° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

બોલો, લાગી શરત?

04 March, 2021 10:30 AM IST | Mumbai | Jayesh Chitalia

બોલો, લાગી શરત?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કેટલાક લોકોને ઘણી વાર વાત-વાતમાં શરત લગાડવાની આદત હોય છે. કોઈ પણ પ્રસંગ કે ઘટનામાં યા ચર્ચામાં આવા લોકો વિવાદ અથવા મતભેદમાં ઊતરી જાય ત્યારે છેલ્લે પોતે જ ભારપૂર્વક કહી દે છે, હું માનું છું એમ જ થશે. હું કહું છું એવું જ છે. બોલો, લાગી શરત? 2024માં મોદી જ પાછા આવશે, બોલો લાગી શરત? ના, હવે મોદી નહીં આવે, રાહુલ આવશે. અરે! રાહુલ પણ નહીં આવે, ગઠબંધનની સરકાર આવશે એટલે શરદ પવાર પીએમ બનશે, બોલો લાગી શરત? રાજકીય ક્ષેત્રની શરત, રમતગમત ક્ષેત્રની શરત; જેમાં ક્રિકેટની રમત તો હવે શરતનું સ્વરૂપ બદલીને બહુ મોટું બૅટિંગ (જુગાર) ગ્રાઉન્ડ બની ગયું છે. ક્યાંક આની શરૂઆત શરત સાથે જ થઈ હોઈ શકે. સંબંધોમાં શરત લાગતી હોય છે. પરીક્ષાઓમાં પણ ક્યાંક શરત હોય છે. આ શરત ઘણી વાર મસ્તીભરી હોય તો ક્યારેક વળી ગંભીર પણ બની જાય છે. આમ પણ માણસોના દિમાગના એક ખૂણે જુગારી બેઠો હોય છે, જો જુગારી ન હોય તો મસ્તીખોર માણસ હોય છે. આ શરત લગાવવાની વાત હોય છે ત્યારે જે માણસ શરત લગાવવાની વાત કરે છે તેની પાસે કાં તો વધુપડતો ઉત્સાહ હોય છે અથવા આત્મવિશ્વાસ હોય છે. અલબત્ત, સામે શરત લગાડનાર વ્યક્તિ પણ આવું જ તત્ત્વ ધરાવતો હોય તો જ શરત લગાડે છે યા સ્વીકારે છે. આમ શરતનું જગત ઘણું મોટું અને વ્યાપક છે. અલબત્ત, શરત શેની છે, કોના માટે છે એ બાબત વધુ મહત્ત્વની ગણાય.

આજે આપણે કંઈક નવા જ પ્રકારની શરતની વાત કરીએ. આ શરત આપણી જાત સાથે, આપણા જીવન સાથે અને આપણા મૃત્યુ સાથે સંકળાયેલી છે. આપણે આ વિષયને બહુ ગંભીર બનાવીને વાત કરવી નથી, આપણે કેવળ હળવાશપૂર્વક આ શરતની વાત કરીએ જેમાંથી ક્યાંક આપણને જીવનનો સાચો માર્ગ મળી જાય એવું બની શકે.

સામાન્ય રીતે આપણી જીવનને સમજવાની પરિપક્વતા વધતી જાય એમ આપણું બોલવાનું ઓછું થતું જાય છે. ઘણા લોકો સ્વભાવે જ ઓછાબોલા હોય છે તો ઘણા અર્થ વિના પણ બોલ-બોલ કરતા રહે છે. તેમની આ બોલ-બોલને કારણે બીજાઓ બોર થાય છે, હેરાન થાય છે એટલી સાદી સમજ પણ તેઓ ધરાવતા નથી. વાસ્તવમાં આપણે જે શરતોની ચર્ચા કરવાના છીએ એને સમજવા માટે નીચે મુજબની પંક્તિઓ પર નજર કરવી જરૂરી છે.

જીવન સમજાઈ જશે ત્યારે બોલતી બંધ થઈ જશે

બોલો, લાગી શરત?

પરમાત્મા સામે આવી જશે તો બોલતી બંધ થઈ જશે

બોલો, લાગી શરત?

બહુ હું, હું અને હું ના કરો તો સારું,

હું જ તમને ખતમ કરી દેશે

બોલો, લાગી શરત?

કોઈનું ભલું ન કરી શકો તો કંઈ નહીં,

કોઈનું બૂરું ના કરો, નહીંતર એક દી

તમારું પણ પતન થઈ જશે

બોલો, લાગી શરત?

મૃત્યુ ક્યારે આવશે, ખબર નહીં પડે

જીવનને ઉત્સવ બનાવી જીવો,

મૃત્યુ પણ ઉત્સવ બની જશે

બોલો, લાગી શરત?

- જ.  ચિ.

વાસ્તવમાં જીવન જેમ-જેમ સમજાતું જાય છે એમ માણસનું બોલવાનું ઓછું થતું જાય છે. જેઓ આ સ્થિતિમાંથી પસાર થયા હશે કે થઈ રહ્યા હશે તેમને આ વાત સહેલાઈથી સમજાઈ જશે. બોલો, આપણે શરત લગાવવી છે? આપણે પરમાત્માનાં દર્શન માટે મંદિર જતા હોઈએ છીએ, તેનાં દર્શનની અભિલાષા વ્યક્ત કરતા રહીએ છીએ, પ્રાર્થના કરીએ, ગીતો-ભજનો ગાઈએ; પરંતુ શું આપણે જાણીએ છીએ યા આપણને કલ્પના પણ છે ખરી કે પરમાત્મા જ્યારે સામે આવશે તો આપણું બોલવાનું જ બંધ થઈ જશે? આપણે ભગવાનને ગીતો કે ભજનો મારફત કહેતા રહીએ છીએ કે મને તારા શરણે લઈ લે. જો તે કહી દેશે કે હા, ચાલ આવી જા, બેસી જા આ મૃત્યુની ગાડીમાં તો શું આપણે બેસી જવા તૈયાર હોઈશું? આપણી ખરેખર તો ત્યારે પણ બોલતી બંધ થઈ જશે. હું તો આમ, હું તો તેમ, મારું તો આવું, સતત હું-હું કરતાં જીવતા આપણને સાદું ગણિત પણ સમજાતું નથી કે આ જગતમાં કોઈનો પણ ‘હું’ ચાલ્યો નથી, ટક્યો નથી અને એ હું જ તેનો વિનાશક બન્યો છે યા બની શકે છે. પોતાના ‘હું’ના ભાર નીચે ભલભલા માણસો આખરે દબાઈ જતા હોય છે.

આપણે કોઈનું ભલું કરી શકતા હોઈએ તો પણ એમ કરવાનું ટાળીએ છીએ, જો કરી પણ નાખીએ તો આપણો ‘હું’ એમાં પણ હાજર થઈ જાય છે. પરંતુ જો કોઈનું બૂરું કરવાનું કે થવાનું હોય તો આપણે બહુ વિચારતા નથી. મારે શું? એવા સવાલ સાથે આપણે બીજાનું બૂરું થતું જોતા રહીએ છીએ, એને માણીએ છીએ. પરંતુ આપણને એ નથી સમજાતું કે આમાં આપણું પણ ક્યારેક પતન થઈ શકે છે. ‘કર ભલા તો હો ભલા અને કર બૂરા તો હો બૂરા’ આ કહેવત એમ જ પડી નથી.

આપણા જીવનનો અંત ક્યારે આવી જશે એની આપણને જરાય ખબર હોતી નથી. કઈ ક્ષણે મૃત્યુ આવીને આપણને આ જગતમાંથી વિદાય અપાવી દેશે એનો અણસાર સુધ્ધાં આપણને હોતો નથી. તેમ છતાં આપણે જાણે મરવાના જ નથી એવા ભાવ સાથે જીવન પસાર કરતા રહીએ છીએ. જોકે એમ કરતી વખતે આપણે જીવનને જ માણવાનું ચૂકી જઈએ છીએ. જો જીવનને એક ઉત્સવ તરીકે જીવતાં શીખી જઈએ તો આપણું મૃત્યુ પણ ઉત્સવ બની શકે છે.

આ બધી શરતો કહો કે વાસ્તવિકતા કહો, આપણે આપણી જાત સાથે જ કેટલીક શરત લગાવવી જોઈએ અને આપણે એ શરત હારવી નથી એવો નિર્ધાર કરવો જોઈએ. આમ તો ઉપરની બધી શરતો અઘરી લાગે એવી છે; પરંતુ સત્યને પામવાનું આમ પણ ક્યારેય સરળ હોતું નથી, બોલો લાગી શરત? 

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

04 March, 2021 10:30 AM IST | Mumbai | Jayesh Chitalia

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK