Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હું ક્યારેય હારતો નથી, કારણ કે મેં વાંચવાનું ક્યારેય છોડ્યું નથી

હું ક્યારેય હારતો નથી, કારણ કે મેં વાંચવાનું ક્યારેય છોડ્યું નથી

22 May, 2022 04:39 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

સ્પૅનિશ ફિલ્મનો આ એક ડાયલૉગ સૌકોઈએ યાદ રાખવાની જરૂર છે. આપણે વાંચવાની બાબતમાં એટલા આળસુ થતા જઈએ છીએ જેની કોઈ કલ્પના ન થઈ શકે. આપણા વાંચતા નથી અને એટલે જ આપણે વિઝનરી બનતા નથી

હું ક્યારેય હારતો નથી, કારણ કે મેં વાંચવાનું ક્યારેય છોડ્યું નથી

હું ક્યારેય હારતો નથી, કારણ કે મેં વાંચવાનું ક્યારેય છોડ્યું નથી


મારા ગુરુદેવ રત્નસુંદરવિજયજી મહારાજસાહેબ પાસેથી એક વાક્ય મેં સાંભળ્યું હતું. વર્ષો પહેલાં સાંભળેલું આ સેન્ટેન્સ એ પછી તો જુદી-જુદી રીતે મેં તેમની બુકમાં પણ વાંચ્યું. સારું પુસ્તક સારા મિત્રથી સહેજ પણ ઓછું નથી. એક સારી બુક તમને ઍડ્વાઇઝ આપવાનું કામ કરી શકે, તમારું વિઝન ખોલવાનું કામ પણ કરે અને એક સારી ચોપડી તમારા જીવનમાં પ્રકાશ લાવવાનું પણ કામ કરી શકે. મેં હમણાં જ એક ફ્રેન્ડ પાસે બુક્સ માટે ખૂબ સરસ વાત સાંભળી. તેણે મને સવાલ પૂછ્યો કે પૈસાદાર અને ધનવાન એટલે કે રિચ અને વેલ્થી વચ્ચે શું તફાવત હોય છે?
આમ તો દેખીતી રીતે આ બન્ને સરખા શબ્દો લાગે, પણ એમ છતાં મને એ સવાલમાં કંઈક અજુગતું લાગ્યું અને મેં જવાબ માટે મહેનત કરી, પણ જવાબ મળ્યો નહીં એટલે તેણે જ મને કહ્યું, ‘જેની પાસે આલીશાન ગાડી હોય તે પૈસાદાર અને જેના ઘરમાં લાઇબ્રેરી હોય તે ધનવાન.’
મારા ઘરમાં લાઇબ્રેરી નથી અને એ વાતનો મને અફસોસ આ જવાબ સાંભળ્યા પછી થયો હતો. લાઇબ્રેરી મુંબઈમાં ભાગ્યે જ કોઈના ઘરે હોય એવું મારું માનવું છે. મુંબઈમાં તો ઘરે બુક્સ ખરીદીને લાવવામાં આવે એ વાત પણ હવે અજુગતી લાગવા માંડી છે. અજુગતી લાગતી આ વાતમાં જેન્યુઇનલી તથ્ય છે. લૉકડાઉનના સમયમાં લોકો એવી વાતો કરતા થઈ ગયા હતા કે હવે તો ન્યુઝપેપર પણ લોકો ઑનલાઇન જ વાંચશે. જોકે એવું બન્યું નથી. એ દિવસો એવા હતા કે જ્યારે પ્રિન્ટ-કૉપી મળતી નહોતી એટલે લોકો નાછૂટકે ઑનલાઇન પેપર વાંચતા. બાકી પેપર હાથમાં લઈને એ વાંચ્યાની ખુશીની કમ્પૅરિઝન થઈ જ ન શકે અને ઑનલાઇન રીડિંગની જે આદત છે એ આદતની બાબતમાં આપણે ખરેખર સિરિયસ થઈને સુધારો કરવાની જરૂર છે અને વૉટ્સઍપ-વાંચનમાંથી બહાર આવવાની પણ જરૂર છે. 
વૉટ્સઍપ પર આવતા જોક અને એના પર આવતા ફિલોસૉફિકલ રીડિંગને વાંચીને આનંદ માણી લઈએ અને સંતોષ પણ લઈએ કે આપણે તો વાંચીએ છીએ. ના, એવું બિલકુલ નથી. રીડિંગની સાચી મજા બુક્સમાં અને ન્યુઝપેપરમાં જ આવે અને એ જ સાચી રીત પણ છે. તમે ડાઇનિંગ ટેબલ પર બેસીને પ્લેટમાં રોટલી મૂકો અને પછી સામે પિત્ઝાનો ફોટો રાખીને એવું અનુમાન ન લઈ શકો કે તમે અત્યારે પિત્ઝા જમો છો. પિત્ઝા ખાવા હોય તો તમારે પિત્ઝા મગાવવા પડે અને એ જ ખાવા પડે. આપણે બુક વાંચવાનો ડોળ કરીએ છીએ, પણ એ વાંચીએ છીએ ત્યારે માત્ર સમય પસાર કરતા હોઈએ છીએ અને ટાઇમપાસના હેતુથી જ એ રીડિંગ થતું હોય છે; પણ જે સમયે આપણે બુક વાંચવા માટે બેસીએ એ સમયે આપણે ખરેખર રીડિંગના હેતુથી જ વાંચવા માટે બેસતા હોઈએ છીએ.
રીડિંગ પેપર પર હોય એ જ સાચું એવો આજ સુધીનો મારો એક્સ્પીરિયન્સ કહે છે અને મારો આ જે એક્સ્પીરિયન્સ છે એ સાચું કહેતો હશે એવું પણ મને લાગે છે. કદાચ આ જ કારણે કિન્ડલ દુનિયામાં હજી પૉપ્યુલર નથી થયાં. ટેક્નિકલી અને લૉજિકલી બુક કરતાં કિન્ડલ વધારે કમ્ફર્ટેબલ છે અને એમાં સુવિધાઓ પણ ખૂબબધી છે, પણ હું કહીશ કે એ બધા પછી પણ કિન્ડલ માર્કેટમાં જોઈએ એટલાં વેચાતાં નથી. એની પ્રાઇસને કારણે નહીં, પણ એ વાંચવાની જે મજા આવવી જોઈએ એ નથી આવતી એને કારણે. કિન્ડલ નવું-નવું આવ્યું ત્યારે બધા એવું બોલવા માંડ્યા હતાં કે હવે પ્રિન્ટેડ બુકનો જમાનો ગયો અને હવે તો બધા આ ઈ-બુક લઈને જ બેસશે, પણ તમને કહીશ તો તમે માનશો નહીં. મેં અત્યારે સુધીમાં હાર્ડલી બેથી ચાર વ્યક્તિને કિન્ડલ વાંચતી જોઈ છે અને એ પણ ઇન્ટરનૅશનલ ઍરર્પોટ પર પેલા ધોળિયાઓને. એકની સાથે તો મેં વાત પણ કરી હતી.
ઇન્ટરનૅશનલ ફ્લાઇટમાં તે મારી બાજુની સીટમાં જ આવ્યો અને ફ્લાઇટ ટેક-ઑફ થઈ ગઈ પછી ફરીથી કિન્ડલ કાઢીને વાંચવા માંડ્યો. મેં તેને પૂછ્યું કે આમાં વાંચવાની મજા કેવી આવે છે? તો મને કહે કે ના, જરા પણ નહીં. બુક વાંચવાની સાચી મજા તો પેલી પ્રિન્ટ થયેલી બુકમાં જ આવે. હાથમાં લીધેલી બુક હોય અને એના પેજ ચેન્જ કરતા જવાના એ મજા જુદી છે. મેં તરત જ તેને પૂછ્યું કે તો પછી આ કિન્ડલ શું કામ વાંચે છે?
જવાબમાં તેણે મારી સામે કિન્ડલ ધરી દીધું અને મેં એની સ્ક્રીન પર જોયું. ફ્રેન્ચ અક્ષરો લખાયેલા હતા. તેને ફ્રેન્ચ સિવાય કંઈ વાંચતાં નહોતું આવડતું એટલે તે કિન્ડલ પર ફ્રેન્ચ બુક વાંચતો હતો. ઇન્ડિયામાં ફ્રેન્ચ બુક મળે નહીં એટલે તે પોતાની સાથે એ લઈને આવ્યો હતો અને અત્યારે ફ્લાઇટમાં વાંચતો હતો. આવા સંજોગોમાં આ પ્રકારનું વાંચવું વાજબી હોઈ શકે છે, પણ જ્યારે તમને બુક મળે છે ત્યારે તમે એ વાંચો નહીં અને એ વાંચવાનો સમય પણ ફાળવો નહીં તો કેમ ચાલે?
મારે એક બીજી પણ નાની સ્પષ્ટતા કરવી છે કે બુક વાંચવી, ન્યુઝપેપર વાંચવું અને મૅગેઝિન વાંચવું એ બધું એકબીજાથી સાવ જ ડિફરન્ટ છે. ન્યુઝપેપર તમે તમારી આજુબાજુ શું બની રહ્યું છે એ જાણવા માટે અને તમારી આજથી અપડેટ રહેવા માટે વાંચતા હો અને એ જ રીતે વાંચવાનું હોય. મૅગેઝિન કે પછી ન્યુઝપેપર સાથે આવતી સપ્લિમેન્ટ તમે જનરલ નૉલેજ માટે વાંચતા હો છો, જ્યારે બુક્સ તમે આઇક્યુ અને ઇક્યુ ડેવલપ કરવા માટે વાંચતા હો છો. જો આઇક્યુ ઓછો હોય તો નહીં ચાલે અને જો ઇક્યુ ઓછો હશે તો તમારા અંગત જીવનમાં કંઈ કરી નહીં શકો. મારા ધ્યાનમાં આવ્યું છે કે જે ફૅમિલીમાં રીડિંગનું અને ખાસ તો બુક્સ વાંચવાનું પ્રમાણ નહીંવત્ છે અને કાં તો છે જ નહીં એ ફૅમિલીમાં સૌથી વધારે ઝઘડા અને કજિયા થતા હોય છે. આ મારું પર્સનલ ઑબ્ઝર્વેશન પણ છે. સ્પોર્ટ્‍સને લીધે તમારામાં સ્પોર્ટ્‍સમૅન સ્પિરિટ આવે એવી જ રીતે રીડિંગથી પણ તમારામાં સ્પોર્ટ્‍સમૅન સ્પિરિટ આવતી હોય છે. એક જ જગ્યાએ રહીને તમારે દુનિયાભરની સફર કરવાનો અનુભવ જો લેવો હોય તો એના માટે રીડિંગ ડેવલપ કરવું પડે. જો તમે આ એક જ લાઇફમાં બીજી અનેક લાઇફ જીવવા માગતા હો તો તમારે નૉવેલ વાંચવી પડે. જોવાતી ટીવી-સિરિયલ કરતાં વંચાતી નૉવેલ તમારી લાઇફમાં ઘણા પૉઝિટિવ સુધારાઓ કરતી હોય છે અને તમે જ્યારે પણ કોઈ પ્રૉબ્લેમમાં અટવાઈ જાઓ ત્યારે એ જ તમને બહાર નીકળવાનો રસ્તો પણ ચીંધતી હોય છે. શાહરુખ ખાનથી માંડીને દિલીપ જોષી સુધીના સ્ટાર્સ નિયમિત વાંચે છે. મને યાદ છે કે પોતાની ફિલ્મના પ્રમોશન માટે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર આવેલા શાહરુખ ખાનના હાથમાં એ સમયે એક બુક હતી. ટાઇટલ હતું એનું ‘લાઇફ ઑફ પાઇ’. એ બુક જોયાનાં લગભગ સાતેક વર્ષ પછી એ ફિલ્મ આવી અને બાકીના લોકોને આ બુક વિશે ખબર પડી. આવું જ બીજી પણ એક બુક સાથે બન્યું છે - ‘ફાઉન્ડર’. મૅક્ડોનલ્ડ્સનો ઉદય કઈ રીતે થયો એની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે, પણ હકીકતમાં એ બુક પહેલાં લખાઈ હતી અને એ પછી એના પરથી આ નામની ફિલ્મ બની. આ બુકને કૅપેસિટી છે અને એ કૅપેસિટી આપણે પણ રીડિંગ દ્વારા ડેવલપ કરી શકીએ છીએ. થોડા સમય પહેલાં મેં જોયેલી સ્પૅનિશ ફિલ્મના હીરોનો એક ડાયલૉગ મને અત્યારે પણ યાદ છે, ‘મેં ક્યારેય હાર માની નથી અને એનું કારણ એ છે કે મેં ક્યારેય વાંચવાનું છોડ્યું નથી.’
કેવી સરસ વાત છે. 
જો તમે પાળશો તો તમે પણ આ વાત કોઈક દિવસ જાતને કહી શકશો.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2022 04:39 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK