Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હોટેલમાં પણ સભ્યતા અનિવાર્ય તો સોશ્યલ મીડિયાની બાબતમાં સભ્યતા શું કામ વીસરવાની?

હોટેલમાં પણ સભ્યતા અનિવાર્ય તો સોશ્યલ મીડિયાની બાબતમાં સભ્યતા શું કામ વીસરવાની?

20 May, 2022 03:47 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

જગ્યા હોય કે વ્યવહાર, દરેકના શિષ્ટાચાર અલગ હોવાના અને એ હોવા પણ જોઈએ

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


હોટેલના શિષ્ટાચારના પોતાના નિયમો છે તો હૉસ્પિટલના શિષ્ટાચાર અલાયદા છે. જગ્યા હોય કે વ્યવહાર, દરેકના શિષ્ટાચાર અલગ હોવાના અને એ હોવા પણ જોઈએ, કારણ કે જ્યારે પણ શિષ્ટાચાર તૂટે છે ત્યાં સંબંધો અને વ્યવહારોમાં અંતર આવવું શરૂ થઈ જતું હોય છે. ઑફિસનો શિષ્ટાચાર અલગ છે, ઘરનો શિષ્ટાચાર પણ જુદો હોય છે. ફોન કરવા માટે શિષ્ટાચાર પણ અલગ હોય અને રૂબરૂ મળવા જવાનો શિષ્ટાચાર પણ જુદો હોય છે. તમે કોઈના અંગત મિત્ર હો તો શિષ્ટાચારમાં છૂટ લઈ શકો, તમે કોઈના સ્નેહીજન હો અને સામેની વ્યક્તિની યાદીમાં પણ તમે સ્નેહીજનની કૅટેગરીમાં આવતા હો તો તમે બોલચાલમાં પણ છૂટ લઈ શકો અને તમે વાતચીત, વ્યવહારમાં પણ છૂટ લઈ શકો. મળવા જવાના સમયમાં પણ હકથી છૂટછાટ લેવી હોય તો લઈ શકાય અને ફોન કરવાની બાબતમાં પણ છૂટ લેવાનો અવકાશ રહે, પણ એ ત્યારે જ જ્યારે સ્નેહીજનની યાદીમાં તમારો સમાવેશ થતો હોય.
શિષ્ટાચાર, મેનર્સ.
આ શિષ્ટાચાર આપણે અત્યારે પણ પાળીએ જ છીએ, પણ એ પાળવામાં હવે વૉટ્સઍપે અઢળક છૂટછાટ આપી દીધી છે. કહોને, વૉટ્સઍપને કારણે લોકોએ છૂટછાટ લઈ લીધી છે. વૉટ્સઍપ સામે મારો કોઈ વિરોધ નથી અને મને એની સામે કોઈ વાંધો પણ નથી, પણ અતિરેક સામે મારો ચોક્કસ વિરોધ છે. મને લાગે છે કે વૉટ્સઍપની બાબતમાં પણ હવે મૅનર્સ પાળવાનું શરૂ થવું જોઈએ. આ પહેલાં પણ કહ્યું છે અને આજે ફરીથી કહું છું. આનું એક કારણ પણ છે. આજના સમયમાં તમે આ પ્રકારના સોશ્યલ મીડિયાથી દૂર રહી શકવાના નથી અને દૂર રહેવું પણ વાજબી નથી, પણ જો કોઈ એનો અતિરેક કરી રહ્યું હોય અને એના અતિરેકનો શિકાર તમે બનવાના હો તો આ ઉપયોગને મૅનર્સ સાથે જોડી દેવો જોઈએ અને એ મૅનર્સ વાપરવાનું કે એનો વપરાશ લોકોએ કઈ રીતે કરવો એ પણ શીખવી દેવું જોઈએ.
મન પડે ત્યારે વૉટ્સઍપની ઘંટડી વાગે એ યોગ્ય છે જ નહીં. તમે સ્ટેટસમાં લખીને રાખ્યું હોય કે કામના અને અગત્યના જ મેસેજ કરવા, પણ એ પછી પણ તમારા આત્મીયજન તમને દરરોજ સવારે ગાંઠિયા અને જલેબીનો થાળ મોકલી જ દે. ભાઈ, એટલો જ પ્રેમ ઊપજે છે તો મારા વિલે પાર્લેના ઘરે પડીકાં જ મોકલોને. હું ખાઈને રાજી થઈશ. કાં સવારના પહોરમાં ગાંઠિયા અને જલેબી આવે, કાં કૉફીનો એક કપ આવે, કાં વૉટ્સઍપ કવિ સરસમજાની પંક્તિ લખેલી શાયરી મોકલે અને બીજું કંઈ ન સૂઝે તો સવારના સમયે ફૂલોનો ગુલદસ્તો મોકલી દે. આવું મોકલનારા જેકોઈ મહાશય હોય એ મહાશયને ચોક્કસ જગ્યાએ લાત મારવાનું મન થઈ આવે. મફતમાં મળતી આ સેવાનો દુરુપયોગ કરવા બદલ એ સૌ સામે ખરેખર પોલીસ-કેસ કરવો જોઈએ, જેથી સાલાઓને સમજ પડે. પોલીસ-કેસ થાય અને સમજદારી આવે એ પહેલાં સમય આવી ગયો છે કે આપણે મૅનર્સના રસ્તે ચાલીએ અને વૉટ્સઍપ મૅનર્સનો અમલ કરીએ. મૅનર્સ વિનાના કોઈ સંબંધોમાં ઉષ્મા નથી હોતી અને હૂંફ વિનાના સંબંધો હંમેશાં તકલીફ આપનારા પુરવાર થતા હોય છે. 
સમજો તો હિતમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2022 03:47 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK