Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સોશ્યલ મીડિયાની ઇલ્યુઝનથી થોડું અંતર રાખશો તો ફાયદો થશે

સોશ્યલ મીડિયાની ઇલ્યુઝનથી થોડું અંતર રાખશો તો ફાયદો થશે

28 January, 2023 12:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમને કલ્પના પણ ન આવે એ સ્તરે તમારા કીમતી સમયની બરબાદી સોશ્યલ મીડિયા પર થતી હોય છે અને આજની જનરેશન આમાં બહુ સમય ખર્ચી રહી હોય એવું મેં મારી આંખે જોયું છે. ક્યાંક ને ક્યાંક સોશ્યલ મીડિયા તમારા ગોલ્સ અને સપનાંઓને લિમિટેશન આપે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સક્સેસ.
સક્સેસ એટલે શું એવું ઘણા મને પૂછતા હોય છે. નૅચરલી મારી કારકિર્દીનો ગ્રાફ એવો રહ્યો છે કે મને જોઈને લોકોના મનમાં આ સવાલ જન્મી શકે. ૭ વર્ષની ઉંમરે તમને સક્સેસ, નેમ, ફેમ શું હોય એની ખબર પણ ન પડતી હોય અને છતાં તમે દુનિયાભરની લાઇમલાઇટ ભોગવી લીધી હોય, ત્યારે નૅચરલી લોકોના મનમાં આ વિચાર આવે જ આવે.
અત્યારે ૨૪ વર્ષની છું અને ૧૫થી ૧૭ વર્ષનો ઍક્ટિંગનો અનુભવ છે અને દેખીતી રીતે દરેક પ્રકારનો સમય જોઈ લીધો છે. આ ક્ષેત્ર પણ એવું છે જેમાં રોજેરોજ એક્ઝામ હોય અને રોજેરોજ પાસ અને ફેલ થવાનું સર્ટિફિકેટ આપનારા તમારી આસપાસ હોય. તમને ન ઓળખતા હોય એ લોકો પણ બેધડક તમને જ્જ કરવાની કે તમારા માટે કમેન્ટ કરવાની હિંમત રાખી શકતા હોય છે. મોટામાં મોટા સ્ટારને પણ આ અનુભવ અહીં થતા હોય છે અને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જ્યારે તમે કામ શરૂ કર્યું હોય ત્યારે તમારા માટે એ રીતે પણ આ બાબત વધારે ચૅલેન્જિંગ બનતી હોય છે કે તમે હજી ઘડાયા નથી. તમે દુનિયાદારી જોઈ નથી. બાળક હોવાને નાતે લોકોએ તમારા માટે એક અભિગમ બનાવી લીધો હોય છે અને ફરી જ્યારે તમે મોટા થાઓ એટલે તમારે તમારી જાતને રીએસ્ટૅબ્લિશ કરવાની અને હવે તમે બાળક નથી, પણ મૅચ્યોર્ડ અને ગ્રોન-અપ વ્યક્તિ છો એ સાબિત કરતા જવાનું. કદાચ દરેક ચાઇલ્ડ આર્ટિસ્ટના જીવનના આ તબક્કા હોતા હશે. જોકે આ આખી જર્નીમાં હું બહુ એટલે બહુ જ લકી રહી છું એમ કહું  તો ચાલે. 

હું ભલે ‘બાલિકા વધૂ’ તરીકે ગમે એટલી પૉપ્યુલર થઈ હોઉં કે દરેક ઘરમાં મારો ચહેરો જાણીતો થયો હોય, પણ મને ક્યારેય મારા પેરન્ટ્સે સ્પેશ્યલ ચાઇલ્ડ જેવી ટ્રીટમેન્ટ નથી આપી. હું ગ્રાઉન્ડેડ રહું, હું જીવનની વાસ્તવિકતાથી જરાય આઘીપાછી ન થાઉં એનું ધ્યાન પણ મારા પેરન્ટ્સે બહુ સરસ રીતે રાખ્યું છે. મને બરાબર યાદ છે કે જ્યારે હું મારા કઝિન્સને મળતી ત્યારે પણ મારું કામ મારે જ કરવાનું હોય. પબ્લિકમાં જવાનું હોય, એટલે ધારો કે મારે આઇસક્રીમ જોઈતી હોય તો મારે આઇસક્રીમ પોતે જ લેવા જવું પડતું. ભલે એ લોકો સેફ્ટીની દૃષ્ટિએ દૂરથી ત્યારે વૉચ રાખતા હશે, પણ તેમણે હું એક સેલિબ્રિટી છું એ બાબતનું ગુમાન મારા મન પર ક્યાંય ચડવા નહોતું દીધું. કદાચ આ જ કારણ છે કે જ્યારે મને કોઈ પૂછે કે વૉટ ઇઝ સક્સેસ? ત્યારે સહજ મારાથી કહેવાઈ જાય કે તમે જે કરતા હો એમાં ખુશ હો એટલે તમે સક્સેસફુલ. તમને મજા આવતી હોય જર્નીમાં તો એ તમારી સક્સેસ. હું એવરેસ્ટ પર ચડીને પીક પર પહોંચું એ જ મારી સફળતા નથી, પણ એવરેસ્ટ માટેનો વિચાર કર્યા પછી એની તૈયારી કરતી હતી એ ક્ષણો, એકેક પગથિયું પીકની નજીક મુકાઈ રહ્યું હતું એ બધી જ ક્ષણો મારી દૃષ્ટિએ સક્સેસ છે. જ્યાં છો અને જે કરો છો એમાં પણ જો તમને સૅટિસ્ફૅક્શન હશે તો તમે અંદરથી ખુશ રહેશો, ગ્રેટિટ્યુડ ભાવમાં રહેશો, ડીટેચ થઈને રહેશો. આ હું મારા અનુભવથી શીખી છું. જીવનમાં જ્યારે ધાર્યા મુજબ નહીં થાય તો તમારી અપસેટનેસ લાંબો સમય ચાલશે નહીં. તમે ઝડપથી ડીટેચ થઈને આગળ વધશો. 



પર્સનલ લેવલ પર મારી વાત કરું તો, હું મારા કામને એટલું એન્જૉય કરું છું કે મને ક્યારેય હૉલિડે પર જવાનું કે વેકેશન કરવાનું મન નથી થતું. મારા કામથી મને જે સૅટિસ્ફૅક્શન મળે છે એ મારે મન મારી સક્સેસ છે. આજે હું જ્યાં છું ત્યાં એટલી જ ખુશ છું. મને મારા કામનો અને હું જ્યાં છું એ સ્થાનનો સંતોષ છે અને આ જે સંતોષ છે એ મારા માટે સક્સેસ છે. હા, ઘણા લોકો એવું કહે પણ છે કે સંતોષ તમારો ગ્રોથ અટકાવી દે અને તમે આગળ વધવાની મહત્ત્વાકાંક્ષા છોડી દો છો, પણ બહુ જ ઑનેસ્ટલી એક વાત કહું, આ વાત મારા માટે સાચી નથી પડી. 
સાઉથની પહેલી ફિલ્મ કરીને પણ હું સૅટિસ્ફાઇડ થઈ ગઈ હતી, પણ હું ત્યાં અટકી નહીં. ઇન ફૅક્ટ, એ પછી લગભગ બીજી ડઝનેક ફિલ્મોમાં મેં કામ કર્યું. મને જીવનને એક જર્નીની જેમ જોઈએ છે. ગ્રોથ માટે તત્પર રહેવાનું અને જ્યાં હોઈએ ત્યાંથી પણ ખુશ રહેવાનું. અસંતોષ તમને રેસ્ટલેસ બનાવે. તમે પ્રેઝન્ટથી નાખુશ રહેવા માંડો તો લૉન્ગ ટર્મમાં તમને મેન્ટલી, ઇમોશનલી અને લાંબા ગાળે ફિઝિકલી ડિસ્ટર્બ જ કર્યા કરશે. એના કરતાં વર્તમાનથી સંતોષી અને લાઇફ જર્નીમાં ગ્રો થવાના આનંદમાં રહીને પ્રયાસ કરીને વધુ ખુશ પણ રહેવાતું હોય તો શું કામ નહીં?
એક ખાસ વાત મારે આજની જનરેશનની દૃષ્ટિએ કહેવી છે, કારણ કે હું પોતે પણ એ આજની જનરેશનમાં જ આવું છું અને એટલે એ વાતને વધારે સચોટ રીતે કહી શકીશ. આજની જનરેશને સોશ્યલ મીડિયાની ઇલ્યુઝનલ દુનિયાથી થોડું અંતર વધારવાની જરૂર છે. હું એમ નથી કહેતી કે સાવ બધાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મથી સંન્યાસ લઈ લો, પરંતુ એવું ચોક્કસ કહીશ કે ત્યાંથી સમય-સમયે બ્રેક તો જ લો જ લો, કારણ કે એ અનિવાર્ય છે. નાહકનો તમારો કીમતી સમય એમાં વેડફાઈ જતો હોય છે. એ સમજવાની જરૂર છે કે ત્યાં જતાં જ તમે તમારા લક્ષ્યથી પણ છૂટા પડી જાઓ એવું બની શકે. સક્સેસ માટે ફૉલોઅર્સ એ પૅરામીટર નથી. તમે સક્સેસફુલ થાઓ તો ફૉલોઅર તો એમ જ મળી જશે. તમે મોટા બનવાના પ્રયાસ કરો, ફૉલોઅર્સ વધારવાના નહીં. 
જ્યારે પણ તમે તમારા કલાકો કોઈ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ માટે બગાડતા હો ત્યારે મનમાં ચોક્કસ વિચારજો કે ખરેખર આ બાબતોને આટલો સમય વર્થ છે કે નહીં? મારી જર્નીમાં મેં પણ થોડો સમય સોશ્યલ મીડિયામાં ચાલતા ટ્રેન્ડમાં રહેવાની દિશામાં સમય વેડફ્યો હતો. પછી થયું કે ના, ઍટ લીસ્ટ આ તો હું નહીં જ કરું. આજે હું ઍક્ટર ઉપરાંત લેખન કરી રહી છું. હું ફિલ્મ-મેકિંગ શીખી, એડિટિંગ શીખી. જે સમય સોશ્યલ મીડિયા પર વગર કારણે અને એઇમ-લેસલી આપણે વેડફી નાખીએ છીએ એનો ખૂબ પ્રોડક્ટિવ ઉપયોગ થઈ શકે છે. આપણે બધા એટલા લકી છીએ કે આપણે જે નવું શીખવું છે, જે કરવું છે એને ગાઇડ કરનાર લોકોનો એક્સેસ આપણી પાસે આ ઇન્ટરનેટની દુનિયામાં ઈઝી થયો છે. પ્રયાસ કરો અને જે સારી બાબતો છે એને યુટિલાઇઝ કરીને ગ્રો થાઓ. હૉબીઝ ડેવલપ કરો. મનને ખાલી નહીં રહેવા દો. હું મારી પાસે કોઈ કામ ન હોય ત્યારે રાઇટિંગ કરતી હોઉં છું. શૉર્ટ ફિલ્મ અને મોનોલૉગ્સ પર મેં હમણાં ગયો એ લૉકડાઉન પિરિયડમાં ખૂબ લખ્યું. ઍક્ટિંગ, એડિટિંગ, ફિલ્મ-મેકિંગ અને રાઇટિંગમાં રાઇટિંગ મારું સૌથી ફેવરિટ છે એવું કહીશ તો જરાય ખોટું નહીં ગણાય. 
મારો કહેવાનો ભાવાર્થ એટલો જ કે ઇલ્યુઝન વર્લ્ડમાં રહેવાને બદલે બહેતર છે કે તમે કંઈક નક્કર કરો અને એવું શીખો.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2023 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK