પ્રેમ, લાગણી, કૅર કરનાર કોઈ હોય એ માણસની જરૂરિયાત છે, દુખનાં રોદણાં સાંભળનાર વ્યક્તિ માણસની દવા છે, દારૂ છે. માણસના મનને પ્રેમ કરતાં દુઃખમાં ભાગ પડાવનાર કે ભાગ પડાવવાનો દેખાડો કરનાર વધુ પસંદ હોય છે

પ્રતીકાત્મક તસવીર
કોઈને કહી દેવાથી દુઃખની અનુભૂતિ દૂર થઈ જાય એવું બનશે જ એમ કોઈ છાતી ઠોકીને કહી શકે નહીં. તમારું દુઃખ સાંભળીને સામેની વ્યક્તિ તમારી નબળાઈ જાણી લઈને એનો ફાયદો ઉઠાવે એમ પણ બની શકે એટલે ગમે તેની સામે રોદણાં રોવાં નહીં.
દરેક માણસ પાસે પોતાનાં દુખડાંની હજારો વાર્તાઓ અને એની પેટાવાર્તાઓ હોય છે. એને જોઈએ છે એ વાતો સાંભળનાર કાન. ભલે એ કાન એ વાતને સાંભળીને બીજા કાનથી કાઢી નાખતો હોય તો પણ, માત્ર સાંભળનાર કોઈ છે એટલા માત્રથી તે સંતુષ્ટ થઈ જાય છે.
માણસના મનને ક્યારેક, પ્રશંસા કરનાર, પ્રેમ કરનાર, લાગણી આપનાર, રક્ષણ આપનાર, મદદ કરનાર કરતાં વધુ વહાલી એ વ્યક્તિ લાગતી હોય જે તેનાં રોદણાં સાંભળે, તેનાં દુખોની, પીડાની કહાનીઓને કાન દે. માણસનું મન સાચો પ્રેમ કરનાર, પ્રશંસા કરનાર કે અન્ય કશા કરતાં વધુ રોદણાં સાંભળનાર તરફ વધુ ઢળી પડતું હોય છે. સુખી માણસના પહેરણની વાર્તા યાદ છેને? એવો કોઈ નહોતો મળતો જે માણસ સુખી હોય. બધા જ દુખી હતા અને જે એક સુખી મળ્યો તેણે પહેરણ જ નહોતું પહેર્યું, તેની પાસે પહેરણ ખરીદવાના પૈસા નહોતા છતાં, પણ તે સુખી હતો.
ઉપનિષદના પેલા રૈકવ ગાડીવાન જેવો માણસ હશે જે ઉઘાડા ડિલે, જમીન પર સૂતો હતો છતાં રાજા કરતાં વધુ સુખી હતો. આ જગતમાં દરેક માણસ પાસે આખી જિંદગી રડી શકાય એટલાં રોદણાં હોય છે. પોતાના દુઃખની એટલી બધી વાર્તાઓ હોય છે જાણે અરેબિયન નાઇટ્સ. પત્ની બેવફા નીકળી એટલે તેને મારી નાખ્યા બાદ બાદશાહ શહેરિયારને સ્ત્રીજાત પર એટલો ગુસ્સો આવ્યો કે એ પછી લગ્ન કરીને સુહાગરાત પછી સવારે રાણીને મારી નાખતો. બાદશાહને આવી રીતે સ્ત્રીહત્યા કરતો અટકાવવાનું બીડું તેના વજીરની બે પુત્રીઓએ ઝડપ્યું અને મોટી દીકરી શહેરજાદીએ સુહાગરાતે બાદશાહને એક વાર્તા સંભળાવી. એ વાર્તામાંથી બીજી વાર્તા નીકળતી હતી. વાર્તા બાદશાહને એટલી ગમે કે બીજી વાર્તા સાંભળવા મળશે એ લાલચે તેણે શહેરજાદીને જીવતી રાખી. આવી રીતે ૧૦૦૦ દિવસ રાણી શહેરજાદીએ વાર્તાઓ કહી અને જીવતી રહી, એટલું જ નહીં, બાદશાહનું હૃદયપરિવર્તન થયું અને બેગમોને મારી નાખવાનું બંધ કર્યું. આવું જ માણસનાં દુખોની વાર્તાનું છે. દરેક માણસ પાસે પોતાનાં દુખડાંની હજારો વાર્તાઓ અને એની પેટાવાર્તાઓ હોય છે. એને જોઈએ છે એ વાતો સાંભળનાર કાન. ભલે એ કાન એ વાતને સાંભળીને બીજા કાનથી કાઢી નાખતો હોય તો પણ, માત્ર સાંભળનાર કોઈ છે એટલા માત્રથી તે સંતુષ્ટ થઈ જાય છે.
માણસ સહાનુભૂતિનો ભૂખ્યો હોય છે. ગમે તેવો જડસુ કે કડક માણસ પણ સહાનુભૂતિ ઝંખતો રહે છે. તેને પણ પોતાની પીડા હોય છે, પોતાના દુઃખનું પોટલું હોય છે અને તે ઇચ્છતો હોય છે કે કોઈ આ પીડાનું પોટલું ખોલીને જુએ કે ઓહ, આ માણસ તો કેટલું દુઃખ ભોગવી ચૂક્યો છે, ભોગવી રહ્યો છે. તે ઇચ્છતો હોય કે કોઈ તેને કહે કે આટલી પીડા તો તું જ સહન કરી શકે, બીજાનું ગજું નહીં. તે ઇચ્છતો હોય કે તેની વાત સાંભળીને કોઈ તેની દયા ખાય. તેનાં સારાંનરસાં કૃત્યોને જસ્ટિફાય કરે. તેણે જે કશું કર્યું એ બધું આ પીડાને લીધે કર્યું છે એવું કહે એટલે તેની ગંગામાં ડૂબકી લાગી જાય, પાપ ધોવાઈ જાય. તેનો ભાર ઊતરી જાય. તેનામાં રહેલો અપરાધભાવ દૂર થઈ જાય.
પ્રેમ, લાગણી, કૅર કરનાર કોઈ હોય એ માણસની જરૂરિયાત છે, દુઃખનાં રોદણાં સાંભળનાર વ્યક્તિ માણસની દવા છે, દારૂ છે. માણસના મનને પ્રેમ કરતાં દુઃખમાં ભાગ પડાવનાર કે ભાગ પડાવવાનો દેખાડો કરનાર વધુ પસંદ હોય છે. સમસ્યા અહીં એ પણ છે કે બધાને બોલવું છે, સાંભળવું કોઈને નથી. કવિઓના પૈસા ચવાઈને ચુથ્થો થઈ ગયેલા જોક જેવું છે. દરેકને પોતાના દુઃખનું મહાકાવ્ય સંભળાવવું છે, પણ, કોઈનું ખંડકાવ્ય તો શું, હાઇકુ પણ સાંભળવામાં રસ નથી. પોતાની પીડા, પોતાનું હિજરાયું બધાને પહાડ જેવડું લાગે, પણ પારકાનું દુઃખ સમજવા જેવી દૃષ્ટિ જ નથી હોતી, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે’ એવું નરસૈંયો અમથું જ નથી કહી ગયો. પરાઈ પીડા જાણે એવા તો વીરલા જ હોય, સાંભળે એવા પણ ભાગ્યે જ મળતા હોય એટલે માણસને કયારેક સાચો પ્રેમ કરનાર, લાગણી આપનાર કરતાં દુખડાં સાંભળનાર, કાન ધરનાર વધુ વહાલો લાગતો હોય છે.
ક
વિ દુલા ભાયા કાગે તેમની ‘આવકારો મીઠો આપજે’ કવિતામાં કહ્યું છે કે ‘વાત એની સાંભળીને આડું નવ જોજે, એજી એને માથું રે હલાવી હોંકારો દેજે રે...’ માથું હલાવીને હોંકારો આપવો એટલે તારી વાત હું સાંભળું છું, સમજું છું, અનુભવું છું એવું દર્શાવવું. પ્રેમ કરનાર સતત વાત સાંભળતો કે સાંભળતી રહે એવું હોતું નથી. લગ્નજીવન કે સહજીવનમાં સમસ્યા પણ ત્યાંથી શરૂ થાય છે. સામેનું પાત્ર વાત સાંભળતું નથી, ધ્યાન આપતું નથી, મારા દુઃખને સમજતું નથી એવું લાગવા માંડે પછી સંબંધોમાં શુષ્કતા આવવા માંડે. ઝીણી તિરાડો, જેને વા-તડ કરે છે એ સંબંધોમાં પડવા માંડે. પ્રેમ કરનાર તો ક્યારેક ન ગમતી સાચી વાત પણ કહે. ચિંતાને કારણે ક્યારેક ખિજાય પણ ખરા. સલાહ પણ આપે અને ટોકે પણ. પ્રેમ, લાગણી અનેક આયામી ચીજો છે. એમાં સાંભળવાનો આયામ બહુ નાનો ભાગ રોકે. જયારે માણસના મનને તો સાંભળવાની જરૂર છે, સહાનુભૂતિ દર્શાવનારની જરૂર છે.
સાઇકોલૉજીમાં સાંભળવાની આવશ્યકતાને કનેક્ટ થવાની જરૂર ગણવામાં આવે છે અને માણસને સાંભળવામાં ન આવે તો તે ડિપ્રેશન, તનાવ વગેરેનો શિકાર બની શકે એવું માનવામાં આવે છે. માનસશાસ્ત્ર કહે છે કે કોઈની પાસે પોતાની પીડા વર્ણવવામાં આવે એનાથી માણસ હળવો થઈ જાય છે. તેને એવી ખાતરી થાય છે કે મારી વાતને માનનાર પણ કોઈ છે. વ્યક્તિની વાત જયારે સાંભળવામાં નથી આવતી ત્યારે તેને એવું લાગે છે કે તેનું કોઈ મહત્ત્વ નથી, તેનું કોઈ વજૂદ નથી, તે સાવ એકાકી છે. માણસની વાત જેમ-જેમ વધુ ને વધુ લોકો સાંભળવા માંડે એમ તેના પોતાના આત્મગૌરવમાં વધારો થવા માંડે છે. તેનું આત્મસન્માન વધે છે. તેને લાગવા માંડે છે કે મારું અસ્તિત્વ મહત્ત્વપૂર્ણ છે. મારું જીવન સાર્થક છે. મજાની વાત એ છે કે જે માણસને એવું લાગતું હોય કે કોઈ મારી વાત સાંભળે, તે એવું નથી ઇચ્છતો કે તેને સલાહ મળે. તે તો એટલું જ ઇચ્છતો હોય કે તેની વાત સાંભળવામાં આવે, થોડી સહાનુભૂતિ આપવામાં આવે, બસ. એવું પણ નથી કે કોઈને પોતાની સમસ્યાઓ, દુઃખ વગેરે કહી દેવાથી ફાયદો જ થાય. એમાં નુકસાન થવાની પણ સંભાવના હોય છે. એમાં પહેલું જોખમ એ છે કે જે પીડાદાયક યાદને તમે ભૂલી જાઓ તો બહેતર હોય એ યાદને તમે કોઈને કહીને જીવંત કરો છો. કોઈને કહી દેવાથી દુઃખની અનુભૂતિ દૂર થઈ જાય એવું બનશે જ એમ કોઈ છાતી ઠોકીને કહી શકે નહીં. તમારું દુઃખ સાંભળીને સામેની વ્યક્તિ તમારી નબળાઈ જાણી લઈને એનો ફાયદો ઉઠાવે એમ પણ બની શકે એટલે ગમે તેની સામે રોદણાં રોવાં નહીં.
જે વ્યક્તિ કોઈની વાત સાંભળવા ઇચ્છતો નથી, પોતાની વાત બધા સાંભળે, ધ્યાન દે તેને કન્વર્સેશનલ નાર્સિસિસ્ટ કહેવામાં આવે છે. પોતાની વાતને જ પ્રેમ કરનાર, અન્યને કશું જ નહીં ગણનાર કન્વર્સેશનલ નાર્સિસિસ્ટ છે. આવા માણસ સાથે તમે ગમે એ વાત કરો, તે ગમે તેમ ફેરવીને વાત પોતાના પર લઈ આવશે અને પોતાની જ વાત કરતો રહેશે. તમને આવા કન્વર્સેશનલ નાર્સિસિસ્ટ દરેક જગ્યાએ મળી આવશે, ગણ્યા ગણાય નહીં અને વીણ્યા વિણાય નહીં એટલા. આવા લોકો આપણે જેની વાત કરી રહ્યા હતા એના કરતાં થોડા અલગ હોય છે, તેમને પોતાની જાત સિવાય કશું દેખાતું જ નથી.