Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મૈં ઝુકેગા નહીં

મૈં ઝુકેગા નહીં

16 January, 2022 11:46 AM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

આવતા સમયમાં એવું બને તો નવાઈ નહીં કે લૅન્ગ્વેજ કોઈ પણ હોય, એ ઇન્ડિયન ફિલ્મ તરીકે જ ઓળખાશે. ‘પુષ્પા’ અને આવતા દિવસોમાં રિલીઝ થનારી ‘આરઆરઆર’ જેવી ફિલ્મ આ વાતને ફાઇનલ સ્ટૅમ્પ મારવાનું કામ કરે છે

મૈં ઝુકેગા નહીં

મૈં ઝુકેગા નહીં


હમણાં સાઉથની એક ફિલ્મ રિલીઝ થઈ. ટાઇટલ એનું ‘પુષ્પા’. જબરદસ્ત હિટ થઈ. એવી તે હિટ કે એ ફિલ્મે મેઇન સ્ટ્રીમની કહેવાય એવી હિન્દી ફિલ્મને પણ પાછળ છોડી દીધી. એનું કારણ શું અને એ કેમ સુપરહિટ થઈ એના પર આપણે વાત નથી કરવી. આપણે વાત કરવાની છે એ કે આવતા સમયમાં એવું બનવાનું છે કે લૅન્ગ્વેજ કોઈ પણ હોય; એ મેઇન સ્ટ્રીમ મૂવી કે પછી ઇન્ડિયન ફિલ્મ તરીકે જ જોવામાં આવશે, ઓળખવામાં આવશે. ‘પુષ્પા’ને મળેલી સક્સેસના આધારે આ વાત નથી કહેતો, પણ આવતા સમયમાં આવનારી સાઉથની ફિલ્મોની જે પ્રકારે રાહ જોવાઈ રહી છે, જે રીતે એમનું પ્રમોશન થાય છે અને જે પ્રકારે એમની પબ્લિસિટી ડિઝાઇન થાય છે એ જોઈને પણ આપણે સ્વીકારવું પડે કે બહુ ઝડપથી દેશની તમામ ભાષાઓ એક થઈ જવાની છે. ઍટ્ લીસ્ટ એન્ટરટેઇનમેન્ટના ફીલ્ડમાં તો આ વાત લાગુ પડશે જ પડશે. અફકોર્સ એવું બનશે તો હિન્દી ફિલ્મોએ જ વધારે હેરાન થવું પડે એવું લાગે છે, કારણ કે આપણી ફિલ્મો એક ચોક્કસ માળખામાં ગોઠવાયેલી હોય છે; જ્યારે સાઉથની ફિલ્મોએ તમામ માળખાઓથી પર રહીને કામ કરવામાં પણ ક્યારેય ગભરાટ નથી કર્યો. આપણે જોયું છે કે સાઉથની ફિલ્મ આપણી હિન્દી ફિલ્મ કરતાં પણ વધારે લાર્જર કૅન્વસ પર બને છે. બજેટથી માંડીને ક્રીએટિવ બાબતોમાં એમને કોઈ બાંધછોડ નથી હોતી અને એટલે જ ઇન્ડિયન ફિલ્મ-ઇન્ડસ્ટ્રી તરીકે એને હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે ગણવામાં આપણું જ ગૌરવ વધવાનું છે.
આજની વાત નથી. અગાઉથી, કહો કે દશકાઓથી આ કામ થતું આવ્યું છે. રજનીકાંત, કમલ હાસનથી માંડીને રામારાવ અને અરવિંદ સ્વામી જેવા અનેક સ્ટાર્સે પોતાની કરીઅર જોખમ પર મૂકીને પણ જે પ્રકારના સબ્જેક્ટ કર્યા છે એ આપણી ઇન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ કોઈ વિચારી શકે, કરી શકે. હા, આમિર ખાન અને છેલ્લા થોડા સમયથી રણબીર સિંહ એવા સબ્જેક્ટ કરતા થયા છે તો શાહરુખ ખાને પણ હટકે કહેવાય એવા રોલ કરવાની કોશિશ કરી, પણ લોકો સુધી એ કૅરૅક્ટર પહોંચ્યાં નહીં. જોકે સાઉથમાં આ વાત લાગુ નથી પડતી. અલ્લુ અર્જુન હોય એનાથી વધારે કાળો બને, દેખાય છે એના કરતાં સાવ ડમ્બ બનવાનું કામ પણ કરે અને ઑડિયન્સ તેની મહેનતને બે મોઢે વધાવી લે. કયા ઍક્ટરને એની ખુશી ન હોય? કયો ઍક્ટર એવો હોય જે બીજી વાર રિસ્ક લેવાની હિંમત ન કરે. 
