Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રાજ કપૂરની ફિલ્મોમાં પ્રેમની અભિવ્યક્તિ સંવાદોમાં સંયમ, અભિનયમાં આવેશ દ્વારા થતી

રાજ કપૂરની ફિલ્મોમાં પ્રેમની અભિવ્યક્તિ સંવાદોમાં સંયમ, અભિનયમાં આવેશ દ્વારા થતી

03 July, 2022 09:30 AM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

રાજ કપૂરની ફિલ્મોનાં પ્રણયદૃશ્યોનું અસરકારક ફિલ્માંકન થયું એ માટે અભિનેતા રાજ કપૂર કરતાં દિગ્દર્શક રાજ કપૂરનું મોટું યોગદાન રહ્યું છે.

રાજ કપૂરની પ્રેમની અભિવ્યક્તિથી હિરોઇન પણ ખુશ થઈ જતી. વો જબ યાદ આએ

રાજ કપૂરની પ્રેમની અભિવ્યક્તિથી હિરોઇન પણ ખુશ થઈ જતી.


The true sign of intelligence is not knowledge but imagination. 
- Albert Einstein
મનુષ્યની સફળતામાં તેની કલ્પનાશક્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે તમારી જાત પર તમને વિશ્વાસ ન હોય ત્યારે તમે તમારી કલ્પનાને સાકાર કરવા માટે જોખમ લેવાનું ટાળતા હો છો. ભલે તમારી પાસે ગમે એટલું ડહાપણ હોય, પરંતુ જો તમે નિષ્ફળતાથી ડરતા હો તો પછી તમારાં સપનાં સાકાર થવાની શક્યતા ઓછી છે.  
‘સંગમ’ની કલ્પના રાજ કપૂરે બહુ મોટા ફલક પર કરી હતી. ‘સંગમ’ કેવળ રાજ કપૂરની નહીં, ભારતીય ફિલ્મોના ઇતિહાસની મોંઘી ફિલ્મોમાંની એક ફિલ્મ હતી. એના નિર્માણ પાછળ તેમણે આંખ મીંચીને ખર્ચ કર્યો હતો. તેમને ખાતરી હતી કે હિન્દી ફિલ્મોમાં વર્ષોથી ચાલી આવતા ચીલાચાલુ પ્રણયત્રિકોણ વિષય પરની ફિલ્મને નવા વાઘા પહેરાવીને રજૂ કરવામાં આવે તો સફળતા મળે જ. એટલા માટે ફિલ્મના ‘ઓવરસીઝ રાઇટ્સ’ માટે રાજ કપૂરે એક લાખ પાઉન્ડની (એ સમયનો રેકૉર્ડ) ડિમાન્ડ કરી અને તેમને એ મળ્યા પણ ખરા. હકીકતમાં વિદેશમાં રાજ કપૂરની ફિલ્મો માટે જે ક્રેઝ હતો એની સામે આ રકમ બહુ નાની હતી. બન્યું એવું કે જે ડિસ્ટ્રિબ્યુટરે આ રકમ આપીને દુનિયાભરના રાઇટ્સ લીધા હતા તેને તો લૉટરી લાગી. તહેરાનનાં બે થિયેટરમાં આ ફિલ્મની સિલ્વર જ્યુબિલી ઊજવાઈ અને એમાંથી જ તેને એક લાખ પાઉન્ડની કમાણી થઈ.
‘સંગમ’ માટે રાજ કપૂરે જે દૃશ્યોનું શૂટિંગ કર્યું હતું એ હિસાબે ફિલ્મ લગભગ પાંચ કલાક જેટલી લાંબી થાય એમ હતું. એક સર્જક તરીકે રાજ કપૂર માટે આ ફિલ્મને એડિટ કરીને અઢી–ત્રણ કલાકની કરવી એટલે કાળજા પર કાતર ફેરવવા જેવું મુશ્કેલ કામ હતું, છતાં તેમણે એડિટ કરીને લગભગ સાડાત્રણ કલાકની ફિલ્મ રિલીઝ કરી. એ કારણે દરેક થિયેટરમાં ફિલ્મનો એક શો ઓછો થયો. એનો અર્થ એવો થયો કે રોજની આવકમાં ૩૩ ટકાનો ઘટાડો થયો. આવી પરિસ્થિતિમાં પણ ફિલ્મે ૪૦ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. ૧૯૬૪થી ૧૯૬૯ સુધી ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં ‘સંગમ’ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી. 
‘સંગમ’ની આવી સફળતા બાદ સૌને લાગ્યું કે એક સર્જક તરીકે રાજ કપૂર પોતાની સર્જનાત્મક ઊંચાઈએ પહોંચ્યા છે. એ વાતનો ઇનકાર ન કરી શકાય કે ‘આવારા’થી ‘સંગમ’ સુધીની સફરમાં એક અભિનેતા, પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે રાજ કપૂરનો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ નવા શિખર પર રહ્યો. એ દરમ્યાન તેઓ નામ અને દામ બન્ને કમાયાં. ‘સંગમ’નું સ્લોગન હતું ‘ટૉપ ઑફ ધ વર્લ્ડ.’ ફિલ્મની બેસુમાર સફળતા બાદ સાચા અર્થમાં રાજ કપૂર એ મનોદશામાં જીવતા હતા. તેમની ફિલ્મોમાં એક સામાજિક સંદેશ ઉપરાંત મનોરંજનનો પૂરતો મસાલો હાજર હતો. 
રાજ કપૂરની ફિલ્મોની સફળતામાં બે કારણ મુખ્ય હતાં; એક, એમાં સામાજિક સંદેશ સાથે ભરપૂર મનોરંજનનો મસાલો હતો અને બીજું, એમાં કૉમન મૅન’ની મહત્ત્વની ભૂમિકા હતી. ફિલ્મવિવેચક કબીતા સરકાર રાજ કપૂરની સફળતાનું વિશ્લેષણ કરતાં લખે છે, ‘રાજ કપૂર જાણતા હતા કે સીધાસાદા મનુષ્યમાં માનવીય નબળાઈઓને સહજ રીતે સ્વીકારવાની તાકાત નથી હોતી. એટલા માટે તે એવા પ્રસંગોને થોડા ગ્લૅમરમાં ઝબોળીને, હળવી કટાક્ષમય શૈલીમાં રજૂ કરતા, જેથી એનો સહેલાઈથી સ્વીકાર થાય. આ ફૉર્મ્યુલા સાચી છે કે ખોટી એ કહેવું મુશ્કેલ છે, પરંતુ એ હકીકત છે કે રાજ કપૂરે સતત એવા પ્રયાસ કર્યા કે સામાન્ય માણસ ધારે તો પોતાનાં સપનાં હસતાં-રમતાં સાકાર કરી શકે છે. તેઓ સતત એ વાત સ્થાપિત કરવાના પ્રયત્ન કરતા કે સામાજિક અને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવા માટે સમાજનો નીચલો વર્ગ સક્ષમ છે. આ વાતની રજૂઆત કરવામાં તેઓ આક્રમક નહોતા. તેમની ફિલ્મોમાં હંમેશાં અંતમાં ‘કૉમન મૅન’ને વિજયી દેખાડવામાં આવતો.
બીજી અગત્યની વાત એ હતી કે તેમની ફિલ્મોમાં વાસ્તવિકતા અને ‘સિનેમૅટિક લિબર્ટી’નું એક એવું મિશ્રણ હતું જે દર્શકોને સાચું લાગતું. ફિલ્મની વાર્તા, અભિનય, લોકેશન, સંગીત અને બીજા અનેક વિભાગમાં તેઓ એ વાતનું ખાસ ધ્યાન રાખતા કે એમાં વાસ્તવિકતા અને કલ્પનાના રંગોની સપ્રમાણ મિલાવટ હોય. This is certainly the canniest marriage of taste and showmanship that the Hindi cinema has shown in a long time. 
વિવેચકોની વાતોનો અર્ક કાઢીને કહેવું હોય તો એમ કહી શકાય કે રાજ કપૂરની ફિલ્મો ‘Class’ અને ‘Mass’ બન્નેને પસંદ આવતી. તેમની ફિલ્મોની સફળતામાં પ્રણયદૃશ્યોની રજૂઆતે મોટો ભાગ ભજવ્યો છે. એ પહેલાં પ્રણયદૃશ્યોમાં પ્રેમની ઉત્કટતા લાંબા-લાંબા સંવાદો દ્વારા વ્યક્ત થતી. રાજ કપૂરની ફિલ્મોમાં પ્રેમની અભિવ્યક્તિ સંવાદોમાં સંયમ અને અભિનયમાં ઉત્કટતા દ્વારા થતી. તેમની ફિલ્મનો હીરો હિરોઇનના વાળ પકડીને, હાથ મરડીને, ઝટકા આપીને, પોતાની નજીક ખેંચતો છતાં એમાં અશ્લીલતા નહોતી લાગતી. ‘આગ’, ‘બરસાત’ અને ‘આવારા’નાં ઉત્કટ પ્રણયદૃશ્યોમાં બૅકગ્રાઉન્ડમાં નવી સાઉન્ડ ટેક્નિક અને સંગીત સાથે ફિલ્માંકન થયેલાં આ દૃશ્યો જોઈને યુવાન પ્રેક્ષકગણ રોમાંચિત થઈ ઊઠતો.’ 
એક ઇન્ટરવ્યુમાં રાજ કપૂર એ દિવસોને યાદ કરતાં કહે છે, ‘એ દૃશ્યોની યુવાન દર્શકો પર સીધી અસર પડી હતી. એમાં સત્ય હતું, સહજતા હતી. ધરબાયેલી લાગણીઓને વ્યક્ત કરવા માટે ગોળ-ગોળ વાત કરવાને બદલે સહજતાથી જે પ્રક્રિયા થાય એનું સીધેસીધું પ્રતિબિંબ હતું. પડદા પરની આ અભિવ્યક્તિ સાથે યુવાન દર્શકો એટલી સહજ રીતે ઓતપ્રોત થઈ ગયા કે એમાં તેમને પોતાનો ચહેરો દેખાતો. 
‘બરસાત’નું વિખ્યાત પ્રેમદૃશ્ય અમર થઈ ગયું. એને ભારતીય સિનેમાનાં પ્રણયદૃશ્યોના ‘સિમ્બૉલ’ તરીકે યાદ કરવામાં આવે છે. એક યુવાન જોડી જ્યારે પ્રેમમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે તેઓ ઉછાંછળાં હોય, વિદ્રોહી હોય, મર્યાદા ચૂકીને વર્તન કરતાં હોય, થોડાં હિંસક પણ હોય. તેમના વાણી-વર્તનમાં આક્રોશ હોવા છતાં તેમનામાં એક સચ્ચાઈ હોય છે, પ્રામાણિકતા હોય છે. એ અવસ્થામાં તેમનું વર્તન કોઈને ખૂંચવું ન જોઈએ, કારણ કે પ્રેમ એક પવિત્ર લાગણી છે. મારી ફિલ્મોમાં તેમના આ વર્તનને મેં ‘ગ્લૉરિફાય’ નથી કર્યું. મારો પ્રયાસ એ હતો કે બદલાયેલા જમાના સાથે આપણે સૌએ એ સંકુચિત અને રૂઢિચુસ્ત વાતાવરણમાંથી બહાર આવવું જોઈએ અને વાસ્તવિકતાનો સામનો કરવો જોઈએ.’
વિખ્યાત અભિનેત્રી નાદિરા (જેણે વર્ષો સુધી રાજ કપૂરને રાખડી બાંધી હતી) tongue in cheek એક વાત કહે છે, ‘રાજ કપૂર હસતો-રમતો, ગાતો-નાચતો, પોતાની હિરોઇનને પ્રેમ કરતો હોય છે. તે હંમેશાં ખુશખુશાલ હોય છે. જ્યારે-જ્યારે હિરોઇનના કાનમાં પ્રેમાલાપ કરવાનો હોય ત્યારે તેના વાળ ખેંચીને, હાથ ખેંચીને મરડતા, એક કમાન બનાવીને પોઝ આપવા મજબૂર કરે છે અને કમાલની વાત એ છે કે હિરોઇન પણ આ હરકતથી ખુશ હોય છે.
પ્રેમ દર્શાવવાની તેની આ ખાસ રીત એક વાત પુરવાર કરે છે કે તેની હિરોઇન પડદા પર વિગ નથી પહેરતી. તે ગમે તેમ કરીને હિરોઇનનો સાથ મેળવે છે. તેના ચાહકો પર એ છાપ છોડવાનો પ્રયત્ન કરે છે કે ‘હું એક પ્રૅક્ટિકલ પ્રેમી છું. જરૂર પડે તો હું હિરોઇનનું પર્સ ચોરતાં પણ નહીં અચકાઉં. હું એવો પ્રેમી નથી કે પ્રેમિકા માટે જીવ આપી દઉં.’   
થોડા સમયથી તેના ચહેરા પર કરચલીઓ દેખાય છે, પરંતુ એનો અર્થ એવો નથી કે તેણે ટ્રૅજેડી રોલ કરવા જોઈએ. એ પહેલો હીરો છે જેણે કૉમેડી સીન્સ પણ સારી રીતે ભજવ્યા છે. તેણે ચાહકો માટે એક વસ્તુ પુરવાર કરી છે કે હિરોઇન સાથે પ્રેમ કરવામાં આછી કરચલીઓવાળો ચહેરો કે થોડું સ્થૂળ શરીર બાધાજનક નથી. હીરોનું મુખ્ય કામ હિરોઇનનું દિલ જીતવાનું છે અને અંતે તે એમાં કામિયાબ રહેશે. આ રાજ કપૂર છે. અંતમાં તેના હાથમાં હિરોઇનનો હાથ હશે ને હશે જ.’
નાદિરાનો આ ઇન્ટરવ્યુ ફરી એક વાર એ વાતની પ્રતીતિ કરાવે છે કે મિત્ર અને પ્રતિસ્પર્ધી દિલીપકુમારની ભગ્નપ્રેમીની ઇમેજને ‘કાઉન્ટર’ કરવા માટે રાજ કપૂર કેટલા સભાન હતા. એક નિષ્ફળ પ્રેમી, હાર ખાઈને મોતને શરણ થાય એવી ભૂમિકા કરીને દિલીપકુમાર લોકપ્રિય થયા. પોતાની હેરસ્ટાઇલ, સ્વાસ્થ્ય અને વેશભૂષા માટે તેઓ સભાન હતા. યુવાનો તેમની કૉપી કરતા. સામે પક્ષે રાજ કપૂર બાહ્ય દેખાવ અને સ્વાસ્થ્ય માટે બેદરકાર રહીને કેવળ પોતાની ‘ચાર્લી ચૅપ્લિન’ ઇમેજ પર મુસ્તાક હતા. 
રાજ કપૂરની ફિલ્મોનાં પ્રણયદૃશ્યોનું અસરકારક ફિલ્માંકન થયું એ માટે અભિનેતા રાજ કપૂર કરતાં દિગ્દર્શક રાજ કપૂરનું મોટું યોગદાન છે. ‘આવારા’ અને ‘બરસાત’નાં પ્રણયદૃશ્યો કરતાં ‘શ્રી ૪૨૦’નાં દૃશ્યો અલગ હતાં. ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’નાં દૃશ્યોમાં એક ભોળપણ હતું અને ત્યાર બાદ ‘સંગમ’માં એ દૃશ્યો વિદેશી લોકેશન્સ પર શૂટ કરીને જુદી જ રીતે રજૂઆત કરવામાં આવ્યાં. ‘મેરા નામ જોકર’માં ડિરેક્ટર રાજ કપૂરે જીવનની દરેક અવસ્થા પ્રમાણે પ્રેમદૃશ્યોમાં રંગ ભર્યા. કિશોરાવસ્થાની મુગ્ધતા, યુવાનીનું અલ્હડપન અને પ્રૌઢ વયનું ઠરેલપણું એ દરેક સમયે પ્રેમની પરિભાષાને અનુરૂપ દૃશ્યોની રજૂઆત તેમણે કરી. 
મનમાં એક પ્રશ્ન આવે કે રાજ કપૂર એક અભિનેતા અને રાજ કપૂર એક દિગ્દર્શક એ બન્નેમાં ચડિયાતું કોણ? ત્યારે મને સંગીતકાર આણંદજીભાઈએ કહેલી એક વાત યાદ આવે છે, ‘ફિરોઝ ખાન સાથે કામ કરતાં અમને એક વાત સમજાઈ કે તેમણે હંમેશાં અભિનેતા કરતાં પ્રોડ્યુસર ડિરેક્ટરના યોગદાનને મહત્ત્વ આપ્યું છે. જે ફિલ્મમાં આ ત્રણ ભૂમિકા એક જ વ્યક્તિ ભજવતી હોય ત્યારે બૅલૅન્સ જાળવવું મુશ્કેલ હોય છે. અભિનેતા ઇચ્છે કે હીરો તરીકે પોતાનો રોલ સૌથી વધુ ‘વિઝિબલ’ હોય, એ સમયે ડિરેક્ટરે ધ્યાન રાખવું પડે કે બીજાં પાત્રોને અન્યાય ન થાય. એવું બને કે અમુક દૃશ્યોનું શૂટિંગ નવેસરથી કરવું પડે. એ સમયે પ્રોડ્યુસર જો ખર્ચનો વિચાર કરે તો ફિલ્મની ગુણવત્તા પર અસર પડે. આમ વખતોવખત એવી પરિસ્થિતિ નિર્માણ થાય જ્યાં તમારે સાક્ષીભાવે, તટસ્થપણે નિર્ણય લેવો પડે.’
રાજ કપૂરે પોતાની ફિલ્મોમાં આ બૅલૅન્સ બખૂબી નિભાવ્યું છે. એટલા માટે જ તેમની ગણના એક મહાન કલાકાર અને ફિલ્મમેકર તરીકે થતી હતી. ‘સંગમ’ની સફળતા બાદ ‘ટૉપ ઑફ ધ વર્લ્ડ’ની અનુભૂતિ કરતાં રાજ કપૂરે ‘મેરા નામ જોકર’ની શરૂઆત કરી. ફિલ્મની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘આ ફિલ્મ એટલે આંસુ અને મુસ્કાનની દાસ્તાન. આ એક એવા જોકરની વાત છે જે કહે છે કે ‘હું તમારાં આંસુ પીને, બદલામાં તમને સ્મિત આપીશ.’ એ સમયે રાજ કપૂરે કલ્પના નહીં કરી હોય કે તેમના જીવનની આ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ અસલી જીવનમાં તેમને સ્મિતને બદલે અફસોસનાં આંસુઓની સોગાદ આપશે.

રાજ કપૂરની ફિલ્મોનાં પ્રણયદૃશ્યોનું અસરકારક ફિલ્માંકન થયું એ માટે અભિનેતા રાજ કપૂર કરતાં દિગ્દર્શક રાજ કપૂરનું મોટું યોગદાન રહ્યું છે. ‘આવારા’ અને ‘બરસાત’નાં પ્રણયદૃશ્યો કરતાં ‘શ્રી ૪૨૦’નાં દૃશ્યો અલગ હતાં. ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’નાં દૃશ્યોમાં એક ભોળપણ હતું અને ત્યાર બાદ ‘સંગમ’માં એ દૃશ્યો વિદેશી લોકેશન્સ પર શૂટ કરીને જુદી જ રીતે રજૂઆત કરવામાં આવ્યાં. 


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2022 09:30 AM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK