° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


જો ડર ગયા, સમઝો મર ગયા

03 July, 2020 10:55 PM IST | Mumbai | Rashmin Shah

જો ડર ગયા, સમઝો મર ગયા

આથિર્ક મંદીના નામે જો કોઈને ડરાવવાના ઓરતા પણ મનમાં હોય તો એ પણ વાજબી નહીં ગણાય.

આથિર્ક મંદીના નામે જો કોઈને ડરાવવાના ઓરતા પણ મનમાં હોય તો એ પણ વાજબી નહીં ગણાય.

દેખીતી રીતે એવું લાગે કે આ વિષય તો બિઝનેસ પેજ પર આવવો જોઈએ. એવું પણ લાગે કે આ તો ઇકૉનૉમિક્સની વાત છે, પણ એક વાત સમજવા જેવી છે. લાગણીતંત્ર પર સૌથી પહેલી અસર જો કોઈની પહોંચતી હોય તો એ અર્થતંત્ર છે. સ્વીકારવું ન ગમે પણ અને અવગણી પણ ન શકાય એવું આ બ્રહ્મસત્ય છે અને એ જ બ્રહ્મસત્યના ભાગરૂપે કહેવાનું કે આજના આ તબક્કામાં જો ડર ગયા, સમઝો મર ગયા. ડરવાનું નથી. આર્થિક મંદીની વાતો થતી રહે તો પણ ડરવાનું નથી અને આથિર્ક મંદીના નામે જો કોઈને ડરાવવાના ઓરતા પણ મનમાં હોય તો એ પણ વાજબી નહીં ગણાય.
લૉકડાઉન દરમ્યાન પૈસો અટવાયો છે અને અટવાયેલો પૈસો દરેકના ઘર, વૉલેટ અને બૅન્ક-અકાઉન્ટમાં સેફ થઈ ગયો છે. જીવનમાં સૌથી મોટું દૂષણ ઊભું કરવાનું કામ જો કોઈ કરતું હોય તો એ સલામતીનો ભાવ છે. સલામતીના ભાવથી સાહસ કરવાની માનસિકતામાં ઓટ આવતી હોય છે અને સલામતીના ભાવથી નવું કરવાની અસરકારકતા પણ ઘટી જતી હોય છે. નવું કશું નથી કરવાનું અત્યારે પણ આ સમયમાં સલામતીનો ભાવ જે વધારે તીવ્ર થયો છે એમાં ઘટાડો કરવાનો છે. જાતે જ અને આત્મબળે. આર્થિક મંદીનો એક સ્વભાવ છે. એ આવે વાયુવેગે અને જાય ગોકળગાય ગતિએ. તેજીનું ઊલટું છે. એ આવે ધીમે અને જાય ઝડપથી. સાઇકોલૉજિકલ મુદ્દો છે એટલે એના વિશે વધારે ચર્ચા કરવાની આવશ્યકતા નથી, પણ આ વાતને સમજવાની જરૂર તો ચોક્કસ છે. તેજ ગતિએ આવેલી મંદી ધીમી ગતિએ જાય છે એના માટે જવાબદાર પણ એ જ માનસિકતા છે. સલામતીનો ભાવ. જેનું જે થવું હોય એ થાય, પણ આવતી કાલે આપણને તકલીફ ન પડવી જોઈએ. આપણને. જ્યારે કેન્દ્રમાં આપણે જાતને ગોઠવી બેસીએ છીએ ત્યારે પૈસો હાથમાંથી છૂટતો નથી અને પૈસો જ્યારે હાથમાંથી છૂટતો નથી ત્યારે માણસ સંજોગો દ્વારા ઊભી થયેલી સંકડામણને બદલે માનવસર્જિત મંદીમાં સપડાતો જાય છે. આ માનવસર્જિત મંદીને લીધે જ મંદીને નવેસરથી ઑક્સિજન મળે છે અને એ ઑક્સિજન વાતાવરણને વધારે ભારે બનાવવાનું કામ કરે છે. એક નાનકડી વાર્તા યાદ આવે છે.
