Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મમ્મી જેવી સાબુદાણાની ખીચડી બનાવવાનો અનુભવ ક્યારેય નહીં ભૂલું

મમ્મી જેવી સાબુદાણાની ખીચડી બનાવવાનો અનુભવ ક્યારેય નહીં ભૂલું

16 May, 2022 02:08 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

શાર્દુલ પંડિત ખાવાનો પણ શોખીન છે અને ડાયટિંગનો પણ. આ બન્ને વિરોધાભાસી બાબતોને તેણે મસ્ત રીતે સાંકળી લીધી છે અને પોતાનો ખાવાનો શોખ પણ પ્રેમથી તે પૂરો કરે છે

શાર્દુલ પંડિત

કુક વિથ મી

શાર્દુલ પંડિત


‘બંદિની’, ‘ગોદ ભરાઈ’, કિતની મોહબ્બત હૈ સીઝન-૨’, ‘કુલદીપક’, ‘સિદ્ધિવિનાયક’ જેવી સિરિયલોમાં કામ કરનારો શાર્દુલ પંડિત ખાવાનો પણ શોખીન છે અને ડાયટિંગનો પણ. આ બન્ને વિરોધાભાસી બાબતોને તેણે મસ્ત રીતે સાંકળી લીધી છે અને પોતાનો ખાવાનો શોખ પણ પ્રેમથી તે પૂરો કરે છે

રશ્મિન શાહ
rashmin.shah@mid-day.com
દિલ્હીના ખાનપાનની એટલી વાતો ચાલે છે કે મને કહેવાનું મન થાય કે આવું કહેનારાઓએ મધ્ય પ્રદેશ જોયું નહીં હોય. હા, મધ્ય પ્રદેશ એક વખત જાઓ અને જુઓ કે ત્યાં ખાણી-પીણીની દુનિયા કેવી જોરદાર છે. મારો જન્મ ઇન્દોરમાં એટલે કે મધ્ય પ્રદેશમાં થયો અને હું તો કહીશ કે મધ્ય પ્રદેશમાં જે જન્મ્યા હોય તેમના જેવો ખાવાનો શોખીન આ આખી દુનિયામાં કોઈ નહીં હોય. મારું પણ એવું જ છે.
હું બધી જ ટાઇપના ક્વિઝીન ટ્રાય કરું અને બહુ દિલથી ખાઉં. મન મારીને જીવવું આમ પણ મારો સ્વભાવ નથી. ઇન્ડસ્ટ્રીમાં જ્યારે નહોતો આવ્યો ત્યારે ખાઈ-પીને તગડો હતો. વજન હતું ૧૧૦ કિલો. મારી દૃષ્ટિએ તમારા વજનમાં તમે કયા ટાઇપનું ફૂડ કેટલી ક્વૉન્ટિટીમાં ખાઓ છો એનું બહુ મહત્ત્વ છે અને મેં બહુ જ વ્યક્તિગત રીતે એનો અનુભવ કર્યો છે. બેહિસાબ અને બેરોકટોક ખાવાનો અનુભવ અને પછી સંપૂર્ણ કન્ટ્રોલ કરવાનો અનુભવ લીધો છે. વજન ઘટાડવાની ટ્રાન્સફૉર્મેશનલ જર્ની પણ આખી જોઈ છે અને મદનિયામાંથી હરણ જેવી કમનીય કાયા કહેવાય એમાં દાખલ થવાની યાત્રા પણ મેં જોઈ છે. જોકે અત્યારે આપણે એ વાત નથી કરવી. મને આજે લાંબા સમય પછી ફૂડ પર બોલવા મળ્યું છે અને એ વાત કરવાની વાતે જ મારા મોઢામાં પાણી લાવી દીધું છે.
દેશી ફૂડનો છું આશિક | હું ટ્રાવેલ ખૂબ કરું છું એટલે ઇન્ટરનૅશનલ ક્વિઝીનનો પણ અનુભવ છે. જૅપનીઝ, ઇટાલિયન, લેબનીઝ, ચાઇનીઝ, કૉન્ટિનેન્ટલ ટાઇપનું એમ બધા જ પ્રકારનું ફૂડ ભરપૂર પ્રમાણમાં ખાઈ ચૂક્યો છું અને એ પછી એવા મત પર પહોંચ્યો છું કે દેશી તો દેશી છે. આપણું હિન્દુસ્તાની દેશી ભોજન બહુ જ અન્ડરરેટેડ રહ્યું છે. જોઈએ એટલું માઇલેજ એને મળ્યું નથી, પરંતુ એ છે અદ્ભુત સ્વાદિષ્ટ. 
ભારતીય ભોજનની લિજ્જત અને મહિમા તમારે ઇન્ડિયાની બહાર રહેનારા લોકોને પૂછવાં જોઈએ. આપણા ભોજનનો જુદા સ્તરનો દબદબો દુનિયાભરમાં છે. ઍનીવે, આજકાલ મારા માટે ઇન્ડિયન ફૂડ અને ખાસ તો ઘર કા ખાના એ સૌથી ફેવરિટ લિસ્ટમાં છે. બહારનું ગમે એટલું ખાઓ તો તમને સંતોષ ન થાય, પણ ઘરના દાલ-ચાવલ પણ ખાઈ લો તો તમે એકદમ મસ્ત સંતુષ્ટ થઈ જાઓ. 
મમ્મી મારી શ્રેષ્ઠ કુક | આખી દુનિયા એક તરફ અને મારી મમ્મીએ બનાવેલું ફૂડ એક તરફ. હા, સાવ સાચે કહું છું કે મમ્મી જેવું ખાવાનું કોઈ નહીં બનાવી શકે. મમ્મીના હાથનાં તો સિમ્પલ શાક-રોટલી પણ મારા માટે છપ્પનભોગથી જરાય ઓછાં કે ઊતરતાં નથી. મમ્મીના હાથની ઇન્દોરી સ્ટાઇલની સાબુદાણાની ખીચડી તમે એક વાર ચાખો તો બીજું બધું જ ભૂલી જાઓ. તેમના હાથના દાલ-બાફલાનો પણ કોઈ જવાબ નથી. 
મને યાદ છે કે એક વાર મેં સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. એમાં તો મમ્મીની રનિંગ ઇન્સ્ટ્રક્શન ફોન પર ચાલુ હતી અને છતાં જે ગોટાળા કર્યા હતા એ આજે પણ યાદ આવે છે ત્યારે મને હસવું આવે છે. અમુક ઇન્ગ્રેડિયન્ટ્સ તો હું ઓળખતો નહોતો અને વિડિયો કૉલ મેં કર્યો નહોતો એટલે તે જે વર્ણન કરે એના આધાર પર હું એ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખતો જઉં અને પછી એવી હાલત થઈ કે શું બન્યું એનું નામકરણ કરવાની પણ હિંમત ચાલી નહીં.
જનરલી, મારા હાથના પિત્ઝા મારા ઘરના બધા જ લોકોને ભાવે. એ સિવાય મૅન્ગો શેક્સ, શાહી ટોસ્ટ વગેરે પણ હું બનાવી લઉં છું. ઘણા અખતરાઓ વચ્ચે કહીશ કે સાબુદાણાની ખીચડી મારા જીવનનું એપિક ફેલ્યર હતું. એ સાબુદાણાની ખીચડી બનાવતાં એટલું સમજાયું કે ભોજન બનાવવામાં બહુ જ ધીરજ જોઈએ. જો તમે થોડાક પણ ઇમપેશન્ટ થયા તો તમારી આખી ડિશ 
બગડી શકે છે. ઇતિહાસ લખાય સાબુદાણાની ખીચડીનો તો મમ્મીનું નામ શ્રેષ્ઠમાં સૌથી ઉપર આવે અને મારું નામ વર્સ્ટમાં સૌથી નીચે જાય. ઘણી વસ્તુઓ ફોન પર હું જાતે મમ્મીની સલાહ લઈને બનાવતાં શીખ્યો છું.



સ્વાદનું રહસ્ય


ફૂડ બનાવતી વખતે એમાં પ્રેમ ભળ્યો હોય તો એનો સ્વાદ જુદો હોય અને ફૂડ-મેકિંગમાં પાણીનું બહુ મહત્ત્વ છે. એક જ આઇટમ સેમ ટુ સેમ ઇન્ગ્રેડિયન્ટ્સ પછી પણ જુદી-જુદી જગ્યાએ જુદો-જુદો સ્વાદ આપશે. જે મૅગી તમને શિમલા કે મનાલીમાં બેસીને ખાવાની મજા આવે એવો જ મૅગીનો સ્વાદ તમને મુંબઈમાં નથી આવતો એનું પણ આ જ કારણ છે કે બન્ને જગ્યાનું પાણી જુદું છે. પાણીનો સ્વાદ હોય છે અને એ સ્વાદ પ્રમાણે તમારાં ઇન્ગ્રેડિયન્ટ્સમાં ફેરફાર કરતા રહેવું જોઈએ એવું મારી મમ્મી કહેતી. વેલ મૅગીની વાત નીકળી છે તો કહીં દઉ કે હું સ્વીટ મૅગી બનાવું છું અને એનો સ્વાદ તમે વિચાર્યો સુધ્ધાં નહીં હોય. એ સ્વીટ મૅગીનો સ્વાદ હલવા જેવો હોય છે, પણ ટેક્સ્ચર સાવ ડિફરન્ટ હોય છે. 


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2022 02:08 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK