આપણા દરેકના જીવનમાં સર્જનાત્મક વિવેચન જરૂરી હોય છે પણ એ વિવેચકોની પસંદગી પણ આપણે કરવાની હોય છે. આપણા જીવન અને નિર્ણયોનું પૂરી તટસ્થતાથી અવલોકન કરી શકે એવા સ્વજનો-મિત્રો-ગુરુજનોની હાજરી આપણા માટે એક વરદાન હોય છે
પ્રતીકાત્મક તસવીર
લેખક ઍલ્બર્ટ હબાર્ડનું એક પ્રખ્યાત સુવાક્ય છે, ‘ટીકાથી બચવાનો એક જ રસ્તો છે. કશું જ ન કરો, કશું જ ન કહો, કશું જ ન બનો.’ જે ક્ષણે આપણે કશુંક નોંધપાત્ર કરવાની શરૂઆત કરીએ છીએ એ જ ક્ષણથી આપણી આસપાસ વિવેચનનાં બીજ રોપાવા લાગે છે. જેમ-જેમ આપણે પ્રગતિ કરતા જઈએ છીએ તેમ-તેમ વિવેચકો પણ વૃદ્ધિ પામતા જાય છે. આપણી સફળતા તેમને અંકુરિત કરે છે અને ધીમે-ધીમે તેઓ પરિપક્વ, સજ્જ અને રૅશનલિસ્ટ ટીકાકાર તરીકે વિકાસ પામતા જાય છે. કેટલાક લોકો ‘ફુલટાઇમ ક્રિટિક્સ’ હોય છે તો કેટલાક પાર્ટટાઇમ. કેટલાક તકવાદી ક્રિટિક હોય છે તો કેટલાક સમર્પિત. કેટલાક સંતાઈને હુમલો કરે છે તો કેટલાક સોશ્યલ મીડિયા જેવાં પ્લૅટફૉર્મ પર જાહેરમાં. કેટલાક પોતાના સિદ્ધાંતોને કારણે ટીકા કરે છે તો કેટલાક શોખને કારણે. ટીકા કરવી એ કોઈ માટે નૈતિક જવાબદારી છે તો કોઈ માટે ટાઇમપાસ કે મોજ. કોઈ તમારું મહત્ત્વ ઘટાડવા માટે ટીકા કરે છે તો કોઈ પોતાનું મહત્ત્વ વધારવા માટે. દરેક પાસે ટીકા કરવાનાં કારણો છે. ટીકાને જસ્ટિફાય કરવાના ખુલાસા છે અને દરેક ટીકાકાર પોતાની રીતે સાચા હોય છે.
વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં આપણા પ્રગતિપથ પર જ્યારે ચોતરફ ટીકાકારો ફેલાયેલા હોય ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે કોની વાત ધ્યાનથી સાંભળવી? કઈ ટીકાને ગંભીરતાથી લેવી? ટીકા કે વિવેચન આપણું ઘડતર કરે છે, આપણને સ્વસુધારની તક આપે છે એ વાત જેટલી સાચી છે એટલી જ સાચી એ વાત પણ છે કે આપણા વિશે થતી મોટા ભાગની ટીકા પાછળ ઈર્ષા કે અસલામતી રહેલી હોય છે. લાગણીને લેબલ કરવામાં નિષ્ફળ જતા લોકો પોતાની ઈર્ષા, અસલામતી કે અદેખાઈને ટીકાનું સ્વરૂપ આપી દેતા હોય છે. એવામાં કોની ટીકા ભરોસાપાત્ર ગણવી? કેમ ખબર પડે કે આ વિવેચન આપણા ઉદ્ધાર માટે છે કે આપણને હતોત્સાહ કરવા માટે?
ADVERTISEMENT
અંગ્રેજીમાં એક સુવિચાર છે, ‘જેમની પાસેથી તમે ક્યારેય સલાહ ન માગતા હો, તેમની ટીકાને ક્યારેય ગંભીરતાથી ન લેવી.’ આમ તો ટીકાકારોને ફિલ્ટર કરવા માટે આ એક જ વાક્ય પૂરતું છે. પણ થોડા સમય પહેલાં અમેરિકન પ્રોફેસર અને લેખિકા બ્રેને બ્રાઉનનો એક અદ્ભુત આર્ટિકલ મારા હાથમાં આવ્યો. એ લેખમાં તેમણે ‘સોશ્યલ અપ્રૂવલ’ વિશે લખ્યું છે. ઇન્ટરનેટ કે જાહેર જીવનમાં સામાજિક સ્વીકાર મેળવવા માટે આપણે કેટલા બધા ધમપછાડા કરતા હોઈએ છીએ એ વાત તેમણે ઉજાગર કરી છે. આપણે કરેલા દરેક કામ માટે જ્યાં સુધી લોકોની પ્રશંસા, વાહવાહી કે સ્વીકાર મેળવવાની ઘેલછા રહ્યા કરશે ત્યાં સુધી આપણા પર વિવેચકોનો પ્રભાવ અને પકડ બની રહેશે. કોઈના પણ દ્વારા થયેલી ટીકા સૌથી વધારે એને જ અસર કરી શકે છે જેને સામાજિક સ્વીકાર મેળવવાની ઝંખના છે. જેને પ્રશંસા કે સ્વીકારનો મોહ નથી તેને ટીકાની પણ પરવા નથી. પરંતુ આપણા પર થનારા વિવેચન વિશે સદંતર બેપરવા થઈ જવું પણ શક્ય નથી. રાધર, યોગ્ય નથી. ક્રિટિસિઝમ જરૂરી હોય છે. એ આપણને ફીડબૅક આપે છે. આપણી ભૂલો સુધારી લેવાનો ચાન્સ આપે છે. આપણા દરેકના જીવનમાં સર્જનાત્મક વિવેચન જરૂરી હોય છે, પણ એ વિવેચકોની પસંદગી આપણે કરવાની હોય છે.
આપણા જીવતરના વિવેચકો પસંદ કરવા માટેની એક સુંદર રીત એટલે 1 x 1 ઇન્ડેક્સ કાર્ડ ટ્રિક. પોતાના પુસ્તક ‘ડેર ટુ લીડ’માં ડૉ. બ્રાઉને વિવેચકો પસંદ કરવાની આ પ્રૅક્ટિકલ પદ્ધતિ આપી છે. એ પ્રમાણે 1 x 1 ઇંચ સાઇઝનો એક કાગળ કે પૂંઠાનો ટુકડો લો. એ કાગળનું કદ ફક્ત એક ઇંચ સ્ક્વેર જ હોવું જોઈએ. હવે કાગળના એ નાનકડા ટુકડા પર એ તમામ લોકોનાં નામ લખી નાખો જેમની પાસેથી તમને ફીડબૅક, સૂચનો કે આલોચના સાંભળવા ગમશે. એ નાનકડા ટુકડા પર બહુ ઓછાં નામ સમાશે. બસ, એટલા લોકો તમારી ‘સ્ક્વેર સ્ક્વૉડ’ છે. એટલે કે વાસ્તવિક વિવેચકોની પૅનલ, એ પૅનલમાં પપ્પા હોય કે હાઈ સ્કૂલના કોઈ શિક્ષક, કોઈ શુભેચ્છક હોય કે મિત્ર, ગુરુ હોય કે કોચ; પણ એ ચોકઠામાં રહેલી દરેક વ્યક્તિની ટીકાને ગંભીરતાથી લેવાની. એના પર વિચાર કરવાનો. જીવનના દરેક નિર્ણય, પ્રવૃત્તિ કે કાર્ય પર સામેથી તેમનું વિવેચન માગવાનું અને આત્મનિરીક્ષણ કરવાનું. પણ પછી સૌથી રાહતની વાત એ છે કે એ ચોકઠાની બહાર રહેલા લોકો આપણા માટે ગૌણ બની જાય છે.
આપણા જીવન અને નિર્ણયોનું પૂરી તટસ્થતાથી અવલોકન કરી શકે એવા સ્વજનો-મિત્રો-ગુરુજનોની હાજરી આપણા માટે એક વરદાન હોય છે. કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ આપણને જમીન પર રાખે છે. આપણા લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રાખે છે. પ્રશંસા ક્યારેક ઘાતક નીવડી શકે છે પણ વિશ્વસનીય વિવેચન હંમેશાં પોષક હોય છે. જો સતત આગળ વધતા રહેવું હોય તો આપણી સ્ક્વેર સ્ક્વૉડને સાથે રાખવી. તેમનાં સૂચનો ધ્યાનથી સાંભળતાં રહેવાં. આ એ લોકો છે જેમની ટીકામાં પણ પ્રેમ રહેલો હોય છે. એ સ્વીકારતા રહેવો અને ચોકઠાની બહાર રહેલા વિવેચકો માટે ફક્ત કરુણા રાખવી, ગંભીરતા નહીં.