એક માણસ ઇન્દોરથી મુંબઈ આવ્યો. રાતનો સમય હતો અને તેની રેગ્યુલર હોટેલ સુધી જઈ શકાય એમ નહોતું એટલે તેણે સ્ટેશનની નજીકની એક હોટેલમાં જઈને રૂમની પૂછપરછ કરી. રૂમ અવેલેબલ હતી. એક રાતના પાંચ હજાર રૂપિયા. માણસે હા પાડી એટલે હોટેલના માલિકે ઍડ્વાન્સ પેમેન્ટ લીધું. માણસે ઍડ્વાન્સ પેમેન્ટ આપી દીધું અને એ પછી તેણે રૂમ જોવાની ડિમાન્ડ મૂકી. હોટેલના માલિકે વેઇટરને બોલાવી પેલાને રૂમ દેખાડવા માટે સાથે મોકલ્યો. બન્ને જેવા રવાના થયા કે તરત જ માલિક દોડીને હોટેલના ગેટની બહાર આવ્યો. સામે બિઅર બાર હતો. સીધા એ બિઅર બારના માલિક પાસે જઈને તેને પાંચ હજાર રૂપિયા આપ્યા અને કહ્યું, ‘આતા દેય નાહી. બધા પૈસા ચૂકતે થઈ ગયા.’
બિઅર બારના માલિકે હા પાડી એટલે હોટેલનો માલિક ફરી હોટેલમાં આવ્યો. આ તરફ બાર માલિકે પાંચ હજાર રૂપિયા ગણીને બારટેન્ડરને રાડ પાડીને બોલાવ્યો. બારટેન્ડર આવ્યો એટલે માલિકે તેના હાથમાં રૂપિયા પકડાવ્યા અને કહ્યું, ‘ઇપ્પોતુ કેલ્યુટ્ટા વેન્તિયાતિલાઇ, પૂરો પગાર ચૂકતે.’
હવે વારો હતો બારટેન્ડરનો. બારટેન્ડર પૈસા લઈને બહાર આવ્યો. બિઅર બારની બાજુમાં જ લૉજ હતી. તે સીધો લૉજમાં ગયો. લૉજના કાઉન્ટર પર ગોરધનભાઈ બેઠા હતા. રોજબરોજનો હિસાબ જોવાનું કામ ચાલતું હતું તો શાકભાજી લેવાનું લિસ્ટ પણ સાથે બનતું જતું હતું. બારટેન્ડરે તેના હાથમાં પાંચ હજાર મૂક્યા અને કહ્યું કે રોજ જે ટિફિન મોકલો છો એનું બાકી પેમેન્ટ જમા લઈ લો અને શાક થોડુંક વધારે મૂકો, દરરોજ ઘટે છે. ગોરધનભાઈએ હોંશભેર હા પાડી અને ત્યારે ને ત્યારે જ રાડ પાડીને અંદર કામે લાગી ગયેલી વાઇફને સૂચના પણ આપી દીધી. બારટેન્ડર રવાના થયો એટલે ગોરધનભાઈ કાઉન્ટર પરથી ઊભા થઈને બહાર આવ્યા અને સીધા લૉજની બરાબર સામેના ઘરમાં રહેતા કેશવ ગાયતોંડેના ઘરમાં ગયા. મુંબઈની ઍગ્રિકલ્ચર માર્કેટમાં કેશવને હોલસેલ શાકભાજીનો ધંધો અને ગોરધનભાઈ દરરોજ તેની પાસે જ શાકભાજી મંગાવે. કેશવ રાતે અઢી-ત્રણ વાગ્યે એપીએમસી જવા માટે નીકળે અને બપોરે ઘરે આવે ત્યારે ગોરધનભાઈની જરૂરિયાત મુજબનો માલ સાથે લેતો આવે. ગોરધનભાઈએ કેશવના ઘરનો દરવાજો ખખડાવ્યો. કેશવ જાગી ગયો હતો. તે બહાર આવ્યો એટલે ગોરધનભાઈએ તેના હાથમાં પાંચ હજાર રૂપિયા પકડાવ્યા અને સાથે ચિઠ્ઠી પણ.
કટ ટુ, હોટેલનો રૂમ.
હોટેલનો રૂમ જોઈને ઇન્દોરથી આવેલા રાકેશ ઉપાધ્યાયને મજા આવી નહીં. ખાસ તો તેને એ વાત ગમી નહીં કે વૉશરૂમ બરાબર સાફ નહોતો. હોટેલ તો લાઇનમાં ઘણી હતી, બીજી રૂમ મળી જશે એવી આશાએ રાકેશે વેઇટરને કહી દીધું કે રૂમ પસંદ નથી. મારે અહીં નથી રહેવું. હોટેલના પાંચમા ફ્લોર પરથી વેઇટર સાથે રાકેશ સીડી ઊતરવો
શરૂ થયો તો આ તરફ ગોરધનભાઈ પણ કેશવને ચિઠ્ઠી અને પૈસા આપીને પાછા ફરતા હતાં. જો એ સમયે ગોરધનભાઈએ પાછળ ફરીને જોયું હોત તો તેને દેખાયું હોત કે કેશવ તેના ઘરમાં જવાને બદલે હોટેલ તરફ આગળ વધ્યો હતો.
કેશવે હોટેલમાલિક અણ્ણા પાસેથી પાંચ હજાર ઉછીના લીધા હતા. બાર કલાકમાં પૈસા પાછા આપવાનો વાયદો કર્યો હતો, જેને અઠવાડિયું વીતી ગયું હતું. સવાર-સવારમાં લક્ષ્મીનારાયણ સામેથી પધાર્યા એટલે કેશવને થયું કે સવારમાં જ ઉધારી ચૂકવી તે પણ સદ્કાર્ય કરી લે. કેશવ હોટેલમાં દાખલ
થયો અને તેણે માલિકના હાથમાં પાંચ હજાર મૂકી દીધા. હિસાબ ચૂકતે. કેશવ હોટેલના કાઉન્ટર પર જ ઊભો હતો ત્યાં જ રાકેશ ઉપાધ્યાય અને વેઇટર બન્ને નીચે આવ્યા. કસ્ટમર આવી ગયો એટલે કેશવ હોટેલની બહાર નીકળી ગયો અને કેશવ ગયો એ જોઈને રાકેશ ઉપાધ્યાયે માલિકને પોતાનો રૂમ પ્રત્યેનો અણગમો વ્યક્ત કરી દીધોઃ ‘રૂમ નહીં ચલેગા મુઝે. આઇ ઍમ સૉરી.’
‘કોઈ નહીં, જૈસી આપકી મર્ઝી...’
માલિકે કાઉન્ટરનું ડ્રૉઅર ખોલીને હમણાં જ પાછા આવેલા પાંચ હજાર રૂપિયા રાકેશની સામે ધર્યા અને કહ્યુંઃ ‘યે આપકી ડિપોઝિટ...’
રાકેશ ઉપાધ્યાય પોતાના પાંચ હજાર રૂપિયા લઈને રવાના થયો, પણ તેને ખબર નહોતી કે હોટેલમાં પસાર કરેલી દસ મિનિટમાં તેણે પાંચ લોકોની જરૂરિયાતની સાઇકલ પૂરી કરી હતી. હોટેલમાલિક, બારટેન્ડર, લૉજવાળા ગોરધનભાઈ, એપીએમસીવાળો કેશવ અને કેશવે હોટેલમાલિક પાસેથી ઉછીના લીધા હતા એ પૈસા. આ સાઇકલ પછી પણ રાકેશે આપેલા ઍડ્વાન્સ પણ તેના પોતાના ખિસ્સામાં હતા. કોઈને નુકસાન નહોતું થયું, કોઈને ગેરલાભ નહોતો નડ્યો અને એ પછી પણ સૌકોઈ વિન-વિન સિચુએશનમાં હતા. આ ફરતા પૈસાની કમાલ હતી. પૈસો જ્યારે ચોક્ડ થયો છે ત્યારે એણે સોશ્યલ સાયન્સનાં ઇક્વેશન્સ બદલી નાખ્યાં છે. પૈસો જ્યારે પણ અટક્યો છે ત્યારે એણે સોસાયટીની જવાબદારીઓને વરવી અવસ્થામાં મૂકી દીધી છે અને પૈસો જ્યારે પણ સ્થાયી થયો છે ત્યારે એણે અન્ય સૌકોઈને અસ્થાયી સ્વરૂપમાં મૂકી દીધા છે. મનમાંથી અસલામતીની ભાવના કાઢી નાખજો. જરૂરી છે એ. જો એ ભાવનાને કાઢી શકશો તો અને તો જ આવતા સમયમાં પૈસો ફરતો દેખાશે અને જો પૈસો ફરતો દેખાશે તો અને તો જ તમે તમારી આ વાર્તામાં આવેલી ભૂમિકા પૈકીની હોટેલમાલિકથી માંડીને બારમાલિક, બારટેન્ડર, ગોરધનભાઈ, કેશવ કે પછી રાકેશની જવાબદારી પણ નિભાવી શકશો અને એ જવાબદારીની સાથોસાથ તમે પોતે પણ માનસિક શાંતિ અનુભવશો. ગૅરન્ટી.
caketalk@gmail.com
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

03 July, 2020 10:55 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK