° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


અશ્રુમાં અનુવાદ રાખું છું

21 November, 2021 02:44 PM IST | Mumbai | Hiten Anandpara

શું રાખવું અને શું જવા દેવું એ ક્યારેક આપણી સમજણ પર નિર્ભર હોય તો ક્યારેક સંજોગો પર. ચિન્મય શાસ્ત્રી  ‘વિપ્લવ’ મધ્યમમાર્ગ રાખે છે...

અશ્રુમાં અનુવાદ રાખું છું

અશ્રુમાં અનુવાદ રાખું છું

આપણે આપણા પર્સ કે પાકીટમાં પૈસા રાખીએ, હોઠો પર સ્મિત રાખીએ, આંખમાં આંસુ રાખીએ અને હૈયામાં ભાર રાખીએ. મનમાં ક્યારેક મીઠાં સ્મરણો તો ક્યારેક તીખા ઉઝરડા રાખી મૂકીએ. અપરિગ્રહ શબ્દ પણ અઘરો છે અને અર્થ પણ એટલો જ અઘરો છે. શું રાખવું અને શું જવા દેવું એ ક્યારેક આપણી સમજણ પર નિર્ભર હોય તો ક્યારેક સંજોગો પર. ચિન્મય શાસ્ત્રી  ‘વિપ્લવ’ મધ્યમમાર્ગ રાખે છે...
જ્યારથી ખારાશ માફક આવતી ગઈ છે મને
ત્યારથી સાગરકિનારે એક ઘર રાખું છું હું
વાસ્તવિકતાનો જ વિશ્વાસુ બનું એવો નથી
સ્વપ્નના વિષયો વિષે પાકી ખબર રાખું છું હું
‘ઘરોંદા’ ફિલ્મમાં નક્શ લાયલપુરીએ લખેલા સુંદર ગીતમાં એક પંક્તિ હતીઃ કોઈ ખ્વાબ ઊંચે મકાનોં સે ઝાંકે, કોઈ ખ્વાબ બૈઠા રહે સર ઝુકાએ. કેટલાંક સપનાં ચૂલામાં જ હિજરાઈ મરે તો કેટલાંક દીવાલોની પાર જઈને પોતાની ચોકી ઊભી કરે. આજકાલ વાસ્તવિકતા, સત્ય, અસત્ય, આક્ષેપ, બચાવ વગેરેની એવી ભેળપૂરી થઈ ગઈ છે કે ખબર જ ન પડે. કોઈ પણ પ્રમાણિત આધાર વગર રાજકીય પક્ષોના બડા-બડા નેતાઓ પોતાના ઘરમાંથી એવા ખોટા આંકડાઓ કાઢે કે લોકો સાચું માનતા થઈ જાય. જેમનાં જૂતાંમાં ઝેર અને મુગટમાં માતમ ભરેલો છે એવા શાસકો લમણે મરાય ત્યારે શુભ-અશુભની બારાખડી માંડવી પડે. શૂન્ય પાલનપુરીની પંક્તિમાં અફસોસ વર્તાશે...     
એક આશ હજુયે રાખું છું, 
મતલબ કે ખરેખર શૂન્ય જ છું
એ નામ અભાગી છે મારું 
જે નામનો શુભ અંજામ નથી
તમે અભાગી નામો ગણવા બેસશો તો વેઢા છોલાઈ જશે. જેમની ફરજ નાગરિકોની સુરક્ષાની હતી એ ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ એવા ઓઝલ થઈ ગયા કે આખરે ભાગેડુ જાહેર કરવા પડ્યા. રાજકારણીઓની મિલીભગત વગર આ સંભવ નથી. આ લોકો ભેદી સુરંગ નિર્માણ કરી જાણે છે, જે કોઈ કૅમેરામાં કે ખોદકામમાં ઝટ પકડાતી નથી. નાના ગુનેગારો જેલમાં સબડ્યા કરે અને રીઢા ગુનેગારો જામીન પર ફરતા હોય. પેનોરમા પેપર્સ અને પૅન્ડોરા પેપર્સ અદૃશ્યપણે છપાયા જ કરે. આમ તો વ્યક્તિગત પીડા તરીકે લખાયેલી ચિનુ મોદીની પંક્તિઓ સામાજિક સ્તરે પણ એટલી જ લાગુ પડે છે...
એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હુંય પામ્યો છું મારાઓ ખોઈને
એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું
આંખોને લાલઘૂમ હું રાખું છું રોઈને
સંવાદ કરવા માટે કોઈ ન હોય ત્યારે સંબંધની કિંમત સમજાય. ક્યારેક એમાં વાંક તો ક્યારેક અહંકાર વિલન બને. એ બંને ગેરહાજર હોય તો ઋણાનુબંધનાં લેખાંજોખાં પોતાનું કામ કરતાં જાય. ગૌરાંગ ઠાકર સંબંધની ઊણપને ગરિમાપૂર્ણ રૂપ આપે છે...  
અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખું છું
બધું ભૂલી જવામાં પણ તને અપવાદ રાખું છું
સરળતાથી મને વાંચી શકે તું એટલા માટે
હું મારી વારતાનો અશ્રુમાં અનુવાદ રાખું છું
સ્મિત અને આંસુનો અનુવાદ શબ્દોમાં કરવો અઘરો હોય છે અને કવિઓ આ અઘરું કામ પાર પાડતા હોય છે. તેમની ફિતરતમાં રહેલો વત્તોઓછો ફકીરીભાવ તેમને જગતથી જુદો પાડે છે. બેફામસાહેબની પંક્તિઓમાં આ પ્રતીતિ થશે...
કરી ગઈ ભેદ સૌ ખુલ્લા ભલે દીવાનગી મારી
છતાંયે છે ઘણી વાતો હજીયે ખાનગી મારી
નિહાળી નીર, રાખું છું પ્રતિષ્ઠા ઝાંઝવાંની હું
નથી આ પ્યાસ મારી, આ તો છે દરિયાદિલી મારી
દરિયાદિલીમાં જો ખાબોચિયું ભળી જાય તો એ કાળાશ સર્જે. સ્ટૅન્ડ-અપ કૉમેડિયન વીર દાસે અમેરિકામાં જઈને દેશની બેઇજ્જતી કરી. કેટલાક કટ્ટર બુદ્ધિવાદીઓએ તેને બિરદાવ્યો, પણ ભારતનો આમ નાગરિક સમસમી ગયો. ચારિત્ર્યહનન એ બળાત્કારનું જ સૉફિસ્ટિકેટેડ સ્વરૂપ છે. નાજિર દેખૈયા કહે છે એ શાબ્દિક ક્રૂરતા હવે જાહેર માધ્યમોના કારણે આપણા ઘરમાં ઘૂસી ગઈ છે...
તમે સામા ઊભા હો તોય હું સામે નથી જોતો
કદી એવું નયન સાથે હું વર્તન ક્રૂર રાખું છું
ક્યા બાત હૈ
પારદર્શક લગાવ રાખું છું
વાયુ જેવો સ્વભાવ રાખું છું
પાર જઈને હું ત્યાં કરું પણ શું?
બસ હું તો તરતી નાવ રાખું છું
ખોળિયામાં હવે નથી સીમિત
કોઈમાં આવજાવ રાખું છું
રસ પડે તો પતંગિયું થઈ આવ
ફૂલ જેવો હું ભાવ રાખું છું
જીવું છું એવું લાગે એથી તો
રોજ થોડો તનાવ રાખું છું
મૂળ પકડાઈ જાય પીડાનું
એથી તાજા હું ઘાવ રાખું છું
ક્યાંક છલકાઈ જાઉં ના એથી
હું મને ખાલી સાવ રાખું છું

મહેશ દાવડકર

21 November, 2021 02:44 PM IST | Mumbai | Hiten Anandpara

અન્ય લેખો

કોવિડ કેર : કહો જોઈએ, આવી ગયેલા વાઇરસના નવા રૂપ માટે તમારી સજ્જતા કેટલી છે?

નામ પૂરતી આપણી સજ્જતા નથી સાહેબ. માણસ વીસરી ગયો છે કે કોવિડ આવ્યો હતો, પરંતુ કોવિડનું અસ્તિત્વ અત્યારે પણ અકબંધ છે

06 December, 2021 10:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

એકબીજાથી ચડિયાતા હોવાના દાવા-પ્રતિદાવા જ લોકોને દૂર કરવાનું કામ કરે છે

એક વાત યાદ રાખજો કે પ્રચાર જરૂરી છે, પણ બીજાના દુષ્પ્રચાર સાથે આગળ વધવું અયોગ્ય છે

05 December, 2021 07:51 IST | Mumbai | Manoj Joshi

૮૦૦૦ મીટરથી ઊંચાં ૧૪શિખરો ૬ મહિના અને છ દિવસમાં સર

અદ્ભુત, અસંભવ અને અકલ્પનીય લાગે એવી આ સિદ્ધિ છે નેપાલના નિર્મલ પુરજાની. આ જાંબાઝનું સાહસ કઈ રીતે પૉસિબલ બન્યું એની ડૉક્યુ ફિલ્મ ‘૧૪ પીક્સ : નથિંગ ઇઝ ઇમ્પૉસિબલ’ આવી છે. સપનાં જોવાની હામ ધરાવતા દરેકે ૩૮ વર્ષના આ યુવકની જિંદગીમાંથી શીખવા જેવું છે

05 December, 2021 07:49 IST | Mumbai | Aashutosh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK