લોકસભાનું ઇલેક્શન પૂરું થઈ ગયું અને દેશની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીને અને બીજા નંબરની મોટી પાર્ટી કૉન્ગ્રેસને ક્લિયર મેન્ડેટ ન મળ્યું.
પ્રતીકાત્મક તસવીર
આપણે ત્યાં જે એક માનસિકતા છે એનાથી હું બહુ નારાજ છું. વોટ આપવા માટે લોકોને સમજાવવા, મનાવવા અને પટાવવા પડે છે. અરે ભાઈ, તમે જે દેશમાં રહો છો એ દેશની સરકાર માટે ઇલેક્શન થાય છે અને એ ઇલેક્શનમાં તમને બહુ મહત્ત્વના મેમ્બર ગણવામાં આવે છે છતાં તમને આટલા આગ્રહની જરૂર પડે. આપણા વોટર્સ ઘરે આવેલા પેલા મીંઢા મહેમાન જેવું કરે છે. કોઈને ત્યાં જમવા ગયા હો અને તમે આવો આગ્રહ કરાવો તો એ પણ સમજાય, પણ દેશના ઇલેક્શનમાં પણ આવી માનસિકતા એ તો કેવી અકળામણ આપનારી વાત કહેવાય. મને અંગતપણે લાગે છે કે આપણે વોટિંગને કમ્પલ્સરી કરવું જોઈએ અને એને એવી રીતે લિન્ક કરવું જોઈએ જેથી ઇન્કમ-ટૅક્સ કે બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં ખબર પડે કે આ માણસે વોટિંગ નથી કર્યું. જે વોટિંગ ન કરે તેના પર વધારાનો ટૅક્સ કે પછી ફાઇન ભરાવડાવો. જો એવું થશે તો જ આપણા દેશમાં મતદાનને ગંભીરતાથી લેવામાં આવશે.
લોકસભાનું ઇલેક્શન પૂરું થઈ ગયું અને દેશની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીને અને બીજા નંબરની મોટી પાર્ટી કૉન્ગ્રેસને ક્લિયર મેન્ડેટ ન મળ્યું. આવું શું કામ થયું એનું તમે કારણ જાણશો તો તમને પણ મારા જેટલી જ અકળામણ થશે. લોકો એવા પ્રબળ આત્મવિશ્વાસમાં રહ્યા કે આપણે બહાર નહીં નીકળીએ તો ચાલશે! આ જે આત્મવિશ્વાસનો અતિરેક હતો એણે દેશને એવી સરકાર આપી જેના નેતાના હાથ અમુક અંશે બંધાઈ ગયા.
ADVERTISEMENT
ચાલો, માન્યું કે ‘બીત ગઈ સો બાત ગઈ’ પણ આવું ક્યાં સુધી? ટૂંક સમયમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું ઇલેક્શન આવશે. એ સમયે પણ પરાણે કે આગ્રહ કર્યા પછી પણ ચાળીસ-પચાસ ટકા વોટર્સ ઘરમાંથી બહાર નહીં નીકળે. ટેક્નૉલૉજી આટલી અપડેટ થઈ ગઈ છે ત્યારે હું કહીશ કે એવી અરેન્જમેન્ટ કરવી જોઈએ કે વોટિંગ નહીં કરનારનું નામ દરેકેદરેક સિસ્ટમમાં રિફ્લેક્ટ થાય અને એને રોડ ટૅક્સ કે રોડ-ફાઇનમાં રૂટીનમાં જે ભરવાના થતા હોય એના કરતાં વધારે ભરવાના આવે. મ્યુનિસિપાલિટીમાં પણ એવું જ થાય. વોટ નહીં આપનારાએ હાઉસિંગ અને વૉટર-ટૅક્સ વધારે ભરવો પડે કે પછી એની ફરિયાદ હોય તો એ પ્રાઇમ લેવલ પર સૉલ્વ કરવામાં ન આવે. મારી વાતમાં તાનાશાહી લાગી શકે, પણ એના વિના જો સુધારો થવાનો ન હોય તો આ તાનાશાહી જ ઇલાજ છે. પોસ્ટલ બૅલટથી માંડીને ફિઝિકલી ડિસેબલ્ડને વ્હીલચૅરથી માંડીને ઘરે લેવા-મૂકવા જેવી સુવિધા છતાં પણ વોટિંગ કરવા નહીં જવાનું!
શરમ છે એ સૌ માટે જેઓ લોકસભામાં વોટિંગ કરવા ગયા નહીં. હવે જો નાક હોય તો વિધાનસભા ઇલેક્શનમાં આવી બેદરકારી ન દાખવતા.
- હેમંત ઝા (ગુજરાતી રંગભૂમિ અને ટીવી-સિરિયલના ખ્યાતનામ ઍક્ટર હેમંત ઝાએ અનેક ફિલ્મો પણ કરી છે)

