Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મધરહુડને એન્જૉય કરવું હોય તો સમયસર મમ્મી બની જજો

મધરહુડને એન્જૉય કરવું હોય તો સમયસર મમ્મી બની જજો

05 July, 2022 03:11 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

લગ્ન અને માતૃત્વ કારકિર્દી માટે અવરોધ હોવાનું માનતી મહિલાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે એ જમાનામાં ૨૯ વર્ષની ઉંમરે પ્રેગ્નન્સીની જાહેરાત કરનાર આલિયા ભટ્ટ પાસેથી પણ ઘણું શીખવા જેવું છે.

પ્રતીકાત્મક તસવીર

લેડીઝ સ્પેશ્યલ - પેરન્ટિંગ

પ્રતીકાત્મક તસવીર


મેડિકલ ટર્મ્સથી જોઈએ તો અભિનેત્રીનો આ નિર્ણય આમ મહિલાઓ માટે પણ ખૂબ સમજદારીભર્યો છે. કઈ રીતે એ નિષ્ણાત પાસેથી જાણીએ...

સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી આલિયા ભટ્ટે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરતાં તેના ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ ન્યુઝ વાઇરલ થતાં અનેક લોકોની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ તો ઘણાના મોઢામાંથી ઉદ્ગાર સરી પડ્યા કે હજી હમણાં જ લગ્ન થયાં છે અને આટલી જલદી? પેરન્ટ્સ બનવાનો નિર્ણય કપલની અંગત બાબત છે, પરંતુ આલિયાએ ૨૯ વર્ષની ઉંમરે માતા બનવાનું નક્કી કર્યું એ માટે તેને સોમાંથી સો માર્ક્સ આપવા પડે. માતૃત્વની અનુભૂતિ દરેક સ્ત્રીના જીવનનો સૌથી સુંદર અને શ્રેષ્ઠ તબક્કો છે. એને માણવાની ચોક્કસ ઉંમર હોય છે. મેડિકલ સાયન્સ પણ કહે છે કે માતા બનવાનો નિર્ણય જો યોગ્ય સમયે લેવામાં ન આવે તો અનેક પ્રકારનાં કૉમ્પ્લિકેશન્સમાંથી પસાર થવું પડે છે. આજે મોટા ભાગની મહિલાઓ માતૃત્વને કારકિર્દીમાં અવરોધ માનીને માતા બનવાનું ટાળવા લાગી છે ત્યારે સંતાનને જન્મ આપવાની સાચી ઉંમર કઈ હોવી જોઈએ એ સંદર્ભે નિષ્ણાત સાથે ચર્ચા કરીએ.
વેલડન આલિયા
સેલિબ્રિટીઝ દ્વારા સેટ કરવામાં આવતી ફૅશનને ફૉલો કરો છો એવી જ રીતે અંગત જીવનમાં તેમણે લીધેલા કેટલાક નિર્ણયો પર ​મહિલાઓ વિચાર કરે તો તેઓ માતૃત્વનો ખરો આનંદ ઉઠાવી શકશે એવી વાત સાથે શરૂઆત કરતાં ખારઘરની મધરહુડ હૉસ્પિટલનાં કન્સલ્ટન્ટ ઑબ્સ્ટેટ્રિશ્યન ઍન્ડ ગાયનેકોલૉજિસ્ટ ડૉ. સુરભિ સિદ્ધાર્થ કહે છે, ‘આજકાલની ગર્લ્સને કરીઅરમાં ચોક્કસ સ્તર પર પહોંચવાની અભિલાષા હોવાથી ત્રીસ વર્ષ પહેલાં લગ્ન કરવામાં ઇન્ટરેસ્ટ હોતો નથી. મૅરેજ પછી ફૅમિલી પ્લાનિંગ કરે એમાં ત્રણેક વર્ષ બીજાં નીકળી જાય. વર્તમાન સમયમાં ગર્ભધારણની સરેરાશ ઉંમર ૩૫ વર્ષ થઈ ગઈ છે, જ્યારે માતા બનવા માટેની આદર્શ વય ૨૫થી ૩૦ની છે. જમાના અને લાઇફસ્ટાઇલ પ્રમાણે એને ૩૨ વર્ષ સુધી કન્સિડર કરી શકાય, પણ એનાથી વધુ ​ન હોવી જોઈએ. મોટી ઉંમરે ગર્ભધારણની ઝંખના રાખનારી મહિલાઓએ અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. બેબી પ્લાન કરવાનો નિર્ણય બેશક કપલની અંગત બાબત છે, પણ મેડિકલ ટર્મ્સની રીતે જોઈએ તો આલિયાએ ૨૯ વર્ષની વયમાં માતા બનવાનું નક્કી કર્યું એ તેના પોતાના માટેનો શ્રેષ્ઠ નિર્ણય છે. કઈ રીતે એને સમજી લો.’
નૅચરલ પ્રોસેસ
એક બાળકી જન્મે છે ત્યારે તેની બન્ને ઓવરીમાં મળીને અંદાજે વીસ લાખ એગ્સ હોય છે. એગ્સ બનાવી નથી શકાતાં, આ કુદરતી દેણ છે. પ્રથમ માસિક આવે ત્યાં સુધીમાં એગ્સની સંખ્યા વીસ લાખથી ઘટીને ચાર લાખ થઈ જાય છે. જેમ-જેમ ઉંમર વધે છે એમ-એમ એની સંખ્યા લગાતાર ઘટતી જાય છે. પ્રેગ્નન્સીના નિર્ણયને જેટલો ડિલે કરો છો એમ ગર્ભધારણની શક્યતા ઓછી થતી જાય છે. ડૉ. સુરભિ કહે છે, ‘ત્રીસની વય વટાવ્યા બાદ સ્ત્રીની પ્રજનનક્ષમતા ઘટતી જાય છે અને શરીરમાં હૉર્મોનલ ઊથલપાથલ વધી જાય છે. આ કુદરતી ફેરફારો ગર્ભધારણમાં રુકાવટ પેદા કરે છે. ગર્ભ રહ્યા બાદ એને ટકાવવો અને ત્યાર બાદ પ્રસૂતિની પ્રક્રિયા જટિલ બને છે. ઉંમરના એક પડાવ બાદ એગ્સની ક્વૉલિટીને પણ અસર થાય છે. ૩૫ વર્ષે બેબી પ્લાન કરો છો ત્યારે તમારા શરીરમાં ઍબ્નૉર્મલ એગ્સની ટકાવારી વધારે હોવાથી પ્રેગ્નન્સી ટેસ્ટ વારંવાર નેગેટિવ આવે છે અને તમે હતાશ થઈ જાઓ છો. કન્સિવ કર્યા પછી પણ અનેક પ્રકારનાં જોખમો છે. કૉમ્પ્લિકેશન્સ દરેક મહિલાએ ફેસ કરવાં પડે છે એવું નથી. શરૂઆતથી હેલ્ધી લાઇફસ્ટાઇલ પર ફોકસ રાખનારી અનેક મહિલાઓ મોટી ઉંમરે સંતાનને કુદરતી રીતે જન્મ આપવામાં સફળ પણ થઈ છે. જોકે એવી મહિલાઓની સંખ્યા જૂજ છે. આ નૅચરલ પ્રોસેસને સમજીને ત્રીસ વર્ષની ઉંમર સુધીમાં માતા બનવાનો નિર્ણય લઈ લેવો જોઈએ.’
પ્રૅક્ટિકલ ફાયદાઓ
સંતાનને ઉછેરવું ખાવાના ખેલ નથી, એ માટે માનું શરીર સંપૂર્ણ સ્વસ્થ હોવું જોઈએ એમ જણાવતાં ડૉ. સુરભિ કહે છે, ‘બાળઉછેરનો પ્રત્યેક તબક્કો તમારી શારીરિક અને માનસિક ક્ષમતાની કસોટી લે છે. બાળકની સાથે-સાથે માતા તરીકે એક સ્ત્રી પણ ગ્રો કરે છે. પચીસથી ત્રીસની વયમાં તમે સૌથી વધુ ફિટ અને એનર્જેટિક રહો છો. બાળઉછેર માટેની આ પહેલી શરત છે જે ૩૫ વર્ષે તમારામાં નહીં હોય. સંતાનના ઉછેર માટે તમારા શરીરમાં શક્તિ જ ન હોય તો શું કરશો? રાતના ઉજાગરાથી ઇરિટેટ થઈ જશો. રોગ અને ડિપ્રેશનનો શિકાર બનશો. તમારા પોતાના આરોગ્યની સંભાળ લેવાની શક્તિ નહીં રહે ત્યારે સંતાન ભારરૂપ લાગશે. સંતાનને થાક્યા-પાક્યા રહેતા પેરન્ટ્સ પ્રત્યે અણગમો રહેશે. યોગ્ય સમયે માતા બનવાથી આર્થિક ફાયદો પણ છે. સામાન્ય રીતે મોટી ઉંમરે ગર્ભધારણ માટે કરાવવામાં આવતી આઇવીએફ ટ્રીટમેન્ટ ખૂબ ખર્ચાળ છે. ત્રીસ વર્ષ સુધીમાં માતા બની જવાથી કરીઅરમાં અડચણ નહીં આવે. મૅટરનિટી લીવ અને સ્મૉલ બ્રેક લઈ ૩૫ની ઉંમર સુધીમાં સંતાનને ઉછેરીને કરીઅરમાં કમબૅક કરી લેશો. ઓવરઑલ તમારી પ્રોફેશનલ જર્ની લાંબી હશે. મધરહુડને લેટ કરવાથી થાકી જવાશે, આનંદ ઝૂંટવાઈ જશે અને કરીઅરમાં કમબૅક કરવું પણ અઘરું પડશે. જો તમને આલિયા જેવો સમજદારીભર્યો નિર્ણય ન લેવો હોય, લેટ મૅરેજ કરવાં હોય અને કરીઅરને પ્રાધાન્ય આપવું હોય તો મારી સલાહ છે કે તમારાં એગ્સ ફ્રીઝ કરી દો જેથી ભવિષ્યમાં માતૃત્વના આનંદથી વંચિત ન રહી જાઓ.’



32
અમેરિકન રિસર્ચરોના કહેવા મુજબ આટલા વર્ષની એજ પછીથી સ્ત્રીની ફર્ટિલિટી ઘટવાનું શરૂ થઈ જાય છે


ટેક્નૉલૉજી છે જ એવા ભ્રમમાં ન રહેતા

બ્રિટનમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે આઇવીએફ ટેક્નૉલૉજી જેવી મૉડર્ન સાયન્સની શોધને કારણે શિ​ક્ષિત મહિલાઓમાં માતૃત્વને પાછું ઠેલવાની વૃત્તિ જોર પકડી રહી છે. આ પદ્ધતિથી મોટી ઉંમરે માતા બની શકાય છે એટલે મહિલાઓની વિચારધારામાં મોટું પરિવર્તન આવ્યું છે અને તેઓ રિલૅક્સ થઈ જાય છે. ટેક્નૉલૉજી છે એટલે ઈઝીલી થઈ જશે આ માન્યતા ખોટી છે એમ જણાવતાં નોવા આઇવીએફ સેન્ટરનાં ડૉ. સુલભા અરોરા કહે છે, ‘સ્ત્રીની ફળદ્રુપતામાં ઘટાડો, કુદરતી રીતે ગર્ભધારણના ચાન્સિસ ઝીરો હોય, ફેલોપિયન ટ્યુબ ક્ષતિગ્રસ્ત 
હોય, હસબન્ડના સ્પર્મ-કાઉન્ટિંગ ઓછા થઈ જવા વગેરે તબીબી સમસ્યા જણાય ત્યારે ડૉક્ટર આ પદ્ધતિનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આજની દુનિયામાં બૉય્ઝ જેટલું જ એજ્યુકેશન ગર્લ્સને આપવું અત્યંત જરૂરી છે. પરિણામે અગાઉની જેમ ૨૨-૨૩ની વયમાં લગ્ન શક્ય નથી. લગ્ન કરો, સંતાનને જન્મ આપો, ઉછેરો પછી કરીઅર બનાવો એવું પ્રૅક્ટિકલી પૉસિબલ નથી. સૉલ્યુશન એ છે કે તમારી ઉંમર ૩૦ની આસપાસ હોય ત્યારે ફર્ટિલિટીનું ઇવૅલ્યુએશન કરાવી એગ્સ અને એમ્બ્રિયોને ફ્રીઝ કરીને સંઘરી રાખો જેથી ભવિષ્યમાં ગર્ભધારણ કરવામાં સમસ્યા આવે ત્યારે એનો ઉપયોગ કરી શકાય. મૉડર્ન વર્લ્ડમાં આઇવીએફ ટેક્નૉલૉજી વરદાન છે, પરંતુ એમાં મલ્ટિપલ પ્રેગ્નન્સીનું જોખમ સૌથી વધુ છે. અહીં એક વાત સમજી લો કે શ્વાન અને બિલાડી જેવાં પ્રાણીઓના યુટ્રસમાં જુદા-જુદા પાઉચ હોય છે તેથી તેઓ એકસાથે વધુ જીવને ઉછેરી શકે છે. સ્ત્રીની ઓવરીની ડિઝાઇન જુદી છે. ટ્વિન હોય તોય કૉમ્પ્લિકેશન્સ આવી શકે તેથી એક સમયે એક અથવા બે એબ્રિયોનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. ગર્ભમાં એક કરતાં વધુ બાળક રહી જાય તો નવ મહિના સુધી એને ટકાવી રાખવું મુશ્કેલ છે. આવા કેસમાં કસુવાવડ થઈ જાય છે અથવા પ્રી-ટર્મ ડિલિવરી કરાવવી પડે છે. કુદરતી ગર્ભધારણમાં ઉંમર અવરોધક બને એવી જ રીતે આ પદ્ધતિમાં પણ ગર્ભ રહેવાના ચાન્સિસ પચાસ ટકા જ છે. મોટી ઉંમરે ગર્ભધારણ કરવામાં કોઈ પણ પ્રોસીજરમાં વત્તાઓછા અંશે જોખમો 
રહેલાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2022 03:11 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK