° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


આજે તમે તમારા માટે કેટલું જીવ્યા?

12 June, 2022 08:19 AM IST | Mumbai
Kana Bantwa

મી ટાઇમ સિવાયનું અન્ય કોઈ પણ કામ માણસ પોતાના આનંદ માટે નથી કરતો, આનંદ ખરીદવા માટે પૈસા મળી રહે એ માટે કરે છે. ખરેખર તો તે ત્યારે આનંદ વેચી રહ્યો હોય છે, એનો સોદો કરી રહ્યો હોય છે

પ્રતીકાત્મક તસવીર Come On જિંદગી!

પ્રતીકાત્મક તસવીર

એવી ઘણી બાબતો હશે જે તમારા અંતરમાંથી આનંદની છોળો ઉડાવશે. એ સમયે તમે તમારા માટે જીવતા હશો. કોઈ માણસને ગાતાં કે વગાડતાં ન આવડતું હોય, પણ તેને સંગીત સાંભળવાનો શોખ હોય. તેને સંગીત ભાવસમાધિમાં ડુબાડી શકે. તેના માટે એ સમય પોતાના માટેનો સમય છે. તમારા માંહ્યલાને મરકલડું કરાવી દે એવી બાબતો પર ધ્યાન આપો

પોતાની માતાના પેટે જન્મેલો કાળા માથાનો માનવી હંમેશાં પોતાના સ્વાર્થ માટે જ બધું કરે છે એવું પત્રકાર શિરોમણિ હસમુખ ગાંધી વારંવાર લખતા. માણસ સતત પોતાના જ સ્વાર્થ માટે રત રહે છે. એક દૃષ્ટિએ જોઈએ તો વાત સત્ય જણાય છે. માણસ જે કશું કરે છે એમાં તેનો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વાર્થ જ હોય છે. કોઈ સેવાભાવી નિ:સ્વાર્થ સેવા કરતો હોય, એ સેવાનો ક્યાંય ઢંઢેરો ન પીટતો હોય, કોઈ આર્થિક કે સામાજિક અપેક્ષા વગર, કોઈ ઇનામ-અકરામ, માન-સન્માનની એષણા વગર સેવા કરતો હોય તો પણ તેને સ્વર્ગની લાલસા હોય, સ્વર્ગની ન હોય તો મોક્ષની ઇચ્છા હોય અથવા ઈશ્વરના દરબારમાં જઈને જવાબ આપી શકાશે એવી મહેચ્છા હોય. આવો કોઈ સ્વાર્થ ન હોય એવી જે પણ વ્યક્તિ હશે એ વ્યક્તિ સાક્ષાત્ ઈશ્વર હશે. માણસને ભૌતિક કે પારલૌકિક સ્વાર્થ હોય એ સર્વથા ખોટું પણ નથી. સામાન્ય માનવી, જે આ જગતમાં ઝઝૂમતાં- ઝઝૂમતાં જીવે છે તે સંપૂર્ણ સ્વાર્થરહિત જીવી શકે એ મુશ્કેલ છે. જોકે આપણો મુદ્દો સ્વાર્થરહિત જિંદગી જીવવા અંગેનો નથી. વાત સાવ જ ઊલટી કરવી છે. માણસ પોતાના સ્વાર્થ માટે જે કામ કરે છે એ ઊડીને આંખે વળગતું હોવા છતાં એક પ્રશ્ન પૂછવો છે. તમે આજે તમારા માટે કેટલો સમય જીવ્યા? તમારા પોતાના માટે, કોઈ અન્યના માટે નહીં. જેને મી ટાઇમ કહેવામાં આવે છે એ તમે પોતાને કેટલો આપો છો?

કામની વચ્ચેથી ફુરસદ
આખો દિવસ તમે ભાગદોડ કરો છો. સવારથી વ્યવસાય-નોકરીમાં વ્યસ્ત થઈ જાઓ, સાંજ પડે ત્યાં પરિવાર રાહ જોતો હોય તેને સમય આપવો અનિવાર્ય હોય. વચ્ચે સંબંધીઓ અને સ્વજનો-સગાંઓને સાચવી લેવાનાં. મહિલા જો નોકરી કે વ્યવસાય ન કરતી હોય તો પણ સવારે ઊઠે ત્યારથી બાળકો માટે, પતિ માટે નાસ્તાથી માંડીને ટિફિન અને કપડાં સુધીની વ્યવસ્થામાં વ્યસ્ત હોય. બાળકો, પતિ વિદાય થાય ત્યાં પરિવારના અન્ય સભ્યોને સાચવવાનું કામ તૈયાર જ હોય. બપોર પછી ઘરનાં અન્ય કામ પતાવવાનાં અને સાંજ પડે ત્યાં તો પરિવારની કાળજી માટેનાં કામ તૈયાર જ હોય. યુવાનો મિત્રોમાં વ્યસ્ત હોય. આખા દિવસમાં માણસ બૉસ માટે, સહકર્મચારી માટે, મિત્રો માટે, સ્નેહીઓ માટે, સ્વજનો માટે કંઈક ને કંઈક કરતો જ રહે છે. વ્યવસાય કરવો, ઘર ચલાવવું એ બધું પણ એક રીતે તો અન્ય માટે જ છે. તમે ઘરમાં વસાવેલી ચીજો માટે પણ કેટલો સમય આપો છો? સુવિધા માટેની એ ચીજો તમારી માલિક બની જાય છે અને તમે એની ગુલામી કર્યા કરો છો. વ્યવસાયમાંથી નવરાશ મળે તો પરિવાર, પરિવારમાંથી ફુરસદ મળે તો મિત્રો, સ્નેહીઓ, સ્વજનો અને એમાંથી જો અવકાશ મળે તો ઘર, ઘરનાં કામ, બિલ પેમેન્ટ વગેરે. એમાંથી નવરા પડો, જો પડો તો ચીજવસ્તુઓ... તમને પકડી રાખનારાઓની સંખ્યા અનંત છે. વિચારો, તમે સાવ એકલા જ છો. તમારી આજુબાજુ સ્વજનો, મિત્રો, પાડોશીઓ નથી તો તમે કમાવા માટે,પદ-પ્રતિષ્ઠા માટે આટલી મહેનત કરતા હોત? આ કશું જ ન હોય, આ બધાની બાદબાકી થઈ જાય પછી તમે જે કરો એ શુદ્ધ તમારા માટે હોય. તમારી વાસ્તવિક જરૂરિયાત એટલી હોય. પછી તમે એ જ અને એટલું જ કરો જે તમને આનંદ આપે, જે તમને શાંતિ આપે, જે તમને સંતોષ આપે. એટલે પ્રશ્ન એ પૂછવો છે કે આજે તમે તમારા માટે કેટલું જીવ્યા ?

અંદરથી ખુશી મળે એવી પળો
પોતાના માટે જીવવાનો મતલબ શું? એવી પળો જે તમને અંદરથી ખુશ કરે, જે તમારા ચિત્તને આનંદની અનુભૂતિથી ભરી દે, જે તમારા કાળજાને ટાઢક આપે, જે તમને ફીલગુડ કરાવે. જીવન કેવું વિચિત્ર છે. માણસ સતત આનંદ, મનોરંજન, શાંતિની પળો શોધતો રહે અને તેના પ્રયત્નો આ પળોની વિરુદ્ધના જ હોય. માણસ પોતાનો વ્યવસાય કે નોકરી કે અન્ય કોઈ પણ કામ પોતાના આનંદ માટે નથી કરતો, આનંદ ખરીદવા માટે પૈસા મળી રહે એ માટે કરે છે. ખરેખર તો તે ત્યારે આનંદ વેચી રહ્યો હોય છે; આનંદનો, શાંતિનો સોદો કરી રહ્યો હોય છે. પોતાના માટે જીવવાનો સમય ખરેખર કોની પાસે હોય છે? સમય હોય તો પણ પોતાના માટે કોણ જીવે છે? નિવૃત્ત થઈ ગયેલા કેટલા લોકો પોતાના નિજાનંદ માટે જીવતા હોય છે? વડીલો પ્રત્યે સન્માન સાથે કહેવું પડે કે બહુ ઓછા, જૂજ, લગભગ નહીં જેટલા જ નિવૃત્ત લોકો નિજાનંદ માટે, પોતાના માટે જીવે છે. તેમને તો સમય ક્યાં કાઢવો, કેમ કરીને પસાર કરવો એની ચિંતા હોય છે અને છતાં એમાંના મોટા ભાગના પોતાના માટે જીવી શકતા નથી એ વિટંબણા છે.

વીતેલા વીકનું સરવૈયું
હકીકતમાં માણસ પોતાના માટે જીવતાં જ ભૂલી ગયો છે. તેને એ રસ્તો જ ભુલાઈ ગયો છે. તમે જરા શાંતિથી તમારા આખા દિવસ વિશે, વીતેલા અઠવાડિયા વિશે વિચારી જોજો. તમે કેટલો સમય તમારા પોતાના માટે જીવ્યા એ પળોની યાદી બનાવી જોજો. એવું નથી કે એવી પળો નહીં હોય. હશે, રોજેરોજ હશે; પણ એની સંખ્યા અને ટકાવારી બહુ ઓછી હશે. જે પળોએ તમે પોતાની જ સાથે રહ્યા હો એવી ક્ષણો પણ ઓછી જ હશે. તમને આનંદ આવે, તમે પોતાની જાતની સાથે હો, તમને તમારું સાન્નિધ્ય હોય, નિજાનંદમાં મગ્ન થઈ શકો એવી કઈ-કઈ બાબતો છે એની પણ યાદી બનાવો. તમારા શોખ ઉપરાંત જે બાબત તમારામાં ઇનબિલ્ટ હશે, જેને આપણે ઈશ્વરદત્ત કહીએ છીએ એ કૌશલ્ય તમારી જાત સાથે તમારું સાયુજ્ય સાધી અપાશે. કોઈને સંગીતની કુદરતી બક્ષિસ હોય; કોઈ સરસ લખી શકતા હોય; કોઈ નૃત્ય, ગાયન, વાણી, ગણિત કે કોઈ પણ કલામાં પ્રવીણ હોય એ તેનું સાચું કોર છે. કોઈ પણ કળા કે જન્મજાત ભેટ તરીકે જે કંઈ લઈને માણસ આવ્યો હોય એ તેને આનંદ, સંતોષ, શાંતિ આપી શકશે; કારણ કે એમાંથી આવતો આનંદ અંદરથી આવશે. 

કળાનો છોડ કરમાવો ન જોઈએ
તમે જન્મથી જે લઈને આવો છો એ કામ માટે જ તમે ધરતી પર આવો છો અને અહીં અવતર્યા પછી અલગ જ રવાડે ચડી જવું પડે એવી સિસ્ટમમાં ભરાઈ પડો છો. પ્રકૃતિ, કુદરત કે ઈશ્વર કે જગતનું સંચાલન કરતી પરમ શક્તિ; જેને કોઈ પણ નામથી ઓળખતા હો તેણે તમને જે આપીને મોકલ્યા છે એ કામ તમને સહજ હોય છે, એ અનાયાસ હોય છે. એ કામ જ કરવા મળે એવા નસીબદાર તો અમુક જૂજ જ હોય છે. એટલે તમારે તમને મળેલી કળા પ્રમાણેનું જ કામ કરવું એવી સલાહ આપવી મૂર્ખાઈ ગણાય, પણ તમારી એ બક્ષિસને જીવતી રહે એટલો સમય તો આપો. એ છોડવો સુકાઈ ન જાય એટલા પૂરતું એને ક્યારેક બે પવાલા પાણી તો પાતા રહો. એના માટે તમે જેટલો સમય કાઢશો એ તમારા માટેનો સમય હશે. આ ઉપરાંત એવી ઘણી બાબતો હશે જે તમારા અંતરમાંથી આનંદની છોળો ઉડાવશે. એ સમયે તમે તમારા માટે જીવતા હશો. કોઈ માણસને ગાતાં કે વગાડતાં ન આવડતું હોય, પણ તેને સંગીત સાંભળવાનો શોખ હોય. તેને સંગીત ભાવસમાધિમાં ડુબાડી શકે. તેના માટે એ સમય પોતાના માટેનો સમય છે. તમારા માંહ્યલાને મરકલડું કરાવી દે એવી બાબતો પર ધ્યાન આપો. એને સમય આપો, પોતાને સમય આપો, પોતાના માટે જીવો; કારણ કે અંતે તો એ જ તમને સાથ આપશે.

 

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

12 June, 2022 08:19 AM IST | Mumbai | Kana Bantwa

અન્ય લેખો

ઈશ્વર ઉર્ફે બ્રહ્મ પુરુષ છે કે સ્ત્રી?

સંસ્કૃતમાં બ્રહ્મ શબ્દ પુરુષવાચક નથી, નાન્યતર છે. નિરાકાર બ્રહ્મ તો કશું જ ન હોય, મહાશૂન્ય હોય : અર્ધનારીશ્વર સ્વરૂપે શિવ સ્ત્રી અને પુરુષનું સંતુલન સાધતાં શીખવે છે

14 August, 2022 07:13 IST | Mumbai | Kana Bantwa

સ્ત્રીઓ આટલું બધું બોલતી શા માટે હોય છે?

પુરુષો વ્યવસાય વિશે કામ કઈ રીતે કરવું, આયોજન કેવું કરવું એ બાબતે વાત કરતા હોય છે; સ્ત્રીઓ લાગણી, ભાવ, સંબંધો, માણસો વિશે વધુ બોલતી હોય છે

07 August, 2022 06:16 IST | Mumbai | Kana Bantwa

પોતાના માટે સારાં કામ પણ કેમ કરી શકતા નથી?

લાંબા ગાળે થનારા મોટા ફાયદા કરતાં ટૂંકા ગાળે થનારા નાના ફાયદાને પસંદ કરવાની વૃત્તિ પ્રેઝન્ટ બાયસ કહેવામાં આવે છે

31 July, 2022 06:55 IST | Mumbai | Kana Bantwa

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK