Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રાણાયામમાં જેને ગ્લુકોન ડીની ઉપમા આપી શકાય એવું કોણ?

પ્રાણાયામમાં જેને ગ્લુકોન ડીની ઉપમા આપી શકાય એવું કોણ?

21 January, 2021 08:47 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

પ્રાણાયામમાં જેને ગ્લુકોન ડીની ઉપમા આપી શકાય એવું કોણ?

પ્રાણાયામમાં જેને ગ્લુકોન ડીની ઉપમા આપી શકાય એવું કોણ?

પ્રાણાયામમાં જેને ગ્લુકોન ડીની ઉપમા આપી શકાય એવું કોણ?


ભસ્ત્રિકા. ઇન્સ્ટન્ટ એનર્જી અને ફ્રેશનેસથી ભરી દેતી આ પ્રાણાયામ પદ્ધતિ અત્યારના સમયમાં મસ્ટ ડૂ પ્રૅક્ટિસ છે એમ કહો તો ચાલે. ઠંડીની સીઝનમાં શરીરમાં ગરમાટો લાવવો, ઑક્સિજન લેવલ વધારવું, શરીરના પ્રત્યેક કોષને ઍક્ટિવેટ કરવા, નાક અને ચેસ્ટમાં કફ જામવાને કારણે થયેલા બ્લૉકેજિસને દૂર કરવા એમ અનલિમિટેડ લાભ ભસ્ત્રિકા પ્રાણાયામના છે

ગુલાબી ઠંડીમાં સવારે ઊઠવાનું મન નથી થતું અથવા તો ખૂબ જ ઊંઘરેટાપણું રહે છે તો શું કરવું? એવું શું કરી શકાય જે બપોરના સમયે આળસને ભગાવવા સમર્થ હોય? એવી કઈ પ્રૅક્ટિસ છે યોગમાં જે કરવાથી વજન પણ ઘટી શકે, પાચન પણ સુધરી શકે અને એ પછીયે કરવામાં ખૂબ સરળ હોય. આવા અઢળક પ્રશ્નોનો એક શબ્દમાં જવાબ હોઈ શકે ભસ્ત્રિકા. આસનો કરવા માટે શરીરમાં સત્ત્વ જોઈએ, લચીલાપણુ જોઈએ. જોકે ફ્લેક્સિબિલિટીનો પ્રશ્ન હોય તો પણ તમે ભસ્ત્રિકા તો આરામથી કરી શકો છો. ઇન ફૅક્ટ આસનોને કારણે શરીરને જોઈતા એક્સ્ટ્રા ઑક્સિજનની અછત તમે ભસ્ત્રિકા દ્વારા પૂરી કરી શકો છો. આ પ્રાણાયામ તમારા શરીરમાં ઑક્સિજનનું પ્રમાણ વધારે છે.
કેવી રીતે થાય?
લુહારની ધમણ જોઈ છે? લુહાર એના દ્વારા લોખંડને પીગાળવા માટે અગ્નિને પ્રજ્વલિત કરતો હોય છે. લોખંડને ઓગાળવા માટે ખૂબ જ ઝડપથી ધમણ દ્વારા હવા આપવી પડતી હોય છે. ભસ્ત્રિકામાં બિલકુલ એ જ રીતે પેટના સ્નાયુઓ અને ડાયાફ્રામ મસલ્સનો ઝડપથી ઉપયોગ કરીને ફેફસામાંથી હવા બહાર અને અંદર કરવાની હોય છે. મહત્ત્વનો મુદ્દો એ હોય છે કે શ્વસન માટે લેવાતી હવાની ઝડપ અને વૉલ્યુમ સરખાં હોવાં જોઈએ. ઝડપથી શ્વાસ અંદર ભરો એ જ ઝડપથી શ્વાસને બહાર પણ કાઢો. ફોર્સ હોવાને કારણે શ્વસન દરમ્યાન સહેજ સાઉન્ડ પણ જનરેટ થશે અને પેટનું હલનચલન પણ તરત જ દેખાશે. ભસ્ત્રિકાની ખાસિયત વર્ણવતાં ૨૫ વર્ષથી સાઇકિયાટ્રિસ્ટ તરીકે સક્રિય અને ૧૫ વર્ષથી યોગ સાથે પણ સંકળાયેલા હૉ. હેમંત બલસારે કહે છે, ‘સામાન્ય રીતે આપણે શ્વાસ લઈએ ત્યારે શરીરને મળતા ઑક્સિજનની માત્રા અને ભસ્ત્રિકા દરમ્યાન લેવાતા શ્વાસમાં ઑક્સિજનની માત્રામાં ફરક હોય છે. ડીપ બ્રીધિંગ કરવાનું એ પણ ઝડપથી એ ભસ્ત્રિકાની ખાસિયત કહેવાય. બીજી મહત્ત્વની વાત એટલે ભસ્ત્રિકામાં તમે જેટલો ઊંડો શ્વાસ લો છો એટલો જ ઊંડો શ્વાસ બહાર ફેંકો છે. એ રીતે ભસ્ત્રિકા અને કપાલભાતિમાં તમે કાર્બનડાયોક્સાઇડ વૉશઆઉટ કરો છો. શરીરમાંથી કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે એટલે કેમિકલ ચેન્જ શરૂ થાય છે. બ્લડમાં આવતા આ બદલાવથી પણ હેલ્થને લગતા ફાયદા શરૂ થઈ જાય છે. ઑક્સિજનનું પ્રમાણ વધ્યું, કાર્બનડાયોક્સાઇડ જે તમારાં ફેફસાંની ડેડ સ્પેસમાં પડ્યો હતો એ પણ બહાર નીકળી ગયો અને એના કારણે જે કેમિકલ ચેન્જ બ્લડના માધ્યમે શરીરમાં શરૂ થાય છે એ તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને ઉપયોગી નીવડે છે.’
કેવી રીતે ડિફરન્ટ?
ભસ્રિકામાં ઊંડાણ સાથેની ઝડપ છે. કપાલભાતિ જેના વિશે આપણે ભૂતકાળમાં વિગતવાર વાત કરી ચૂક્યા છીએ એ અભ્યાસ અને ભસ્ત્રિકાના અભ્યાસમાં મહત્ત્વનું અંતર છે. કપાલભાતિમાં તમે ફોર્સફુલ એક્સેલેશન કરો છો, તમારું ધ્યાન માત્ર શ્વાસ છોડવા પર છે. શ્વાસ લેવાની ક્રિયા પૅસિવ છે, એની મેળે થઈ જાય છે. જ્યારે ભસ્ત્રિકામાં શ્વાસ લેવા અને છોડવાની પ્રોસેસ બન્નેમાં આપણે ઍક્ટિવ છીએ. શ્વાસ લેવાનો અને એ જ ઝડપથી શ્વાસ છોડવાનો. ભસ્ત્રિકાને ઘીના વલોણાનો દાખલો આપીને સમજાવતાં ડૉ. હેમંત કહે છે, ‘ઝડપથી શ્વાસ લેવા છોડવાની પ્રોસેસ થાય છે ત્યારે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને ધીમે-ધીમે આપણે શરીરને જાતે જ કૂલ ડાઉન કરવાની કોશિશ કરીએ છીએ. જેમ ઘી વલોણામાં વલોવીએ એ રીતે. જોકે જેમ વલોણું બંધ કરીએ એટલે જે શ્રેષ્ઠ પદાર્થ છે, ઘી અથવા માખણ છાશ પર તરવા માંડે છે એ રીતે જ ભસ્ત્રિકા પછી થતી કૂલ ડાઉન પ્રોસેસમાં તમારા મસ્તિષ્કના તમામ કેઓસ દૂર થતા જાય અને પછી જે બહાર આવે એ શ્રેષ્ઠતમ હોય. જો રોજ ભસ્ત્રિકા કરો તો
ધીમે-ધીમે મેન્ટલ ક્લૅરિટી વધવા માંડે, વિચારો રીઑર્ગેનાઇઝ થવા માંડે અને તમારી હાયર સેલ્ફ સાથેનું તમારું કનેક્શન વધવા માંડે.’
કેવી રીતે કરશો?
પદ્માસન, સુખાસન, સિદ્ધાસન જેવા કોઈ પણ તમને અનુકૂળ હોય એવા આસનમાં બેસી જાઓ. કમરનો ભાગ સીધો રહે, કરોડરજ્જુ સીધી રહે એ બાબતનું વિશેષ ધ્યાન રાખજો. ફાવે તો વજ્રાસનમાં પણ બેસી શકાય, કારણ કે વજ્રાસનમાં કરોડરજ્જુ આપમેળે સીધી જ રહે છે. ભસ્ત્રિકા તમે ઘણી રીતે કરી શકો છો. બન્ને હથેળીની મુઠ્ઠી વાળીને શ્વાસ અંદર ભરો ત્યારે હાથ ઉપર અને શ્વાસ બહાર કાઢો ત્યારે હાથ નીચે એ રીતે મૂવમેન્ટ કરી શકાય. ધારો કે હાથની મૂવમેન્ટ્સ ન કરવી હોય તો બન્ને હાથ કોઈ પણ મુદ્રામાં રાખીને ટટ્ટાર બેસીને શ્વાસ અંદર-બહાર, અંદર-બહાર કરવાનો. શ્વાસ લેતી વખતે અને છોડતી વખતે પેટની મૂવમેન્ટ્સ થશે તેમ જ શ્વાસ અંદર-બહાર થવાનો અવાજ પણ જનરેટ થશે. શ્વસન સાથે પેટની મૂવમેન્ટ્સનું કો-ઑર્ડિનેશન થાય એ જોવું મહત્ત્વનું છે. શરૂઆતમાં એક સેકન્ડમાં એક સ્ટ્રોક કરી શકાય, એ પછી ધીમે-ધીમે એક સેકન્ડમાં બે વાર શ્વાસ લઈ શકાય.



તમને ખબર છે?


રિસર્ચ ગેટમાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે અમેરિકાની મેડિકલ કૉલેજના ૧૮થી ૨૩ વર્ષના ૪૦ સ્ટુડન્ટ્સ પર કરેલા એક અભ્યાસના તારણમાં ભસ્ત્રિકા પ્રાણાયામ રેસ્પિરેટરી મસલ્સની હેલ્થ સુધારે છે અને શ્વસનતંત્રને મજબૂત કરે છે એવું સાબિત થઈ ચૂક્યું છે.

આટલા બેનિફિટ્સ તો નક્કી છે!


ઇન્સ્ટન્ટ્લી તમારા આખા શરીરમાં એનર્જી લેવલ વધારે છે. ગરમી ઉત્પન્ન થવાથી વાઇરલ ઇન્ફેક્શનની સંભાવના પણ ઘટી જાય છે.
ફેફસાં અને નાકમાં વધુપડતા કફને કારણે થયેલા બ્લૉકેજિસ આ પ્રાણાયામના અભ્યાસથી દૂર થાય છે.
તમારી નર્વસ સિસ્ટમ, ઇમ્યુન સિસ્ટમ અને ડાઇજેસ્ટિવ સિસ્ટમની ક્ષમતા વધારે.
અનિદ્રાને લગતી સમસ્યા હોય તેમના માટે પણ ભસ્ત્રિકા ઉપયોગી પ્રૅક્ટિસ છે.
ફાઇબ્રોસિસની ગાંઠની ટ્રીટમેન્ટ માટે પણ આ પ્રાણાયામ પ્રૅક્ટિસ કામની છે.
ફેફસાંની ક્ષમતા વધારવાથી લઈને ઍલર્જી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એમ તમામ સમસ્યાથી રક્ષણ મેળવી શકાય છે.
નર્વસ સિસ્ટમ પણ પ્રભાવિત થતી હોવાથી તમારા બ્રેઇનને અને બ્રેઇન સાથે સંકળાયેલા તમામ ફંક્શનને શાર્પ કરે છે.
લિવર, સ્પ્લિન, પેટ અને પૅન્ક્રિઆસને ટોન કરે અને એની કાર્યક્ષમતા સુધારે.
સ્ટૅમિના, ઉત્સાહ અને માનસિક રીતે પણ તમે સાજા હોવાની લાગણીને બૂસ્ટ આપે.
પ્રાચીન પુસ્તકો પ્રમાણે ભસ્ત્રિકા તમારા વાત, પિત્ત અને કફ એમ ત્રણેય દોષોમાં સંતુલન લાવે છે. હવે જ્યારે આ ત્રણેય દોષોમાં બૅલૅન્સ આવી જાય તો રોગ ક્યાંથી ટકે?
ઘણા લોકોને કુંભક કરવાને કારણે એટલે કે પોતાની ક્ષમતાને વધાર્યા વિના શ્વાસ રોકવાના અભ્યાસને કારણે તકલીફ થતી હોય છે એ તમામ ખોટી શ્વાસ લેવાની પદ્ધતિને કારણે ઉત્પન્ન થયેલા રોગો પણ ભસ્ત્રિકાના અભ્યાસથી દૂર ઠેલી શકાય છે.
લાંબા સમય સુધી ભસ્ત્રિકાનો અભ્યાસ તમારા શરીરના પ્રત્યેક કોષને ઊર્જા પ્રદાન કરે છે, આખી સિસ્ટમને પ્યૉરિફાય કરીને તમારામાં રહેલી અન્ય અનેક છૂપી શક્તિઓને ઊજાગર કરવાની ક્ષમતા ધરાવે છે.

કોણે ન કરવું?

શ્વસનને લગતી ગંભીર સમસ્યાઓ હોય, હૃદયરોગી, હાઇપરઍસિડિટી, અલ્સર, બહેનોએ માસિક દરમ્યાન અને પ્રેગ્નન્ટ મહિલાઓએ ભસ્ત્રિકા પ્રાણાયામ અવૉઇડ કરવું. એના બદલે તેઓ ધીમેથી ઊંડા શ્વાસ લેવા અને છોડવાની પ્રૅક્ટિસ કરી શકે છે.

ભસ્ત્રિકામાં તમે જેટલો ઊંડો શ્વાસ લો છો એટલો જ ઊંડો શ્વાસ બહાર ફેંકો છે. એ રીતે ભસ્ત્રિકા અને કપાલભાતિમાં તમે કાર્બનડાયોક્સાઇડ વૉશઆઉટ કરો છો. શરીરમાંથી કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે એટલે કેમિકલ ચેન્જ શરૂ થાય છે. બ્લડમાં આવતા આ બદલાવથી પણ હેલ્થને લગતા ફાયદા શરૂ થઈ જાય છે. - ડૉ. હેમંત બલસારે, સાઇકિયાટ્રિસ્ટ અને યોગ એક્સપર્ટ

Whatsapp-channel Whatsapp-channel

21 January, 2021 08:47 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK