૧૭ વર્ષ બાદ થયેલી મુલાકાતમાં રાજેશ ખન્નાએ અમિતાભ બચ્ચનને કહેલું ... બે સુપરસ્ટારોએ તેમની સફળતાના નશા અને મૃત્યુના ભય વિશે પણ નિખાલસ વાતો કરેલી એ ઇન્ટરવ્યુના અંશો વાંચવા રસપ્રદ રહેશે
રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન
એ સમય હતો જ્યારે અમિતાભ બચ્ચનની અભૂતપૂર્વ લોકપ્રિયતાનાં પૂર ઓસરવા માંડ્યાં હતાં. રાજેશ ખન્ના સુપરસ્ટાર હતા એ ભૂતકાળની ઘટના હતી. ત્યારે મેં ૧૯૯૦માં અંગ્રેજી મૅગેઝિન ‘મૂવી’ના એડિટર દિનેશ રાહેજાએ જુહુની સેન્ટૉર હોટેલમાં બન્નેના જૉઇન્ટ ઇન્ટરવ્યુનું આયોજન કર્યું હતું. ૧૭ વર્ષના લાંબા ગાળા બાદ બન્નેની મુલાકાત થતી હતી એટલે સનસનાટી મચી ગઈ હતી. પ્રસ્તુત છે એ લાંબા ઇન્ટરવ્યુના થોડા રસપ્રદ અંશો...
દિનેશ રહેજા : ‘આનંદ’ અને ‘નમક હરામ’ પછી તમે બન્નેએ સાથે કામ ન કર્યું. એનું શું કારણ હતું?
ADVERTISEMENT
અમિતાભ બચ્ચન : મને લાગે છે ‘નમક હરામ’ પછી ગોલ્ડીસા’બ (વિજય આનંદ) ‘રાજપૂત’ માટે અમારો વિચાર કરતા હતા. પછી શું થયું એની ખબર નથી.
રાજેશ ખન્ના : કાશ, આપણે એ ફિલ્મ કરી હોત તો હૅટ-ટ્રિક થાત.
અમિતાભ બચ્ચન : હા, હું પણ સંમત થાઉં છું. મને લાગે છે હૃષીદાનો (હૃષીકેશ મુખરજી) કોઈ પ્રોજેક્ટ આવે, કારણ કે અમારા બન્નેના વ્યક્તિત્વને ન્યાય આપી શકે એવી સ્ક્રિપ્ટ તેઓ બનાવી શકે એમ છે.
રાજેશ ખન્ના : ‘દીવાર’ માટે યશજીએ મારી સાથે વાત કરી હતી, પણ પણ જે થયું એ સારું થયું. ‘દીવાર’ની બે રીલ જોયા પછી મને થયું ‘વાઉ, ક્યા બાત હૈ.’ સાચું કહું તો તારી સફળતાની મને જલન થતી હતી. હા, ત્યાર બાદ કેવળ એ સમયે હું હસતો હતો જ્યારે તારી લોકપ્રિયતામાં ઓટ આવતી હતી, કારણ કે તું એ જ ભૂલ કરતો હતો જે મેં કરી હતી. અચ્છા, મને કહે, ‘દીવાર’ પછી તું સુપરસ્ટાર બની ગયો ત્યારે કેવું લાગ્યું? આ પૂછવાનું કારણ એટલું જ કે એક સમય હતો જ્યારે હું પણ ટોચ પર હતો. તને મળેલી ‘સુપરસ્ટારડમ’ની તારા પર કોઈ અસર પડી?
અમિતાભ બચ્ચન : મારા પર એની કોઈ અસર નહોતી પડી. હું માનું છું કે મારી સફળતાનું શ્રેય મારા ડિરેક્ટર, સ્ક્રિપ્ટ અને સાથી-કલાકારોને આપવું જોઈએ. એ કેવળ યોગાનુયોગ હતો કે હું પણ એ ફિલ્મમાં હતો. મને કહે કે સફ્ળતાએ તારા પર શું અસર કરી?
રાજેશ ખન્ના : મને લાગ્યું કે હું ભગવાન બની ગયો. કોઈને ન મળી હોય એવી સફળતાનો નશો કંઈક ઑર જ હોય છે. એવા સમયે તમે ઇર્રેશનલ ન બની જાઓ તો સમજવું કે તમે માણસ નહીં, મશીન છો. એ ક્ષણ મને બરાબર યાદ છે. બૅન્ગલોરમાં ‘અંદાઝ’નું પ્રીમિયર હતું. લગભગ ૧૦ માઇલ લાંબા રસ્તા પર જ્યાં જુઓ ત્યાં હજારો ચાહકો ઊભરાયા હતા, જાણે કાળાં માથાંઓનો મહાસાગર છલકાયો ન હોય. રોમન યોદ્ધા વિશાળ સ્ટેડિયમમાં લડતા હોય ત્યારે જે ગગનભેદી નારા બોલાતા હોય એમ તેઓ એક જ અવાજમાં ‘હો..., હો...’ના નારા લગાવતા હતા. ત્યારે નાના બાળકની જેમ હું રડી પડ્યો. અમિત, મને નવાઈ લાગે છે કે સફળતા અને નિષ્ફળતાની તારા પર કોઈ અસર નથી થતી. હું સુપરહ્યુમન નથી. તું જીઝસ ક્રાઇસ્ટ નથી અને હું મહાત્મા ગાંધી નથી. મને એ રાત યાદ છે જ્યારે હું નશામાં ચૂર હતો. લગભગ ત્રણ વાગ્યા હતા અને અચાનક મને ડર લાગ્યો, કારણ કે પહેલી વાર મારી નિષ્ફળતા મને અત્યંત ભયભીત કરી રહી હતી. એક પછી એક મારી ૭ ફિલ્મો ફ્લૉપ ગઈ હતી. કાળી ભેંકાર રાત, અનરાધાર વરસાદ અને હું ટેરેસ પર એકલોઅટૂલો. મારી જાત પર કાબૂ ન રહ્યો. મેં ચીસ પાડતાં કહ્યું, ‘ભગવાન, હમ ગરીબોં કા ઇતના સખ્ત ઇમ્તિહાન ના લે કિ હમ તેરે વજૂદ (અસ્તિત્વ) કો ઇનકાર કર દે.’ મારી ચીસ સાંભળીને ડિમ્પલ અને સ્ટાફ દોડતો આવ્યો. તેમને લાગ્યું કે હું પાગલ થઈ ગયો છું. સફળતાએ મને સાતમા આસમાને પહોંચાડી દીધો હતો જેથી નિષ્ફળતાની પીડા મારા માટે અસહ્ય બની હતી. બીજા દિવસે બાલાજીએ મને ‘અમરદીપ’ (૧૯૮૫)
માટે સાઇન કર્યો અને મારી કારકિર્દીને જીવતદાન મળ્યું.
રાજેશ ખન્ના : અમિત, મેં એવું સાંભળ્યું હતું કે જ્યારે તું હૉસ્પિટલમાં હતો ત્યારે ૩૦ સેકન્ડ માટે તારા હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા?
અમિતાબ બચ્ચન : હા, એ વખતે ડૉક્ટરને મારી પલ્સ નહોતી મળતી અને બ્લડપ્રેશર ઝીરો થઈ ગયું હતું.
રાજેશ ખન્ના : એનો અર્થ એવો કે હવે તારો મૃત્યુનો ડર ઓછો થઈ ગયો?
અમિતાભ બચ્ચન : નસીબમાં જ્યારે જવાનું લખાયું હશે ત્યારે જવું જ પડશે, એમાં જરાય મીનમેખ નથી. એ બાબતે તારું શું કહેવું છે?
રાજેશ ખન્ના : ઓહ, હું મૃત્યુથી જરાય નથી ડરતો. મારી અંતિમ ક્ષણોમાં મને કોઈ પૂછે કે કોઈ વસવસો છે? તો હું કહીશ કે ના, મને જેકાંઈ મળ્યું એ ઉત્તમમાં ઉત્તમ મળ્યું. એટલે જ્યારે મારી આંખ મીંચાશે ત્યારે મારા ચહેરા પર મુસ્કાન હશે.
આ હતા બે સુપરસ્ટાર વચ્ચેની મુલાકાતના અંશ. રાજેશ ખન્નાને એક વાર મળવાનું થયું હતું. રાજેશ ખન્ના રૂપકુમાર રાઠોડની ગાયકીના કાયલ હતા. વર્ષો પહેલાં આશીર્વાદ બંગલાની એક મહેફિલમાં રૂપકુમારના મખમલી સ્વરમાં ‘આંખોં મેં રાહ દિલ મેં ઉતરકર નહીં દેખા, કશ્તી કે મુસાફિરને સમંદર નહીં દેખા’ (બશીર બદ્ર) સાંભળીને તેઓ એટલા ઘાયલ થઈ ગયા કે એની ૪૦થી ૫૦ વાર ફરમાઈશ કરી હતી. સોનાલી અને રૂપકુમારનાં લગ્નના રિસેપ્શનમાં તેઓ હાજર હતા. એ સમય હતો જ્યારે તેમની લોકપ્રિયતાનો સૂર્ય આથમી રહ્યો હતો. એક ટેબલ પર તેઓ કોઈની સાથે બેઠા હતા. બન્ને વચ્ચે વિશેષ કોઈ સંવાદ નહોતો. તેમના ચહેરા પરનો વિષાદ કદાચ ચાહકોના એ ટોળાને શોધતો હતો જેઓ તેમની પાછળ પાગલ હતા. મેં તેમની સાથે ૮-૧૦ મિનિટ ઔપચારિક વાતો કરી, કારણ કે તેઓ સ્મૃતિના સરોવરમાં કોઈ વમળ ન ઊમટે એ બાબતે સજાગ હતા.
૨૦૦૯માં ‘આઇફા’ના લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ સ્વીકારતાં નાટ્યાત્મક અદામાં તેમણે કહેલી પંક્તિઓ કેમ ભુલાય :
ઇઝ્ઝતેં શોહરતેં ઉલ્ફતેં ચાહતેં
સબ કુછ ઇસ દુનિયા મેં રહતા નહીં
આજ મૈં જહાં હૂં, કલ કોઈ ઔર થા
યે ભી એક દૌર હૈ, વોહ ભી એક દૌર થા.
રાજેશ ખન્નાને સ્મરણાંજલિ આપતા ચાહકોની આંખની ભીનાશ જોઈને રાજેશ ખન્ના એટલું જ કહેતા હશે, ‘પુષ્પા, I hate tears...’
(લેખક જાણીતા ફિલ્મ હિસ્ટોરિયન, સંગીતમર્મજ્ઞ અને સાહિત્યપ્રેમી છે.)

