Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પહાડોથી પ્રેમ હોય તો યોગને આજથી જ સામેલ કરી દો તમારા જીવનમાં

પહાડોથી પ્રેમ હોય તો યોગને આજથી જ સામેલ કરી દો તમારા જીવનમાં

14 September, 2022 10:39 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

પર્વતોને ખૂંદવાની ઝંખના હોય તો હાઈ ઍલ્ટિટ્યુડથી આવતી સિકનેસ અને અન્ય પહાડી પડકારો સામે યોગાભ્યાસ કેવી રીતે અડીખમ રાખી શકે એ વિશે તાજેતરમાં ૧૮ હજાર ફીટ ઉપર જઈ આવેલા સિનિયર યોગ-શિક્ષકનો રોમાંચક અનુભવ જાણીએે

યોગ-નિષ્ણાત ડૉ. ગણેશ રાવની ટ્રેકિંગ સમયની તસવીરો. રોજેરોજ યોગ

યોગ-નિષ્ણાત ડૉ. ગણેશ રાવની ટ્રેકિંગ સમયની તસવીરો.


રુચિતા શાહ
ruchita@mid-day.com

‘એવું નથી કે તમે આજે યોગ શરૂ કર્યા અને કાલે તમે અઢાર હજાર ફીટની ઊંચાઈ પર જશો તો તમને કોઈ તકલીફ નહીં આવે. પણ એવું ચોક્કસ છે કે તમે જો નિયમિત યોગાભ્યાસ કરતા હશો તો હાઈ ઍલ્ટિટ્યુડને કારણે જે સમસ્યા આવી શકે એમ હોય એની તમારા શરીર પરની તીવ્રતા ઘટી જશે અને તમે એ સમસ્યામાંથી બહાર જલદી નીકળી શકશો. મલેરિયાના વાઇરસ સાથે તમને સતત મચ્છર કરડતા હોય તો તમને યોગાભ્યાસ પછી પણ મલેરિયા થવાની સંભાવના તો છે જ પણ સાથે મલેરિયા થયા પછી એમાંથી તમે બહાર વહેલા આવશો. માત્ર ફિઝિકલી જ નહીં, યોગ તમને મેન્ટલી અને ઇમોશનલી પણ મજબૂતી આપે છે.’



આ શબ્દો સાથે વાતની શરૂઆત કરતાં સિનિયર યોગ નિષ્ણાત ડૉ. ગણેશ રાવે તાજેતરમાં જ લાહુલથી લદાખના ઝંકારનો ૧૭,૫૦૦ ફીટની ઊંચાઈ પર આવેલા કાંગલા પાસનું આઠ દિવસનું ટ્રેકિંગ સફળતા સાથે પૂર્ણ કર્યું. સિનિયર સિટિઝન બન્યા પછીયે આ ટ્રૅકમાં આટલી હાઇટ પર ગયા અને બધું જ સમુંસૂતરું પાર પડ્યું એની પાછળ યોગ બહુ મહત્ત્વપૂર્ણ રીતે જવાબદાર છે. તમે જોયું હશે હિમાલય હંમેશાં યોગીઓનું સાધના માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન રહ્યું છે. ઊંચાઈ પર કુદરતની તમામ એક્સ્ટ્રીમ પરિસ્થિતિ વચ્ચે પણ યોગીઓ શું કામ રહેવાનું પસંદ કરે છે? આજકાલ ટ્રેકિંગ કલ્ચર દરેક એજ ગ્રુપના લોકોમાં સતત વિકસી રહ્યું છે ત્યારે યોગાભ્યાસ હાઈ ઍલ્ટિટ્યુડને કારણે આવતી તકલીફો સામે શરીરને કઈ રીતે સજ્જ કરે છે? જ્યારે હાઈ ઍલ્ટિટ્યુડ પર જઈએ ત્યારે પ્રત્યક્ષ રીતે કઈ વાતની કાળજી રાખવી જોઈએ એ સંદર્ભે પોતાનો સ્વાનુભવ અને પોતાનું નૉલેજ આપણી સાથે શૅર કરી રહ્યા છે છેલ્લા ત્રણ દાયકાથી યોગ, સ્પોર્ટ્સ અને હાઇકિંગમાં ઍક્ટિવ ડૉ. ગણેશ રાવ.


ડુંગરા રળિયામણા

તમે જ્યારે એકાદ દિવસ માટે જાઓ ત્યારે એને હાઇકિંગ કહેવાય પરંતુ જ્યારે તમારે લગાતાર ચાલવાનું હોય અને ધીમે-ધીમે તમે ઊંચાઈ પર પહોંચતા હો ત્યારે એને ટ્રેકિંગ કહી શકાય. ડૉ. ગણેશ રાવ કહે છે, ‘જ્યારે તમે ધીમે-ધીમે ઊંચાઈ પર જવા માંડો તેમ-તેમ હવામાં ઑક્સિજનનું પ્રમાણ ઘટવા માટે. જેમનાં ફેફસાં પહેલેથી જ નબળાં હોય તેમને આ સ્થિતિમાં સ્ટેબલ રહેવામાં વધુ તકલીફ પડતી હોય છે. આવા સમયે પહેલેથી જ તમે યોગની ટ્રેઇનિંગ લીધી હોય અને સ્પેશ્યલી પ્રાણાયામ કરતા આવ્યા હો તો તમે પ્રમાણમાં વધુ સારી રીતે આવા સંજોગોને ટૅકલ કરી શકતા હો છો. ટ્રેકિંગમાં જનરલ ફિટનેસ તો મહત્ત્વની છે જ પણ સાથે મેન્ટલ અને ઇમોશનલ ફિટિનેસનું પણ ખૂબ મહત્ત્વ છે. તમે ફિઝિકલી ગમેતેટલા ફિટ હશો તો પણ એક હાઇટથી ઉપર ગયા પછી જેમ-જેમ ઠંડી વધતી જશે, હવા પાતળી થતી જશે, ગ્રીનરી ઓછી થતી જશે, પથરાઓ અને બરફ વધતો જશે તેમ-તેમ થાકનું પ્રમાણ પણ વધશે. ગમે તેટલો બૉડી બિલ્ડર પણ આ સંજોગોમાં થાકી જશે, હારી શકે. થાક્યા પછી પણ છ કલાક ચાલવાનુ ત્યારે જ શક્ય બને જ્યારે મેન્ટલી તમે સ્ટ્રૉન્ગ હો. ટ્રેકિંગ પર હો ત્યારે તમારી સાથે શેરપા હોય, ગાઇડ હોય, ફૂડ અને તમારો સામાન પકડવા માટે ખચ્ચર હોય. અમે હિમાચલ પ્રદેશથી શરૂ કરેલું જેમાં અમે ત્રણ ટ્રેકર હતાં પણ સાથે બે કુક, બે ગાઇડ અને આઠ પોટર્સ હતા જેઓ સામાન ઉપાડીને ચાલતા હતા. તમારે કોઈ જ મેજર સામાન નથી ઉપાડવાનો અને તમે યોગ પ્રૅક્ટિશનર છો છતાં એક વાર નવેક હજાર ફીટની ઉપર જવાનું તમે શરૂ કર્યું એટલે તમને માથાનો દુખાવો, ભૂખ ન લાગવી, વૉમિટ જેવું થવું, તીવ્ર શરદી થવી જેવી તકલીફો થઈ જ શકે છે. આઠ દિવસનું ખાવાનું, રહેવા માટેના ટેન્ટ અને તમારાં કપડાં અને અન્ય સામાન લઈને બીજા લોકો આવવાના હોય એ પછીયે આટલું ઉપર ચડવું અઘરું છે. અમે અમુક દિવસ છથી સાત કલાક ચાલ્યા હોઈએ તો અમુક દિવસ બારથી તેર કલાક એકધારું ચાલ્યા હતા. બપોરે ત્રણ-સાડાત્રણની આસપાસ તમારે તમારી કૅમ્પ સાઇટ પર પહોંચી જવું પડે, કારણ કે ત્યાં આ સમય સુધી અંધારું થવાનું શરૂ થઈ જાય. છેલ્લા ત્રણ-ચાર દિવસ તો અમારી હાલત એવી હતી કે દસ ડગલાં ચાલીએ અને લાગે કે હવે રેસ્ટ કરીએ. લગભગ અઢાર હજાર ફીટનું ચડાણ જ્યાં રસ્તો નહીં પણ સીધા પહાડોને જ રસ્તો બનાવીને ચડવાનું. એમાં પણ બરફ હોય. વચ્ચે થીજવી દેતા ઠંડા પાણીના ઝરણામાં પગ નાખીને જવાનું. સૂર્યોદય થતાં બરફ પીગળવાની પ્રોસેસ વચ્ચે ક્યાંક લપસી જવા જેવું પણ થાય. અમે ત્રણેય જણ અનુભવી ટ્રેકર્સ હતા. ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ સારી હતી છતાં છેલ્લા દિવસે અમારા એક ટ્રેકર બેહોશ થઈ ગયા હતા. આ એટલા માટે કહું છું કે અહીં માત્ર ફિઝિકલ હેલ્થથી કામ નથી થતું. યોગ શું કરે તો? બીમાર પડ્યા પછી બાઉન્સ બૅક થવાની ક્ષમતા યોગાભ્યાસ થકી આવે છે. હેલ્ધી હોવું એટલે બીમાર ન પડવું એમ નથી પણ બીમાર પડ્યા પછી વહેલા એમાંથી બહાર આવવું એ હેલ્થની નિશાની છે. યોગ અને પ્રાણાયામને કારણે લંગ્સની વધેલી કૅપેસિટી વચ્ચે પણ તમને થાક લાગશે અને શ્વાસ ચડશે, પરંતુ તમે થોડોક રેસ્ટ કરશો અને તરત રિકવર થઈ જશો.’


યોગનો જુદો અનુભવ

યોગપર્સન તરીકે જ્યારે તમે હાઇટ પર જાઓ ત્યારે ફિઝિકલી તો તમારું શરીર થોડુંક જુદી રીતે રિસ્પૉન્ડ કરે જ છે પરંતુ ઇમોશનલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ રિસ્પૉન્સ પણ કમ્પૅરેટિવલી જુદો હોઈ શકે છે. ડૉ. ગણેશ રાવ કહે છે, ‘તમે જ્યારે નિયત કરેલા સ્થાન સુધી પહોંચ્યા પછી શરીર અને મનથી સંપૂર્ણ થાકી ગયા પછી જે માનસિક સ્થિતિમાં હો એનું વર્ણન કરી શકાય એમ નથી. તમારા સેન્સ ઑર્ગન દરેક અનુભવને લઈ રહ્યા હોય છતાં મનમાં અજબ પ્રકારની સ્થિરતા હોય. પહાડ તમારા અનુભવને વધુ ગૂઢ બનાવવામાં, વધારે ડીપર લેવલ સુધી લઈ જવામાં ખૂબ ઉપયોગી છે. એ સમયે અચીવમેન્ટનો તો અનુભવ થાય જ પણ સાથે જેટલા ઊંચે જાઓ એટલી તમારી અંદરની યાત્રા વધુ સરળ બને. તમારા શરીરના એક-એક સ્નાયુઓનો, હાડકાંનો, એક-એક નસનો, શરીરમાં વહેતા રક્તના એક-એક બુંદનો અનુભવ તમે કરી શકો. તમારા શરીરની કૅપેસિટીને તોડીને તમે બહાર નીકળ્યા છો એનો અનુભવ તમને શરીરથી જુદા હોવાની જે ફીલિંગ છે એનાથી વધુ નજીક ખેંચી જાય. તમારું મગજ કામ ન કરતું હોય. તમારી મેમરી ઠપ પડી ગઈ હોય. મને યાદ છે કે ફાઇનલ પૉઇન્ટ પર પહોંચ્યા પછી મને આખું આવડતું એક હિન્દી ગીત મેં યાદ કરવાની કોશિશ કરી તો એકબે લાઇનથી વધારે હું યાદ ન કરી શક્યો. તમારી સાધનામાં, તમારા પ્રાણ ઊર્જાના અનુભવોમાં આવા હાઈ ઍલ્ટિટ્યુડના ટ્રેક બહુ જુદા જ પ્રકારની ભૂમિકા ભજવી શકે છે. અત્યારે તમે જે કંઈ ખાઓ છો, શ્વાસ દ્વારા જે પ્રાણ ઊર્જા શરીરને મળે છે એનો મહત્તમ ઉપયોગ શરીર અને મન દ્વારા થાય છે, પરંતુ જ્યારે તમે આવા હાઈ એક્સપિડિશન કરો ત્યારે તમારું મન અને શરીર એવાં થાક્યાં હોય કે એ ઊર્જા ગ્રહણ કરવાની ક્ષમતા પણ તેનામાં ન હોય એટલે તમારી એ ઊર્જાની ગતિ તમારી ચેતના તરફ, તમારી કૉન્શિયસનેસ તરફ થાય છે. પહાડો પર એટલે જ મેડિટેશન સહજ થઈ જાય છે.’

 બીજો એક બહુ જ મહત્ત્વનો કિસ્સો જણાવતા ડૉ. રાવ કહે છે, ‘નૅચરલી અમારી સાથે હેલ્થ માટેની કેટલીક ફર્સ્ટ એઇડમાં કામ લાગે એવી આઇટમો હતી, જેમાં ઑક્સિમીટર હતું. લગભગ પંદર હજાર ફૂટની હાઇટ પર હોઈશું જ્યાં મેં મારી ડાયરી લખવાની રોજની આદત પ્રમાણે એ લખવાનું શરૂ કરતાં પહેલાં ઑક્સિમીટરમાં ઑક્સિજન લેવલ ચેક કરવાનું નક્કી કર્યું. એ સમયે તમને હાથને હલાવવામાં પણ થાક લાગે એવામાં બૅગમાં એક ખૂણેથી સામાનની ઊથલપાથલ કરીને ઑક્સિમીટર કાઢવાનું કામ પણ જાણે સો પગથિયાં ચડવાનાં હોય એવું ટાયરિંગ લાગે. છતાં મેં ઑક્સિમીટર કાઢ્યું અને મારું ઑક્સિજન લેવલ ચેક કર્યું. જોયું તો ઑક્સિજન સેચરેશન લેવલ ૬૪ આવ્યું. મને થયું કે હાઈ ઍલ્ટિટ્યુડ પર મશીન બગડ્યું હશે. ફરી ચેક કર્યું. એ જ ફિગર આવ્યો. મારા ફ્રેન્ડનું ચેક કર્યું તો તેનું ઑક્સિજન સૅચરેશન લેવલ ૬૨ આવ્યું. અમે અચંબામાં. આપણે ત્યાં તો આ ઑક્સિજન લેવલ સાથે સીધા વેન્ટિલેટર પર મૂકી દે ડૉક્ટરો. અમારી સાથે જે શેરપા હતા તેમનું ચેક કર્યું તો તેમનું ઑક્સિજન લેવલ ૭૫ આવ્યું. મારી હાર્ટબીટ ૮૦ની આસપાસ હતી એટલે નૉર્મલ. ત્યારે સમજાયું કે પહાડ પર ઑક્સિજન ઓછો હોય એટલે અમને પણ ઓછો મળતો હતો, પણ એના વચ્ચે પણ શરીરે પોતાનું મેકૅનિઝમ ટકાવી રાખ્યું હતું. અમને ઑક્સિજન ઓછું હોવાનાં કોઈ લક્ષણો દેખાતાં નહોતાં. આપણે મેડિકલ સાયન્સના પૅરામીટર્સના એવા ગુલામ થઈ ગયા છીએ કે આપણે પોતે શું ફીલ કરીએ છીએ એ ભૂલીને રિપોર્ટના આંકડા શું કહે છે એના પર જ વધારે ફોકસ કરીએ છીએ. આપણું શરીર કોઈ કલ્પના ન કરી શકે એવી ક્ષમતાઓ ધરાવતું મશીન છે. ઘણી વાર એવું બને કે તમારું બ્લડ-પ્રેશર ૧૪૦ આવે અને છતાં એકદમ નૉર્મલ ફીલ કરતા હો તો એનો અર્થ એવો તારવી શકાય કે તમારું નૉર્મલ બ્લડ-પ્રેશર જ ૧૪૦ છે. ૧૨૦થી વધારે છે એટલે તમે હાઈ બ્લડ-પ્રેશરવાળા થઈ ગયા એવા કન્ક્લુઝન પર આવવાની જરૂર નથી.’

 આગળ ડૉ. ગણેશ રાવ કહે છે, ‘બહુ જ સ્પષ્ટતાપૂર્વક કહું છું કે આવા પહાડો પર પહોંચ્યા પછી તમે નાડીશુદ્ધિ પ્રાણાયામ કે ભસ્ત્રિકા પ્રાણાયામ નથી કરી શકવાના. ડીપ બ્રિધિંગમાં પણ હાંફ ચડી શકે. ત્યાં તમે એટલા થાકેલા છો કે નૅચરલી તમારો ઉચ્છ્વાસ મોં વાટે જ નીકળશે. એવા સમયે આવા પ્રયાસો પણ ન કરવા. નેચરને સરન્ડર થઈ જાઓ અને તમારા અહંકારને વિસર્જિત કરી દો પછી તમે આવા પહાડોની નજીક જઈ શકતા હો છો. યોગનું જ્ઞાન આવા સ્થળોએ તમારા આંતર-વિશ્વને નિખારવામાં ખૂબ ઉપયોગી નિવડે છે.’

યોગીઓના પહાડો ફેવરિટ કેમ?

યોગીઓ શું કામ હંમેશાં હાઇટને પોતાની સાધના માટે પસંદ કરતા હોય છે એનું કારણ આપતાં ડૉ. ગણેશ રાવ કહે છે, ‘એક તો એકાંત છે એટલે દુન્યવી બાબતોથી અલિપ્ત રહેવાનું સરળ છે. હાઈ ઍલ્ટિટ્યુડ પર ઑક્સિજન પ્રમાણ ઓછું હોવાને કારણે મગજની સ્થિરતા સહજ બને. ત્યાંની એક્સ્ટ્રિમિસ્ટ પરિસ્થિતિઓ અને શરીરની ક્ષમતાને અને મનની ક્ષમતાને સતત પડકારતા રહેતા હોવાથી ક્રોધ, માન, માયા, લોભ જેવા ષડરિપુઓનાં તોફાનો બહુ હેરાન નથી કરતાં હોતાં. ગ્રેટિટ્યુડ એટલે કે કુદરત અને સર્જનહાર પ્રત્યેનો અહોભાવ પણ પહાડોની ક્યારેક પણ બદલાતી સીઝનમાં સહજ રહેતો હોય છે. પહાડો ક્યાંક સ્થિરતા અને સ્ટેબિલિટીનો મેસેજ આપે છે તો ક્યાંક સુંદરતા સાથેની એની મહાકાયતા સામે આપણે કેટલા નાના છીએ એ દેખાડીને આપણી અંદરની નમ્રતાને અકબંધ રાખે છે.’

બાઉન્સ બૅક થવાની ક્ષમતા યોગાભ્યાસથી સુધરે છે. લંગ્સની વધેલી કૅપેસિટી પછીયે થાકશો પણ થોડાક આરામથી રિકવર થઈ જશો.

Whatsapp-channel Whatsapp-channel

14 September, 2022 10:39 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK