પિરિયડ ફિલ્મ એટલે કે પચાસ-સો, દોઢસો કે બસો વર્ષ જૂના વિષયની વાત હોય એ તમે સાવ હવામાંથી લાવી ન શકો
પ્રતીકાત્મક તસવીર
ફ્રેશ, જુનિયર કોરિયોગ્રાફર અને ડાન્સના શોખીનો દ્વારા એક સવાલ વારંવાર પુછાતો હોય છે કે કઈ કોરિયોગ્રાફી અઘરી પડે? રૂટીન ફિલ્મોની, માઇથોલૉજિકલ ફિલ્મની કે પછી પિરિયડ ફિલ્મની?
જવાબ છે પિરિયડ ફિલ્મની. રેગ્યુલર ફિક્શન ફિલ્મમાં કોઈ રેફરન્સની જરૂર નથી પડતી, તમે ઇચ્છો એવી કોરિયોગ્રાફી સેટ કરી શકો. તમારે ફક્ત ઍક્ટરોની ખાસિયત કે પછી તે લોકોની મર્યાદાને ધ્યાનમાં રાખવાની હોય. માઇથોલૉજિકલ ફિલ્મમાં પણ રેફરન્સ મર્યાદિત હોય. હા, એ કોરિયોગ્રાફી ક્લાસિકલ લેવલ પર આધારિત હોય. એ એક રેફરન્સ સિવાય તમારે બીજી કોઈ ચિંતા કરવાની નથી થતી. એની સામે પિરિયડ ફિલ્મ કોરિયોગ્રાફરની પણ પરીક્ષા લઈ લે.
ADVERTISEMENT
પિરિયડ ફિલ્મ એટલે કે પચાસ-સો, દોઢસો કે બસો વર્ષ જૂના વિષયની વાત હોય એ તમે સાવ હવામાંથી લાવી ન શકો. અમે જ કરેલી ફિલ્મની વાત કરું તો ‘બાજીરાવ મસ્તાની’માં કપોળકલ્પિત સ્ટેપ્સ ન ચાલે. તમારે એનાં કૉસ્ચ્યુમ્સથી માંડીને એ સમયે કેવાં ચંપલ કે મોજડી પહેરાતાં હશે એ પણ વિચારવાનું અને પછી તમારે એ કૉસ્ચ્યુમ્સ અને લેગ-વેર્સ સાથે સ્ટેપ્સ સેટ કરવાનાં. આ જે સ્ટેપ્સ છે એ પણ ઇચ્છા મુજબનાં ન ચાલે. જે-તે પિરિયડમાં કેવા પ્રકારના ડાન્સનું ચલણ હતું, એનાં સ્ટેપ્સ કેવાં હતાં અને જો આજુબાજુમાં મ્યુઝિશ્યન બેઠા હોય તો તેમના હાથ વાજિંત્ર પર કેવી રીતે પડતા હશે એ પણ મનમાં રાખીને સ્ટેપ્સ ડિઝાઇન કરવાનાં.
પિરિયડ ફિલ્મ રીતસર પરસેવો પાડી દે. હમણાં અમે ‘કેસરી વીર’ નામની એક ફિલ્મનાં સૉન્ગ્સ કોરિયોગ્રાફ કર્યાં. સોમનાથ પર મુસ્લિમ આક્રમણ થયું એ સમયે વીર હમીરજીએ કઈ રીતે એ આક્રમણને અટકાવ્યું હતું એ વિષયની આ ફિલ્મ માટે અમે ખૂબબધું રિસર્ચ કર્યું. એ સમયના ક્ષત્રિયો કેવા નૃત્યમાં માહેર હતા, એ નૃત્યમાં કેવાં સ્ટેપ્સ રહેતાં, એ બધાં સ્ટેપ્સ પછી તૈયાર થતો ડાન્સ કેવો હતો અને એ ડાન્સ દરમ્યાન એમાં પ્રૉપર્ટી કેવી વાપરવામાં આવતી એ બધો સ્ટડી કર્યા પછી અમે એ વિસ્તારના જૂના લોકોને મળ્યા જે આજે પણ એ ડાન્સ વિશે જાણતા હોય. એ ઇતિહાસકારોને પણ મળ્યા જે આ બધું સંશોધન કરી ચૂક્યા હોય. આ આખી માથાપચ્ચી પછી સૉન્ગ્સની અમારી કોરિયોગ્રાફી તૈયાર થઈ. સ્ક્રીન પર તો આ સૉન્ગ પણ ત્રણ કે ચાર મિનિટ જ રહેવાનું છે. એમ છતાં એ જોતી વખતે ક્યાંય એ કોરિયોગ્રાફી હવામાંથી નથી આવી એ જોવું એ જવાબદારીવાળું કામ છે અને એ નિભાવવાનું અઘરું છે.
પિરિયડ ફિલ્મની કોરિયોગ્રાફીમાં આજનાં સ્ટેપ્સ સાથે રિલેટ થાય એવું કોઈ સ્ટેપ ન હોય એનું પણ ધ્યાન રાખવું પડે.