અલ્લુ અર્જુને ‘પુષ્પા’માં જે પ્રકારનો રોલ કર્યો એ જોઈને ખરેખર તમને વિચાર આવે કે આપણે ત્યાંનો એક પણ ચૉકલેટી હીરો આ કરવાની હિંમત ન કરે. અલ્લુ અર્જુન ચૉકલેટી નથી, પણ તે અજય દેવગનથી જરાય ઓછો કે ઊતરતો હૅન્ડસમ નથી અને એ પછી પણ તેણે જે પ્રકારે પોતાના કૅરૅક્ટર માટે કામ કર્યું છે એ ખરેખર અનબિલીવેબલ છે. યાદ કરો જો તમને ‘અપ્પુ રાજા’ યાદ હોય તો. કમલ હાસને એ ફિલ્મમાં ડબલ રોલ કર્યો હતો અને એક રોલમાં તેઓ ઠીંગણા બન્યા હતા. એ સમયે તો વીએફએક્સની કમાલ આજના સ્તર જેટલી ડેવલપ પણ નહોતી થઈ અને એ પછી પણ તેણે ઠીંગણાના રોલ માટે મહેનત કરી. હજી હમણાં જ કમલ હાસનના એક બેસ્ટ ફ્રેન્ડની સાથે વાત ચાલતી હતી ત્યારે ખબર પડી કે એ ફિલ્મમાં પોતે ઠીંગણા દેખાવા માટે ઘૂંટણ પર ચાલતા શીખ્યા હતા અને ઑલમોસ્ટ બે મહિના સુધી ઘૂંટણ પર જ ચાલ્યા હતા અને એ પહેલાં લિટરલી સર્કસમાં જઈને ટ્રેઇનિંગ લીધી હતી.
‘બાહુબલી’ની વાતો આપણે કરીએ છીએ, પણ એ માટે પ્રભાસે જે ટ્રેઇનિંગ લીધી હતી એની વાત જો આજે તમે સાંભળો તો તમને એવું જ લાગે કે ફિલ્મની સક્સેસનો બધો જશ તેને મળે છે તો એમાં ખોટું નથી. પ્રભાસ ચાર મહિના જંગલમાં રહ્યો હતો. લાઇટ નહીં, કુકિંગની કોઈ સિસ્ટમ નહીં અને પગમાં ચંપલ પણ નહીં. પ્રભાસે પોતે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે કેટલીક બાબતો ન કરો તો પણ કશું થતું નથી હોતું, પણ એ કરવાથી જે ઇન્ટેન્સિટી આવવી જોઈએ એ આવે છે. ‘બાહુબલી’માં એ ઇન્ટેન્સિટી દેખાતી જ નહોતી, એનો અનુભવ પણ આપણે કરી શકતા હતા. આપણને આ વાત વાંચતી વખતે ન સમજાય, પણ તમે ફિલ્મ જુઓ તો એ કૅરૅક્ટર એકદમ કન્વિન્સિંગ લાગે છે એનું કારણ પણ આ જ છે. મહેનત થવી જોઈએ અને આપણે ત્યાં એ મહેનતનો અભાવ છે અને જ્યારે પણ એ મહેનત આપણા સ્ટાર્સે પણ કરી છે ત્યારે એનું રિઝલ્ટ આપણે આપ્યું જ છે.
આમિર ખાનની ‘દંગલ’ જુઓ તમે. કૅરૅક્ટર બનવા માટે તેણે લીધેલી મહેનત તમને દેખાશે અને એ જે મહેનત છે એ જ મહેનતનું પરિણામ ફિલ્મને મળ્યું છે. યાદ રાખજો, બીઇંગ એ ઍક્ટર હું કહીશ કે ક્યારેય પ્રોજેક્ટ નથી ચાલતા, ક્યારેય નહીં. ચાલે તો સિનેમા જ છે અને જ્યારે પણ સિનેમાની મહેનત જે પણ લૅન્ગ્વેજમાં થઈ છે ત્યારે એ મહેનતનું રિઝલ્ટ મળ્યું જ છે, જ્યારે પણ આ કામ થયું છે. તમારે દૂર સુધી ન જવું હોય તો જોઈ લો ‘સંજુ’, જોઈ લો તમે ‘થ્રી ઇડિયટ્સ’ કે પછી રણબીર સિંહની હમણાં જ આવેલી ‘83’. હું અહીં આડવાત સાથે એક વાત કહેવા માગું છું કે ‘83’ ફ્લૉપ ગઈ એવું જે કોઈ કહે છે એ સૌને મારે કહેવાનું કે એ ફ્લૉપ નથી ગઈ, પણ સબ્જેક્ટની લિમિટેશનના કારણે એ ફિલ્મ એક ચોક્કસ લૅન્ડમાર્ક પર પહોંચીને ઊભી રહી ગઈ.
ક્રિકેટ આજે તમારા માટે રાષ્ટ્રીય ધર્મ છે અને ક્રિકેટર તમારા માટે ભગવાન છે, પણ એ વાત બધા સાથે લાગુ નથી પડતી. ક્રિકેટને લગતી વાત ફૅમિલીમાં બધાને જ ગમતી હોય એવું ધારી ન શકાય. એને લીધે એવું બન્યું કે ફૅમિલી સાથે જોવા જવાની હિંમત એક સમય પછી અમુક લોકો કરતા બંધ થઈ ગયા અને રાહ જોવા માંડ્યા કે આ ફિલ્મ ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવે ત્યારે જોઈ લઈશું. જોકે એનો અર્થ એવો બિલકુલ નથી કે ફિલ્મ ફ્લૉપ ગઈ. ના, બિલકુલ એવું બન્યું નથી. ફિલ્મ સારી જ છે અને એમાં જે કોઈએ કામ કર્યું છે એ બેસ્ટ કર્યું છે, પણ ફિલ્મ એના સબ્જેક્ટના કારણે એક ચોક્કસ માઇલસ્ટોન પર આવીને ઊભી રહી ગઈ. ‘83’માં એ સમયના વર્લ્ડ કપની પાંચ મૅચ - ઇમ્પોર્ટન્ટ મૅચનું રેક્રીએશન કરવામાં આવ્યું છે. એ જોવામાં એને જ રસ હોવાનો, એને જ ઇન્ટરેસ્ટ પડવાનો જે ક્રિકેટને ફરીથી લાઇવ થતું પોતાની આંખ સામે જોવા માટે રાજી હોય.
આ હકીકતને ધ્યાનમાં રાખીને એવું માનવું નહીં કે ‘પુષ્પા’એ ‘83’ને હરાવી દીધી. ના, ‘પુષ્પા’માં વાર્તા છે, જ્યારે ‘83’ અમુક લેવલ પર આગળ વધ્યા પછી ડૉક્યુ-ડ્રામા બની જાય છે અને ડૉક્યુ-ડ્રામા જોવામાં દરેકને રસ નથી હોવાનો. ‘તલવાર’ યાદ છેને તમને. મેઘના ગુલઝારની એ ફિલ્મ પણ દરેકને ગમી નહોતી અને એ પછી પણ એ ફિલ્મ હિટ હતી, કારણ કે એક ડૉક્યુ-ડ્રામા બની ગયેલી. એ ફિલ્મના બેઝમાં એક ઘટના હતી અને દરેકને એ ઘટના જોવામાં ઇન્ટરેસ્ટ નહોતો એટલે ચોક્કસ ઑડિયન્સ જ એ ફિલ્મ જોવા માટે ગયું હતું, પણ ફિલ્મ બેસ્ટ હતી જ હતી. એવી જ રીતે ‘83’ બેસ્ટ છે જ છે. વાત માત્ર ઇન્ટરેસ્ટની છે અને એ દરેકનો સેમ હોય એવું કોઈ હિસાબે ધારી ન શકાય. એની સામે સાઉથની ફિલ્મોનું જે સત્ત્વ છે એ સત્ત્વને પણ તમે અવગણી શકવાના નથી અને એ અવગણના નથી થઈ શકતી એટલે જ કહેવું પડે એમ છે કે હવે એ સમય દૂર નથી કે આ દેશ ઇન્ડિયન સિનેમાને જોતો થશે. ભાષા કોઈ પણ હોય; એ નૅશનલ ઑડિયન્સને, પાન ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને જ બનશે અને એ જ સૌ કોઈના હિતમાં છે. જો એવું નહીં બને તો ‘પુષ્પા’માં હીરો કહે છેને એવું બનશે... 
મૈં ઝુકેગા નહીં...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2022 11:46 AM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK