Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હું ઈશ્વરનો મહેમાન અને ઈશ્વર મારા યજમાન

હું ઈશ્વરનો મહેમાન અને ઈશ્વર મારા યજમાન

28 November, 2021 02:05 PM IST | Mumbai
Dr. Dinkar Joshi

ઈશ્વરના આ આવાસમાં આપણે ટૂંકી મુદત માટે કોઈક કામે આવ્યા છીએ. આ કામ શું છે એ માણસ પોતે જ જો સમજી લે તો તે ભારે સુખી થાય છે. દુર્ભાગ્યે માણસ છેલ્લા શ્વાસ સુધી પોતાનું કામ સમજી શકતો નથી અને પરિણામે કેટલાંક કામોમાં હવાતિયાં મારે છે

હું ઈશ્વરનો મહેમાન અને ઈશ્વર મારા યજમાન

હું ઈશ્વરનો મહેમાન અને ઈશ્વર મારા યજમાન


સ્કૂલ-કૉલેજના શિક્ષણમાં આપણને ક્યાંય ઉપનિષદો શીખવવામાં આવતાં નથી. વૈદિક સાહિત્ય વિશે ક્યારેક વાત થાય છે ખરી? અને આવી વાત થાય ત્યારે શિક્ષક વિદ્યાર્થીઓને કહી દે છે કે ઉપનિષદો બહુ અઘરાં હોય છે. ગાંધીજીએ એક વાર એવું કહેલું કે દુનિયાના બધા જ સાહિત્યનો નાશ થઈ જાય અને જો એકમાત્ર ઈશાવાસ્ય ઉપનિષદ બચે અને એમાંય આ ઉપનિષદના ૧૮ મંત્રમાંથી એક જ પહેલો મંત્ર બચી જાય તો એનાથી બધું જ બચી ગયા બરાબર છે. 
ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા મંત્રનાં ચાર ચરણ છે. એમાં જે પહેલા ચરણની વાત બચાવી લેવાની ગાંધીજીએ કરી છે એ ચરણ વિશે પુષ્કળ લખાયું છે, ઢગલાબંધ વ્યાખ્યાનો થયાં છે, અનેક અર્થો થયા છે અને આમ છતાં એ પહેલા ચરણને વારંવાર વાંચવું કે સાંભળવું ગમે એવું છે. દેખીતી રીતે વાત સાવ સહેલી છે. આ પહેલા મંત્રનું પહેલું ચરણ આ પ્રમાણે છે...
 ઇશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્.
આ છે ઈશનો આવાસ    
આ પહેલા ચરણનો શબ્દાર્થ સમજીએ તો વાત સાવ સીધી છે. આ ઉપનિષદ શીખતા અને શીખવતા સૌએ આવો સરળ અર્થ કર્યો છે, ‘આ બધું એટલે કે સમગ્ર બ્રહ્માંડ પરમાત્માથી વ્યાપ્ત છે. બધે જ ઈશ્વર વસેલો છે.’ જો ઈશ્વર અણુએઅણુમાં વસેલો હોય તો આ પૃથ્વી પર કોઈ જગ્યા અપવિત્ર ન હોય. બધે જ જો પરમાત્માનો વાસ હોય તો માણસ ક્યાંય કુકર્મ કરવા પ્રેરાય જ નહીં. વાત પહેલી નજરે ગળે ઊતરી જાય એવી છે.  
કરસનદાસ માણેક આપણા એક અધ્યાત્મ કવિ હતા. તેમણે કથા-કીર્તન, વેદ-ઉપનિષદ, રામાયણ-મહાભારત આ બધા વિશે બહુ વાંચ્યું હતું અને વિચાર્યું હતું. પોતાના આ વિચારોને તેમણે આપણી સમક્ષ અત્યંત સરળ ભાષામાં મૂક્યા છે. ઈશાવાસ્ય ઉપનિષદ વિશે તેમણે એક પત્રિકા કહી શકાય એવી પુસ્તિકા લખેલી છે. આ પુસ્તિકા આજે કદાચ ક્યાંય ઉપલબ્ધ નહીં હોય, પણ જો હાથવગી થાય તો કરવા જેવી છે. એમાં કરસનદાસ માણેકે આ મંત્રના પહેલા ચરણનો ઉલ્લેખ આ રીતે કર્યો છે, ‘આ છે ઈશ્વરનો આવાસ’. 
આપણે મહેમાન એના
આ પૃથ્વી આપણું ઘર નથી, ઈશ્વરનું ઘર છે. આપણે તો અહીં ઈશ્વરના ઘરે આવેલા મહેમાન છીએ. મહેમાનને યજમાનના ઘરે ચોક્કસ અધિકારો સાથે રહેવાનું હોય, પણ સાથે જ મહેમાનની ચોક્કસ મર્યાદાઓ પણ હોય. મહેમાન યજમાનને એમ જરૂર  કહી શકે કે મારા ભોજનમાં મરચું નાખશો નહીં કે પછી મારું ભોજન ગળપણ વિનાનું કરજો. મહેમાનની આ માગણી યજમાને ઉત્સાહપૂર્વક સ્વીકારવી જ જોઈએ. યજમાનના રસોડે મહેમાને માગેલી આવી રસોઈ બની જ જાય અને મહેમાનને પીરસાય પણ ખરી, પણ જો મહેમાન એવી માગણી કરે કે મારે તો ચૂરમાના લાડવા જ ખાવા છે કે પછી અમુક–તમુક ફરસાણ વિના મને માફક નથી આવતું તો આવી માગણી મર્યાદાને અતિક્રમી જાય છે. યજમાન મહેમાનની આવી માગણી પૂરી ન પણ કરે. એક એવા મહેમાનને પણ અહીં યાદ કરવા છે જે બે દિવસ માટે ઘરે આવ્યા હોય ત્યારે સાંજ પડે યજમાનના બાર–ચૌદ વરસના પુત્રને પોતાના પગ દાબવાનું કહે. આવી અઘટિત માગણીઓ મહેમાન કરી શકે નહીં. એ જ રીતે આપણે ઈશ્વરના આ ઘરે આવ્યા છીએ ત્યારે વાજબી રીતે સગવડો માગવાનો આપણો અધિકાર છે, પણ એ સાથે જ આપણે ઈશ્વર પાસેથી કોઈ ગેરવાજબી અપેક્ષા ન રાખીએ એ મર્યાદા પણ સમજવી જોઈએ.  
યજમાનના ઘરે કેટલા દિવસ રોકાવાય?
આપણે ત્યાં વ્યવહારમાં એક કહેવત જેવી ઉક્તિ વપરાય છે, ‘પહેલે દિવસે પરોણો, બીજે દિવસે પઈ, ત્રીજે દિવસે રહે એની અક્કલ ગઈ’. મહેમાન જરૂરિયાત પૂરતું એક-બે દિવસ રોકાય. યજમાન તેને એક-બે દિવસ પોતે તકલીફ વેઠીને પણ પૂરી સગવડ આપે. જોકે આવી સગવડોનો ગેરલાભ લઈને જો મહેમાન કારણ વગર રોકાણ લંબાવી દે તો પછી તે મહેમાન અક્કલમઠો કહેવાય. 
પૃથ્વી પર માણસ કેટલું જીવે છે એના વિશેનો આ સંકેત છે. ઈશ્વરના ઘરે એટલે કે આ પૃથ્વી પર આપણે કેટલું લાંબું રહેવું જોઈએ? ઉપનિષદના મંત્રોમાં સો વરસ જીવવાની વાત લખાયેલી છે, પણ આ સો વરસ કામકાજવિહોણાં ન હોવાં જોઈએ. ઈશાવાસ્ય ઉપનિષદના બીજા જ મંત્રમાં ઋષિએ કહ્યું છે, ‘કામ કરતાં-કરતાં સો વરસ જીવો’. આમાં કામ કરતા રહેવું એ પૂર્વશરત છે. આ પૂર્વશરત વિસરી જઈને માત્ર જીવતા રહેવું એટલું યાદ રાખવું એ પરમાત્મા સાથેની છેતરપિંડી છે. 
સારા મહેમાન થતાં શીખીએ
મહેમાનને તેમની પોતાની કેટલીક ટેવો હોય છે. કેટલીક વાર તેમનાં પોતાનાં ચોક્કસ જીવનધોરણો કે માન્યતાઓ હોય છે. આ બધા વિશે તે યજમાનને વાત કરી શકે, પણ એનું જ અનુસરણ થાય એવો આગ્રહ કરી શકાય નહીં. વરસો પહેલાં અમારે ત્યાં એક એવા મહેમાન આવતા જેમનો નિદ્રામુક્ત થવાનો સમય વહેલી સવારે પાંચ વાગ્યાનો હતો. તેમનો ભોજનનો સમય બપોરે બે વાગ્યાનો હતો. હવે મુંબઈ જેવા શહેરમાં દરેક માણસ પોતે પણ કામકાજમાં ડૂબેલો હોય, મહેમાનનો આ સમય સાચવવો તેના માટે ભારે મુશ્કેલ થઈ જાય છે. મહેમાને આવું સત્ય સમજીને યજમાનના રોજિંદા ધોરણને અનુકૂળ થવું જોઈએ. યજમાને પણ મહેમાનગતિ કરવામાં પોતાની આ તકલીફો લક્ષમાં રાખવી જોઈએ. 
મહેમાનની વિદાય
લૌકિક વ્યવહારમાં મહેમાન જ્યારે વિદાય લે છે ત્યારે યજમાનનાં બાળકોના હાથમાં કશુંક નાનું ભેટરૂપે આપે છે. એ બે રૂપિયા પણ હોઈ શકે અને બસો રૂપિયા પણ હોઈ શકે. જેવી તેની શક્તિ અને જેવી યજમાનગીરી.
ઈશ્વરના આ આવાસમાં આપણે ટૂંકી મુદત માટે કોઈક કામે આવ્યા છીએ. આ કામ શું છે એ માણસ પોતે જ જો સમજી લે તો તે ભારે સુખી થાય છે. દુર્ભાગ્યે માણસ છેલ્લા શ્વાસ સુધી પોતાનું કામ સમજી શકતો નથી અને પરિણામે કેટલાંક કામોમાં હવાતિયાં મારે છે. અહીં આવ્યા એનો અર્થ જ એ છે કે ઈશ્વરે પોતાના ઘરે તમને બોલાવ્યા છે. ઈશ્વર જ્યારે બોલાવે છે ત્યારે એનો કશોક ચોક્કસ હેતુ હોય છે. એક પણ માણસને પરમાત્મા પોતાની પૃથ્વી પર એટલે કે પોતાના ઘરે અકારણ નોતરતો નથી. તેના ઘરે અકારણ ભીડ કરવાનું કોઈ કારણ નથી. હવે જ્યારે તેણે કોઈ ચોક્કસ કામથી જ તમને બોલાવ્યા છે તો તેના આવાસને અનુરૂપ થઈને તમે રહો અને તેણે સોંપેલું કામ નિષ્ઠાપૂર્વક પૂરું કરો. એટલું જ નહીં, કામ પૂરું થયેથી એક દિવસ પણ વધુ રોકાઈને હરવા-ફરવાની લાલસા ન રાખો. 
બસ! પછી તો આ ઈશ્વરનો આવાસ, ઈશ્વર આપણા યજમાન અને આપણે તેના મહેમાન.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2021 02:05 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK