Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અબ તક ૪૬!

અબ તક ૪૬!

10 January, 2022 09:11 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

હા, મારી ઍક્ટિંગ-કરીઅરની સાચી શરૂઆત થઈ ત્યાં સુધીમાં મેં મારી લાઇફનાં આટલાં વર્ષ પસાર કરી નાખ્યાં હતાં, પણ મને એનો કોઈ હરખશોક નથી, કારણ કે આજે પણ હું મારા પ્રોડ્યુસરવાળા રોલ પર એટલો જ પ્રાઉડ ફીલ કરું છું જેટલું ઍક્ટર સંજય ગોરડિયા માટે મને માન છે

નાટક ‘છગન મગન તારાં છાપરે લગન’ રિલીઝ થયું એ સમયે મારા વનપ્રવેશને પાંચ વર્ષની વાર હતી, જે આજે હું કોઈને પણ કહું તો તે માનવા તૈયાર ન થાય, પણ મેં તમને અગાઉ કહ્યું છે અને આજે ફરીથી કહું છું, કારણ વિના ખોટું બોલવામાં હું માનતો નથી.

નાટક ‘છગન મગન તારાં છાપરે લગન’ રિલીઝ થયું એ સમયે મારા વનપ્રવેશને પાંચ વર્ષની વાર હતી, જે આજે હું કોઈને પણ કહું તો તે માનવા તૈયાર ન થાય, પણ મેં તમને અગાઉ કહ્યું છે અને આજે ફરીથી કહું છું, કારણ વિના ખોટું બોલવામાં હું માનતો નથી.


‘કરો કંકુનાં’, ‘જલસા કરો જયંતીલાલ’ અને ‘છગન મગન તારાં છાપરે લગન’. નાટક ત્રણ અને ‍પ્રિમાઇસ એ જ. અતિસામાન્ય દેખાતો છોકરો અને બ્યુટિફુલ છોકરી. આપણી વાત આ જ ટૉપિક પર ચાલતી હતી અને વચ્ચે આપણે એક વીકનો બ્રેક લીધો. ‘છગન મગન તારાં છાપરે લગન’ના મેકિંગની વાત ચાલતી હતી અને એની વચ્ચે મેં તમારી સાથે આ ટૉપિક પર વાત શરૂ કરી એટલે તમને થયું હશે કે આ બધી ચર્ચા અત્યારે શું કામ?
આ વાત કાઢવાનું કારણ એ કે મારે આ ત્રણ નાટક અને એના સબ્જેક્ટ પર એક પુસ્તક લખવું હતું. આ જે ટ્રાયોલૉજી અમે સબ્જેક્ટની ઊભી કરી હતી એના પર વિસ્તારપૂર્વક લખવું હતું અને એમાં મારાં ત્રણ નાટક ‘કરો કંકુનાં’, ‘જલસા કરો જયંતીલાલ’ અને ‘છગન મગન તારાં છાપરે લગન’ના મેકિંગથી લઈને એના મેકિંગ સાથે સંકળાયેલા સૌકોઈનો સમાવેશ પણ કરવો હતો. નાટકના મેકિંગનું પુસ્તક આવ્યું હોય અને એ પણ આ પ્રકારની ટ્રાયોલૉજી પર એવું ક્યારેય બન્યું નથી. નાટકની સ્ક્રિપ્ટની અગાઉ બુક પબ્લિશ થતી એ મને યાદ છે. દામુ સાંગાણીનાં અનેક નાટકોની એવી બુક પહેલાં મળતી તો ગુજરાતી નાટકના રિવ્યુ કર્યા હોય એવી બુક મળે છે, પણ કોઈ પ્રોડ્યુસરે પોતાનાં જ નાટકોની ટ્રાયોલૉજી કરી હોય અને એના પર બુક લખી હોય એવું ક્યારેય બન્યું નથી.
મેં એ દિશામાં પૉઝિટિવલી પ્રયાસ શરૂ પણ કરી દીધા હતા અને એ કોણ પબ્લિશ કરે, જો કોઈ પબ્લિશ ન કરે અને તમારે પોતાને પબ્લિશર બનવું પડે તો શું ખર્ચો આવે અને જો એવું બને તો તમારે લોકો સુધી કેવી રીતે એ બુક પહોંચાડવી, એનું નેટવર્ક કેવી રીતે કામ કરે એ બધી જાણકારી મેળવી હતી, પણ કમનસીબે મને પ્રકાશ કાપડિયા એટલે કે આ ટ્રાયોલૉજી પૈકીના પહેલા નાટક ‘કરો કંકુનાં’ના લેખક તરફથી પૂરતો સહકાર ન મળ્યો, તો બીજા પણ બેએક કલાકાર તરફથી પણ જોઈએ એવો સાથ મળ્યો નહીં એટલે પછી ફાઇનલી થાકી-હારીને મેં એ આખો પ્રોજેક્ટ અભરાઈએ ચડાવી દીધો. જે કામથી, જે વાતથી કોઈને દુઃખ થતું હોય તો એવું કામ કે વાત પકડીને ચાલવી જ શું કામ જોઈએ એવું ધારીને મેં મનમાંથી એ પ્રોજેક્ટ કાઢી નાખ્યો. બાકી જો એ સમયે એ કામ કર્યું હોત તો ખરેખર માત્ર ગુજરાતી રંગભૂમિ જ નહીં, થિયેટર-ઇન્ડસ્ટ્રી અને સાથોસાથ ગુજરાતી સાહિત્યમાં પણ દેકારો મચી ગયો હોત. કારણ કે મારા મનમાં આવેલો એ વિચાર હકીકતમાં સાહિત્ય અને રંગભૂમિને જોડવાનું સીધું કામ કરતો હતો. ઍનીવેઝ, જેમ એ પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ મૂક્યું એવી જ રીતે અત્યારે આ વાત પર ફુલસ્ટૉપ મૂકીને આપણે ‘છગન મગન તારાં છાપરે લગન’ના કાસ્ટિંગ પર આવીએ.
હીરો બાબલાનું કૅરૅક્ટર હું કરવાનો હતો એ નક્કી હતું એટલે એ પછીના ઍક્ટરો જ શોધવાના હતા. હિરોઇનમાં અમે ઍક્ટર-ડિરેક્ટર સુરેશ રાજડાની દીકરી સંતુ રાજડાને કાસ્ટ કરી. સંતુનું આ અમારી સાથે પહેલું નાટક હતું. બહુ સારી ઍક્ટ્રેસ અને ગ્રાસ્પિંગ જબરદસ્ત. બાબલાનાં મમ્મી એટલે કે મારી મધરના રોલમાં અમે મનીષા મહેતાને કાસ્ટ કર્યાં. મનીષાબહેન અમારી સાથે પહેલાં કામ કરી ચૂક્યાં હતાં. ‘જલસા કરો જયંતીલાલ’માં પણ એ જ જયંતીલાલનાં મધર બને છે. અગાઉ કહી દીધું હતું, પણ કાસ્ટિંગની વાત ચાલે છે એટલે રિપીટ કરી દઉં કે બાબલાના ફ્રેન્ડના કૅરૅક્ટરમાં આનંદ ગોરડિયા અને એની ગર્લફ્રેન્ડના રોલમાં સ્વાતિ કોટકને કાસ્ટ કર્યાં. એ સિવાય પણ ઘણા ઍક્ટર્સ હતા, એજની વાત અત્યારે કરવી અસ્થાને છે એટલે તમારો સમય બગાડ્યા વિના આગળ વધીએ.
‘છગન મગન તારાં છાપરે લગન’માં અમે લોકેશન બાબતમાં બહુ બધી છૂટ રાખી હતી તો ઇમ્તિયાઝ પટેલ પણ ફિલ્મનો રાઇટર એટલે તેણે પણ એ છૂટનો ભરપેટ ઉપયોગ કરીને ઘણાં લોકેશન ઇન્ક્લુડ કર્યાં હતાં. સ્ક્રીનપ્લે નક્કી થયા પછી અમે આપણા જાણીતા સેટ-ડિઝાઇનર છેલ-પરેશ પૈકીના છેલભાઈ પાસે ગયા. 
નાટકમાં જે બધાં લોકેશન આવતાં હતાં એની વાત કરતાં અમે તેમને આખી વાર્તા સંભળાવી, લોકેશન વર્ણવ્યાં અને કહ્યું કે અમારે બધાં લોકેશન રાખવાં છે. હવે તમે કહો કેવી રીતે આગળ વધીએ. મિત્રો, હૅટ્સ ઑફ ટુ છેલ-પરેશ, તેમણે અમને સેટ-ડિઝાઇનનો જે આઇડિયા આપ્યો એ એવો તો અદ્ભુત હતો કે ન પૂછો વાત. કદાચ પહેલી વાર જ એ પિરિયડમાં અમે એ પ્રકારનો સેટ વાપરવાના હતા.
તમને સાદી ભાષામાં સમજાવું તો ચાર ત્રિકોણાકાર બૉક્સ બનાવેલાં હોય અને ચાલુ નાટકે પાછળની ફ્રેમ આગળ આવી જાય અને આખો સેટ અલગ થઈ જાય, સાવ નવું જ લોકેશન આવી જાય. બહુ અદ્ભુત આઇડિયા હતો. બહુ બધાં લોકેશન જોઈને શરૂઆતમાં અમને સહેજ ગભરાટ થયો હતો, પણ છેલ-પરેશ જ્યાં સુધી ના પાડે નહીં ત્યાં સુધી બીજું કશું વિચારવું નથી એ અમે નક્કી રાખ્યું હતું અને અમારો એ વિચાર, અમારો એ વિશ્વાસ સાર્થક પુરવાર થયો. સેટ વિશે વધારે વાત કહું એને બદલે કહીશ કે અમારું આ નાટક પણ યુટ્યુબ પર અવેલેબલ છે. તમે જોશો તો તમને સેટ, વાર્તા અને અત્યારે હું જે કહું છું એના વિશે સાચી સમજ આવશે અને તમને પણ સમજાશે કે દેખીતી રીતે અઘરી લાગતી વાતને કેટલી સરળ રીતે છેલ-પરેશે સેટ કરી દેખાડી. અમે નાટક સેમી-મ્યુઝિકલ બનાવવાનું વિચાર્યું હતું. નાટકમાં ત્રણ ગીત રાખ્યાં હતાં અને મ્યુઝિક માટે અમે સચિન સંઘવી (સચિન-જિગર)નો સંપર્ક કર્યો. તેને પણ વાર્તા ખૂબ ગમી અને તેણે સંગીત પર કામ કરવાનું શરૂ કર્યું.
મિત્રો, અહીં મારે એક વાત કહેવી છે. જ્યારે તમારું સારું થવાનું હોય ત્યારે તમારી પાસે બધા સારું લઈને આવે. મેં એ નરી આંખે જોયું છે. તમારો લેખક બહુ સરસ નાટક લખીને લઈ આવે, તમારા સેટ-ડિઝાઇનર પણ ખૂબ સરસ આઇડિયા લઈને તમારી પાસે આવે, સંગીત-દિગ્દર્શક અદ્ભુત ગીતો લઈને તમારી પાસે આવે, કલાકારો તમને સરસ મળી જાય અને બધાં પોતપોતાની રીતે બેસ્ટ કૉન્ટ્રિબ્યુટ કરે અને એક સારી પ્રોડક્ટને બેસ્ટ પ્રોડક્ટ બનાવવામાં સાથ આપે.
અંગત રીતે મારી વાત કરું તો મને તો આ પ્રકારના રોલની ફાવટ હતી. ‘કરો કંકુનાં’માં આ પ્રકારનો જ રોલ મેં કર્યો હતો એટલે મને રોલમાં કોઈ વાંધો હતો નહીં. અમારા નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં અને નાટક ઓપન કરવાની ડેટ ફાઇનલ થઈ ગઈ,
૨૦૦પની ૧૩ નવેમ્બર.
સમય રાતે પોણાઆઠ અને તેજપાલ ઑડિટોરિયમ.
મારા પ્રોડક્શનનું આ ૩૪મું નાટક, નાટક જેવું ઓપન થયું કે સુપરહિટ થઈ ગયું. ‘છગન મગન તારાં છાપરે લગન’ના અમે ૧પ૨ શો કર્યા. આ નાટકની અમેરિકા-ટૂર પણ કરી અને અમેરિકામાં પણ નાટક સુપરહિટ રહ્યું. મારે કહેવું છે કે આ નાટકથી ઍક્ટર સંજય ગોરડિયાની જર્ની શરૂ થઈ. એ સંજય ગોરડિયાની જર્ની જે સીડી-ડીવીડી દ્વારા કે પછી યુટ્યુબ અને યુટ્યુબમાંથી તૈયાર કરવામાં આવેલી સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી ક્લિપ્સને કારણે હું આટલો પૉપ્યુલર થયો એ સમયે મારી ઉંમર હતી ૪૬ વર્ષ!

જ્યારે તમારું સારું થવાનું હોય ત્યારે તમારી પાસે બધા સારું લઈને આવે. લેખક બહુ સરસ નાટક લખીને લઈ આવે, સેટ-ડિઝાઇનર ખૂબ સરસ આઇડિયા લઈને આવે, કલાકારો તમને સરસ મળી જાય, એ બધાં પોતપોતાની રીતે બેસ્ટ કૉન્ટ્રિબ્યુટ કરે અને એક સારી પ્રોડક્ટને બેસ્ટ પ્રોડક્ટ બનાવવામાં સાથ આપે.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2022 09:11 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK