી ગયું એ માનસિકતામાંથી બહાર આવવું જરૂરી છે. જો આપણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ઓછા થઈ રહ્યા હોય તો આપણે એ પણ જોવું પડશે કે આપણે ક્યા ચૂકીએ છીએ. આપણે ક્વૉલિટી એજ્યુકેશન આપી રહ્યા છીએ કે નહીં. આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેટર છે કે નહીં. આપણા વિદ્યાર્થીઓ કેટલા આગળ વધી રહ્યા છે એ બધી બાબતો પર ધ્યાન દઈશું તો આપણે આ સ્પર્ધાત્મક માહોલમાં ટકી શકીશું. આપણી નબળાઈઓને આપણે જાણવી પડશે અને પછી એનો સ્વીકાર કરીશું તો જ એને દૂર કરવાના ઉપાય વિશે વિચારી શકીશું. એ માટે આપણા પાંચેય સ્તંભ - સરકારી નીતિ, સંચાલક, આચાર્ય-શિક્ષકો, પ્રચાર-પ્રસાર માધ્યમ, વાલી-વિદ્યાર્થીઓ એમ બધાએ મળીને કાર્યરત થવું પડશે. આનંદ એ વાતનો છે કે અમારા પ્રયત્નોથી ઘણા સંચાલકો, ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલોએ આ તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે જેને લીધે ઘણા પૉઝિટિવ બદલાવ આવ્યા છે. લૉકડાઉનમાં પણ અમુક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.’

આ કામ માટે તેમણે ગુજરાતી માધ્યમનાં બાળકોને સ્પોકન અંગ્રેજી શીખવ્યું, કારણ કે સંગઠનનું માનવું હતું કે ગુજરાતી માધ્યમમાં ભણતું બાળક ફાંકડું અંગ્રેજી બોલશે તો માતા-પિતાને પણ આત્મવિશ્વાસ આવશે કે અમારા બાળકને તેની કારકિર્દીમાં વાંધો નહીં આવે. આ સિવાય ઘણી શાળાઓનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારાં બનાવા પર તેમણે કામ કર્યું. બાળકો શાળા સુધી પહોંચે એ માટે અલગ-અલગ એરિયામાં બસની વ્યવસ્થા, સ્કૉલરશિપ, સ્કૂલ-ડ્રેસની વહેંચણી, ટૉપર્સને પ્રોત્સાહન, બાળકો બોર્ડમાં સારું પરિણામ લાવે એ માટે તેમને શ્રેષ્ઠ ગાઇડન્સ અને સૉલ્યુશન્સની વ્યવસ્થા પણ તેમણે કરી. એ સિવાય તેમના ખાસ પ્રોજેક્ટ વિશે વાત કરતાં ભાવેશભાઈ કહે છે, ‘અમે એવું જોયું કે આપણે ત્યાં નાનાં બાળકો માટે બાલમંદિરની વ્યવસ્થા નથી એટલે બાળકોને પ્લે-સ્કૂલમાં મૂકવામાં આવે છે. ત્યાંથી જ આપણું બાળક વટલાઈ જાય છે અને અંગ્રેજી માધ્યમમાં જતું રહે છે. જો આપણે આપણાં બાળકોને આપણા માધ્યમમાં જ રાખવાં હશે તો બાલમંદિરો જોઈશે. એ માટે અમે બહેનોને પહેલ કરી કે તમે ઘરઘરાઉ બાલમંદિર શરૂ કરો. ઘરઘરાઉ બાલમંદિરોની શ્રુંખલા સર્જાશે તો શાળામાં વિદ્યાર્થીઓની કમીને પૂરી શકાશે.’

ગુજરાતી સ્કૂલોના ભવિષ્ય વિશે ભાવેશભાઈ કહે છે, ‘અમારી આખી પેઢી ગુજરાતી માધ્યમમાં જ ભણીને બહાર આવી છે અને તો પણ અમે ઘણા હોશિયાર અને સક્ષમ છીએ. હું પોતે ડબલ એન્જિનિયર ડિગ્રી ધરાવું છું. એટલે કોઈ જો એમ વિચારે કે ગુજરાતી માધ્યમમાં ભણીને આગળ ન વધી શકાય તો એ મોટી ગેરસમજ છે. આપણી શાળાઓ પહેલાં પણ શ્રેષ્ઠ ભણતર પૂરું પાડતી હતી અને આ જ રીતે પાડતી રહેશે. એને માટે શાળાઓને જે પ્રકારની મદદની જરૂર પડશે એ માટે અમે સદા તત્પર છીએ. ગુજરાતી શાળાઓને અમારે ફક્ત ટકાવવી નથી, પરંતુ પહેલાંના સમય જેવા તરવરાટ સાથે જીવંત કરવી છે.’

પોતાનો પૂરો સમય અને એનર્જી આ કામમાં આપી રહ્યા છો તો તમારું નિર્વાહન કઈ રીતે ચાલે છે? એનો જવાબ ખૂબ સરળતાથી આપતાં ભાવેશભાઈ કહે છે, ‘મને ભગવાને વરદાન આપ્યું છે અને એ છે ક્યારેય કંઈ જ ન માગનારી મારી ધર્મપત્ની અને બાળક. લોકોનું જીવન બસ આપ્તજનોની ડિમાન્ડ પતાવવામાં જ પૂરું થઈ જતું હોય છે. અમારી જરૂરિયાતો ખૂબ ઓછી છે અને હૈયે અપાર સંતોષ. આ કારણસર જ પૈસાની ચિંતા કર્યા વગર હું સમાજ માટે મારું ગમતું આ કામ કરી શકું છું.’

શિક્ષકો અને વાલીઓને સાચું ગુજરાતી બોલતા કરવા મથે છે આ વડીલ

ભાષા વાપરવી અને ભાષા આવડવી એ બન્નેમાં ઘણો તફાવત છે. ગુજરાતી ભાષા બોલનારા કરોડો લોકો છે, પરંતુ શુદ્ધ ગુજરાતી બોલનારા ખૂબ જ જૂજ. ભાષાના ગૌરવને જાળવી રાખવી જરૂરી છે એ સાચી રીતે બોલાય એવા વિચાર ધરાવતા ૭૦ વર્ષના દિલીપભાઈ દોશી લોકો શુદ્ધ ગુજરાતી બોલતાં શીખે એ માટેના અથાક પ્રયત્નો કરી રહ્યા છે.

સ્વયં જીવનનાં ૫૫ વર્ષ ચેન્નઈ શહેરમાં રહેલા દિલીપભાઈ ચેન્નઈની જ ગુજરાતી શાળામાં ભણ્યા છે. એના વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારા શિક્ષકોએ મને મારી-મારીને સ, શ, ષ, ઝ અને ક્ષના ઉચ્ચાર શીખવેલા. દક્ષિણ ભારતમાં રહેલો હોવા છતાં હું ગુજરાતી ભાષાને ખૂબ સારી રીતે શીખ્યો છું. આજથી ૧૦ વર્ષ પહેલાં મુંબઈ આવ્યો ત્યારે મેં જોયું કે લોકો ખૂબ અશુદ્ધ ગુજરાતી બોલે છે. મને થયું કે લોકોને સાચું શીખવવું ખૂબ જરૂરી છે. તેમને ખબર જ નથી એટલે ખોટું બોલે છે. એક વખત લોકો સુધી આપણે એ વાત પહોંચાડીએ તો ખરા કે સાચું શું છે અને કઈ રીતે બોલાવું જોઈએ. જેને ખરેખર રસ છે તે પ્રયત્નથી શીખશે અને સ્વયંને સુધારશે.’

આ કાર્ય માટે દિલીપભાઈ સ્કૂલ-કૉલેજોમાં અનેક સેમિનાર અને વેબિનાર લઈ ચૂક્યા છે. તેમનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને નહીં, પરંતુ શિક્ષકો અને વાલીઓને સાચું ગુજરાતી બોલતા કરવાનો છે. એની પાછળનું કારણ જણાવતાં દિલીપભાઈ કહે છે, ‘મને અફસોસ છે એ વાતનો કે ગુજરાતીમાં એમફિલ કે પીએચડી કરનાર વ્યક્તિઓ પણ અશુદ્ધ ઉચ્ચાર કરતા હોય છે. શિક્ષકોને જ જો શુદ્ધ ગુજરાતી બોલતાં ન આવડે તો તે વિદ્યાર્થીઓને સાચું કઈ રીતે શીખવશે? આ જ હાલ વાલીઓના છે. બાળક ઘરમાં શુદ્ધ ગુજરાતી સાંભળે તો જ શુદ્ધ ગુજરાતી બોલશે એ સમજવું જરૂરી છે.’

આ કામને આગળ ધપાવવા તેમણે ‘માતૃભાષા અભિયાન’, ‘માતૃભાષા ઉચ્ચાર અભિયાન’ અને ‘ગુજરાતી અસ્મિતા’ નામે ત્રણ પ્રકારના વૉટ્સઍપ-ગ્રુપ શરૂ કર્યાં છે, જેમાં ઉપયોગી લેખો, કવિતાઓ, વાર્તાઓ અને ગુજરાતી શબ્દોની ચર્ચા થાય છે. ઉચ્ચારો કયા પ્રકારના હોવા જોઈએ અને કઈ રીતે ન જ બોલવું જોઈએ એની માહિતી આ ગ્રુપ્સમાં પૂરી પાડવામાં આવે છે. મોટા ભાગે કયો શબ્દ કઈ રીતે બોલાવો જોઈએ એની ઑડિયો-વિડિયો ક્લિપ્સ મોકલીને તેઓ લોકોને સાચા ઉચ્ચાર શીખવે છે.’

આજથી બે વર્ષ પહેલાં તેમણે મુંબઈના ગુજરાતીઓ માટે અત્યંત ઉપયોગી એવી RTI કરી હતી, જેમાં તેમણે મહારાષ્ટ્ર સરકાર ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે કેમ ઓછું બજેટ ફાળવે છે એ બાબતની પૃચ્છા કરી હતી. એ વિશે વાત કરતાં દિલીપભાઈ કહે છે, ‘મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય પરિષદને દર વર્ષે ગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસાર માટે ૧૬ લાખ રૂપિયા ફાળવે છે. મુંબઈમાં ગુજરાતીઓની સંખ્યા વધુ હોવા છતાં આટલું ઓછું બજેટ અને એની સામે ઉર્દૂ અને સિંધી ભાષાના પ્રચાર-પ્રસાર માટે ૧-૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. આવી અયોગ્ય નીતિને ઉઘાડી પાડવા કરેલા મારા RTIનો કોઈ ઉત્તર હજી સુધી આવ્યો નથી.’

છેલ્લાં ૨૫ વર્ષથી ચાલે છે નવી પેઢીને ગુજરાતી ભાષા શીખવવાનો અનોખો યજ્ઞ

અંગ્રેજી માધ્યમમાં ભણતી આખી પેઢીને ગુજરાતી ભાષા શીખવવાનો આ યજ્ઞ અતિ આવશ્યક છે એ વિચારે સરદાર વલ્લભભાઈ પટેલ હાઈ સકૂલના રિટાયર ટીચર મીના મહેતા અને તેમના પતિ અનંતરાય મહેતાએ શરૂ કર્યું મે મહિનામાં બાળકોને નિ:શુલ્ક ગુજરાતી લખતાં-વાંચતાં શીખવવાનું. છેલ્લાં ૨૫ વર્ષથી શ્રી સાંઈ સાર્વજનિક ટ્રસ્ટના નેજા હેઠળ નિરંજન શેઠ અને વસંતભાઈ શાહ એમ બીજા બે ટ્રસ્ટીઓ સાથે મળીને દર મે મહિનામાં તેઓ બોરીવલી, કાંદિવલી, મલાડ, ઘાટકોપર, સાંતાક્રુઝ અને પાર્લામાં પોતાના કલાસિસ ચલાવે છે. ૧૫-૧૬ જેટલા શિક્ષકો અલગ-અલગ વિસ્તારોમાં આ ક્લાસ ચલાવે છે જેમાં આજ સુધીમાં લગભગ ૪૦૦૦ છોકરાઓ ગુજરાતી શીખી ચૂક્યા છે.

એક મહિનામાં બાળકોને લખતાં-વાંચતાં આવડી જાય એ પછી બીજા વર્ષે તેઓ આવે તો ઍડ્વાન્સ લેવલનું ગુજરાતી પણ શીખવવાની જવાબદારી તેઓ લે છે. ત્યાં સુધી કે મહારાષ્ટ્ર સરકારનાં ગુજરાતી પાઠ્યપુસ્તકો પણ તેઓ બાળકોને ઍડ્વાન્સ લેવલ પર કરાવડાવે છે. એ વિશે વાત કરતાં અનંતરાય મહેતા કહે છે, ‘બાળકો અમારી સાથે જોડાઈ જાય છે અને જોડાય ગયા પછી તેઓ વધુ ને વધુ શીખવા પ્રેરાય છે. એક વખત શીખવ્યા પછી જવાબદારી પતી જતી નથી. માટે

જરૂરી એ છે કે અમે નવું-નવું બાળકોને પીરસ્યા કરીએ અને એને કારણેતેમનો રસ જાળવી રાખીએ.’

મે મહિનાના અંતમાં તેઓ એક ભવ્ય પ્રોગ્રામ કરે છે જેમાં દરેક બાળક ગુજરાતીમાં જે પણ શીખ્યાં હોય એ કોઈ ને કોઈ રીતે ત્યાં સ્ટેજ પર ભજવીને બતાવે છે. જેમાં સારું કરનાર બાળકને ઇનામ પણ આપવામાં આવે છે. એથી તેમને પ્રોત્સાહન મળે છ. આ પ્રોગ્રામ દર વર્ષે કાંદિવલીના પંચોલિયા હૉલમાં કરવામાં આવે છે. એ વિશે વાત કરતાં અનંતરાય મહેતા કહે છે, ‘આ આખા મહિનાના પ્રોગ્રામ પાછળ એકાદ લાખ રૂપિયા ખર્ચાઈ જાય છે. અમે આ કામ નિ:શુલ્ક કરીએ છીએ, પરંતુ એનો અર્થ એવો નથી કે અમારા શિક્ષકો પણ એવું જ કરે. અમે તેમને પગાર ચૂકવીએ છીએ. પણ સાચું કહું તો સારા કામ માટે દાતાઓની કમી નથી આપણા સમાજમાં. ગુજરાતી લોકો સમજે છે કે આપણી ભાષાને આવનારી પેઢીના દિલમાં મૂકવી ખૂબ જરૂરી છે. આ જરૂરી કામ માટે પૈસાની કમી અમને ક્યારેય નડી નથી.’

આ સિવાયના કામ વિશે માહિતી આપતાં મીના મહેતા કહે છે, ‘અમે ગુજરાતી બાળવાર્તાઓનાં પુસ્તકો છપાવ્યાં છે જેમાં એક જ વાર્તા ગુજરાતી અને અંગ્રેજી એમ બન્ને ભાષામાં હોય. એનો અર્થ એ છે કે જો એ વાર્તા અંગ્રેજી મીડિયમનું બાળક વાંચે તો તેને ગુજરાતીમાં પણ વાંચીને એ વાર્તા સમજાય અને એ જ રીતે ગુજરાતી માધ્યમનું બાળક એ વાંચે તો એની અંગ્રેજીમાં અભિવ્યક્તિને પણ તે સમજી શકે. જે બન્ને માધ્યમનાં બાળકો માટે જરૂરી છે અને ઘણું ઉપયોગી પણ. આમ બાળકને એક જ વાત બે જુદી-જુદી ભષાના માધ્યમથી સમજવા મળે અને જે ભાષા ન આવડતી હોય એની સાથે ઘરોબો પણ કેળવાય.’

૨૦,૦૦૦ લોકોને ગુજરાતી શીખવ્યું અને ૧૫૦ શિક્ષકો તૈયાર કર્યાં છે આ યુગલે

સંસ્કાર અને ધર્મ એ માતૃભાષા સિવાય બાળકમાં નથી આવતા એવું દૃઢપણે માનનારાં અને સાબિત કરી બતાવનારાં કાંદિવલીમાં રહેતાં નિકુંજ શેઠ અને તેમનાં ધર્મપત્ની આશા શેઠ છેલ્લાં ૨૧ વર્ષથી માતૃભાષા નિ:શુલ્ક શીખવવાનું ભગીરથ કાર્ય કરે છે. આજ સુધી તેમણે લગભગ ૨૦,૦૦૦ લોકોને માતૃભાષા ગુજરાતી લખતાં-વાંચતાં શીખવી છે. બોરીવલી, કાંદિવલી, મલાડ વિસ્તારોમાં આખું વર્ષ અને બાકી જુદાં-જુદાં પરાંઓમાં વેકેશન દરમ્યાન અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અને બીજા ગુજરાતી શીખવા ઇચ્છુક લોકોને ૨૦ દિવસની શિબિરમાં ગુજરાતી લખતાં-વાંચતાં કરી દેનાર આશાબહેન અને નિકુંજભાઈએ ખુદ ‘મા અને માતૃભાષા’ એવી એક ચોપડી બનાવી છે જેના દ્વારા જેમને ગુજરાતી નથી આવડતું એ ખૂબ સરળ રીતે ઓછા દિવસોમાં ગુજરાતી લખી-વાંચી શકે છે. તેમની આ ગુજરાતી શીખવાની શિબિર અલગથી મુંબઈનાં ૫૫ દેરાસરોમાં પણ લેવાઈ ચૂકી છે જેનો લાભ પણ ઘણા વિદ્યાર્થીઓ લઈ ચૂક્યા છે.

તેમની આ શિબિરનું નવીનીકરણ એ છે કે એ શિબિરમાં જે વ્યક્તિ ગુજરાતી શીખે અને તેમને થોડું સારું આવડી જાય પછી તે વ્યક્તિ સ્વ-ઇચ્છાએ શિક્ષક બની જાય છે અને પોતાના જેવા બીજા લોકોને ગુજરાતી શીખવે છે. આ વાત પાછળનો સિદ્ધાંત સમજાવતાં નિકુંજભાઈ કહે છે, ‘લોકોને શીખવા કરતાં શીખવાડવાનું વધુ ગમતું હોય છે. આ સહજ પ્રકૃતિને સમજીને મેં લોકોને આ બાબતે પ્રેરણા આપી. જેમ દીવો દીવાને પ્રકાશિત કરે એમ આજે અમારી પાસે ૧૫૦થી વધુ શિક્ષકો છે જેઓ અમારી જેમ જ માતૃભાષા ગુજરાતીની સેવા કરે છે અને વધુ ને વધુ લોકોને શીખવે છે.

એ સિવાય તેઓ વાર્તાના વર્ગો પણ લે છે. એ વિશે વાત કરતાં આશાબહેન કહે છે, ‘આપણી ગુજરાતી વાર્તાઓ થકી અમે પ્રયત્ન કરીએ છીએ કે બાળકોને ગુજરાતી શીખવીએ. ભાષા જ્યાં સુધી સાંભળીએ નહીં ત્યાં સુધી આવડે નહીં અને જો તમે ઇચ્છતા હો કે બાળકો ધ્યાનથી સાંભળે તો એ વાર્તા જ શ્રેષ્ઠ માધ્યમ હોઈ શકે છે. આપણી વાર્તાઓમાં સંસ્કાર છુપાયેલા છે. વાર્તાના વર્ગમાં બાળકો હસતાં-રમતાં, મજા કરતાં આપણી ભાષા અને આપણી સંસ્કૃતિથી નજીક આવે છે. આ સિવાય વિદ્યાર્થીઓને રોજની એક વાર્તા ઑનલઇન પણ રેકૉર્ડ કરીને અમે મોકલીએ છીએ, જેનું નામ આપ્યું છે ‘અનમોલ કહાની.’ આ વાર્તાઓ મોકલવાનું કારણ એ છે કે ૨૦ દિવસમાં બાળક ગુજરાતી શીખી તો જાય છે, પરંતુ પછી રિવિઝનના અભાવે ભૂલી પણ જઈ શકે છે. એવું ન થાય એ માટે વાર્તા કામ લાગે છે.’

આશાબહેનને ૨૧ વર્ષ પહેલાં વિચાર આવેલો કે આપણે માતૃભાષા માટે કંઈક કરીએ, નહીંતર નવી પેઢી સંસ્કારવિહોણી રહી જશે. પત્નીના આ વિચારને ઓપ આપવા માટે નિકુંજભાઈએ પોતાનું માર્કેટિંગ દિમાગ કામે લગાડડ્યું અને બંને જણ આ સેવાયજ્ઞમાં જોડાઈ ગયાં. સ્કૂલો અને દેરાસરોની બહાર પૅમ્ફલેટ વહેંચવાથી લઈને કઈ રીતે સરળતાથી બાળકોને ગુજરાતી શીખવવું એ બધી તૈયારી બન્ને જણે મળીને કરી. આ કામમાં પુરુષાર્થ ઘણો હતો અને સામે કક્ષાએ પોતાનું કામ છોડીને સેવા કરવાની હતી. તો નક્કી છે કે ઘરની આવકમાં ફરક પડ્યો જ હશે, પરંતુ આ ફરક ખૂબ પૉઝિટિવ છે એવું જણાવતાં નિકુંજભાઈ કહે છે, ‘આપણે કામ સારું કરીએ તો ભગવાન એનું ફળ ખૂબ સારું આપે છે. છેલ્લાં ૨૧ વર્ષથી મેં જે જગ્યાએ પૈસા રોક્યા હતા ત્યાંથી મને બેસ્ટ વળતર મળ્યું છે અને આ કામને કારણે અમારે કોઈ તકલીફ ભોગવવી પડી નથી, ઊલટું અમે ચોક્કસ અનુભવ્યું છે કે અમારા આ સારા કામ પર ભગવાનના ભરપૂર આશીર્વાદ છે. સારું કામ કરીએ તો હેરાન થવાનો સવાલ જ ઊભો નથી થતો.’

21 February, 2021 04:00 PM IST | Mumbai | Jigisha Jai

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK