° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


મૈં બડે લોગોં કી નિચાઈ સે વાકિફ હૂં બહુત છોટા હૈ બડે લોગોં કા બડા હોના!

12 January, 2022 10:27 PM IST | Mumbai | Pravin Solanki

ભીલ લોકો હજારો વર્ષથી માંડીને અત્યાર સુધી કેવળ ચાર આંગળીથી જ તીર ચલાવે છે. અંગૂઠો ગુરુને દાનમાં આપી દીધો છે એવું માનીને તીરને સ્પર્શ સુધ્ધાં થવા નથી દેતા. તીરંદાજીમાં ભીલ સમાજ નિપુણ અને નિષ્ણાત ગણાય છે

મૈં બડે લોગોં કી નિચાઈ સે વાકિફ હૂં બહુત છોટા હૈ બડે લોગોં કા બડા હોના!

મૈં બડે લોગોં કી નિચાઈ સે વાકિફ હૂં બહુત છોટા હૈ બડે લોગોં કા બડા હોના!

ગુરુદક્ષિણામાં એકલવ્યનો અંગૂઠો માગવા જેવી ક્રૂર ચેષ્ટા દ્રોણાચાર્યે કેમ કરી હશે? પંખીને  આકાશ મળ્યા પછી એની પાંખ જ કાપી નાખવામાં આવે તો શું હાલત થાય? દ્રોણાચાર્ય પાસે ત્રણ કારણો હતાં; પહેલું કારણ એ કે દ્રોણાચાર્યએ અર્જુનને વચન આપ્યું હતું કે હું તને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી બનાવીશ. એકલવ્ય અર્જુનથી આગળ નીકળી જશે એવી ભીતિથી ગુરુએ આ અધર્મ આચર્યો. બીજું કારણ, એકલવ્યએ છળ કર્યું એ હતું. ચોરીછૂપીથી વિદ્યા શીખવી એ એ સમયે અક્ષમ્ય અપરાધ ગણાતો. એ અપરાધનો એ દંડ હતો. ત્રીજું કારણ રાજકીય હતું. એકલવ્યના પિતા હિરણ્યધનુ અને મગધસમ્રાટ જરાસંધ બન્ને ખાસ મિત્રો હતા અને હસ્તિનાપુર અને મગધ વચ્ચે વેર હતું. 
દ્રોણાચાર્યને મનોમન અંગૂઠો માગી લેવાની ખબરદારી, હોશિયારીનું ગુમાન થયું, પણ એકલવ્યને મહેનતથી મેળવેલી વિદ્યાના દાનનું લેશમાત્ર પણ અભિમાન ન થયું કે ન તે જરા પણ વિચલિત થયો. પોતાનું નિશ્ચિત ધ્યેય સાધીને જ જંપશે એવા દૃઢ નિશ્ચય સાથે તે વતન સિંગારપુર આવ્યો.  
 કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી, મન સ્થિર હોય તેને હિમાલય પણ નડતો નથી. એકલવ્યએ અંગૂઠા વગર તીર ચલાવવાની કળા શીખવાના પ્રયત્ન આદર્યા. કઠોર પરિશ્રમ કરી આખરે સફળતા મેળવી. એવી સફળતા મેળવી કે અંગૂઠા સાથે તીર ચલાવવા કરતાં વધારે સરળતા-સુગમતાથી સર-સંધાન થવા લાગ્યું. આ કળા તેણે નિષાદ, ભીલ, વન્ય સમુદાયને પણ શીખવાડી. એવા પારંગત બનાવ્યા કે દુનિયાઆખી દંગ રહી ગઈ. 
ભીલ લોકો હજારો વર્ષથી માંડીને અત્યાર સુધી કેવળ ચાર આંગળીથી જ તીર ચલાવે છે. અંગૂઠો ગુરુને દાનમાં આપી દીધો છે એવું માનીને તીરને સ્પર્શ સુધ્ધાં થવા નથી દેતા. તીરંદાજીમાં ભીલ સમાજ નિપુણ અને નિષ્ણાત ગણાય છે. 
 સિંગારપુર પાછો આવ્યા બાદ પિતા હિરણ્યધનુએ તેના બલિદાન અને પરાક્રમ બદલ પીઠ  થાબડી. ભીલ સમાજનું ગૌરવ વધારવા બદલ શાબાશી આપી, પણ એકલવ્યને શાબાશી કે વખાણમાં કોઈ રસ નહોતો. મહત્ત્વાકાંક્ષી માણસને માન-અપમાનની કશી કિંમત હોતી નથી, તેમને તેમનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં જ રસ હોય છે. એકલવ્યના મનમાં તો પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ કેમ કરવા એની ગડમથલ ચાલતી હતી અને એમાં તેણે સફળતા મેળવી. 
સિંગારપુર આવ્યા બાદ થોડા સમયમાં જ એકલવ્યએ બીજા એક નિષાદ રાજાની રાજકુમારી  સુનીતા સાથે લગ્ન કર્યાં. તેને એક પુત્ર પણ થયો. નામ રાખ્યું કેતુમાન. કેતુમાનના જન્મ બાદ   પિતા હિરણ્યધનુનું મૃત્યુ થયું. એકલવ્યએ સિંગારપુરની રાજગાદી સંભાળી, એટલું જ નહી, એનો વિકાસ અને વિસ્તાર પણ કર્યો. મોટો થયા બાદ કેતુમાનની ગણના પણ કુશળ  તીરંદાજમાં થવા લાગી. 
એકલવ્યએ બીજું એક વિશેષ કામ એ કર્યું કે મગધના રાજા જરાસંધ, ચેદીના રાજા શિશુપાળ અને હસ્તિનાપુરના દુર્યોધન સાથે ગાઢ મિત્રતા કરી. એકલવ્ય પાસે વિશાળ ભીલસેના હતી અને તીરંદાજીનું કૌશલ્ય હતું. જરાસંધ, શિશુપાળ અને  દુર્યોધન એનો લાભ લેવા માગતા હતા. દુર્યોધને તો તેની ચાલ ચાલવાની શરૂ પણ કરી દીધી. હસ્તિનાપુરના જંગલની કેટલીક  વિરાસતો એકલવ્યને ભેટ પણ ધરી દીધી. આમ એકલવ્યનો અંગૂઠો ભલે કપાયો, પણ તેનું મહત્ત્વ અને વ્યક્તિત્વ ખીલી ઊઠ્યાં. એ અરસામાં એક મહત્ત્વની ઘટના બને છે. વિદર્ભના  રાજા રુકિમની પુત્રી રુક્મિણીનો સ્વયંવર રચાયો હતો. શિશુપાળ રુક્મિણી પર મોહિત હતો,  પરંતુ રુક્મિણી મનોમન કૃષ્ણને વરી ચૂકી હતી. તેણે કૃષ્ણને એક પત્ર લખીને તેનું અપહરણ કરી જવા વિનંતી કરી. કહેવાય છે કે રુક્મિણીનો આ પત્ર જગતનો સૌથી પહેલો પ્રેમપત્ર  હતો. 
  રુક્મિણીના સ્વયંવરમાં શિશુપાળ, જરાસંધ અને એકલવ્ય પણ હાજર હતા. કૃષ્ણએ જ્યારે  રુક્મિણીનું અપહરણ કર્યું ત્યારે તેનો પીછો કરનાર સૌથી પહેલો એકલવ્ય હતો. શિશુપાળ, જરાસંધ અને સાથોસાથ એકલવ્યએ કૃષ્ણને પડકાર્યા. એકલવ્યની શક્તિથી કૃષ્ણ ખુદ અંજાઈ ગયા. એકલવ્ય અર્જુન માટે કેટલો જોખમકારક બની શકે છે એનો અંદાજ કૃષ્ણને આવી ગયો હતો. એ યુદ્ધમાં તો કૃષ્ણ બધાને પરાજિત કરી રુક્મિણીને ઉપાડી ગયા. 
બીજી ઘટના વધારે ભયંકર બની. કૃષ્ણના ઇશારે ભીમે જરાસંધનો વધ કર્યો. પિતાના અને પોતાના ખાસ સંબંધી જરાસંધના વધથી એકલવ્યનું લોહી ઊકળી ઊઠ્યું. વિશાળ સેના લઈને તેણે દ્વારકા પર હુમલો કર્યો. ઘમસાણ યુદ્ધ થયું. એકલવ્યએ જોતજોતામાં યાદવસેનાનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. કૃષ્ણનો પુત્ર સામ્બ મરતાં-મરતાં બચી ગયો. ઘડીભર તો કૃષ્ણ જેવા કૃષ્ણ પણ દિગ્મૂઢ થઈ ગયા અને તેઓ પોતે જ એકલવ્ય સામે આવીને ઊભા રહી ગયા. 
બન્ને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ એવું જામ્યું કે બાકીના બધા લડવાને બદલે બન્નેનો સંગ્રામ જોવામાં પડી ગયા. એકલવ્યએ બધું જોર, જોશ, કૌશલ્ય અજમાવ્યું, પણ આખરે કૃષ્ણ એ કૃષ્ણ! એક મોટા  પથ્થર વડે એકલવ્યને કૃષ્ણએ છૂંદી નાખ્યો. જગતના સર્વશ્રેષ્ઠ તીરંદાજનો અંત એક પથ્થર વડે આવ્યો. એકલવ્યનું મૃત્યુ કૃષ્ણ માટે કેટલું મહત્ત્વનું હતું એનો અંદાજ મહાભારતના દ્રોણપર્વમાં અર્જુન સાથેના સંવાદમાં મળે છે. તે અર્જુનને કહે છે કે ‘પાર્થ, તું હવે નિશ્ચિતપણે લડી શકશે,  કેમ કે મેં તારા કટ્ટર હરીફને ખતમ કરી નાખ્યો છે.’ 
એકલવ્યના મૃત્યુ બાદ કેતુમાને ગાદી સંભાળી. મહાભારતના યુદ્ધમાં કેતુમાન કૌરવપક્ષે લડ્યો હતો અને ૧૪મા દિવસે ભીમના હાથે તેનું મૃત્યુ થયું હતું. 
એકલવ્યએ જ્યાં દ્રોણાચાર્યને પોતાના જમણા હાથનો અંગૂઠો ગુરુદક્ષિણામાં આપ્યો હતો એ સ્થળે, હરિયાણાના ગુડગાંવમાં આજે પણ એકલવ્યના નામનું નાનકડું મંદિર અસ્તિત્વ ધરાવે છે. 
 દ્રોણ દાવ રમ્યા, એકલવ્યએ દૈવત દેખાડ્યું, દ્રોણ માગીને હલકા પડ્યા, એકલવ્ય આપીને ઊંચાઈ પામ્યો. દ્રોણના મનમાં રાજરમત હતી, એકલવ્યના મનમાં ગુરુભક્તિ હતી. 
દ્રોણને દાન આપવાનું અને કૃષ્ણના હાથે મરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કરનારે ઇતિહાસમાં નામ કર્યું, દ્રોણે માન ગુમાવ્યું. 
સમાપન
પોતાની સમજદારી જ મહત્ત્વની છે. બાકી અર્જુન અને દુર્યોધનના ગુરુ તો એક જ હતા. 

12 January, 2022 10:27 PM IST | Mumbai | Pravin Solanki

અન્ય લેખો

દર્દ કે બાઝાર મેં તરક્કી કમા રહા હૂં,પહલે છોટીસી દુકાન થી, અબ શોરૂમ ચલા રહા હૂં!

આજે પાવલી ચલણમાં નથી રહી એમ ખાનદાની પણ ચલણમાં નથી રહી. પાવલી શોધો તો જડેય ખરી, ખાનદાની તો આજે શોધતાંય જડતી નથી. મૂલ્યો ખોવાઈ ગયાં છે, કિંમત બચી છે અને એ પણ બહુ ઓછા લોકો કરી જાણે છે

19 January, 2022 04:07 IST | Mumbai | Pravin Solanki

ઇતિહાસ ગવાહ હૈ કિ જબ ભી નયા સાલ આયા હૈ, સાલભર સે જ્યાદા નહીં ટિક પાયા હૈ!

અલાહાબાદ-પ્રયાગથી લગભગ ૪૦-૪૫ કિલોમીટર દૂર આવેલા સિંગારપુર રાજ્યના  રાજા હિરણ્યધનુનો તે પુત્ર હતો. માતાનું નામ સુલેખા હતું. ગંગા નદીને કિનારે વસેલું  સિંગારપુર મહાભારતના સમયમાં એક સમૃદ્ધ રાજ્ય ગણાતું.

05 January, 2022 12:03 IST | Mumbai | Pravin Solanki

ન ભગવાનને પૂજો, ન મંદિરમાં જાઓ બસ મા-બાપનાં ચરણમાં શીશ ઝુકાવો

અબ્બુ મેરા દિલ, અમ્મી મેરી જાન, બાકી સબ તો સ્વાર્થ કી દુકાન

29 December, 2021 05:07 IST | Mumbai | Pravin Solanki

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK