જે પણ ઇચ્છા તમે રાખો છો, જો એનું જ દાન તમે બીજાને કરી દો તો તમારી ઇચ્છા અવશ્ય પૂરી થશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કોઈકે સાચું જ કહ્યું છે કે ધન કળિયુગનો ભગવાન બની ગયું છે. ત્યારે જ તો આજે જેને જુઓ તે રાત-દિવસ પોતાનું બૅન્ક-બૅલૅન્સ વધારવા પાછળ પડેલું હોય છે. જોકે ધન કમાવા પાછળ ઘેલો થયેલો માનવ શાસ્ત્રોમાં લખેલી એક પ્રખ્યાત કહેવત ભૂલી જાય છે કે ‘ન્યાય અને નીતિ એ લક્ષ્મીનાં રમકડાં છે અને આ રમકડાં વડે તે જેમ ઇચ્છે એમ આપણને નચાવી શકે છે.’ એટલે જો લક્ષ્મીનો અર્થ ધન માની લેવામાં આવે તો પછી એવા ધનની કમાણી પણ એવી વ્યક્તિને જ થાય છે જેની અંદર આ સાત ગુણ હોય છે. જેમ કે ધીરજ ધારણ કરવી, ક્રોધમુક્ત રહેવું, ઇન્દ્રિયોને વશમાં રાખવી, પવિત્રતા, દયા, મધુર વાણી અને કોઈના પ્રત્યે ઘૃણાભાવ ન રાખવો.
સામાન્યતઃ મોટા ભાગના લોકોનું કહેવું એમ હોય છે કે પોતાની જાતમહેનતે કમાયેલા ધનમાં ખરાબી જ શું છે? અલબત્ત, બૂરાઈ તો એમાં કશી જ નથી. જોકે આપણે એ વસ્તુ સમજવી જરૂરી છે કે ધન કમાવું એ ખરાબ નથી; પણ એ ધન આપણે કઈ રીતે કમાઈએ છીએ, પાપથી કે પુણ્યથી, એ અતિ મહત્ત્વપૂર્ણ છે; કારણ કે જે રીતે ધન કમાવામાં આવે છે એનું પરિણામ પણ પછી એવું જ સામે આવે છે અને એ પરિણામને આપણાં સગાંસંબંધી કે પછી આપણાં સંતાનો વહેંચી નથી શકતાં. તેથી જ તો એમ કહેવાયું છે કે ‘ધન સદા નીતિથી કમાઓ અને રીતિથી ખર્ચો.’
ADVERTISEMENT
ધન પાછળ ભાગતાં-ભાગતાં આપણે એ ભૂલી જતા હોઈએ છીએ કે ધન, જમીન, ભવન, ઉપર-ઉપરનો ભભકો, પદ, શક્તિ, અધિકાર અને અન્ય ઘણી આવી ક્ષુલ્લભ પ્રાપ્તિઓની પૂર્તિથી સંતુષ્ટતાની મૃગતૃષ્ણા તો એમ ને એમ જ બની રહે છે જે જન્મજન્માંતર સુધી ક્યારેય પૂરી નથી થતી. પોતાની અતૃપ્ત ઇચ્છાઓની પૂર્તિ પાછળ દોડતાં-દોડતાં આપણે જીવનના એવા વળાંક પર આવી પહોંચીએ છીએ જ્યાંથી આગળ વધવું કે પાછળ જવું આ બન્ને વસ્તુ અશક્ય થઈ જાય છે અને એક દિવસ આ જ અસંતુષ્ટતા સાથે આપણે પોતાનો દેહ ત્યાગવો પડે છે. આ બધી પળોજણમાંથી બહાર આવવા માટે જો આપણે ફક્ત એટલું સમજી લઈએ કે ધન કમાવાની સાથે-સાથે આપણે જો બીજાઓનાં દુઃખ દૂર કરવામાં તેમની સહાયતા કરીશું તો આપણાં પોતાનાં દુઃખ પણ પોતાની મેળે હળવે-હળવે દૂર થઈ જશે. એટલે જ તો એમ કહેવામાં આવે છે કે જે પણ ઇચ્છા તમે રાખો છો, જો એનું જ દાન તમે બીજાને કરી દો તો તમારી ઇચ્છા અવશ્ય પૂરી થશે. અતઃ ‘કરો ભલું તો થશે ભલું’વાળી નીતિ જીવનની અંદર જે અપનાવે છે તેને દુવારૂપી ધનનો અખૂટ ખજાનો મળે છે અને તેનું ભાવિ તેજસ્વી અને સુખમય બની જાય છે.
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી

