Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > > > જખમને ખોતર્યે રાખીને વકરાવવાની વાનરવૃત્તિ

જખમને ખોતર્યે રાખીને વકરાવવાની વાનરવૃત્તિ

20 November, 2022 01:27 PM IST | Mumbai
Kana Bantwa

ઘાને, ક્ષતને પંપાળતા, વલૂરતા રહેવાનું મનને ગમે છે, એને રોકો: કોઈ માણસ મજબૂત મનનો છે એમ કહેવાને બદલે એમ કહેવું જોઈએ કે તે મન કરતાં વધુ મજબૂત છે

પ્રતીકાત્મક તસવીર કમ ઑન જિંદગી

પ્રતીકાત્મક તસવીર


કોઈ માણસ તાણ કે હતાશા કે ઉશ્કેરાટથી પીડાતો હોય તેને સાજો કરવા માટે મનને નિયંત્રણમાં લેવું પડે. ત્યારે મન પ્રતિકાર કરે, બળવો પણ કરે. કોઈ માણસ મજબૂત મનનો છે એમ કહેવા કરતાં એમ કહેવું જોઈએ કે તે મન કરતાં વધુ મજબૂત છે.

માણસો પણ ગમે તેમ તોય વાંદરાના જ વંશજ છેને? માણસો પણ આવું જ કરે છે. પોતાના, પારકા અને માણસ પોતે પણ આવું જ કરે છે. વાંદરા તો સારા કે શારીરિક જખમો જ ખોતરે, ઉઘાડે, બગાડે. માણસ તો અદીઠ જખમો, અંદરના જખમો, અંતરના જખમોને ખોતરવામાં મજા લે.જંગલમાં પ્રાણીઓની વર્તણૂકનો અભ્યાસ કરવા માટે એક વખત વિદ્યાર્થીઓના એક જૂથને લઈ જવામાં આવ્યું. ગાઢ જંગલમાં વાંદરાઓના એક મોટા ટોળાનો આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા ત્યાં કૂદાકૂદ કરતા એક વાંદરાને હાથમાં સુકાયેલી ડાળીનો ચિરાયેલો ભાગ વાગ્યો. હાથમાં વાગેલા ઘામાંથી લોહી વહેવા માંડ્યું. જખમી વાંદરો તરત જ ટોળાથી દૂર જઈને બેસી ગયો. ટોળાના અમુક વાંદરા અનાયાસ એની નજીક પહોંચ્યા તો એમને પણ દાંતિયાં કરીને ભગાડી મૂક્યા. પોતાને ઘા વાગ્યો છે એ ટોળાના અન્ય વાંદરાઓથી છુપાવવાનો અને અન્ય વાંદરાઓથી દૂર રહેવાનો એ વાંદરો પ્રયત્ન કરી રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. વિદ્યાર્થીઓએ તેમને પ્રાણીઓ વિશે માહિતી આપી રહેલા પ્રાણીવિદને પૂછ્યું કે આ વાંદરો આવો વર્તાવ કેમ કરે છે? શા માટે એ પોતાના ટોળાથી દૂર થઈ ગયો?  અત્યારે તો એને અન્ય વાંદરાઓની મદદની જરૂર હોય, કૅરની જરૂર હોય, હૂંફની જરૂર હોય એને બદલે એ આમ અળગો કેમ થઈ ગયો?  કેમ કોઈ વાંદરા નજીક આવે એવું પણ એ ઇચ્છતો નથી? જાણે એ એવું ઇચ્છે છે કે અન્ય વાંદરાઓને જાણ ન થાય કે એને વાગ્યું છે. એ આવું કેમ કરે છે? પ્રાણીવિદે જવાબ આપ્યો કે આ ઘવાયેલો વાંદરો દૂર જતો રહ્યો છે એનું કારણ એ છે કે વાંદરાઓની પ્રકૃતિ એવી હોય કે કોઈ વાંદરાને ઈજા થાય અથવા બીમાર પડે તો અન્ય વાંદરા એની ખબર પૂછવા જાય. જે વાંદરાઓ એનો જખમ જોવા આવે, એ આવનાર દરેક વાંદરો એ ઘાવને અડીને, ઉઘાડીને જોશે. એ ઘાવને ખોલ્યા કરશે એટલે એ રુઝાશે નહીં. ઘાવ રુઝાવાને બદલે વધુ મોટો થાય, વકરે. ઘા ઝડપથી રુઝાઈ જાય એ માટે એ વાંદરો અલગ જઈને બેસી ગયો છે.


માત્ર વાંદરાઓ જ આવું કરે છે એવું નથી. માણસો પણ ગમે તેમ તોય વાંદરાના જ વંશજ છેને? માણસો પણ આવું જ કરે છે. પોતાના, પારકા અને માણસ પોતે પણ આવું જ કરે છે. વાંદરા તો સારા કે શારીરિક જખમો જ ખોતરે, ઉઘાડે, બગાડે. માણસ તો અદીઠ જખમો, અંદરના જખમો, અંતરના જખમોને ખોતરવામાં મજા લે. તમારી વાત સાંભળીને સહાનુભૂતિ દર્શાવનારામાંથી બહુ ઓછા એવા હોય છે જેને ખરેખર હમદર્દી હોય. મોટા ભાગના તો માત્ર બહારથી જ દિલસોજી વ્યકત કરતા હોય, અંદર તો તેમને મજા આવતી હોય. તેઓ સહાનુભૂતિના નામે વારંવાર એની એ જ વાત કાઢશે. વારંવાર એનું વિશ્લેષણ કરશે. એ વિશેની સલાહો આપશે. દુખ વ્યકત કરશે. તમારા જખમને એ ભુલાવા જ નહીં દે. એ તમને યાદ અપાવ્યા કરશે, જખમને તાજો રાખ્યા કરશે, એને વધુ મોટો બનાવશે. એક પરિણીત યુવતી સાથે તેના ભાઈએ ભાભીની ચઢામણીથી ઉદ્ધત વર્તન કર્યું. પેલી યુવતીને લાગી આવે એ સ્વાભાવિક છે. ભાઈનું વર્તન એ ઘટના પછી સામાન્ય થઈ ગયું, પણ યુવતીની પાડોશણ વારંવાર આ વાતે તેની સામે દુખ વ્યકત કરે. ભાભી વિશે ખરાબ બોલે, ભાઈએ આવું ન કરવું જોઈએ એવું કહેતી રહે. પેલી યુવતીને પણ લાગે કે ભાઈ-ભાભીએ આવું કરવું ન જોઈએ. તેના દિલમાં લાગેલો ઘા પેલી પાડોશણ રુઝાવા જ ન દે. એ જખમને મોટો કર્યા કરે. ભાઈનું વર્તન એક વખત પૂરતું ઉશ્કેરાટને કારણે ખરાબ થયું હતું, પછીથી તેણે ક્યારેય એવું વર્તન કર્યું નહોતું, ઊલટું તે પ્રયત્ન કરતો કે બહેન સાથે વધુ સારું વર્તન થાય, પણ બહેનનો જખમ વધુ મોટો થતો ગયો અને તેને આ ઘટના વધુ ને વધુ મોટી લાગવા માંડી. થોડા સમય પછી ભાઈને મળવાનું થયું ત્યારે બહેનનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટ્યો, મોટો ઝઘડો થયો અને સંબંધો હંમેશ માટે કપાઈ ગયા. નાનકડી ઘટનાને ઘૂંટીને મોટી બનાવી દેવામાં આવી એ પહેલાં ચોખવટ થઈ ગઈ હોત અથવા એ નાની વાતને ભૂલી જવા દેવાઈ હોત તો વાત આટલી વણસી ન હોત.

પોતાને પારકા જખમને રુઝાવા ન દે એ તો સામાન્ય વાત થઈ, પણ આપણે ચર્ચા કરવી છે આપણે પોતે, ઘાને, ક્ષતને પંપાળતાં રહીએ છીએ, વલૂરતાં રહીએ છીએ, વધારતાં રહીએ છીએ એની. અન્ય દ્વારા ઘાવને વકરાવવામાં આવે ત્યારે આપણે કદાચ એને રોકી શકીએ, અવગણી શકીએ, પણ જ્યારે પોતે જ એને બહેકાવીએ, બગાડીએ તો રોકનાર કોણ હોય? માંઝી જો નાવ ડુબાયે ઉસે કૌન બચાયે? ગમતી અને અણગમતી બાબતોને વાગોળ્યા કરવાની, એને મનમાં દોહરાવ્યે રાખવાની માણસના મનની પ્રકૃતિ છે. જે આનંદ આપનાર હોય, મજા આપનાર હોય, સંતોષ આપનાર હોય, શાંતિ આપનાર હોય એવી ઘટનાઓ અને પ્રવૃત્તિને યાદ કરીને એને ફરીથી ભોગવવા માટે મન આતુર હોય. આને જ આસક્તિ કહેવામાં આવે છે. આ જ રીતે ખરાબ ઘટનાઓ કે આઘાતોને પણ મન યાદ કરે છે, જેથી ફરીથી એવી બાબત ન બને તે માટે સાવધ રહી શકાય, એ માટેની સમજ કેળવી શકાય, પરંતુ આ ડિફૉલ્ટ વ્યવસ્થાની આડઅસર એ છે કે માણસનું મન માત્ર એ ઘટના ફરીથી ન બને એ પૂરતું જ એને યાદ નથી કરતું, એ અહીં વધુપડતું આગળ નીકળી જાય છે. પીડાના આ અનુભવને મન માત્ર બચાવની વ્યવસ્થા માટે યાદ કરવાને બદલે ઘૂંટતું રહે છે અને એને લીધે એ પીડા વારંવાર દોહરાવાતી રહે છે. આપણે પોતાના જ હાથે, પોતાના જ નખ વડે જખમને ખોતરીને લોહીઝાણ થતાં રહીએ છીએ અને ત્યારે એ પણ સમજાતું નથી કે આ પ્રવૃત્તિ તો આપણે પોતે જ કરી રહ્યા છીએ. ડહાપણની સાદી વાત તો એ છે કે પોતાને નુકસાન થતું હોય એવી પ્રવૃત્તિ માણસે પોતે તો ન જ કરવી જોઈએ, પણ જ્યાં મનની વાત આવે છે ત્યાં આ ડહાપણ અદૃશ્ય થઈ જાય છે. સ્ટ્રેસ કે ઍન્ગ્ઝાઇટી કે હતાશા-ડિપ્રેશન પેદા કરવા માટે બહારનાં પરિબળો સક્ષમ નથી. માણસનું મન જ આ કરી શકે. મન પોતે જ આ બધું ઊભું કરે અને પોતે જ પીડાય. વાસ્તવમાં મન તો પીડાતું જ નથી, માણસ પીડાય છે. મન ધારે તો પોતાની સારવાર કરી શકે, પણ એ એવું કરતું નથી. કારણ એ છે કે મન માણસને ગુલામ રાખવા ઇચ્છતું રહે છે, પોતે ગુલામ બનવા તૈયાર નથી. કોઈ માણસ તાણ કે હતાશા કે ઉશ્કેરાટથી પીડાતો હોય તેને સાજો કરવા માટે મનને નિયંત્રણમાં લેવું પડે. ત્યારે મન પ્રતિકાર કરે, બળવો પણ કરે. કોઈ માણસ મજબૂત મનનો છે એમ કહેવા કરતાં એમ કહેવું જોઈએ કે તે મન કરતાં વધુ મજબૂત છે. મન નામના માંકડાને તે કાબૂમાં રાખી શકે છે. મનને કાબૂમાં રાખવું મુશ્કેલ જ નહીં, અતિ મુશ્કેલ છે. દરેક વાતમાં એને લગામમાં રાખવું કદાચ આપણાથી સંભવ ન બની શકે પણ આઘાતો, અણગમતી ઘટનાઓ, ઝઘડાઓ વગેરે વારંવાર મમળાવતાં તો મનને અટકાવી જ શકાય. એક ઘટના ઘટી ગઈ અને એ બાબતે તલસ્પર્શી વિચારી લીધા પછી વારંવાર એ બાબતે ન વિચારો એટલું તો કરી જ શકાયને? એ ઘટના સાવ જ વિસ્મૃત ન થઈ જાય, જરૂર પડ્યે યાદ આવે એટલું જ મહત્ત્વ એને આપવા જેટલું તો કરી જ શકાયને? જો આટલા સજાગ રહી શકાય તો ઘણી મુશ્કેલીઓથી બચી જઈ શકાય. જે વ્યક્તિ સ્ટ્રેસ કે ઍન્ગ્ઝાઇટીથી મુકત છે એના માટે તો કોઈ સવાલ જ નથી, પણ જે આ બધાથી પીડાય છે તેમણે તો પોતાનો ઇલાજ શોધવો જ પડે. દૂજતા જૂના જખમો પરનાં ભીંગડાં નહીં ઉખાડવાથી નાનકડી શરૂઆત કરી શકાય અને એમાં જો સફળતા મળે તો સમજી લેજો, મનને સંપૂર્ણપણે કાબૂમાં કરી લેવાની ચાવી તમને મળી ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2022 01:27 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK