Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નીતીશ કુમાર: મૈં સત્તા મેં આતા હૂં, સમજ મેં નહીં

નીતીશ કુમાર: મૈં સત્તા મેં આતા હૂં, સમજ મેં નહીં

14 August, 2022 07:28 PM IST | Mumbai
Raj Goswami

૨૦૨૦માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ૪૩ બેઠકો પર સમેટાઈને રહી ગયેલા જેડીયુને મુખ્ય પ્રધાનપદ તો મળ્યું, પરંતુ ભાજપના ‘મોટા ભાઈ’ જેવા વ્યવહારથી નીતીશ કુમાર સતત પરેશાની અનુભવતા હતા

નીતીશ કુમાર: મૈં સત્તા મેં આતા હૂં, સમજ મેં નહીં ક્રૉસલાઇન

નીતીશ કુમાર: મૈં સત્તા મેં આતા હૂં, સમજ મેં નહીં


એમાં, તેમને તેમના એક સમયના વિશ્વાસુ આર. સી. પી. સિંહમાં ‘એકનાથ શિંદે’ નજર આવવા લાગ્યા, એટલે તેઓ ઔર સાવધ થઈ ગયા. કહેવાય છે કે નીતીશને રાજકીય રીતે ખતમ કરવા માટે ભાજપ આર. સી. પી. સિંહને મજબૂત કરી રહ્યો હતો. છેલ્લા છ મહિનાથી આ દિશામાં સક્રિય પ્રયાસો થઈ રહ્યા હતા.

મહારાષ્ટ્ર કથિત રૂપે ‘શાંત’ પડ્યું, ત્યાં બિહારમાં ગાજવીજ થવા લાગી. મુખ્ય પ્રધાન નીતીશ કુમારને મહારાષ્ટ્રમાં રમાયેલા ‘મહાભારત’ પછી તરત જ ફડક પેસી ગઈ હતી કે તેમના ઘરે પણ રામાયણ થવાની શક્યતા છે, અને તેઓ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવ સાથે સંપર્કમાં હતા. આમ તો એ યોગાનુયોગ હોઈ શકે, પરંતુ લાંબી ખેંચતાણ અને વિલંબ બાદ આખરે મંગળવારે મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકારનું ૯+૯ એમ ૧૮ પ્રધાનોનું પ્રધાનમંડળ બન્યું, એ જ દિવસે બિહારથી સમાચાર આવ્યા કે નીતીશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ)એ ભાજપથી છેડો ફાડ્યો છે. 
રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત અને કાયમી દુશ્મન નથી હોતું. બધા સગવડિયા સંબંધો શોધતા હોય છે. નીતીશ કુમાર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓ બે વાર ભાજપ  સાથે અને બે વાર લાલુ પ્રસાદના આરજેડી સાથે ‘ગોઠવણ’ કરી ચૂક્યા છે. બિનસાંપ્રદાયિકતા અને પછાત વર્ગોના ઉત્થાનની રાજનીતિ કરતા નીતીશ કુમારે ૨૦૧૩માં ભાજપે નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા, ત્યારે ‘સૈદ્ધાંતિક’ મુદ્દે ભાજપથી છેડો ફાડ્યો હતો. ૨૦૧૫માં તેમણે વિધાનસભાની ચૂંટણીમાં લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળ સાથે હાથ મિલાવીને સરકાર રચી હતી. ૨૦૧૭માં તેમણે ગઠબંધન છોડીને ફરી ભાજપનો સહારો લીધો હતો. ભાજપને પણ જેડીયુની જરૂર હતી એટલે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં એને મોટો ભા બનાવ્યો હતો, પરંતુ ૨૦૧૩નું ‘અપમાન’ યાદ રાખીને કેન્દ્રીય પ્રધાનમંડળમાં જેડીયુને એક જ મંત્રાલય (આર. સી. પી. સિંહ) આપવામાં આવ્યું હતું. ત્યારથી નીતીશ સમસમીને બેસી રહ્યા હતા.
૨૦૨૦માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ૪૩ બેઠકો પર સમેટાઈને રહી ગયેલા જેડીયુને મુખ્ય પ્રધાનપદ તો મળ્યું, પરંતુ ભાજપના ‘મોટા ભાઈ’ના વ્યવહારથી નીતીશ કુમાર સતત પરેશાની અનુભવતા હતા. એમાં, તેમને તેમના એક સમયના વિશ્વાસુ આર. સી. પી. સિંહમાં ‘એકનાથ શિંદે’ નજર આવવા લાગ્યા, એટલે તેઓ ઔર સાવધ થઈ ગયા. કહેવાય છે કે નીતીશને રાજકીય રીતે ખતમ કરવા માટે ભાજપ આર. સી. પી. સિંહને મજબૂત કરી રહ્યો હતો. છેલ્લા છ મહિનાથી આ દિશામાં સક્રિય પ્રયાસો થઈ રહ્યા હતા. 
જેડીયુના ભૂતપૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા અને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં પ્રધાન રામ પ્રતાપ સિંહને પહેલાં તો નીતીશ કુમારે રાજ્યસભામાં પુન: નોમિનેશન ન આપ્યું, જેના પગેલે તેમણે પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું. કેમ? કારણ કે આરપી ભાજપ સાથે ‘ઇલુ ઇલુ’ કરતા હતા. ચાર દિવસ પહેલાં જ જેડીયુએ તેમને ભ્રષ્ટાચાર બદલ નોટિસ પકડાવી હતી. એ પછી આરપીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. કહે છે કે તેઓ ‘શિંદે’ બનવા માગતા હતા અને ભાજપ તેમને આગળ ધરીને જેડીયુમાં ઊભાં ફાડિયાં કરવાની ફિરાકમાં હતો. 
એક જમાનામાં આરપી અને નીતીશ એકબીજાના એટલા ખાસ હતા કે ૨૦૧૭માં લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)એ કૉન્ગ્રેસ તેમ જ અન્ય પક્ષો સાથે મળીને મહાગઠબંધન બનાવ્યું, ત્યારે આરપીના કહેવાથી જ નીતીશ એનાથી દૂર રહ્યા હતા. એવું પણ કહેવાય છે કે રાજનીતિક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને નીતીશ કુમાર વચ્ચે અંતર વધ્યું એમાં પણ આરપીની વધતી રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ કારણભૂત હતી. 
આરપી બિહારમાં હતા, ત્યાં સુધીમાં જેડીયુની અંદર તેમના સમર્થકોનો એક વર્ગ તૈયાર થઈ ગયો હતો. તાજેતરમાં પાર્ટીએ જે ચાર નેતાઓને પાર્ટીવિરોધી ગતિવિધિ માટે સસ્પેન્ડ કર્યા હતા, તે આરપીની નિકટના સમર્થક હતા. ગયા મહિને તો પાર્ટીની બેઠકમાં આરપીને મુખ્ય પ્રધાન બનાવો એવા નારા પણ લાગ્યા હતા. આરપીના સમર્થકો હમણાંથી કહેવા લાગ્યા હતા કે ૨૪ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. આ બધા જ સંકેતો મહારાષ્ટ્રમાં જે થયું એ તરફ ઇશારો કરતા હતા. 
એટલે નીતીશ કુમારે એવો માસ્ટરસ્ટ્રોક માર્યો કે બિહાર વિધાનસભામાં જેટલા વિરોધ પક્ષો હતા, એ સૌ સરકારમાં આવી ગયા અને જે ‘સરકાર’ હતી એ વિપક્ષમાં આવી ગઈ. આ મહાગઠબંધનની વાપસી છે. આમાં નીતીશ કુમારની સત્તા તો બરકરાર રહી જ છે, પરંતુ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે પણ એમાં ઘણા સૂચિતાર્થ છે.  
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનું સ્ટીમરોલર જેવી રીતે એક પછી એક ચૂંટણીઓમાં વિરોધીઓને કચડતું આવ્યું છે એને લઈને વિરોધ પક્ષોમાં એક પ્રકારની માયૂસી અને વેક્યુમ ઊભું થયું છે. મોદી સામે પંગો લેવા માટે વિપક્ષી એકતા બહુ જરૂરી છે, પરંતુ તેમની પાસે કોઈ એક ચહેરો નથી જેને તેઓ લોકો સામે વિકલ્પ તરીકે મૂકી શકે.
સોનિયા ગાંધી લગભગ નિવૃત્ત જેવાં છે. રાહુલ ગાંધીનો દેખાવ બહુ ઉત્સાહજનક નથી. ગાંધી પરિવારને લઈને આમ પણ મતદારોમાં ખાસ ભરોસો નથી. શરદ પાવર મહારાષ્ટ્રની બહાર નીકળી શક્યા નથી. મમતા બૅનરજી વિવિધ પક્ષોના સાંધા સીવવાની કોશિશ કરે છે, પરંતુ તાજેતરમાં તેમના પ્રધાન પાર્થ ચૅટરજીના તોતિંગ ભ્રષ્ટાચારમાં તેમની મમતાની છબીને ધક્કો લાગ્યો છે.
નીતીશ આમાં અવસર જોઈ રહ્યા છે; ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે મહાગઠબંધન ઊભું કરવાનો અને વડા પ્રધાનપદનો ચહેરો બનવાનો. બિહારમાં ભાજપને ખાડામાં ફેંકીને તેમણે એક રીતે ૨૦૨૪ માટે સળવળાટ ઊભો કર્યો છે. વિરોધ પક્ષો આ તકનો લાભ લઈને કેટલા એક થઈ શકે છે અને ભાજપ એમાં હજુ શું પત્તાં રમે છે એ જોવાનું છે (એની પાસે આર. સી. પી. સિંહનું પત્તું હજુ છે), પરંતુ એક વાત નિશ્ચત છે કે નીતીશ કુમારે આરજેડીના તેજસ્વી યાદવને સહયોગી (અને નાયબ મુખ્ય પ્રધાન) બનાવીને બિહારમાં તેમની હાલકડોલક થતી સરકારને ૨૦૨૫ સુધી જીવતદાન આપી દીધું છે.
એવું મનાય છે કે નીતીશબાબુ હવે બિહારમાં નહીં રહે અને રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય થશે. જાણકાર લોકો કહે છે કે બિહારમાં તેઓ તેજસ્વીને ઉત્તરાધિકારી બનાવશે. લાલુ યાદવ અને નીતીશ કુમારે હાથ મિલાવ્યા છે એ ભાજપ માટે ચિંતાનું કારણ તો છે. લાલુ અને નીતીશ બિહારમાં ઘાતક મિશ્રણ છે. બન્નેનો સામાજિક આધાર બહુ મોટો અને મજબૂત છે. બિહારના ૩૧ ટકા યાદવો અને મુસ્લિમો લાલુની પડખે છે અને બિન-યાદવ  તેમ જ અન્ય પછાત અને અત્યંત પછાત સમુદાયો નીતીશને નેતા માને છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશથી વિપરીત, ભાજપ બિહારમાં ઓબીસી અને દલિત મતદારોમાં સેંધ??? મારી શક્યો નથી. બિહારમાં ૧૩ ટકા સવર્ણ મત સિવાય એનો કોઈ આધાર નથી.
ભાજપ માટે એકમાત્ર વિકલ્પ એ છે કે ૨૦૨૫માં પોતાના દમ પર બહુમતી મેળવવી. બીજો વિકલ્પ છ-બાર મહિના સુધી રાહ જોઈને જેડીયુ-આરજેડી ગઠબંધનમાં ફાચર મારવી. જે દિવસે નીતીશ કુમારે ભાજપ સાથે છેડો ફાડ્યો, ત્યારે સોશ્યલ મીડિયા પર એવાં કાર્ટૂન અને જોક્સ વહેતા થયાં હતાં કે કેન્દ્રીય એજન્સીઓ ઈડી, સીબીઆઇ, ઇન્કમ ટૅક્સ હવે બિહારમાં ધામા નાખવામાં વ્યસ્ત છે. 
બિહારના ઘટનાક્રમ પર ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવે ગોવડાએ કહ્યું હતું, ‘હું બિહારની ઘટનાઓ જોઈ રહ્યો છું. એ જોઈને મને એ દિવસો યાદ આવે છે જ્યારે જનતા દળ પરિવાર એક છત નીચે હતો. એણે ત્રણ વડા પ્રધાન આપ્યા હતા. મારી તો ઉંમર થઈ ગઈ છે, પરંતુ યુવા પેઢી જો નક્કી કરે તો આ મહાન દેશને ઉત્તમ વિકલ્પ પૂરો પાડી શકે.’
બુધવારે, બિહારના આઠમી વાર મુખ્ય પ્રધાનપદના શપથ લીધા પછી નીતીશ કુમારે સૂચક રીતે કહ્યું હતું, ‘હું પીએમના હોદ્દા માટે દાવેદાર નથી. પ્રશ્ન એ છે કે જે ૨૦૧૪માં આવ્યા હતા, તે ૨૦૨૪ પછી રહી શકશે કે કેમ?’



લાસ્ટ લાઇન
રાજનીતિ એટલે તમારી સ્વાર્થી ઇચ્છાઓને રાષ્ટ્રીય હિતોમાં ખપાવી દેવાની કલા.
થોમસ સોવેલ, અમેરિકન રાજકીય વિશ્લેષક


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2022 07:28 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK