Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લૉકડાઉનની નહીં, લોકડહાપણની જરૂર છે

લૉકડાઉનની નહીં, લોકડહાપણની જરૂર છે

11 April, 2021 07:55 AM IST | Mumbai
Kana Bantwa

કોરોનાની મહામારીથી વિશ્વને બચાવવાની તાકાત સુપરહીરો પાસે છે, પણ તે બચાવવા નથી માગતો એમ કહેવામાં આવે તો તમે માનશો?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અત્યારની મહામારી કે એના જેવી કોઈ પ્રાકૃતિક કે માનવસર્જિત આફત વખતે ફિલ્મોમાં પૃથ્વીને બચાવવા માટે સુપરહીરોની એન્ટ્રી થતી હોય છે. અત્યારે વાસ્તવમાં પૃથ્વી પરનું માનવજીવન ખતરામાં છે, એને બચાવવા માટે કોઈ સુપરહીરો આવવાનો નથી. એવું નથી કે સુપરહીરો નથી. છે, પણ તેને પૃથ્વીને બચાવવામાં રસ નથી. તમે કહેશો કે એવું થોડું હોય, પૃથ્વી પરની માનવજાતને કોરોના જેવી મહામારીથી બચાવવામાં કોઈ સુપરહીરોને રસ ન હોય એવું બને? હા બને, કારણ કે એ સુપરહીરો તમે પોતે છો અને તમને રસ નથી. માનવજાતને બચાવવામાં એ સુપરહીરો દરેક સામાન્ય માણસ છે. જેના એકના પર જ જીતનો આધાર છે, પણ એ સુપરહીરો તો ઉદાસીન છે. તે માસ્ક પહેરવામાં ઠાગાઠૈયા કરે છે, શાકભાજી ખરીદતી વખતે ભીડ કરે છે, બજારમાં નીકળી પડે છે, સોશ્યલ ડિસ્ટન્સ રાખતો નથી. તેને ચિંતા નથી કે તે કોરોના ફેલાવવામાં મદદ કરી રહ્યો છે. સુપરહીરો તો એક વર્ષ પછી પણ સમજ્યો નથી કે આ મહામારી સામાન્ય નથી. એ સુપરહીરોના પલ્લે એ નથી પડતું કે ગયા વર્ષે મહામારીનું જે સ્વરૂપ હતું એના કરતાં વધુ ઘાતક સ્વરૂપ આ વર્ષે છે. જે પરિસ્થિતિ ગયા વર્ષે હતી એના કરતાં વધુ ગંભીર પરિસ્થિતિ છે. કોરોના સામેની એક વર્ષની લડાઈ પછી માણસજાત ઠેરની ઠેર છે. એક વર્ષ પછી વૅક્સિન બની ગઈ છે, પણ દેશની સંપૂર્ણ જનસંખ્યાને વૅક્સિન આપતાં ત્રણેક વર્ષથી પણ વધુ સમય લાગી જાય એમ છે અને વૅક્સિનની અસરકારકતા બાબતે પણ પ્રશ્નાર્થ તો છે જ. એક વર્ષ બાદ પણ લડાઈ હજી એકતરફી જ છે. કોરોના હજી હાવી જ છે.

યક્ષ પ્રશ્ન



આભ ફાટ્યું છે અને થીગડાં દેવા માટે કરોડો હાથની જરૂર છે. ગોવર્ધન ઉઠાવીને રક્ષણ કરવા માટે કરોડો આંગળીઓના ટેકાની જરૂર છે, કૃષ્ણ એકલા જ નહીં ઉઠાવે પર્વતને, ભલે તેઓ સર્વશક્તિમાન હોય. જનતાએ જ જનાર્દન બનવાનું છે અને ઉઠાવવાનો છે ગોવર્ધન. અત્યારે નહીં તો ક્યારેય નહીં. બહુ રાહ જોઈ લીધી. બહુ વખત ઘરમાં બેસીને લૉકડાઉન માણી લીધું. હવે પ્રશ્ન અસ્તિત્વનો છે. દરેકે પોતે પોતાનું યોગદાન આપવું જ પડશે. તો જ પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાશે. આપણે કોરોના વાઇરસને ખતમ કરવાનું જાણતા નથી, પણ એને ફેલાતો કઈ રીતે રોકી શકીએ એ તો જાણીએ છીએ. જાણીએ છીએ છતાં એ પ્રમાણે કશું કરતા નથી. વિટંબણા યુધિષ્ઠિરને પુછાયેલા યક્ષપ્રશ્ન જેવી છે. તળાવમાંના યક્ષે યુધિષ્ઠિરના ચારેય ભાઈઓને પ્રશ્નનો ઉત્તર આપ્યા વગર પાણી પીવાના ગુનામાં મારી નાખ્યા અને અંતે ધર્મરાજ પોતે ભાઈઓને શોધતાં-શોધતાં તળાવના કાંઠે આવ્યા. મરેલા પાંડવોને દેખાડીને બગલારૂપી યક્ષે કહ્યું કે મારા પ્રશ્નોનો ઉત્તર આપ્યા વગર પાણી પીઈશ તો તારી હાલત પણ આ તારા ભાઈઓ જેવી થશે અને પછી શરૂ થયો રૅપિડ ફાયર જેવા પ્રશ્ન-ઉત્તરનો મારો. પ્રશ્નો અને જવાબ બન્ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, યુધિષ્ઠિર-યક્ષ સંવાદના. એમાં એક પ્રશ્ન યક્ષે એવો પૂછ્યો કે વિશ્વનું મોટું આશ્ચર્ય શું છે? જવાબ તમને પણ યાદ રહી ગયો હશે, ડિયર રીડર. મોત જેટલું નિશ્ચિત આ જગતમાં કશું જ નથી, છતાં દરેક માણસ એવું માનીને ચાલે છે કે હું તો મરવાનો જ નથી. અદ્ભુત ઉત્તર છે આ. અત્યારે પણ એવું જ આશ્ચર્ય સર્જાઈ રહ્યું છે. દરેક માણસને કોરોનાનું સંક્રમણ લાગવાની સંભાવના છે જ, છતાં દરેક જણ એવું માને છે કે બધાને થશે, મને કોરોના નહીં થાય. જેમને કોરોના નથી થયો એ લોકો બચી ગયા એ બદલ અભિનંદન, પણ ઇમ્યુનિટી ક્યારે કૉમ્પ્રોમાઇઝ થઈ જાય અને ક્યારે ઝપટે ચડી જશો એ કહી શકાય નહીં. વૅક્સિન લઈ લેવાથી સુરક્ષિત થઈ જવાશે એવું સ્વીકારી જ લઈને વૅક્સિન લઈ લેવી. પણ પછી એમ ન માનવું કે હવે કોરોના નિકટ નહીં આવે. સાવધાની તો એટલી જ રાખવાની છે.


પૃથ્વી પરનો દરેક માનવી સુપરહીરો છે એવું શરૂઆતમાં એટલા માટે કહ્યું કે કોરોના સામે જે લોકો ફ્રન્ટલાઇન પર લડી રહ્યા છે તેમના પ્રયત્નો પૂરતા નથી. એક વર્ષથી ડૉક્ટર્સ, સાયન્ટિસ્ટ વગેરે લડી રહ્યા છે, અવિરત સંઘર્ષ ચાલી રહ્યો છે. આ આપણા રિયલ હીરો છે. તેમના પ્રયત્નોને એળે નહીં જવા દેવાની જવાબદારી સામાન્ય માનવીની છે. આ યુદ્ધ કોઈ એક રોગની વિરુદ્ધ વિજ્ઞાનનું યુદ્ધ નથી. આ યુદ્ધ પ્રકૃતિ સામેના માનવીના અખંડ સંઘર્ષનો એક ભાગ છે અને જો આ મોરચે હારી જઈશું તો અત્યાર સુધી માનવજાતે જે કશું મેળવ્યું છે, પ્રકૃતિ સામે લડીને એ બધું જ હારી જઈશું. માણસ પ્રકૃતિ સામે સતત જીતતો રહ્યો છે એ ખરું, પણ હજારો પરાજય પછી માણસને એક વિજય મળે છે પ્રકૃતિની સામે. કોરોના સામે એક વર્ષમાં માણસે અનેક પરાજય ખમ્યા છે. અમુક વિજય પણ મેળવ્યા છે. પ્રકૃતિ સામે લડાઈનો રેશિયો આટલો જ રહે છે, હજાર સામે એક અથવા લાખ સામે એક, પરંતુ રેશિયો માનવજાત માટે મહત્ત્વનો છે જ નહીં. અંતે માણસ જીતે છે એનું કારણ એ છે કે તે પ્રયત્ન મૂકતો નથી, હાર માનતો નથી. પછડાટ ખાધા પછી, ઊંધા માથે પડ્યા પછી પણ માનવી ધૂળ ખંખેરીને ઊભો થઈ જાય છે. પ્રકૃતિના અટ્ટહાસ્યથી તે વિચલિત થતો નથી. એ અસંભવની સામે ફરીથી જંગ આદરે છે. ફરી વિકરાળ પંજામાં ફસાઈને પરાજિત થાય છે, ફરી ઊભો થાય છે.

ફરીથી ઊભા થવાની તાકાત


માનવીની ખરી તાકાત જ આ છે.. ફરીથી લડવા માટે ડગ માંડવાની તાકાત. અસંભવ સામે આંખ મિલાવીને એને નકારવાની તાકાત. એટલે જ માણસ અન્ય પ્રાણીઓ કરતાં અલગ છે. એક ગામમાં સાધુઓની એક મંડળી હાથીઓ લઈને આવી. ગામ લોકો હાથી જુએ, તેને ગણેશજીનો અવતાર માનીને પૈસા ધરે, સીધું-સામાન આપે. સાધુની મંડળીનો ગુજારો હાથી પર ચાલે. આવી એક મંડળી એક ગામના પાદરે ડેરા-તંબુ નાખીને પડી હતી. કુતૂહલવશ હાથી જોવા ગયેલા એક શાણા માણસના ધ્યાનમાં આવ્યું કે હાથીઓના પગે સાવ પાતળી દોર બાંધીને તેમને ખૂંટા સાથે બાંધી રાખવામાં અવ્યા હતા. એ માણસે મંડળીના આગેવાન જેવા દેખાતા એક સાધુને પૂછ્યું કે આટલી પાતળી દોરી તો હાથી રમતવાતમાં તોડી નાખી શકે, છતાં તોડીને ભાગી કેમ જતા નથી? સાધુએ જવાબ આપ્યો કે ‘હાથી નાનું બચ્ચું હોય ત્યારથી અમે આ જ દોરડીથી એને બાંધીએ. બચ્ચું હોય ત્યારે દોરડી તોડવા માટે બહુ મહેનત કરે, પણ તોડી શકે નહીં એટલે પ્રયત્ન કરવાનું છોડી દે. યુવાન થાય તો પણ એ ક્યારેય દોરી તોડવાના પ્રયત્ન જ ન કરે.’ માણસ એક જ એવું પ્રાણી છે જે હારીને પ્રયત્ન નથી છોડતું. કેટલાક નબળા માણસો છોડી દેતા હશે, પણ સમગ્ર માનવજાત છોડતી નથી. એટલે જ પ્રકૃતિ સામે ક્યારેક તો જીતે જ છે. કોરોના સામેનો જંગ ભલે અત્યારે માણસ જીતી ન શક્યો હોય, તે પ્રયત્ન છોડવાનો નથી, પણ એ પ્રયત્નમાં માનવજાતને સામાન્ય માનવી નામના સુપરહીરોના સુપરપાવરની જરૂર છે અને એ સુપરપાવર છે એકતા, સંઘશક્તિ. વિશ્વના દરેક માણસ જો કોરોના ન ફેલાય એ માટે પોતાનાથી બનતા પ્રયત્ન કરે તો મહામારીનો ફેલાવો રોકી શકાય એમ છે.

વાઇરસને રોકવાનું તમારા હાથમાં

કોરોનાના વાઇરસને ખતમ કરી શકાય એમ નથી. એનો ફેલાવો રોકવો એ જ એકમાત્ર ઉપાય છે અને આ ઉપાય ડૉક્ટરોના હાથમાં નથી, સરકારના હાથમાં નથી, વહીવટી તંત્રના હાથમાં નથી. તેઓ તમને દવા આપી શકશે, સારવાર આપી શકશે, વૅક્સિન આપી શકશે, પણ ફેલાવો તો સામાન્ય માણસે જ રોકવો પડશે અને રોકવા માટે તમારે બીજું કશું કરવાનું નથી, સ્વાર્થી બની જવાનું છે. હું મારી જાતને સંક્રમિત નહીં થવા દઉં એટલો જ સ્વાર્થ યાદ રાખો. તમે સંક્રમિત નહીં થાઓ તો અન્યોને સંક્રમણથી બચાવી શકશો. દરેક નાગરિકે સાથે મળીને સંક્રમણ ફેલાતું રોકવા માટે પ્રયત્ન કરવાનો છે. ભીડમાં જવાનું નથી, ભીડ કરવાની નથી, દો ગઝ કી દૂરી રાખવાની છે, માસ્ક પહેરવાનો છે અને અનિવાર્ય ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું નથી. આ બધાં બહુ સામાન્ય કામ છે, પણ સામાન્ય માણસથી આ સામાન્ય કામ થતાં નથી. સરકાર લૉકડાઉન નાખીને સામાન્ય માણસોને થોડા દિવસ ઘરમાં રાખી શકશે, પણ લાંબો સમય બધું બંધ તો નહીં રખાયને? લૉકડાઉન ઉપાય નથી, લોકડહાપણ જ એકમાત્ર ઉપાય છે. લૉકડાઉનથી દેશની આર્થિક કમર તૂટી ગઈ એ આપણે ગયા વર્ષે જોઈ લીધું, હવે ફરીથી એ સ્થિતિ જોવી નથી. તમારા જેવા સુપરહીરો પાસેથી હવે સુપરપાવરના ઉપયોગની અપેક્ષા છે. એકતાનો સુપરપાવર વાપરો તો જ તમે માનવજાતને બચાવી શકશો.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2021 07:55 AM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK