આ વાત પૂછવામાં તો અન્ય કોઈને આવી હતી, પણ એનો જવાબ તરત જ મેં મારી જાતને પૂછ્યો હતો અને એ જવાબ શોધતી વખતે મારી આંખ સામે મારી દીકરી આવી હતી, જેને લીધે એમાં પ્રામાણિકતા ભારોભાર હતી

પ્રતીકાત્મક તસવીર
કોઈ સ્ત્રીને તમારે ત્રણ સલાહ આપવાની હોય તો તમે કઈ આપશો?
તાજેતરમાં યોજાયેલા એક લિટરેચર ફેસ્ટિવલના એક સેશનમાં આ પ્રશ્ન પૂછવામાં આવેલો. એ સમયે એક વક્તા તરીકે હું પણ સ્ટેજ પર હાજર હતો. જોકે આ પ્રશ્ન મને પૂછવામાં નહોતો આવ્યો. આ પ્રશ્ન એક સ્ત્રી દ્વારા અન્ય સ્ત્રીને પૂછવામાં આવેલો. તેમની વચ્ચેની પ્રશ્નોત્તરી શરૂ હતી એ દરમિયાન સ્ટેજ પર બેઠેલા મેં પણ મારી જાતને આ સવાલ પૂછ્યો. કોઈ સ્ત્રીને આજીવન કામ લાગે
એવી ત્રણ સલાહ મારે આપવાની હોય તો હું કઈ-કઈ સલાહ આપું?
જાતને એ સવાલ પૂછતાંની સાથે જ જે ચહેરો સૌથી પહેલાં મને દેખાયો એ વ્યક્તિ મારી દીકરી હતી. ચોમાસામાં અનાયાસ ઊગી નીકળેલા અડાબીડ ઘાસની માફક મારા મનમાં તાત્કાલિક ત્રણ જવાબ ઊગી નીકળ્યા અને મેં મોડરેટરને પૂછી લીધું કે આ પ્રશ્નનો જવાબ હું આપી શકું? તેમની મંજૂરી મળ્યા પછી ત્યાં હાજર રહેલા ઑડિયન્સ સાથે મેં એ ત્રણ સલાહ શૅર કરી જે હું મારી દીકરી કે અન્ય કોઈ સ્ત્રીને આપવા માગીશ. એ ત્રણ વાતો આજે તમારી સાથે શૅર કરું છું.
સૌથી પહેલી સલાહ. તમને ગમે તે એક વાહન ચલાવતાં આવડવું જોઈએ (પ્રિફરેબલી કાર). એટલે સૌથી પહેલાં ડ્રાઇવિંગ સ્કૂલની ફી ભરો અને ગાડી ચલાવતાં શીખી જાઓ. પૂરા કૉન્ફિડન્સ સાથે કાર ચલાવી શકવી એ સ્ત્રીસ્વતંત્રતા અને સશક્તીકરણની પહેલી જરૂરિયાત છે. વાહન ચલાવતાં આવડવું એટલા માટે જરૂરી છે કે તમારી નાની-નાની જરૂરિયાતો, ખરીદીઓ કે પ્રવાસો માટે તમારે અન્ય કોઈ પર નિર્ભર રહેવું ન પડે. અડધી રાતે કોઈ ઇમર્જન્સી આવી હોય તો ઓલા, ઉબર કે રિક્ષાની રાહ જોયા વગર તમે સેલ્ફ-ડ્રાઇવ કરીને તાત્કાલિક ક્યાંક પહોંચી શકો. તમને ગમતા મિત્રો સાથે તમને ગમતી જગ્યાએ બેરોકટોક રખડી શકો. આપણી ઇચ્છા, પસંદગી, સગવડ અને સમય અનુસાર એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન કરી શકવું એ સૌથી મોટી સ્વતંત્રતા છે અને એટલે વાહન આવડવું જોઈએ. સો લેડીઝ, ગેટ ઑન ધ કાર.
હવે તમે દલીલ કરશો કે દરેક સ્ત્રી કંઈ કાર થોડી ખરીદી શકે? તો એનો જવાબ છે મારી બીજી સલાહ.
બીજી સલાહ. નેવર ક્વિટ યૉર જૉબ. તમારી નોકરી ક્યારેય છોડવી નહીં. ઑબ્વિયસ્લી, એનો અર્થ પહેલાં તો એમ થાય કે કોઈ ને કોઈ નોકરી જરૂર કરવી. આજના યુગમાં આર્થિક સ્વતંત્રતા બહુ મોટી અને મૂલ્યવાન બાબત છે. ભારત જેવા દેશમાં અડધા કે કદાચ એનાથી પણ વધારે લગ્નો એટલા માટે ટકી ગયાં હશે કારણ કે ઘરની સ્ત્રી આર્થિક રીતે પગભર નથી. મોટા ભાગની સ્ત્રીઓ અત્યાચાર, અબ્યુઝ, અપમાન, અવગણના કે અન્યાય સહન કરીને પણ લગ્નજીવનમાં એટલા માટે ટકી રહી છે કારણ કે તેઓ આર્થિક રીતે સ્વતંત્ર નથી. કોઈના શોષણ, દબાણ કે અવલંબન વગર પોતાની ઇચ્છા અને મરજી મુજબ જીવન જીવવાની પહેલી શરત જ એ છે કે આપણે આર્થિક રીતે સ્વતંત્ર હોવા જોઈએ. જિંદગી અને સંબંધોમાં આવનારા ઉતાર-ચડાવ સામે જો કોઈ બાબત મજબૂત રીતે ટેકો આપી શકે એમ હોય તો એ નાણાં છે. વૉલેટ વજનદાર થવાથી અનેક તકલીફો હળવી થઈ જતી હોય છે અને આપણા વૉલેટમાં આવતા રૂપિયા માટે આપણે અન્ય કોઈ ઉપર નિર્ભર રહેવાની જરૂર નથી. એ રુઆબ હોય કે રૂપિયો, સ્વબળે જ કમાયેલો હોવો જોઈએ. રોજગાર એ દરેક સ્ત્રી માટે એક એવી તાકાત છે જેના સહારે તે દુનિયા જીતી શકે છે, પોતાની ડ્રીમ લાઇફ જીવી શકે છે. તેની જિંદગીમાં કોઈ આવે કે જાય, કોઈ તેનો સ્વીકાર કરે કે તિરસ્કાર, કોઈ તેને અપનાવે કે તરછોડે - આ તમામ પરિબળો સામે આર્થિક સધ્ધરતા એક એવું મજબૂત પાસું છે જે એક સ્ત્રીને ટકાવી રાખે છે.
હવે તમે કહેશો કે ભાવનાત્મક ઈજાઓનું શું? તો એના જવાબમાં મારી ત્રીજી સલાહ.
ત્રીજી સલાહ એ કે એક વાત હંમેશાં યાદ રાખવી કે અન્ય લોકોનું આપણી સાથેનું વર્તન, આપણું મૂલ્ય, લાયકાત કે સાર્થકતા નક્કી ન કરી શકે એ માટે દરેક દીકરીએ, સ્ત્રીએ કે વ્યક્તિએ પોતાના મોબાઇલમાં એ રિમાઇન્ડર સેટ કરી દેવું કે એ લવેબલ (પ્રિય) છે. કોઈ એક વ્યક્તિ તરફથી મળતો પ્રેમનો અભાવ, ઉદાસીનતા કે અણગમો આપણું વ્યક્તિત્વ કે ચારિત્ર નક્કી ન કરી શકે. નિષ્ફળતા, રિજેક્શન કે સામાજિક દુર્ઘટના પછી પણ જેઓ પોતાની જાતને પ્રિય અને લાયક સમજે છે તેઓ એ દુઃખમાંથી સરળતાથી ઊગરી શકે છે. એ કોઈ અન્ય વ્યક્તિ તરફ હોય કે ઈશ્વર તરફ, દોષારોપણ આપણી જાતને બિચારી અને લાચાર બનાવી નાખે છે. જે કંઈ થયું એની પૂરી જવાબદારી સ્વીકારીને જેઓ આગળ વધે છે તેઓ પૂરા આત્મવિશ્વાસ સાથે જિંદગીનો સામનો કરી શકે છે. જેમનાં સપનાં વિરાટ હોય છે તેમના અફસોસ બહુ ટૂંકા હોય છે. વિતેલી જિંદગી કે કરેલી ભૂલો પર રડવા માટે તેમની પાસે સમય નથી હોતો જેઓ ઝનૂનપૂર્વક કંઈક કરવા માગે છે. અને છેલ્લે, દરેક દીકરીએ આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું એક વિધાન હંમેશાં યાદ રાખવું: જો તમે જીવનમાં સુખી થવા ઇચ્છો છો તો તમારું જીવન કોઈ લક્ષ્યની આસપાસ રાખજો, કોઈ વ્યક્તિની આસપાસ નહીં.