Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ‘ગંગા જમના’, ‘દીવાર’, ‘બાઝીગર’ અને ‘બચના અય હસીનોં’

‘ગંગા જમના’, ‘દીવાર’, ‘બાઝીગર’ અને ‘બચના અય હસીનોં’

16 October, 2021 07:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આદર્શવાદી દિલીપકુમાર માના કંગન માટે લાલાના પગ પકડતો અને રણબીર કપૂરે એવો હીરો દેખાડ્યો જે અનેક છોકરીઓના પ્રેમમાં પડવાનો દેખાવ કરીને તેમની સાથે મજા કરતો

‘ગંગા જમના’, ‘દીવાર’, ‘બાઝીગર’ અને ‘બચના અય હસીનોં’

‘ગંગા જમના’, ‘દીવાર’, ‘બાઝીગર’ અને ‘બચના અય હસીનોં’


આ એવી ફિલ્મો છે જેણે ફિલ્મોને ચેન્જ કરવાનું કામ કર્યું. તમે આ ફિલ્મોના હીરોને જોશો તો સમજાશે કે આ ચારેચાર ફિલ્મોના હીરો સમયાંતરે ચેન્જ થતા આવ્યા છે. આદર્શવાદી દિલીપકુમાર માના કંગન માટે લાલાના પગ પકડતો અને રણબીર કપૂરે એવો હીરો દેખાડ્યો જે અનેક છોકરીઓના પ્રેમમાં પડવાનો દેખાવ કરીને તેમની સાથે મજા કરતો

ફિલ્મો જોવાનો મને ગજબનાક શોખ છે. ડિજિટલ યુગને કારણે ભાષાનું બૅરિયર હવે નડતું નથી. દુનિયાઆખીની ફિલ્મ સબ-ટાઇટલ સાથે જોવા મળે છે અને આ તો પંદરેક વર્ષ પહેલાં સ્ટાર મૂવીઝ અને સોની મૂવીઝ ચૅનલ સમયથી જ થઈ ગયું હતું કે ફિલ્મ કે શો સાથે સબ-ટાઇટલ આવતાં હોય. એ સબ-ટાઇટલને કારણે ફિલ્મો જોવી પણ ગમતી અને ક્યારેક કશું ન સમજાય તો સમજવું પણ સરળ થઈ જાય. જ્યારે પણ ફ્રી સમય મળે એટલે મારી પાસે ટામઇપાસનો એક જ વિકલ્પ હોય, ફિલ્મો જોવાનું. ફિલ્મો જોવાનું આ જે વળગણ છે એને જ લીધે કદાચ હું ફિલ્મલાઇનમાં આવ્યો હોઈશ એવું કહું તો ચાલે.
ફિલ્મોમાં આવ્યા પછી તો વર્લ્ડ સિનેમા જોવાનું કામ મારે માટે લર્નિંગ એક્સ્પીરિયન્સ બની ગયો છે એવું કહું તોય ચાલે. વર્લ્ડ સિનેમામાં હું માર્ટિન સ્કોર્સિસ નામના હૉલીવુડ ડિરેક્ટરને ફૉલો કરું. માર્ટિન સ્કોર્સિસે બહુ સરસ એક રીત શીખવી છે. એ રીત વિશે વાત કરતાં પહેલાં હું કહીશ કે માર્ટિને વર્લ્ડની બેસ્ટ ફિલ્મો પૈકીની કેટલીક ફિલ્મો ડિરેક્ટ કરી છે. ‘ધી એવિયેટર’, ‘ગુડ ફેલાસ’, ‘ધી ડિપાર્ટેડ’, ‘ધી વૂલ્ફ ઑફ વૉલ સ્ટ્રીટ’, ‘ગૅન્ગ્સ ઑફ ન્યુ યૉર્ક’, ‘આફ્ટર અવર’, ‘કસીનો’, ‘ટૅક્સી ડ્રાઇવર’ જેવી ‘એ’-ગ્રેડની ફિલ્મો ડિરેક્ટર કરનારા માર્ટિન સ્કોર્સિસે કહ્યું કે જો તમારે ફિલ્મમેકિંગ ફિલ્મોમાંથી જ શીખવું હોય તો તમારે ફિલ્મોમાં આવતા ચેન્જને જાણવો અને સમજવો જોઈએ અને એ સમજવા માટે તમારે ફિલ્મોનાં સૉન્ગ્સથી માંડીને સ્ટોરી-ટેલિંગ, ઍક્ટિંગ અને ડિરેક્શનમાં જે ચેન્જ આવ્યો એને ઓળખવો પડે અને એ ઓળખવા માટે તમારે દરેક દસકાની ફિલ્મો જોવી જોઈએ અને એની શરૂઆત પ્રાથમિક તબક્કાથી કરવી જોઈએ.
માર્ટિનની આ જ વાતને હું કન્ટિન્યુ કરીને કહું તો તમે અગાઉની જૂની ફિલ્મો જુઓ, એ જોશો તો તમને ખ્યાલ આવશે કે એ સમયમાં શું બનતું હતું, એ જમાનામાં વાત કરવાની રીત કેવી હતી, દુશ્મની પણ કેવી રીતે કાઢવામાં આવતી અને પ્રેમ પણ કેવી રીતે દેખાડવામાં આવતો. આજના સમયમાં લવ-મેકિંગ સીક્વન્સને કોઈ જાતની શેહશરમ વિના દેખાડી શકાય છે, પણ તમે અગાઉના સમયની ફિલ્મો જુઓ; બે ફૂલ એકબીજાને પપ્પી કરતાં હોય એવું દેખાડી દેવામાં આવતું કે પછી બે ચકલીઓ દેખાડીને એવું પુરવાર કરી દેવામાં આવતું કે હવેનું તમે સમજી જશો.
હૉલીવુડ હોય કે બૉલીવુડ, નિયમ આ જ લાગુ પડે. દરેક ફિલ્મોમાં એ ચેન્જ દેખાતો જ હોય છે. માર્ટિન સ્કોર્સિસે કહેલી વાત મને એવી તે મારા મનમાં સ્ટોર થઈ છે કે હું ફિલ્મ જોતો નથી, હું ફિલ્મો ઑબ્ઝર્વ કરું છું અને આ ઑબ્ઝર્વેશન જ મને સમજાવે છે કે સમય અનુસાર ચેન્જ સ્વીકાર્ય છે અને એ સ્વીકારવામાં જ સૌકોઈની ભલાઈ છે. મેં ફિલ્મોમાં એ ચેન્જ જોયો છે જે ચેન્જ થકી આખી ઇન્ડસ્ટ્રી ચેન્જ થઈ હોય. આ ચેન્જ ક્યારેય કહીને નથી આવતો, પણ એ એકાદ ફિલ્મ થકી આવે. ‘ગંગા જમાના’નો હીરો જુદો હતો, તો એ પછીના દસકામાં ‘દીવાર’ આવી અને ઍન્ગ્રી યંગ મૅનનો જન્મ થયો. ‘બાઝીગર’ ફિલ્મે પણ એક જુદા જ હીરોને જન્મ આપ્યો તો ‘બચના અય હસીનોં’થી એવો લવરબૉય જોવા મળ્યો જે માત્ર ને માત્ર ફન ખાતર ગર્લફ્રેન્ડ બનાવતો અને પછી રિયલ પ્રેમને જોઈને તેને સમજાયું કે પોતે જે કરે છે એ ખોટું કરે છે. જરા વિચારો કે અગાઉ ક્યારેય એવું બનતું? ‘બાઝીગર’ યાદ કરો. હીરો ચીટિંગ કરે અને ચીટિંગ કરીને એ મર્ડર કરે એવું ક્યારેય કોઈએ કલ્પના નહોતી કરી, પણ એવું ‘બાઝીગર’માં બન્યું અને એ દસકાનો ચેન્જ ફિલ્મોમાં દેખાયો.
ગુજરાતી ફિલ્મોને પણ આ જ વાત લાગુ પડે છે. તમે જૂની ગુજરાતી ફિલ્મો જોશો તો તમને ખ્યાલ આવશે કે એ ફિલ્મો નાના સમૂહની ફિલ્મો હતી. એમાં ગામડાની વાત હતી અને એ સમયની તકલીફોની વાતો એમાં કહેવામાં આવતી. એ પિરિયડની ફિલ્મોમાં પુરવાર થતું કે એ લિમિટેડ ઑડિયન્સ પૂરતી સીમિત રહેતી. એ ફિલ્મો અમેરિકા-યુરોપમાં નહોતી જોવાતી અને ગુજરાતની બહાર પણ ભાગ્યે જ જતી. એ વખતે આપણી પાસે મોટી માર્કેટ નહોતી. ફિલ્મોને લક્ઝરી ગણવામાં આવતી અને ફિલ્મો જોવા જનારા વર્ગ પાસે મનોરંજનનો કોઈ ઑપ્શન નહોતો. ટીવી હજી નવાં-નવાં આવ્યાં હતાં અને એ મોંઘાં હતાં એટલે એનો વ્યાપ બહુ વધ્યો નહોતો, પણ સમય જતાં એમાં પણ ચેન્જ આવ્યો અને એ ચેન્જની સાથે માર્કેટિંગ સ્ટ્રૅટેજી ઉમેરાઈ. 
અર્બન ગુજરાતી ફિલ્મ. 
માર્કેટિંગની આ સ્ટ્રૅટેજી સક્સેસફુલ રહી એવું કહીએ તો ખોટું નહીં કહેવાય. આ વર્ડ કૉઇન થયો અને એ ફિલ્મો સાથે જોડાયો, જેની પાછળ ટર્બન ગુજરાતી ફિલ્મ વર્ડ પણ આવ્યો અને શહેરી તથા ગામડાની વાત કહેતી ફિલ્મોને ડિફર્ન્સિએટ કરવાનું શરૂ થયું. એમાં કશું ખોટું પણ નથી. સમય જતાં નવું ઑડિયન્સ ઊભું કરવું પડે અને નવા ઑડિયન્સ માટે તમારે પ્રયાસ કરવા પડે. અર્બન ગુજરાતી ફિલ્મોએ એ કામ કર્યું. આજે જેટલું પણ ઑડિયન્સ છે, જેવું પણ ઑડિયન્સ છે એ ઑડિયન્સ ગુજરાતી ફિલ્મોની નવી જનરેશન દ્વારા ઊભું થયું છે. ઘણા એવી દલીલ કરે છે કે અર્બન ગુજરાતી ફિલ્મો પાસે સબ્જેક્ટ નથી, ગુજરાતી ફિલ્મ-મેકર્સ પાસે સાહિત્ય નથી. ના, એવું બિલકુલ નથી. 
આપણી પાસે ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, કુન્દનિકા કાપડીઆ જેવાં દિગ્ગજો છે અને તેમનું સર્જન પણ આપણી સમક્ષ છે, પણ મર્યાદા ઑડિયન્સની છે. વ્યક્તિ પોતાની અગાઉની સક્સેસને જ પકડીને આગળ વધવા માગે છે. તમે માનશો નહીં, પણ મને આજે, ઑલમોસ્ટ એક દસકા પછી પણ ‘છેલ્લો દિવસ’માં મેં જે રોલ કર્યો હતો એવો જ રોલ ઑફર થાય છે. છેલ્લાં ત્રણ વર્ષથી મારી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ ચાલી રહી છે. આ ત્રણ વર્ષમાં મને ૨૦થી વધુ ફિલ્મો એવી ઑફર થઈ છે જેમાં હીરોને કૅન્સર હોય અને છેલ્લે તે મરવાનો હોય. 
હું એવું તો નહીં કહું કે આ ખોટું છે. આજે ગુજરાતી ફિલ્મ પણ ત્રણ-ચાર કરોડની બને છે તો નૅચરલી પ્રોડ્યુસર પોતાના પૈસાની સેફ્ટી પણ જોશે જ અને ગુજરાતી ફિલ્મ બિઝનેસની બાબતમાં બહુ હાલકડોલક અવસ્થામાં રહી છે, પણ એની સામે દસકાને ચેન્જ કરવાની નીતિ પણ ક્યાંક ને ક્યાંક હોય એ પણ જરૂરી છે. આપણે માત્ર ને માત્ર જે સફળ છે એને ધ્યાનમાં રાખીને જ કામ કરતા રહીશું તો લોકો કંટાળશે અને લોકો કંટાળશે તો આપણે જ કહીશું કે ઑડિયન્સ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ નથી કરતું. મરાઠી કે બંગાળી ફિલ્મોની તમને વાત સમજાવું. આ બન્ને લૅન્ગ્વેજ પાસે તામિલ-તેલુગુ જેટલું માર્કેટ નથી, પણ એમ છતાં મરાઠી, બંગાળી ફિલ્મો ઉત્કૃષ્ટ લેવલની બને છે અને લોકોએ જુએ પણ છે પણ આવું શું કામ બને છે એ સમજવું પડશે.
કૉન્ફિડન્સ. ઑડિયન્સને કૉન્ફિડન્સ છે કે તેમને જે આપવામાં આવશે, પીરસવામાં આવશે, દેખાડવામાં આવશે એમાં તેમને આનંદ આવશે. આ કૉન્ફિડન્સ આપણે બિલ્ટઅપ કરવો પડશે અને એ બિલ્ટઅપ કરવા માટે આપણે શ્રેષ્ઠતમ ફિલ્મો આપતા જવું પડશે. એક ફિલ્મ સારી ચાલે એટલે ચાલો ફટાફટ બીજી ફિલ્મ બનાવીએ એવી નીતિ રાખીશું તો નહીં ચાલે. હું અહીં કહીશ કે આપણા મેકર્સે સંજય લીલા ભણસાલી અને રાજુ હીરાણીના લેવલ પર જઈને રહેવું પડશે અને જે એ કૉન્ફિડન્સ આપે છે એ કૉન્ફિડન્સ ગુજરાતી ઑડિયન્સમાં પણ ઊભો થાય એવું સર્જન કરવું પડશે.
એ પણ એટલું જ સાચું છે કે આપણે ત્યાં સબ્જેક્ટ એક્સપ્લોર નથી થતા એવું પણ નથી. ‘હેલ્લારો’ બની અને એને નૅશનલ અવૉર્ડ પણ મળ્યો. એ ફિલ્મ બનાવતી વખતે કોઈને ખ્યાલ નહીં હોય કે ફિલ્મ આ લેવલે ખ્યાતિ પામશે. મારું કહેવું એ છે કે સક્સેસ અને લૅન્ડમાર્ક એ પ્લાન્ડ પ્રોસેસ નથી હોતી. એ ક્રીએટિવ પ્રોસેસ છે, એમાં કોઈ જાતનું પ્લાનિંગ કામ નથી લાગતું. તમારે એ પ્રોસેસ કરતા જવાનું અને આગળ વધતા જવાનું. 
પણ હા, એને માટે સબ્જેક્ટ એક્સપ્લોર કરતા જવાનું અને એને માટે હિંમત રાખવાની. જો એવું થતું રહેશે તો જ નવી ફિલ્મો નવી દિશા ખોલશે અને જો નવી દિશા ખૂલશે તો જ નવા સબ્જેક્ટ્સ મળશે અને જો નવા સબ્જેક્ટ્સ મળશે તો જ માર્ટિન સ્કોર્સિસ કહે છે એ રીતે નવા દસકાની નવી શરૂઆત થશે, પણ હા, એ કરવા માટે અલર્ટ રહેવું પડશે અને આપણે એને માટે સતત મહેનત કરતા રહેવું પડશે.



આજે ગુજરાતી ફિલ્મો પણ ત્રણ-ચાર કરોડની બને છે, નૅચરલી પ્રોડ્યુસર પૈસાની સેફ્ટી જોશે જ અને ગુજરાતી ફિલ્મ બિઝનેસની બાબતમાં બહુ હાલકડોલક અવસ્થામાં રહી છે, પણ એની સામે દસકાને ચેન્જ કરવાની નીતિ પણ ક્યાંક ને ક્યાંક હોય એ પણ જરૂરી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2021 07:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK