Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનાં લગ્નમાં રાજ કપૂરે કન્યા પક્ષ તરફથી આગળ પડતો ભાગ લીધો હતો

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનાં લગ્નમાં રાજ કપૂરે કન્યા પક્ષ તરફથી આગળ પડતો ભાગ લીધો હતો

24 September, 2022 06:23 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

તમે જેટલા વધારે મશહૂર બનો એટલી સંખ્યામાં તમને પાર્ટીઓમાં આમંત્રણ મળતાં જાય. ચુનીભાઈ એક નૅશનલ હીરો બની ગયા હતા. તેમની સાથે બેસીને ‘ડ્રિન્ક’ લેવું એ એક સ્ટેટ્સ સિમ્બૉલ બની ગયું.

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનાં લગ્નમાં રાજ કપૂરે કન્યા પક્ષ તરફથી આગળ પડતો ભાગ લીધો હતો વો જબ યાદ આએ

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનાં લગ્નમાં રાજ કપૂરે કન્યા પક્ષ તરફથી આગળ પડતો ભાગ લીધો હતો


રાજ કપૂરે ‘બૉબી’નું શૂટિંગ શરૂ કર્યું ત્યારે એમ વિચાર્યું હતું કે ચુનીભાઈ કાપડિયા તેમને પૂરો સહકાર આપશે. એથી વિપરીત જેમ-જેમ શૂટિંગ આગળ વધતું ગયું એમ ચુનીભાઈનો વ્યવહાર બદલાતો  ગયો એટલું જ નહીં, એક ટીનેજર સેન્સેશનલ ગર્લ તરીકે ડિમ્પલને પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાનું રાજ કપૂરનું સપનું હતું એ રોળાઈ ગયું, કારણ કે ફિલ્મ રીલીઝ થઈ ત્યાં સુધીમાં ડિમ્પલ કાપડિયા શ્રીમતી રાજેશ ખન્ના બની ગઈ હતી. એ પૂરો ઘટનાક્રમ રાજ કપૂર માટે માથાનો દુખાવો બની ગયો. 

‘બૉબી’નું શૂટિંગ શરૂ થયું એનો સૌથી વધુ લાભ ચુનીભાઈ કાપડિયાને  થયો એમ કહેવું ખોટું નહીં ગણાય. પત્રકારો અને મીડિયામાં તેમની અને કાપડિયાપરિવારની એટલી પબ્લિસિટી થઈ કે રાતોરાત તેઓ સેલિબ્રેટી બની ગયા. ફિલ્મી દુનિયાનો એક વણલખ્યો નિયમ છે. તમે જેટલા વધારે મશહૂર બનો એટલી સંખ્યામાં તમને પાર્ટીઓમાં આમંત્રણ મળતાં જાય. ચુનીભાઈ એક નૅશનલ હીરો બની ગયા હતા. તેમની સાથે બેસીને ‘ડ્રિન્ક’ લેવું એ એક સ્ટેટ્સ સિમ્બૉલ બની ગયું.   



રાજ કપૂરને ન ગમતી બીજી એક વાત એ બની કે ચુનીભાઈની સામે ડિમ્પલ માટે અનેક પ્રોડ્યુસર્સની લલચામણી ઑફર્સ આવવા લાગી. રાજ કપૂરની ફિલ્મની હિરોઇન બનવું એ ડિમ્પલ માટે કોઈ મોટો ખિતાબ મળવા જેવી વાત હતી. ચુનીભાઈ માટે તો આ હકીકત સ્વપ્ન જેવી હતી. દીકરીના કારણે મળતી આવી પબ્લિસિટીથી તે સાતમા આસમાને પહોંચી ગયા. 


અનેક ફિલ્મી પાર્ટીઓમાં તે સામેલ થતા પરંતુ અંજુ મહેન્દ્રુની માતા સાથે કાપડિયાપરિવારનો  ઘરોબો થઈ ગયો હતો એટલે તેમની પાર્ટીઓમાં તે અચૂક હાજરી આપતા. એ દિવસોમાં અંજુ ફિલ્મોમાં કામ મળે એ માટે પ્રયત્ન કરતી હતી. સ્વાભાવિક છે કે પ્રોડ્યુસરોની નજરમાં આવવા માટે તેના ઘરે પાર્ટીઓનો દોર થાય એમાં કોઈને નવાઈ નહોતી લાગતી. અહીં ચુનીભાઈની  મુલાકાત એક એવી વ્યક્તિ સાથે થઈ જે આવનાર દાયકામાં હિન્દી ફિલ્મનો સુપરસ્ટાર બનવાનો હતો એટલું જ નહીં, નજીકના ભવિષ્યમાં રાજ કપૂર માટે અણધારી મુસીબતોનો પહાડ બની જવાનો હતો. 

જી  હાં. તમારું અનુમાન સાચું છે. હું રાજેશ ખન્નાની વાત કરું છું. ૧૯૬૫માં યુનાઇટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેર દ્વારા યોજાયેલી ઑલ ઇન્ડિયા ટૅલન્ટ કૉન્ટેસ્ટ રાજેશ ખન્નાએ જીતી અને ફિલ્મ ‘આખરી ખત’થી તેની ફિલ્મી કારકિર્દી શરૂ થઈ. ૧૯૬૯માં ‘આરાધના’ની બેસુમાર સફળતા બાદ બે વર્ષમાં લાગલાગટ ૧૫ હિટ ફિલ્મ આપવાનો તેમનો રેકૉર્ડ આજ સુધી કોઈએ તોડ્યો નથી. એટલે જ તેમને ‘ફર્સ્ટ સુપરસ્ટાર ઑફ ઇન્ડિયા’ કહેવામાં આવે છે. એ દિવસોમાં અંજુ સાથેના તેમના રોમૅન્સની અનેક અફવાઓ ઊડી હતી.  


રાજેશ ખન્નાના અનેક યુવાન ચાહકો હતા. હકીકત તો એ હતી કે  ફિલ્મી ગ્લૅમરથી અંજાયેલા અને સ્ટાર ક્રેઝી ચુનીભાઈ કાપડિયા પણ અંદરખાનેથી રાજેશ ખન્નાના મોટા ચાહક હતા. એટલા માટે હજી ‘બૉબી’નું શૂટિંગ શરૂ નહોતું થયું એ પહેલાં જ રાજેશ ખન્નાને કાપડિયાપરિવારે  ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. આમ રાજેશ ખન્ના અને કાપડિયાપરિવાર વચ્ચે નિકટતા વધતી જતી હતી.     

એક પાર્ટીમાં પ્રોડ્યુસર શ્યામસુંદર શિવદાસાનીએ ચુનીભાઈને કહ્યું કે ડિમ્પલ અને શશી કપૂરને લઈને એક ફિલ્મ બનાવવાનું વિચારું છું. ડિમ્પલને માટે જોઈતી પરમિશન શશી કપૂર મોટા ભાઈ પાસેથી મેળવી લે તો કામ થઈ જાય. ચુનીભાઈ એ વાત કરતાં એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એ દિવસોમાં અનેક પ્રોડ્યુસર્સ મારી પાસે ડિમ્પલ માટે નવી ફિલ્મની ઑફર લઈને આવતા. રાજ કપૂરને આ વાત ગમતી નહોતી. તે ઇચ્છતા હતા કે જ્યાં  સુધી ‘બૉબી’ રિલીઝ ન થાય ત્યાં સુધી ડિમ્પલે બહારની કોઈ ફિલ્મ હાથમાં ન લેવી જોઈએ. મેં શિવદાસાનીની ફિલ્મ માટે તેમની રજા માગી. રાજ કપૂરે કહ્યું કે શશી કપૂરની ફિલ્મ છે એટલે હા પાડું છું. તમે ડિમ્પલ માટે લાખ રૂપિયાથી ઓછામાં કૉન્ટ્રૅક્ટ ન કરતા. અઠવાડિયા પછી હું રાજ કપૂર પાસે ગયો અને કહ્યું, ‘મેં સાડાત્રણ લાખ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ કર્યો છે. મને ખાતરી હતી કે જો મેં પાંચ લાખ રૂપિયા માગ્યા હોત તો પણ તે આપવા રાજી થયા હોત.’ 

રાજ કપૂર જાણતા હતા કે ડિમ્પલને તેની પ્રતિભા માટે નહીં પણ આર. કે. ફિલ્મ્સની હિરોઇન છે એટલા માટે આટલી કિંમત મળે છે. તેમને ડર હતો કે ચુનીભાઈ ડિમ્પલને મળતી પબ્લિસિટીને વટાવી ખાવા બીજી ફિલ્મો સાઇન ન કરી લે. ડિમ્પલ માટે પ્રોડ્યુસર્સની ડિમાન્ડને કારણે ચુનીભાઈના વર્તનમાં ફેરફાર આવ્યો હતો એ વાત રાજ કપૂરને ખૂંચતી હતી. એ ઉપરાંત ફાઇનૅન્સર્સ તરફથી આવતા ફન્ડ્સમાં અવારનવાર વિલંબ થવાને કારણે રાજ કપૂર પરેશાન હતા. ફિલ્મ ધીમી ગતિએ આગળ વધતી હતી. આવી પરિસ્થિતિમાં રાજ કપૂર ડ્રિન્ક્સ બાદ પોતાનું પ્રમાણભાન ખોઈ બેસતા અને ચુનીભાઈ સાથે ઝઘડા થતા. 

પુણે ખાતેના આઉટડોર શૂટિંગમાં એક ઝઘડાએ એટલું મોટું સ્વરૂપ લીધું કે કાપડિયાપરિવાર ડિમ્પલ સાથે મુંબઈ આવી ગયો. પાછળથી આર. કે. ફિલ્મ્સના પ્રોડક્શન કન્ટ્રોલર ઓમપ્રકાશ મેહરાની સમજાવટને કારણે ચુનીભાઈએ નમતું જોખ્યું અને શૂટિંગ પૂરું કર્યું. જે રફતારથી ફિલ્મ બનવી જોઈએ એ બનતી નહોતી એ કારણથી રાજ કપૂર ધૂંધવાયેલા હતા. આ તરફ ચુનીભાઈનો વ્યવહાર પણ પહેલાં જેટલો ‘ફ્રેન્ડ્લી’ નહોતો રહ્યો. આ સંજોગોમાં રાજ કપૂરની અકળામણ વધતી જતી  હતી, પરંતુ તે લાચાર હતા. 

આ દરમ્યાન શિવદાસાનીની ફિલ્મ ‘પાપ ઔર પુણ્ય’નું મુરત થયું (પાછળથી આ ફિલ્મમાં ડિમ્પલને બદલે શર્મિલા ટાગોર હિરોઇન બની). ત્યાર બાદ ફિલ્મ ‘રોટી’ માટે મનમોહન દેસાઈએ ડિમ્પલને સાઇન કરી (પાછળથી મુમતાઝ હિરોઇન બની). એમ કહેવાય છે કે એ દિવસોમાં રાજેશ ખન્નાએ ચુનીભાઈને કહ્યું હતું કે મારે ડિમ્પલ સાથે ચાર ફિલ્મ કરવી છે. એ કહેવું મુશ્કેલ છે કે કયા સંજોગોમાં રાજેશ ખન્નાએ નિર્ણય કર્યો કે ડિમ્પલ મારી ફિલ્મની હિરોઇન નહીં, મારી  જીવનસાથી બનશે. એક સમય એવો હતો જ્યારે રાજેશ ખન્ના અને અંજુ મહેન્દ્રુ એકમેકની એટલાં નજીક હતાં કે સૌને લાગતું હતું કે બન્ને લગ્ન કરશે. 

૨૭ માર્ચ, ૧૯૭૩ના દિવસે રાજેશ ખન્ના અને ડિમ્પલનાં લગ્ન થયાં. અંગત રીતે નાખુશ રાજ કપૂરે લગ્નમાં કન્યા પક્ષના અગ્રણી તરીકે આગળ પડતો ભાગ લીધો. દિલથી તે ચુનીભાઈને જરૂર કોસતા હશે જેમણે એ સમયના સુપરસ્ટારને જમાઈ બનાવવાના મોહમાં ‘બૉબી’નું ભવિષ્ય જોખમમાં નાખી દીધું. ચુનીભાઈના આ પગલાને કારણે પૂરા કાપડિયાપરિવારે તેમનો બહિષ્કાર કર્યો પરંતુ સ્ટારક્રેઝી ચુનીભાઈને એની પરવા નહોતી. 

‘બૉબી’નું શૂટિંગ હજી પૂરું નહોતું થયું. પરંતુ હવે ડિમ્પલ કાપડિયા શ્રીમતી રાજેશ ખન્ના હતી એ હકીકતનો પરચો રાજ કપૂરને મળવાનો હતો. લગ્ન પહેલાં ડિમ્પલ તેની માતા સાથે આર. કે. સ્ટુડિયોમાં શૂટિંગ માટે આવતી. લગ્ન બાદ રાજેશ ખન્નાએ ફરમાન જાહેર કર્યું, ‘હવે પછી સ્ટુડિયોમાં અને આઉટડોરમાં શૂટિંગ માટે ડિમ્પલ સાથે નિર્મલ ભતીજા આવશે.’  

નિર્મલ રાજેશ ખન્નાના ખાસ મિત્ર રાજ ભતીજાની પત્ની હતી. 
પહેલેથી જ નાખુશ રાજ કપૂર માટે આ શરત માન્ય રાખવા સિવાય કોઈ છૂટકો નહોતો. પરંતુ આ તો પાશેરામાં પહેલી પૂણી હતી. તેમની ધીરજ અને સહનશક્તિની પરીક્ષા લે એવી એક ઘટના હવે પછી બનવાની હતી જેની તેમણે કલ્પના નહોતી કરી. એ વાત આવતા શનિવારે.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2022 06:23 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK