એક તરફ જ્યાં મેડિકલ એક્સપર્ટ કૉફીના અતિસેવનની સાઇડ ઇફેક્ટ્સની ચર્ચા કરતા હોય છે ત્યારે કૉફી ન પીવાની સાઇડ ઇફેક્ટ્સ કૉફિયતથી છલોછલ આ મહાનુભવો વર્ણવે છે
ધર્મેશ ઠક્કર, શનાયા પારેખ, વિશ્વા દેસાઈ, ભરત દેસાઈ
આજે દુનિયાભરમાં ‘આંતરરાષ્ટ્રીય કૉફી ડે’ ઊજવાઈ રહ્યો છે ત્યારે મુંબઈના એવા ગુજરાતીઓ સાથે ગુફ્તગૂ કરીએ જેઓ માને છે કે તેમના શરીરમાં રક્ત નહીં પણ કૉફી વહે છે અને તેમની કૉફીની દીવાનગી અચંબિત કરનારી છે. એક તરફ જ્યાં મેડિકલ એક્સપર્ટ કૉફીના અતિસેવનની સાઇડ ઇફેક્ટ્સની ચર્ચા કરતા હોય છે ત્યારે કૉફી ન પીવાની સાઇડ ઇફેક્ટ્સ કૉફિયતથી છલોછલ આ મહાનુભવો વર્ણવે છે
કૉફી પીધા પછી અડધો કલાકમાં ઘસઘસાટ ઊંઘ આવી જાય છે, કોણે કહ્યું કે કૉફી તમારી સ્લીપને ડિસ્ટર્બ કરે?: ધર્મેશ ઠક્કર, મીડિયા પ્રોફેશનલ
ADVERTISEMENT
બાંદરા ઈસ્ટમાં રહેતા અને મીડિયા પ્રોફેશનલ તરીકે સક્રિય ધર્મેશ ઠક્કર કમ સે કમ છેલ્લાં વીસેક વર્ષથી ખૂબ જ રિલિજિયસલી કૉફી પીએ છે. રિલિજિયસલી એટલા માટે કે કૉફી કોઈ અમૃતથી ઓછી નથી તેમના માટે અને આ જ કારણ છે કે દુનિયાની બેસ્ટ કૉફી ટ્રાય કરવાથી લઈને કૉફી બનાવવા માટેનાં દુનિયાનાં બેસ્ટ મશીન તેમણે વસાવ્યાં છે. તેઓ કહે છે, ‘વીસેક વર્ષ પહેલાં અમેરિકા જવાનું થયું અને ત્યાં રહેતાં-રહેતાં કૉફીની આદત પડી અને પછી કૉફી બનાવવાની બેસ્ટ રીતથી લઈને કૉફીના હેલ્થ બેનિફિટ્સ સુધ્ધાં પર પણ રિસર્ચ કરી લીધું. કૉફીને લગતાં ત્રણથી ચાર પુસ્તકો છે મારી પાસે જે ભગવદ્ગીતાથી જરાય ઓછાં નથી. અમેરિકામાં કરેલી ગરમ-ગરમ અમેરિકાનો પીવાની મજા ભારત આવ્યા પછી પણ અકબંધ રાખી છે. અમેરિકાથી ઇન્ડિયા આવ્યો ત્યારે એ સમયે આજ જેટલી કૉફીનાં આઉટલેટ્સ નહોતાં. કૅફે કૉફી ડે નવું-નવું શરૂ થયું હતું. જોકે એ સમયે બરિસ્ટાની કૉફી મારી ફેવરિટ હતી. જોકે બહુ બધા અખતરા કર્યા પછી કેરલાના ચિકમગલુરમાંથી આવતી કૉફી મારી ફેવરિટ બની ગઈ. આજે પણ દુનિયાના કોઈ પણ ખૂણે હોઉં, એ કૉફી મારી સાથે હોય. કૉફીને બનાવવા માટે મેં ખાસ ઇટલીનું ‘મોકા પૉટ’ નામનું મશીન પણ ખરીદ્યું. સ્ટીલ અને સ્ટોનથી બનેલું આ મશીન તમને બેસ્ટ ફિલ્ટર કૉફી આપે છે. લગભગ નવેક વર્ષથી તો એમાં જ બનેલી કૉફી પીઉં છું. લોકોને ઍસિડિક કૉફીથી તકલીફ પડે છે, જ્યારે મને એ જ કૉફી જોઈએ. ડાર્ક રોસ્ટ કરેલાં કૉફી બીન્સમાંથી મોકા પૉટમાં બનતી એક્સ્ટ્રા સ્ટ્રૉન્ગ કૉફી જાણે કે મારા જીવનનો આધાર છે. વર્ષો સુધી સવારે ઊઠ્યા પછી પહેલું કામ એક મગ ભરીને આ ડાર્ક કૉફી પીવાની. જોકે એ પછી ડૉક્ટર ફ્રેન્ડે આપેલી ઍડ્વાઇઝને ધ્યાનમાં રાખીને અડધું ઍપલ ખાઈ લીધા પછી કૉફી પીઉં છું.’ દિવસમાં ચારથી પાંચ કપ ડાર્ક સાકર વગરની અને દૂધની કૉફી પીતા ધર્મેશભાઈને હેલ્થ વાઇઝ પણ કૉફી ફળી છે. તેઓ કહે છે, ‘રિસર્ચ કરવું એ મારો પ્રોફેશન છે અને પૅશન પણ. હેલ્થ એક્સપર્ટ્સ ડાર્ક કૉફીનાં ભરપૂર ગુણગાન ગાય છે. કૉફીમાં રહેલું એક કેમિકલ લિવર ડીટૉક્સ કરવાનું કામ કરે છે. મને કૉફી પીવાથી ન તો આજ સુધી ઍસિડિટી થઈ છે કે ન ઊંઘની સમસ્યા આવી છે. રાતે સાડાઆઠે કૉફી પીને નવ વાગ્યે હું ઘસઘસાટ ઊંઘી જાઉં છું. ઇન ફૅક્ટ, ડાર્ક બ્લૅક કૉફીથી મારું વજન ઘટ્યું છે કારણ કે ડાર્ક કૉફી વિધાઉટ શુગર પીઓ તો એ કડવી કૉફી પછી તમને ત્રણ-ચાર કલાક ભૂખ નથી લાગતી. એટલે ઓછું ખાવાનું જવાથી વજન ઘટે. બહુ ગરમી હોય ત્યારે આઇસ ક્યુબ નાખીને કોલ્ડ કૉફી પીઉં છું. મને કૉફી સૂટ કરે છે અને હું કૉફીને સૂટ કરું છું. અફકોર્સ, દરેકની પ્રકૃતિ જુદી હોય. જોકે કૉફી માટે હું એકેયની સુફિયાણી સલાહમાં અટવાયા વિના મને જે ગમે એ જ કરું છું.’
અમે વિયેટનામની ટ્રિપ કરી હતી ત્યાંની ફેમસ કૉફી પીવા મળે એટલે: શનાયા પારેખ, સ્ટુડન્ટ
કાંદિવલીમાં રહેતી શનાયા પારેખ તેર જ વર્ષની છે પરંતુ કૉફી માટે તે અત્યારથી જ સાત સમંદર પાર કરી જાણે એવો ઉત્સાહ ધરાવે છે. અત્યાર સુધી ઇન્ડિયાની કૉફી અજમાવનારી શનાયાએ તાજેતરમાં જ તેના પેરન્ટ્સ સાથે વિયેટનામની ટ્રિપ માત્ર ત્યાંની કૉફી પીવા માટે કરી હતી. તે કહે છે, ‘મારા પપ્પાને પણ કૉફી પ્રિય છે એટલે એકદમ અચાનક જ અમે પ્લાન બનાવ્યો કે ચાલો આપણે આજકાલ સોશ્યલ મીડિયા પર ફેમસ થયેલી વિયેટનામી કૉફી ટ્રાય કરીએ. તમે માનશો નહીં પણ વિયેટનામ અમે લગભગ દસ દિવસ રહ્યા અને ત્યાંનું ખાવાનું ખાવાને બદલે ત્યાંની દરેક પ્રકારની કૉફી ટ્રાય કરીને જ પેટ ભર્યું. ઇન ફૅક્ટ ત્યાંથી અમે બલ્કમાં કૉફી ખરીદીને લાવ્યા છીએ અને સાથે જ ત્યાં જેવી કૉફી બનાવવા માટે એક ખાસ કૉફી મશીન પણ ખરીદ્યું છે. ક્રીમી અને કોકોનટ ફ્લેવરની આ કૉફી હવે લાઇફનો ઇમ્પોર્ટન્ટ હિસ્સો બની ગઈ છે. દરરોજ સવારે અને બપોરે હું બે ફુલ કપ કૉફી પીઉં છું. મને ઍસિડિટીનો પ્રૉબ્લેમ છે પરંતુ એને કારણે કૉફી છોડવાનું મારા માટે પૉસિબલ નથી. કૉફી ઇઝ નેસેસિટી.’
કૉફી તો મને ગમે જ છે પણ કૉફી પીનારાઓ પણ ગમે ઃ વિશ્વા દેસાઈ, માર્કેટિંગ પ્રોફેશનલ
સાંતાક્રુઝમાં રહેતાં અને માર્કેટિંગ પ્રોફેશનલ તરીકે સક્રિય વિશ્વા દેસાઈએ સ્કૂલ પૂરી થતાં બૉર્નવિટા પીવાનું છોડ્યું એ પછી સીધી કૉફી પીવાનું શરૂ કર્યું. કમ સે કમ ત્રીસ-પાંત્રીસ વર્ષથી નિયમિત કૉફીથી જ દિવસ શરૂ કરતાં વિશ્વા માટે કૉફી તેમનો પહેલો પ્રેમ છે. વિશ્વા કહે છે, ‘પાંચ જણની ફૅમિલીમાં મમ્મી-પપ્પા ચા પીએ પરંતુ હું, મારો ભાઈ, મારાં ભાભી અને મારો સત્તર વર્ષનો ભત્રીજો પણ કૉફી લવર છે. કોઈ પણ વ્યક્તિ કૉફી પીએ છે એટલી જ ઓળખાણ તેની સાથેનો રૅપો બનાવવા માટે મારા માટે કાફી હોય છે. લોહીના સંબંધની જેમ કૉફીનો સંબંધ પણ મારા માટે મહત્ત્વનો છે. કોઈક ચા પીતું હોય એટલી જ વાત મને તેમનામાંથી ઇન્ટરેસ્ટ ઉડાડી દેવા માટે પૂરતી છે. પહેલાં દૂધ અને સાકરવાળી કૉફી પીતી હતી પરંતુ હવે મારા ફિટનેસ કોચના કહ્યા પછી બ્લૅક કૉફી પીવાનું શરૂ કર્યું છે અને મારું વજન પણ ઘટ્યું છે. સવારે પાંચ વાગ્યે અને સાંજે પાંચ વાગ્યે એક મોટો મગ ભરીને બ્લૅક કૉફી પીવાની આદત ત્રણ દાયકાથી અકબંધ છે. મારો કૉફીનો મગ પણ સ્પેશ્યલ છે અને એ પણ મારા બેસ્ટ ફ્રેન્ડ જેવો છે. કૉફીની કડવાશ પણ મને મીઠાશ આપે છે. ઘણા લોકો કહેતા હોય છે કે કૉફીથી ડાઇજેશન ઇશ્યુ, અનિદ્રા, ઍન્ગ્ઝાયટી જેવું થઈ શકે છે પણ મને આમાંનું કંઈ જ નથી થતું. ઇન ફૅક્ટ, ઊંઘ ન આવતી હોય અને હું કૉફી પીઉં તો ઊંઘ આવવા માંડે. મને આ વાત સનાતન સત્ય જેવી લાગે છે કે કૉફી મને કોઈ નુકસાન કરવાની નથી. અડધી રાતે પીશ તો પણ કૉફી મારા માટે જીવનને બહેતર બનાવનારી જ બનશે.’ કૉફી સાથેની અનોખી લવ સ્ટોરી ધરાવતાં વિશ્વાને સાઉથ ઇન્ડિયાની કૉન્ટિનેન્ટલ કૉફી વધુ ભાવે છે અને એના સૅશે તેમની સાથે હંમેશાં હોય જ.
દુનિયાના ખૂણે-ખૂણેથી કૉફીઓ ભેગી કરીને એને ટ્રાય કરવાનો શોખ છે: ભરત દેસાઈ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ
એક સમયે કૉફી પીવાના પૈસા નહોતા ત્યારે પણ જુગાડ કરીને બેસ્ટ કૉફી પીવાના ખેલ કરનારા બોરીવલીમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ભરત દેસાઈના ઘરમાં દુનિયાની બેસ્ટ કૉફી તમને મળશે. પોતાના કૉફી પ્રેમ અને કૉફીના ખજાના વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારા ઘરમાં મારા સિવાય કોઈ કૉફી ન પીએ છતાં મને નથી ખબર કે કૉફી પીવાનો ક્રેઝ ક્યાંથી જાગ્યો. આ વારસો મેં જાતે જ બનાવ્યો છે. નાનપણથી જ જો ચૉઇસ હોય તો કૉફી જ પીવાની. આજથી ચાલીસ-પચાસ વર્ષ પહેલાં કૉફી આજ જેટલી અવેલેબલ નહોતી પરંતુ હું ક્યાંયથી પણ શોધીને પી લેતો. જ્યાં કમાતો થયો અને પોતાની આવક આવવાની શરૂ થઈ ત્યાર પછી તો રીતસર કૉફી પર રિસર્ચ પણ કર્યું. ફિલ્ટર કૉફી કોને કહેવાય, કઈ કૉફી કેવી રીતે પિવાય એ બધી જ મને ખબર પડે. આપણે ત્યાં પાઉડર લાવીને દૂધમાં ઉકાળીને જે કૉફી પિવાય છે એ ખરેખર કૉફી ગણાય જ નહીં. ઇન્સ્ટન્ટ કૉફીને બદલે ફિલ્ટર કૉફીનો ટેસ્ટ અલગ હોય છે. મારી પાસે ફિલ્ટર કૉફીનાં મશીનો તો છે જ પણ સાથે અલગ-અલગ પ્રકારનાં કૉફી બીન્સ પણ છે. અત્યારે પણ તમે મારા ઘરે આવો તો કમ સે કમ વીસ પ્રકારની કૉફી તમને પીવડાવી શકું. દુનિયાની સૌથી મોંઘી કૉફી ગણાતી ઇન્ડોનેશિયાની કૉપી લુવાક, જે ઓરિજિનલ લેવા જાઓ તો લગભગ વીસ હજાર રૂપિયાની સો ગ્રામ આવે એ કૉફી મારી પાસે છે. એ સિવાય ઇટલીની, જર્મનીની, કૉલમ્બિયાની, કૅનેડા, ફ્રાન્સ, સ્વિટ્ઝરલૅન્ડ, જર્મની જેવા કેટલાય દેશોની કૉફી મારી પાસે છે.’ ૬૪ વર્ષના ભરતભાઈની દીકરી જર્મનીમાં છે અને વર્ષે બે વાર તેઓ જર્મની જાય એટલે ત્યાં તેઓ પ્રિફર કરે કે બીજા દેશોની ટ્રિપ ત્યાંથી થાય અને દરેક જગ્યાની કૉફી ટ્રાય કરી શકાય. તેઓ કહે છે, ‘ઇટલીના મિલાનમાં ત્યાંની પૉપ્યુલર લવાસા કૉફી પીધી હતી જેમાં તમને કૉફી શૉટ, સોડા અને સિક્કાના ફૉર્મમાં ડાર્ક ચૉકલેટ એક ટ્રેમાં સાથે સર્વ કરવામાં આવે. પહેલાં તમારે સોડા પીવાની અને આખા મોઢામાં ગાર્ગલ કરતા હોય એમ સોડા ફેરવીને ટેસ્ટને ન્યુટ્રલ કરવાનો જેથી તમે જ્યારે કૉફી શૉટ લો ત્યારે એનો ઓરિજિનલ ટેસ્ટ આવી શકે. એની પ્યૉર બ્લૅક કૉફી ઇન્ટેન્સ હોય અને એ કૉફી પીધા પછી તમારે ચૉકલેટ ખાવાની. આ એક જુદો જ અનુભવ હતો. ઇન્ડોનેશિયામાં મળતી કૉપી લુવાકનું તો મેકિંગ જ જુદું છે. ખિસકોલી જેવા ત્યાંના એક લોકલ પ્રાણીને કૉફી બીન્સ ખવડાવાય. એના આંતરડામાંથી એ કૉફી બીન્સ પસાર થયા પછી એ જે પૉટી કરે એ પૉટીમાં આખેઆખા બીન્સ બહાર નીકળે. એને સૂકવીને શેકીને બનતી કૉફીનો સાવ જુદો જ સ્વાદ હોય છે. જોકે અત્યાર સુધીના અખતરાઓ પછી કહીશ કે સાઉથની ફિલ્ટર કૉફી દુનિયાની બેસ્ટ છે અને કૉફીને લગતાં રેટિંગ્સમાં પણ સાઉથની કૉફી સર્વોપરી ગણાય છે.’


